'મહિલાને ઊંઘમાં ઍટેક આવ્યો હશે અને સેક્સ માટે સંમતિ આપી હશે', બળાત્કારનો વિચિત્ર કેસ

જેડ
ઇમેજ કૅપ્શન, જેડ મેક્ક્રોસેન-નેધરકોટ પર બળાત્કારનો કેસ ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (CPS)એ પડતો મૂક્યો
    • લેેખક, એમ્મા એઇલ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

જેડ મેક્ક્રોસેન-નેધરકોટ પર બળાત્કારનો કેસ ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ (CPS)એ પડતો મૂક્યો, કેમ કે એવો દાવો થયો કે તેમને ભાગ્યે જ જોવા મળતી ઊંઘની બીમારી એટલે કે "સેક્સોમનિયા" જોવા મળી હતી. તેના કારણે CPSને લાગ્યું કે આ કેસમાં અપરાધ સાબિત કરી શકાશે નહીં. જોકે કેસ આ રીતે પડતા મૂકવાના નિર્ણયને જેડે પડકાર્યો હતો.

આખરે CPS દ્વારા હવે સ્વીકાર થયો છે કે આ કેસ ના ચલાવવાનો તેનો નિર્ણય ખોટો હતો અને જેડની બિનશરતી માફી માગી છે.

ખરેખર આ કિસ્સામાં શું ખોટું થયું? બીબીસીએ જેડના સમગ્ર કિસ્સા પર પ્રથમથી છેક સુધીના ઘટનાક્રમ સુધી નજર રાખી હતી.

2017ના વસંત ઋતુના એક રવિવારની સાંજે જેડ જાગ્યાં ત્યારે તેમણે જોયું કે પોતે અર્ધનગ્નાવસ્થામાં છે. દક્ષિણ લંડનના એક ઘરમાં સોફા પર તેઓ પડેલાં હતાં અને તેનો ગળાનો હાર પણ તૂટીને નીચે વેરાયેલો હતો.

24 વર્ષનાં જેડ મૂળ કોર્નેલના સેન્ટ ઇવ્ઝનાં વતની છે. જાગીને તેમને લાગ્યું કે તેમની સાથે સંભોગ થયેલો છે અને પોતે ઊંઘમાં હતાં ત્યારે જ તેમના પર બળાત્કાર થઈ ગયો છે.

જેડ પર બળાત્કાર બદલ એક માણસ પર આરોપ મુકાયો હતો અને તેની તપાસ પણ થઈ હતી. તપાસ ત્રણેક વર્ષ ચાલી અને હવે આ મુકદ્દમો અદાલતમાં ચાલે તેની તૈયારી હતી ત્યારે જ ઘટનાક્રમે જુદો વળાંક લીધો. CPSના વકીલોએ તેમને પોલીસ સ્ટેશને અરજન્ટ મિટિંગ માટે બોલાવ્યાં.

જેડને જણાવવામાં આવ્યું કે તેમનો કેસ પડતો મૂકવામાં આવી રહ્યો છે. CPSના વકીલોએ ફોડ પાડ્યો કે ઊંઘની બાબતોના બે નિષ્ણાતોએ આ કેસમાં તેમના અભિપ્રાય આપ્યા છે. તેમના અભિપ્રાય અનુસાર એવું બની શકે છે કે જેડને સેક્સોમનિયાનો ઍટેક આવ્યો હોય અને તેમણે સંભોગ માટે સહમતી પણ આપી હોય અને સમાગમ દરમિયાન તેઓ કદાચ જાગતાં પણ હશે.

સેક્સોમનિયા એ તબિબી રીતે સ્વીકાર્ય એવી ઊંઘની બીમારી છે. આવી બીમારી હોય ત્યારે વ્યક્તિ ઊંઘમાં હોય ત્યારે પણ સમાગમમાં રત થઈ જતાં હોય છે.

ઇંગ્લૅન્ડ અને વેલ્સના કાયદા અનુસાર જો વ્યક્તિ ઊંઘમાં હોય અને તેમની સાથે સેક્સ થાય તો તેમાં તેમની સહમતી ના હોય તેમ માની લેવામાં આવે છે. જોકે કાયદામાં એવું પણ જણાવાયું છે કે જો આવા કિસ્સામાં "વાજબી કારણસોર" એવું લાગતું હોય કે સહમતીથી સમાગમ થયો હશે તો પછી વ્યક્તિને દોષી ગણી શકાય નહીં.

આ પ્રસંગ બન્યો તે પહેલાં જેડને ક્યારેય સેક્સોમનિયાનો અનુભવ થયો નહોતો. તેઓ કહે છે, "અચાનક આવી વાત આવી પડી અને બહુ મૂંઝવણમાં મૂકી દે તેવી હતી."

"13 વર્ષ દરમિયાન મારે બે જણ સાથે લાંબા સમયગાળાના સંબંધો રહ્યા હતા. એ દરમિયાન ક્યારેય મારી સાથે આવું બન્યું નહોતું."

CPS દ્વારા નિર્ણય લઈ લેવાયો કે કેસ બંધ કરી દેવો, તેનો અર્થ એ થયો કે આરોપી સત્તાવાર રીતે નિર્દોષ છૂટી શકે.

જેડને તેમની ઊંઘની બાબતમાં તેઓ પ્રથમવાર પોલીસ સ્ટેશને નિવેદન આપવા ગયાં ત્યારે પૂછવામાં આવ્યું હતું.

પોલીસ અફસરે તેમને પ્રશ્ન પૂછ્યો હતો તેમના જવાબમાં જેડે કહેલું કે પોતાને હંમેશાં ગાઢ નીંદર આવે છે અને તેઓ કિશોરી હતાં ત્યારે કેટલીક વાર ઊંઘમાં ચાલી હોય તેવું બન્યું હતું.

તેમણે સહજ રીતે જ આવો જવાબ આપ્યો હતો અને આવા બળાત્કારના કેસમાં મુશ્કેલ પ્રક્રિયા હોય તે દરમિયાન આવું નિવેદન આપ્યાની વાત તેઓ ભૂલી પણ ગયાં હતાં. તેમનો કેસ પડતો મૂકવામાં આવ્યો ત્યારે જ જેડને યાદ આવ્યું કે તેમણે આવું કંઈક કહી દીધું હતું.

line

મુકદ્દમો ચાલ્યો નહીં

ન્યાય

આ કિસ્સામાં જેડે સૌ પ્રથમ પોતાની બેસ્ટ ફ્રેન્ડ બેલને ફોન કર્યો હતો અને બેલે 999 નંબર પર પોલીસને જાણ કરી પછી આખી કાર્યવાહી શરૂ થઈ હતી.

બેલને આજેય યાદ છે કે ફોન પર પર વાત કરતી વખતે જેડનો અવાજ કેવો હતો. તેઓ કહે છે, "ક્યારેય મેં આવી રીતે તેને સાંભળી નહોતી. તે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી અને ચીસો પાડીને કહી રહી હતી કે 'લાગે છે મારા પર બળાત્કાર થઈ ગયો છે.' તમારી બેસ્ટ ફ્રેન્ડ તમને આવી વાત કરે ત્યારે તમે પણ ધ્રૂજી ઊઠો."

આગલી રાત્રે જેડ અને બેલ બંને દક્ષિણ લંડનના એક બારમાં ગયાં હતાં. બંને સાથે જ હતાં, તૈયાર થયાં, મેકઅપ કરતી વખતે જ વ્હાઇટ વાઇનની ચૂસકીઓ લગાવી હતી અને પછી હાથમાં હાથ પરોવીને નીકળ્યાં હતાં.

બંનેએ બારમાં ખૂબ મજા કરી, ડ્રિંક કર્યું અને ખૂબ વાતો કરી. બાર બંધ થયો એટલે ઘરે જવા બેલે ટૅક્સી બોલાવી. જેડે કહ્યું કે પોતે હજી એક છેલ્લો પેગ પીવા માટે બીજા લોકો સાથે એક મિત્રને ત્યાં જવા માગે છે.

તે મિત્રના ઘરે રાતના બે વાગ્યા સુધી તેઓ લોકો જાગતાં હતાં અને વાતો કરતાં રહ્યાં હતાં. તે પછી એક ખૂણામાં પડેલા સોફા પર પહેરેલાં વસ્ત્રો સાથે જ બ્લૅન્કેટ ઓઢીને સૂઈ ગયાં અને થોડી જ વારમાં ગાઢ નીંદરમાં સરી ગયાં.

જેડ કહે છે કે પાંચ વાગ્યે તેઓ જાગ્યાં ત્યારે તેમણે જોયું કે તેનાં પૅન્ટ અને ટ્રાઉઝર કાઢી નાખેલાં હતાં અને બ્રા પણ વિખરાયેલી હતી. પોતે જે સોફા પર પડી હતી ત્યાં તેમણે એક માણસને પણ જોયો.

"મેં તેને સીધું જ પૂછ્યું કે, 'શું થયું? તે શું કરી નાખ્યું?' મને લાગે છે કે તેણે કંઈક વિચિત્ર જ વાત કરી અને કહ્યું કે 'મને લાગ્યું કે તું જાગે છે.'

"તે પછી એ ઊભો થઈને જતો જ રહ્યો અને દરવાજો ખુલ્લો છોડી ગયો. મેં મારો ફોન કાઢ્યો અને બેલને ફોન લગાવ્યો…"

બંનેએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું અને પોલીસ આવી પછી જેડને પ્રથમ ફોરેન્સિક ટેસ્ટ્સ માટે લઈ જવામાં આવ્યાં, તેમના ગુપ્તાંગ પરથી વીર્યના અંશો મળ્યા હતા અને બાદમાં સોફામાં તેની સાથે પડેલા પુરુષના વીર્યના નમૂના સાથે તે મળતા હતા.

પોલીસે આ શંકાસ્પદ માણસની પૂછપરછ કરી ત્યારે શરૂઆતમાં તેમણે ખાસ કંઈ કહ્યું નહોતું. CPS તરફથી તેમની સામે બળાત્કારનો ગુનો નોંધવાનું નક્કી કરાયું હતું. તે પછી તેમની સામે મુકદ્દમાની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી.

પણ એ મુકદ્દમો ચાલ્યો જ નહીં.

જેડે હવે નિશ્ચય કર્યો હતો કે પોતાનો કેસ પડતો મૂકવાનો CPSનો નિર્ણય ખોટો હતો, પણ તેમની પાસે આ સાબિત કરવા અને અપીલ કરવા માટે બહુ ઓછો સમય હતો.

જેડે માગણી કરી કે બધા જ પુરાવાઓ તેમને આપવામાં આવે - પોલીસે કરેલી પૂછપરછ, ટોક્સિકોલૉજીના રિઝલ્ટ, સાક્ષીઓનાં નિવેદનો અને ઊંઘના નિષ્ણાતોના રિપોર્ટ. આ બધાનો તેમણે ઝીણવટથી અભ્યાસ કર્યો.

અહેવાલમાં જે લખાયું હતું તે વાંચીને તેમને આધાત લાગ્યો - ખાસ કરીને ઊંઘના નિષ્ણાતો દ્વારા દર્શાવેયાલી થિયરી પર ભાર મુકાયો હતો તે નવાઈજનક હતું.

પોતે એકાદવાર ઊંઘમાં ચાલી હશે એવી વાત કરી તેના કારણે બળાત્કારના આખા કેસને પલટાવી નાખવામાં આવે તે વાત સાંભળીને જેડે આ બાબતમાં વળતી લડત આપવાનું નક્કી કર્યું. ન્યાય માટે કોઈ સ્ત્રીએ આ રીતે લડત આપી હોય તેનો આ બહુ નોંધપાત્ર કિસ્સો બની રહ્યો અને ત્રણ વર્ષ દરમિયાન તેમની કહાણીને કૅમેરામાં કંડારાતાં રહ્યાં. જોકે તેઓ ખરેખર સફળ થશે ખરાં?

line

સેક્સોમનિયા એપિસોડની કલ્પના

સાઉથ લંડન જતા પહેલા જેડ અને બેલે સૅલ્ફી લીધી હતી

ઇમેજ સ્રોત, Jade McCrossen-Nethercott

ઇમેજ કૅપ્શન, સાઉથ લંડન જતાં પહેલાં જેડ અને બેલે સૅલ્ફી લીધી હતી

ઊંઘના નિષ્ણાતો ક્યારેય જેડને રૂબરૂમાં મળ્યા નહોતા, પરંતુ તેમના અભિપ્રાયને મહત્ત્વનો ગણીને કેસ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.

બચાવપક્ષ તરફથી રોકવામાં આવેલા પ્રથમ નિષ્ણાતે એવું તારણ કાઢેલું કે જેડને સેક્સોમનિયાનો ઍટૅક આવ્યો હશે "એવી પાકી શક્યતા" છે. તેમણે વધુમાં લખ્યું હતું કે "તેનું વર્તન એવું હશે કે તે સમાગમમાં સક્રિય રીતે હિસ્સેદાર બની રહી હોય અને આનંદની અભિવ્યક્તિ પણ કરી રહી હોય".

આ પછી CPS તરફથી પોતાના એક અલગ નિષ્ણાતને રોકવામાં આવ્યો હતો. આ નિષ્ણાતે પણ જણાવ્યું કે "ઊંઘમાં ચાલવાનો કિસ્સો બનેલો હોય, 16 વર્ષની ઉંમરે એક વાર પણ બનેલો હોય તો પણ અને ઊંઘમાં ચાલવાની ટેવ હોય કે કુટુંબમાં આવી ટેવ કોઈને હોય ત્યારે સેક્સોમનિયા હોવાની શક્યતા હોવાની વાત સાબિત કરવા માટે તે પૂરતું છે".

જેડ આ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. તેઓ કહે છે, "મને સમજાતું નથી કે માત્ર એક જ વાર આ રીતે [સેક્સોમનિયા] કેવી રીતે થઈ જાય, અને તે પણ એવી વ્યક્તિ સાથે જેની સાથે અગાઉ મેં ક્યારેય સહમતીથી સેક્સ ના કર્યો હોય અને તેની સાથે જ આવું થઈ જાય."

જેડ હવે પોતાની રીતે પણ એક્સપર્ટ ઑપિનિયન લેવાનું નક્કી કર્યું અને લંડન સ્લીપ સેન્ટરના ડૉ. ઇર્શાદ ઇબ્રાહિમનો સંપર્ક કર્યો. આ ડૉક્ટરને બળાત્કારના કેસમાં એક્સપર્ટ ઑપિનિયન આપવાનો અનુભવ પણ હતો.

તેમણે પ્રથમ વાર એવું જોયું કે ભોગ બનેલી સ્ત્રીને સેક્સોમનિયા હોવાનું કહી દેવામાં આવ્યું હોય. તેમણે જેટલા પણ બળાત્કારના કેસ જોયા હતા, તેમાં આરોપી જ હંમેશાં સેક્સોમનિયાનો દાવો કરતો હોય છે. બીબીસીએ પણ પોતાની રીતે આ વિષયમાં વ્યાપક સંશોધન કર્યું હતું અને યુકેમાં એવો કોઈ કેસ ના મળ્યો, જેમાં બચાવપક્ષે એવો દાવો કર્યો હોય કે ફરિયાદીને સેક્સોમનિયા હતો.

ડૉ. ઇબ્રાહિમે જણાવ્યું કે સેક્સોમનિયા બાબતમાં બહુ ઓછું વૈજ્ઞાનિક સંશોધન થયું છે અને કોઈ સ્પષ્ટ રીત નથી જેનાથી સેક્સોમનિયાનું નિદાન થઈ શકે. તેમણે એમ પણ કહ્યું કે મોટા ભાગે આવી બીમારી પુરુષને હોય છે અને પુરુષો ઊંઘમાં જ જાતીય રીતે સક્રિય થઈ જતા હોય છે.

ત્યાર બાદ જેડનો સ્લીપ ટેસ્ટ પણ કરવામાં આવ્યો - બ્રેઇનવેવ્ઝ, શ્વાસોચ્છવાસ અને ઊંઘ દરમિયાન હલનચલન માપવા માટે પોલિસોમ્નોગ્રાફી કરવામાં આવી હતી.

પરીક્ષણમાં ખ્યાલ આવ્યો કે તેઓ ઊંઘમાં હોય ત્યારે નસકોરાં બોલાવે છે અને તેમને ઊંઘમાં શ્વાસ અચાનક અટકી જાય અને પછી ચાલુ થાય તેની મુશ્કેલી હતી. ડૉ. ઇબ્રાહિમના જણાવ્યા અનુસાર આ બંને સ્થિતિમાં સેક્સોમનિયાની સ્થિતિ થવાની સંભાવના ખરી, પરંતુ તેના કિસ્સામાં ક્યારેક જ આવું થતું હશે.

જેડે કહ્યું કે તમે વધારે સ્પષ્ટ તારણ આપો કે જે કંઈ થયું તેના માટે સેક્સોમનિયાને જ જવાબદાર ગણાવી શકાય કે કેમ.

ડૉ. ઇબ્રાહિમે જવાબમાં કહેલું કે "એ બહુ અઘરો સવાલ છે".

"આ બાબતમાં ના જવાબદાર ગણી શકાય કે ના જવાબદાર ના ગણી શકાય તેવો જવાબ આપવો શક્ય નથી."

જેડને હજી પણ લાગતું હતું કે પોતાને સેક્સોમનિયા નથી - પણ ઊંઘના નિષ્ણાતો આ બાબતને નકારતા નહોતા તેનાથી તેમની હતાશા વધી રહી હતી.

line

દોષીને છોડાવવાનો કારસો

ન્યાય

જેડે હવે વકીલને મળીને જાણવાની કોશિશ કરી કરે બીમારીની બાબતને બચાવ તરીકે રજૂ કરવામાં આવે ત્યારે અદાલત તેને કેવી રીતે લે છે.

બૅરિસ્ટર એલિસન સમર્સે એક આવા કેસમાં બચાવ કર્યો હતો, જેમાં આરોપી પુરુષે પોતાને સેક્સોમનિયા હોવાનો દાવો કર્યો હતો.

વકીલે પણ જેડને જણાવ્યું કે ઊંઘના નિષ્ણાતો ક્યારેય સ્પષ્ટપણે નહીં કહી શકે કે કોઈને આ બીમારી છે - પણ હંમેશાં કહેશે કે "એવી શક્યતા ખરી" અને તેના આધારે જ્યુરી કોઈના પણ માટે ગુનેગાર નથી તેવો ચુકાદો આપવાનું શક્ય બને છે.

"શું તેના કારણે કેટલાક દોષિત ખરેખર છૂટી જાય ખરા? હા, એવું બને. પણ હું ફરી એ મુદ્દા પર આવી કે આપણે ખરેખર કોઈ દોષી ના હોય ત્યારે તે લોકોને આપણે દોષી પણ ઠરાવી રહ્યા હોઈશું."

"હું એટલું જ કહી શકું કે ફોજદારી મુકદ્દમો ચાલે ત્યારે ખરેખર કોઈ જેન્યુઇન કેસ હોય તેને ઓછા જેન્યુઇન કેસથી અલગ કરવામાં આના કારણે સફળતા મળતી હશે."

CPSની માર્ગદર્શિકા પણ દર્શાવે છે કે સેક્સોમનિયા કે ઊંઘમાં ચાલવાની ટેવે બચાવમાં લાવવામાં આવે ત્યારે તેની સામે કોર્ટમાં મજબૂતાઇથી રજૂઆતો કરવી જોઈએ.

પણ અહીં જેડના કેસને તો મુકદ્દમા માટે મૂકવામાં પણ ના આવ્યો. સમગ્ર રીતે સંશોધન કરીને અને વિગતો તૈયાર કરીને જેડે અપીલ કરી, જેને ભોગ બનેલા લોકોના રિવ્યૂ માટેના અધિકાર તરીકે ઓળખવામાં આવે છે.

CPS વિભાગથી સ્વતંત્ર રીતે કામ કરનારા અને મૂળભૂત રીતે આ કેસને પડતો મૂકવાનો નિર્ણય કરનારા ચીફ ક્રાઉન પ્રૉસિક્યૂટરે તેની સામે મૂકવામાં આવેલા પુરાવાને નવેસરથી ચકાસ્યા.

તેનું તારણ એ આવ્યું કે આ કેસને મુકદ્દમા માટે અદાલતમાં મૂકવાની જરૂર હતી. તેમણે જણાવ્યું કે ઉંઘના નિષ્ણાતોના અભિપ્રાયો અને બચાવપક્ષે રજૂ કરેલી બાબતોને અદાલતમાં પડકારવાની જરૂર હતી.

તેમનું કહેવું હતું કે આ કિસ્સામાં આરોપીને જ્યુરી દોષિત ગણે તેવી શક્યતા વધારે હતી. જો આવી શક્યતા હોય ત્યારે CPSની ફરજ બનતી હોય છે કે તે મુકદ્દમો માંડે.

તેમણે જેડને લખીને જણાવ્યું હતું કે "તમે કેવી સ્થિતિમાંથી પસાર થયા હશો તેની કલ્પના પણ નથી કરી શકતો અને મારી રિવ્યૂમાં મેં નોંધ લીધી છે કે તમારા પર કેવી ભારે વીતી હશે આ કેસને કારણે."

"હું ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસ તરફથી માફી માગું છું અને જાણું છું કે તેનાથી તેમને ખાસ કંઈ આશ્વાસન મળવાનું નથી."

line

સુરક્ષા માટેની સિસ્ટમે જ દગો દીધો

ન્યાય

પોતાના કેસને જ્યુરી સામે મૂકવાની જરૂર હતી એવો અભિપ્રાય આખરે મળ્યો, પણ જેડ માટે તેનાથી કંઈ હાંસલ થાય તેમ નહોતું. આ કેસ CPS ફરીથી ખોલી શકે તેમ નહોતું.

આરોપીને સત્તાવાર રીતે નિર્દોષ જાહેર કરી દેવાયો હતો એટલે નક્કર કોઈ નવા પુરાવા ના મળે ત્યાં સુધી નવેસરથી તેની સામે કેસ કરી શકાય નહીં.

જેડ કહે છે, "મારી સાથે જે કંઈ થયું તેનો ન્યાય મળવાની કોઈ આશા નથી." પણ તે આશા વ્યક્ત કરે છે કે કમસે કમ CPS આમાંથી બોધપાઠ લે અને બીજા કોઈને આવી રીતનો ભોગ ના બનવું પડે.

જેડ કહે છે, "સુરક્ષા માટેની સિસ્ટમ જ તમને દગો દઈ તે તેવી આ વાત છે - અને પાછા સ્વીકારે પણ છે કે તેમણે બહુ મોટી ભૂલ કરેલી."

સપ્ટેમ્બર 2021 સુધીમાં તે વર્ષના બળાત્કારના કેસોમાંથી માત્ર 1.3% કેસમાં પોલીસે પ્રૉસિક્યૂટ કરવા સુધી પહોંચી હોય તેવા ગૃહવિભાગના આંકડા છે.

CPS કહે છે કે તે લોકો "બળાત્કાર જેવા ગંભીર અપરાધોની બાબતમાં દરેક રીતે સુધારા કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને પોલીસ સાથે મળીને આવા કેસ વધારે કેવી રીતે સારી સંભાળવા તે માટે કામ કરી રહ્યા છે."

જેડે હવે પોતાને થયેલી નુકસાની બદલ CPS સામે દાવો માંડ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન