ભારતીયો સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કેમ કરે છે?

સંયુક્ત પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

નવલકથાકાર વી એસ નાયપૉલ કહે છે કે, "ભારતીય પરિવાર એ વંશ હતો જેણે લોકોને સલામતી અને ઓળખ આપી તથા ખાલીપામાંથી બચાવ્યા."

અનેક વિદ્વાનો માને છે કે આર્થિક વૃધ્ધિ, શહેરીકરણ, શિક્ષણ અને સાંસ્કૃતિક પરિવર્તનની સાથે-સાથે ભારતની દંતકથા સમાન સંયુક્ત પરિવારની પરંપરા ધીમેધીમે વિખેરાઈ જશે. જોકે તાજેતરના સંશોધન પ્રમાણે આ પરંપરામાં ખાસ બદલાવ નથી આવ્યો.

વસતીશાસ્ત્રી (ડેમોગ્રાફર) અને કૉર્નેલ યુનિવર્સિટી ખાતે વિઝિટિંગ ફૅલો ઇટેન બ્રૅટૉન દ્વારા ભારતમાં આધુનિકીકરણ અને પારિવારિક પરિવર્તન વચ્ચેના સંબંધ મુદ્દે સંશોધન કરાયું.

તેમના સંશોધન પ્રમાણે એ માન્યતાને ખોટી ઠેરવાઈ છે કે ભારતમાં સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં વિભક્ત પરિવાર (ન્યૂક્લિયર ફૅમિલી)માં સાધારણ વધારો જ થયો છે.

20મી સદીના પ્રારંભથી ભારતમાં પરિવારના સરેરાશ કદમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાના કોઈ પુરાવા નથી.

લગ્ન સાર્વત્રિક છે, છૂટાછેડાનો દર નીચો છે, અને લગ્ન ન કરવા અથવા બાળકો ન હોવાને કારણે વયસ્કો એકલા રહેતા હોય એ પણ ઓછું જોવા મળે છે. વસતિવિષયક સ્થિતિ જોઈએ તો સંયુક્ત પરિવારોની પરિસ્થિતિ મજબૂત છે.

ડૉ. બ્રૅટૉને મને જણાવ્યું, "ભારત પારિવારિક પરિવર્તનને નોંધપાત્ર રીતે પડકારી રહ્યું છે." તેમણે તાજેતરમાં પરિણીત પુત્રો સાથે રહેતા માબાપ અંગે સંશોધન કર્યું છે.

ભારતમાં પરિણિત મહિલા પોતે ક્યારેય ઘર-પરિવારના વિભાજનની પહેલ નથી કરતી, જોકે વિભાજન માટેના પતિના નિર્ણય માટે પત્ની કારણભૂત હોઈ શકે છે.

ભારતમાં પરંપરાગત રીતે એવું જોવા મળ્યું છે કે પિતાના અવસાન પહેલાં પુત્રો પોતાનું ઘર વસાવે ત્યારે વિભક્ત પરિવાર સ્થપાય છે.

માબાપમાંથી કોઈ એક (સામાન્ય રીતે પિતા)નું અવસાન થાય પછી પુત્રો અલગ રહેવા હોવા છતાં જીવિત માતા કે પિતાની દેખરેખ રાખે છે.

નૅશનલ સૅમ્પલ સર્વે (NSS) વિકાસશીલ દેશોમાં સૌથી જૂનો વસતિવિષયક સર્વે છે, જે દર્શાવે છે કે 65 અને તેનાથી વધુની ઉંમરના 50 ટકા લોકોનું દાંપત્ય હાલમાં અખંડ છે અને આશરે 45 ટકા દંપતિ વૈધવ્ય ભોગવે છે, જેમાં મોટા ભાગની મહિલા છે.

આશરે 80 ટકા વયોવૃધ્ધ વિધવાઓ અને વિધુરો તેમનાં સંતાનો સાથે રહે છે, પણ માત્ર 40 ટકા વૃધ્ધ દંપત્તિઓ જ સંતાનો વગર અથવા તેમનાં અપરિણિત સંતાનો સાથે રહે છે. આ આંકમાં છેલ્લાં 25 વર્ષમાં માત્ર છ ટકાનો જ વધારો થયો છે, જે ઘણો ઓછો વધારો કહેવાય.

સંયુક્ત પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. બ્રૅટૉન કહે છે, "ભારતમાં વિભક્ત પરિવારોમાં સાધારણ વધારો થયો છે તેનો આ શ્રેષ્ઠ પુરાવો છે."

યુવાનો મોટી સંખ્યામાં પોતાનાં માબાપ સાથે રહેવાનું પસંદ કરે છે તેનું એક મોટું કારણ આયુષ્યમાં વધારો છે. 30 વર્ષીય પુત્ર માતા કે પિતા બેમાંથી એક સાથે રહેતો હોય તેનું પ્રમાણ 1980ની સરખામણીમાં હાલમાં ઊંચું છે.

શહેરીકરણની ધીમી ગતિ તેનું બીજું એક કારણ છે. ભારતમાં આશરે 35 ટકા લોકો શહેરોમાં રહે છે, જયારે ચીનમાં આ પ્રમાણ 60 ટકા છે. કેટલાક સંશોધકોના મતે ભારતની વસતિગણતરીમાં અનેક શહેરી વિસ્તારોને ગ્રામીણ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જો આ સાચું હોય તો પણ ડેટા પરથી એવું ફલિત નથી થતું કે શહેરોમાં ગામડાંઓ કરતાં વધુ વિભક્ત પરિવારો છે.

કિંગ્સ કૉલેજ, લંડનના સમાજવિજ્ઞાની ઍલિસ ઇવાન્સ લૈંગિક સમાનતા પર એક પુસ્તકનું સંશોધન કરી રહ્યા છે.

તેઓ માને છે કે ભારતીયો હજુ પણ સંયુક્ત પરિવારોમાં રહે છે તેનું કારણ એ છે કે મજબૂત પારિવારિક બંધન પારિવારિક બિઝનેસને પ્રોત્સાહન આપે છે અને મહિલોમાં નીચી રોજગારી રહે છે, જે પારિવારિક સંબંધોને મજબૂત બનાવે છે.

વળી, ઘર ખર્ચને કારણે પણ એકલા રહેવું આર્થિક રીતે મુશ્કેલ બને છે.

સંયુક્ત પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત પરિવારની બાબતમાં ભારતીય પરિવારો અપવાદરૂપ નથી. ડૉ. ઇવાન્સ કહે છે કે 19મી સદીમાં લગભગ તમામ ચાઇનીઝ, જાપાનીઝ, કોરિયન અને તાઇવાનીઝ પરિવારો ભારતની જેમ જ ભેગા રહેતા હતા. સ્વતંત્ર જીવન અપવાદ હતું.

ડૉ. ઇવાન્સે મને જણાવ્યું, "પૂર્વ એશિયન પરિવારોમાં ભારતની જેમ જ મજબૂત પારિવારિક બંધન હતું. પણ 20મી સદી આવતાં બિન-પારિવારિક રોજગાર, ગ્રામીણ-શહેરી સ્થળાંતર અને મહિલાઓમાં રોજગાર જેવા કારણોસર તેઓ પણ વિભક્ત બની ગયા."

સંતાનો હજુ પણ તેમનાં માબાપને સહયોગ આપે છે, પણ સાથે રહીને નહીં, આર્થિક સહાય કરીને. પરિવારો વિભક્ત બની રહ્યા છે તેનું એક મુખ્ય કારણ મહિલાઓમાં રોજગાર પણ છે.

જોકે, પૂર્વ એશિયામાં મોટો વિરોધાભાસ છે. ગઈ સદીમાં જાપાન, કોરિયા, તાઇવાન અને ચીનમાં લોકો મોટી સંખ્યામાં નોકરી પર જતા હતા.

યુવાં દંપતી બમણી આવકને કારણે આર્થિક સ્વતંત્રતા ઇચ્છતાં હતાં.

ડૉ. ઇવાન્સ કહે છે, "દક્ષિણ કોરિયાએ મોટી કંપનીઓમાં ભારે રોકાણ કર્યું હતું. દંપતી સાથે મળીને ફેક્ટરી ફ્લોરમાં કામ કરતાં હતાં, ડૉરમીટરીઝમાં રહેતાં હતાં અને પોતાના અધિકારો માટે લડતાં હતાં. આમ તેમણે પોતાનો વિશિષ્ટ વર્ગ ઊભો કર્યો."

મહિલાઓ આર્થિક રીતે પગભર થયાં અને ઓછા સંતાનોને કારણે તેમના માટે નોકરી કરવી સરળ થઈ.

દાદી અને દોહિત્રી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. ઇવાન્સ માને છે કે દક્ષિણ એશિયાના દેશોના અભ્યાસમાં વિરોધાભાસી તારણ સામે આવ્યું છે.

તેઓ કહે છે, "આ દેશોમાં મહિલાઓ તકોના અભાવે રોજગારથી વંચિત રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ નોકરી ન કરીને મોભો મેળવે છે. આ ઘટના ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભિક તબક્કામાં પશ્ચિમ યુરોપ સાથે સમાનતા ધરાવે છે. અને જો ગ્રામીણ મહિલાને કામ કરવું હોય તો પણ કૃષિના યાંત્રિકીકરણને કારણે તકો ઘટી ગઈ છે."

મહિલાઓમાં નીચી રોજગારી યુવાં દંપતીની આર્થિક સ્વતંત્રતા પર બ્રેક મારે છે. ડૉ. ઇવાન્સ કહે છે, "જો મહિલાઓ નોકરી કરવા ન જાય તો તેઓ પરિવાર સાથે વધુ મજબૂતાઈથી જકડાઈ રહે છે. "

નિશ્ચિતપણે, જીડીપીને જોતાં આ બાબતમાં ભારત અસામાન્ય નથી.

મધ્યમ અને ઓછી આવક ઘરાવતા અનેક દેશોમાં મોટો પરિવાર સામાન્ય બાબત છે. સ્ટીવન રગલ્સ અને મિસ્ટી હૅગેનેઝે 15 વિકાસશીલ દેશોના સેન્સસ ડેટાના કરેલા અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું હતું કે એકત્ર રહેતા પરિવારની પેઢીમાં સામાન્યતઃ કોઈ ઘટાડો નોંધાયો નથી.

તેમ છતાં, આ તારણો ઊભરતા છતાં જટિલ એવા ભારતીય પરિવારની કહાનીને સંપુર્ણ રીતે રજૂ નથી કરતા.

ભારતીય પરિવારો પર ઘણું લખી ચૂકેલાં સમાજશાસ્ત્રી તુલસી પટેલ કહે છે, ભારતીય વિભક્ત પરિવારની વ્યાખ્યા કરવી ઘણી વાર મુશ્કેલ બની જાય છે.

ડૉ. પટેલે મને જણાવ્યું કે, "માબાપ વૃધ્ધાવસ્થામાં આવે ત્યારે પોતાના પૌત્રપૌત્રીઓને સાથ આપવા અને સંતાનો પોતાની દેખરેખ રાખે તે માટે એક પુત્રના ઘરેથી બીજા પુત્રના ઘરે જતાં હોય છે. જ્યારે સંતાનો વિદેશ જતા રહે ત્યારે તેઓ પુત્રીઓને અને તેમનાં સંતાનો (દોહિત્રો)ને ત્યાં રહેવા જતાં રહે છે. વારંવાર બદલાતા આવા સંયુક્ત પરિવારને તમે કઈ કૅટેગરીમાં મૂકશો?"

પ્રચલિત ખ્યાલથી વિપરીત એક બાબત અલગ તરી આવે છે કે ભારતમાં ધનિકોની સરખામણીમાં ગરીબોમાં વિભક્ત પરિવારમાં રહેવાનું પ્રમાણ ઊંચું છે.

સંયુક્ત પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ.બ્રૅટોને 21મી સદીના પ્રારંભથી 30થી 40ની વયના પરિણિત યુવાનો પર કરેલા સંશોધનમાં એવું તારણ નીકળ્યું કે શિક્ષિત અને પગારદાર કર્મચારીઓની સરખામણીમાં અશિક્ષિત ખેડૂતોમાં વિભક્ત પરિવારમાં રહેવાનું પ્રમાણ ઊંચું છે.

ગરીબોમાં વિભક્ત પરિવાર સ્થાપવાની સંભાવના વધુ છે કારણ કે તેઓ ઓછી મર્યાદાઓનો સામનો કરે છે.

માબાપ પાસે સંતાનને જોડે રાખવા મિલકત હોતી નથી, ગરીબ પરિવારો નાના મકાન ખરીદી શકે છે અને પારિવારિક ખેતી અથવા નાના વેપારધંધામાંથી ક્રમશઃ ઘટતી જતી આવકને કારણે સંયુક્ત પરિવારમાં રહેવા કરતાં અલગ રહેવાનું મુનાસબ માને છે.

ડૉ. બ્રૅટોન કહે છે, "અશિક્ષિત શ્રમિકોમાં વૃધ્ધાવસ્થામાં વિભક્ત પરિવારમાં રહેવાનું ચલણ જોવા મળે છે અને ખેડૂતોમાં આ ચલણમાં નોંધપાત્ર વધારો થયો છે.".

તેઓ કહે છે, "આ તારણ સૂચવે છે કે ભારતમાં વિભક્ત પરિવારમાં રહેવા પાછળનું મજબૂત ચાલક બળ આધુનિક ભદ્ર સમાજનો ઉદય નહીં, પણ આધુનિકીકરણની દોડમાં પાછળ રહી ગયેલા વંચિત અને શોષિત વર્ગની ગરીબાઈ અથવા આવકમાં સ્થિરતા છે."

ચોક્કસપણે કહી શકાય કે ભારતીય પરિવારો નિષ્ક્રિય નથી અને સતત બદલાઈ રહ્યા છે.

મહિલાઓ ક્રમશઃ સત્તા મેળવી રહ્યાં છે અને ઍરેન્જ્ડ મૅરેજ દ્વારા પતિની પસંદગી કરી રહ્યાં છે. આર્થિક રીતે સ્વનિર્ભર વૃધ્ધ માબાપોમાં અલગ રહેવાનું પ્રમાણ વધી રહ્યું છે.

ડૉ. બ્રૅટોન કહે છે કે સંતાનોની સંખ્યામાં ઘટાડો થવાથી (એક સંતાન અથવા કોઈ સંતાન નહીં) વસતિના માળખામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે.

સંશોધકો કહે છે, "હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઘડપણમાં ટેકા માટે અને સાથે રહેવા માટે માબાપ તેમની પરિણિત પુત્રીઓ તરફ વળે છે કે કેમ."

અતમાં, ડૉ. બ્રૅટોન કહે છે કે, "ભારતીય પરિવારોમાં શિક્ષીત ભદ્ર વર્ગ નહીં પણ ગરીબો વાસ્તવિક પરિવર્તન લાવી રહ્યા છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો