કાળઝાળ ગરમી અને વધતાં તાપમાનથી કસુવાવડનું જોખમ બમણું થવાનો અંદેશો

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, તુલિપ મઝમુદાર
    • પદ, ગ્લૉબલ હૅલ્થ સંવાદદાતા

દેશમાં થયેલા એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સખત ગરમીમાં કામ કરવાથી સગર્ભા સ્ત્રીઓમાં મૃત બાળકના જન્મનું અને કસુવાવડનું જોખમ બમણું થઈ શકે છે.

સગર્ભા સ્ત્રીઓ માટેનું આવું જોખમ અગાઉ ધાર્યા કરતાં નોંધપાત્ર રીતે વધારે હોવાનું પણ અભ્યાસમાં જાણવા મળ્યું છે.

સંશોધકો કહે છે કે ઉનાળાની સખત ગરમી માત્ર ઉષ્ણકટિબંધીય આબોહવામાં રહેતી મહિલાઓને જ નહીં, પરંતુ યુરોપીય દેશોની મહિલાઓને પણ અસર કરી શકે છે.

ગરમીમાં કામ કરતી સગર્ભા સ્ત્રીઓને વૈશ્વિક સ્તરે ચોક્કસ આરોગ્ય સલાહ આપવામાં આવે તેવું તેઓ ઇચ્છે છે.

દક્ષિણ ભારતના તામિલનાડુમાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 800 સગર્ભા સ્ત્રીઓને આવરી લેવામાં આવી હતી. આ અભ્યાસ ચેન્નાઈમાં શ્રી રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (SRIHER) દ્વારા 2017થી શરૂ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસમાં સહભાગી બનેલી મહિલાઓ પૈકીની અડધોઅડધ ખેતી, ઈંટના ભઠ્ઠા અને મીઠાનાં અગર જ્યાં ગરમીનું પ્રમાણ ભારે હોય તેવાં સ્થળોએ કામ કરતી હતી. બાકીની મહિલાઓ શાળાઓ અને હૉસ્પિટલો જેવા પ્રમાણમાં ઠંડા વાતાવરણમાં કામ કરતી હતી. જોકે, એ પૈકીની કેટલીક મહિલાઓએ પણ નોકરી દરમિયાન ખૂબ ઊંચા સ્તરની ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

માનવશરીર માટે ગરમીના ક્યા સ્તરને અત્યંત ગરમ માનવામાં આવે છે, તેનો કોઈ સાર્વત્રિક માપદંડ નથી.

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ
ઇમેજ કૅપ્શન, રેખા શાનમુગમ શેરડીનાં ખેતરોમાં અતિશય ગરમીમાં કામ કરે છે

આ અભ્યાસમાં યોગદાન આપનાર વિજ્ઞાનીઓ પૈકીના એક એવા પ્રોફેસર જેન હર્સ્ટ કહે છે, “ગરમીની અસર તમે અને તમારું શરીર જેનાથી ટેવાયેલું હોય તેના સંદર્ભમાં હોય છે.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તિરુવન્નામલાઈનાં લીલાછમ્મ ખેતરોમાં મારી મુલાકાત સુમતિ સાથે થઈ હતી. તેઓ આ અભ્યાસમાં સહભાગી બનેલાં સગર્ભા મહિલાઓ પૈકીનાં એક હતાં.

તેમણે તેમના હાથ પરથી જાડા મોજાં કાઢ્યાં હતાં અને આંગળીઓ સ્ટ્રેચ કરી હતી. તેઓ છેલ્લા બે કલાકથી ખેતરમાં કાકડી ચૂંટી રહ્યાં હતાં.

પોતાની આંગળીઓને ધીમેધીમે પસવારતાં તેમણે મને કહ્યું, “આ ગરમીમાં મારા હાથ બળે છે.”

ઉનાળો હજુ શરૂ થયો નથી, પરંતુ એ દિવસે ત્યાં લગભગ 30 ડિગ્રી તાપમાન હતું અને ભેજ સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.

સુમતિએ તેમના હાથને કાકડી પરના નાના કાંટાથી સતત બચાવવાના હોય છે, પરંતુ જાડાં મોજાં પહેરવાથી તેમના હાથમાં પુષ્કળ પરસેવો થાય છે.

તેમણે કહ્યું, “મારા ચહેરા પર પણ બળતરા થાય છે.”

સુમતિ એક શાળામાં રસોઇ બનાવવાનું કામ કરે છે અને ત્યાં જતા પહેલાં અને એ કામ પૂર્ણ કર્યા બાદ તેઓ કાકડીના ખેતરમાં કામ માટે આવે છે. આટલી મહેનત માટે તેમને લગભગ 200 રૂપિયા ચૂકવવામાં આવે છે.

સુમતિ સૌપ્રથમ ભરતી કરવામાં આવેલાં કર્મચારીઓ પૈકીના એક હતાં અને તેમનું બાળક પણ અભ્યાસ દરમિયાન પ્રથમ મૃત્યુ પામનાર બાળકો પૈકીનું એક હતું.

સુમતિએ કહ્યું, “હું ગર્ભવતી હતી અને ગરમીમાં કામ કરતી હતી એટલે ખૂબ થાકી જતી હતી.”

એક દિવસ બપોરે તેઓ તેમના પતિને જમવાનું આપવા ગયાં ત્યારે અચાનક અસ્વસ્થતા અનુભવવા લાગ્યાં હતાં. એ સાંજે તેઓ ડૉક્ટરને મળવા ગયાં હતાં. ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાનાં 12 સપ્તાહ પછી તેમની કસુવાવડ થઈ ગઈ છે.

સુમતિએ કહ્યું, “મારા પતિ મને તેમને ખોળામાં સુવડાવતા હતા અને સાંત્વના આપતા હતા. તેમના વિના મારું શું થયું હોત તેની કલ્પના હું કરી શકતી નથી.”

સુમતિ તેમના પતિ વિશે ખૂબ જ પ્રેમથી વાત કરે છે, પરંતુ તેમણે તેમના વિના જીવવું શીખવું પડ્યું છે. તેમના પતિનું તાજેતરમાં અવસાન થયું હતું અને હવે પરિવારના ભરણપોષણની જવાબદારી માત્ર તેમના પર છે.

ગર્ભાવસ્થા દરમિયાન સખત ગરમીમાં કામ કરવાને કારણે પોતે પ્રથમ બાળક ગુમાવ્યું હતું કે કેમ, એ સુમતિ ક્યારેય જાણી શકશે નહીં. પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ સુમતિ જેવી જ પરિસ્થિતિમાં કામ કરતી હતી, તેમનામાં ઠંડા વાતાવરણમાં કામ કરતી સગર્ભા સ્ત્રીઓની સરખામણીએ મૃત બાળકના જન્મ અથવા કસુવાવડનો ભોગ બનવાની શક્યતા બમણી હોય છે.

તમને આ વાંચવું પણ ગમશે

સમગ્ર વિશ્વમાં મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ
ઇમેજ કૅપ્શન, સંધ્યા જેવા કામદારો ભારતના અસંગઠિત ક્ષેત્રની કરોડરજ્જુ છે

પ્રસૂતિશાસ્ત્ર નિષ્ણાત અને મેડિકલ સંશોધન સંસ્થા ધ જ્યૉર્જ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્લૉબલ વિમેન્સ હૅલ્થનાં પ્રોફેસર જેન હર્સ્ટના કહેવા મુજબ, ભારતમાં હાથ ધરાયેલા અભ્યાસમાં સહભાગી સગર્ભા સ્ત્રીઓ “આબોહવા પરિવર્તનનો અનુભવ કરવામાં ખરેખર મોખરે છે.”

ઔદ્યોગિકીકરણ પૂર્વેના સમયગાળાની સરખામણીએ સદીના અંત સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપી છે કે “આ આપણા બધાનાં અસ્તિત્વ પરનો ખતરો છે અને સગર્ભા મહિલાઓએ તેના કેટલાંક ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે.”

અગાઉના અભ્યાસોમાં હિટવેવ્ઝ દરમિયાન અકાળ જન્મ અને મૃત્યુનાં જોખમમાં લગભગ 15 ટકા વધારો દર્શાવ્યો હતો, પરંતુ તે અભ્યાસો મુખ્યત્વે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં હાથ ધરવામાં આવ્યા હતા.

પ્રોફેસર હર્સ્ટના કહેવા મુજબ, ભારતમાંના તાજેતરના અભ્યાસનાં તારણો ખાસ કરીને ગંભીર તથા ચિંતાજનક છે અને તેની વ્યાપક અસરો છે.

તેઓ કહે છે, “બ્રિટનમાં ઉનાળો વધુ ગરમ થઈ રહ્યો છે, જ્યારે ભારતમાં તે એટલો ગરમ નથી ત્યારે ગર્ભાવસ્થા પર તેની પ્રતિકૂળ અસરો બ્રિટન જેવા સમશીતોષ્ણ આબોહવા ધરાવતા દેશોમાં ખૂબ નીચા તાપમાન પર જોઈ શકાય છે.”

અલબત, તેઓ ઉમેરે છે, આ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જોખમ બમણું હોવા છતાં બાળક ગુમાવવું એ હજુ પણ “મોટાભાગની સ્ત્રીઓ માટે દુર્લભ ઘટના બની રહેશે.”

ગરમીમાં કામ કરતી સગર્ભા સ્ત્રીઓ માટે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સલાહ ઉપલબ્ધ નથી.

ગરમ હવામાનમાં કામ કરવા સંબંધી મુખ્ય માર્ગદર્શક નિર્દેશો 1960 અને 1970ના દાયકામાં અમેરિકન સૈન્યમાં કામ કરતા 70-75 કિલો વજન ધરાવતા અને 20 ટકા બૉડી ફેટ ધરાવતા લોકોના અભ્યાસ પર આધારિત છે.

પ્રોફેસર હર્સ્ટને આશા છે કે આ અભ્યાસનાં તારણોથી તેમાં બદલાવ આવશે. ત્યાં સુધીમાં ગરમીમાં કામ કરતી સગર્ભા સ્ત્રીઓએ પોતાનું રક્ષણ જાતે કરવાનું રહેશે.

તમને આ વાંચવું પણ ગમશે

ગરમીમાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવું

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ
ઇમેજ કૅપ્શન, થિલાઈ ભાસ્કર

ગરમીના દિવસોમાં બહાર કામ કરવાનું હોય તો નિયમિત રીતે વિરામ લેવો જોઈએ. દિવસના સૌથી ગરમ ભાગમાં લાંબા સમય સુધી કસરત કરવાનું અથવા તડકામાં રહેવાનું કામ કરવાનું ટાળવું જોઈએ.

પાણી પીતા રહીને શરીરને સતત હાઇડ્રેટેડ રાખવું જોઈએ.

ભારતમાં અભ્યાસ માટે સંશોધકોએ વેટ-બલ્બ-ગ્લોબ-ટેમ્પરેચર (WBGT) પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિ વડે માનવ શરીર પર તાપમાન, ભેજ, પવનની ગતિ અને જોરદાર ગરમીની અસર માપવામાં આવે છે.

WBGTના અવલોકનો ઘણીવાર, ટીવી અથવા વેધર ઍપ્લિકેશન પર જોવા મળતી તાપમાનની આગાહી કરતાં ઓછાં હોય છે.

યુએસ ઑક્યુપેશનલ સેફટી ઍન્ડ હૅલ્થ ઍડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, ભારે કામ કરતા લોકો માટેનો હિટ થ્રેશોલ્ડ 27.5 ડિગ્રી સેલ્શિયસ WBGT છે.

‘તડકામાં કામ કરવા સિવાય છૂટકો નથી’

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસ મુજબ, એવું અનુમાન છે કે ભારત દુનિયાના એવા પહેલા દેશો પૈકીનો એક બની જશે, જ્યાં છાંયડામાં આરામ કરતા સ્વસ્થ લોકો માટેનું તાપમાન સલામત મર્યાદાથી ઉપર હશે.

2050 સુધીમાં ભારતમાં ગરમ દિવસો અને ગરમ રાતો (જ્યારે શરીર દિવસની ગરમીમાંથી બહાર આવવા સંઘર્ષ કરતું હોય છે)ની સંખ્યા બમણી કે ચારગણી થવાનું અનુમાન પણ છે.

તિરુવન્નામલાઈના શેરડીના ખેતરોમાં ભૂતપૂર્વ પરિચારિકા અને SRIHERના મુખ્ય સંશોધક રેખા શણમુગમ દિવસની ગરમીને માપી રહ્યાં હતાં.

અમારી આસપાસના બે ડઝન કામદારો (તેમાંથી અડધોઅડધ મહિલાઓ હતી) શેરડીના સાંઠા પરનાં છોતરાંને દાંતરડા વડે કાપી રહ્યાં હતાં.

રેખા શણમુગમે કહ્યું હતું, “આ મહિલાઓ પાસે તડકામાં કામ કર્યા સિવાય છૂટકો હોતો નથી. તેમને કાયમ પૈસાની જરૂર હોય છે.”

રેખા એક ગેજમાં પાણી રેડતાં હતાં અને વિવિધ બટન્સ દબાવતાં હતાં. તે 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ WBGT દર્શાવતું હતું, જે ગરમીમાં આ પ્રકારનું મહેનતવાળું કામ કરવા માટેના સલામત થ્રેશહોલ્ડથી વધારે હતું.

રેખાએ કહ્યું હતું, “કામદારો આ સ્તરની ગરમીમાં લાંબા સમય સુધી કામ કરતા રહે તો તેમને ગરમી સંબંધી બીમારીઓ થઈ શકે છે અને સગર્ભા મહિલાઓ માટે તે વધારે ચિંતાજનક હોય છે.”

28 વર્ષનાં સંધ્યાએ મને જણાવ્યું હતું કે તેમની પાસે આટલી મહેનતવાળું કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ કામ કરવા માટે તેમને રોજ 600 રૂપિયા ચૂકવવામાં આવે છે.

સંધ્યાએ તેમનાં બે નાનાં બાળકો અને પરિવારનું પેટ ભરવાનું હોય છે.

આ અભ્યાસમાં સંધ્યા પણ સહભાગી થયાં હતાં. તેમણે ગર્ભાવસ્થાના પ્રથમ છ મહિનામાં તેમનું પ્રથમ બાળક ગુમાવ્યું હતું.

તેમને રિકવર થતાં લાંબો સમય લાગ્યો હતો. એ સમયે જે ઉધારી કરવી પડી હતી તેની ચૂકવણી તેઓ આજે પણ કરી રહ્યાં છે.

સંધ્યાએ કહ્યું, “મારી બધી ઇચ્છાઓ મારા સંતાનોની આસપાસ કેન્દ્રિત છે. હું ઇચ્છું છું કે તેઓ સારી રીતે ભણે અને સારી નોકરી મેળવે. તેઓ મારી જેમ ખેતરમાં મજૂરી કરે તેવું હું ઇચ્છતી નથી.”

આ પણ વાંચો

પેશાબની સમસ્યા

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ

ઇમેજ સ્રોત, Getty Images

આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સગર્ભા સ્ત્રીઓ અને તેમના ગર્ભમાં વિકસતાં શિશુઓ પર ગરમીની કેટલી અસર થાય છે તે સારી રીતે સમજી શકાયું નથી.

વેસ્ટ આફ્રિકન દેશ ગામ્બિયામાં અગાઉ હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઊંચા તાપમાનને કારણે ગર્ભના હૃદયના ધબકારા વધી શકે છે. ગર્ભનાળમાંથી વહેતો રક્ત પ્રવાહ ધીમો પડી શકે છે.

એ થિયરી એવી છે કે માતાનું શરીર બહુ જ ગરમ થઈ જાય ત્યારે તેને ઠંડુ કરવા માટે ગર્ભમાંથી લોહી ડાઈવર્ટ કરી શકાય.

રેખા શણમુગમ માને છે કે શૌચાલયોનો અભાવ પણ ગર્ભવતી સ્ત્રીઓની મુશ્કેલીમાં ભાગ ભજવી શકે છે.

તેમના કહેવા મુજબ, અગાઉના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઘણી સ્ત્રીઓ ખુલ્લામાં શૌચ કરવા ઇચ્છતી હોતી નથી. તેથી તેઓ પાણી પીવાનું ટાળે છે. પરિણામે પેશાબની સમસ્યા સર્જાય છે.

રેખાએ કહ્યું, “એ મહિલાઓને ઝાડીઓમાંથી જંતુઓ અને સાપ આવી ચડવાની અથવા પુરુષો તેમને લઘુશંકા કરતાં જોઈ જશે તેની ચિંતા હોય છે.”

“તેઓ ઘણીવાર અસલામતી અનુભવે છે. તેથી તેઓ આખો દિવસ કામ કરતાં રહે છે અને સાંજે ઘરે પહોંચ્યા પછી જ શૌચાલયમાં જાય છે.”

આ પણ વાંચો

સમસ્યાનાં નિરાકરણની શોધ

મહિલાઓ સ્વાસ્થ્ય કસુવાવડ
ઇમેજ કૅપ્શન, સુમતિએ તેમના બાર અઠવાડિયાના બાળકને પ્રેગ્નેન્સી દરમિયાન જ ગુમાવી દીધું હતું

તામિલનાડુના અભ્યાસનાં તારણોને ખૂબ જ ગંભીર ગણવામાં આવી રહ્યાં છે, એમ રાજ્યના જાહેર આરોગ્ય નિયામક ડૉ. ટી. એસ. સેલ્વાવિનાયગમે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “અમે સગર્ભા સ્ત્રીઓને પહેલેથી જ નાણાકીય વળતર આપીએ છીએ, પરંતુ તેમને વૈકલ્પિક રોજગાર આપવા માટે કદાચ નવા વિકલ્પો શોધવાની જરૂર છે.”

રાજ્ય સરકાર ગરીબ મહિલાઓને, તેઓ ગર્ભાવસ્થાનાં 12 સપ્તાહ સુધી પહોંચે પછી રૂ. 18,000 આપે છે અને તેમની નાણાકીય મુશ્કેલીને હળવી કરવાનો પ્રયાસ કરે છે.

જોકે, ઓછા વેતનવાળા કામદારોનાં રક્ષણની મોટાભાગની જવાબદારી કાર્યસ્થળના વડા પાસે હોય છે.

ચેન્નાઈની બહારના આવેલા ઈંટના એક ભઠ્ઠાના માલિક થિલાઈ ભાસ્કરે તેમના કામદારોને જરૂરી છાંયડો આપવા માટે, ખાસ કરીને ગરમી સામે રક્ષણ આપતા કોટિંગ્ઝ સાથેનું સ્ટીલનું વિશાળ છાપરું બનાવ્યું છે.

તેમણે કહ્યું હતું, “કામદારોને કેવી રીતે જાળવી રાખવા તેની બિઝનેસ માલિકોને ખબર હોવી જોઈએ. તમે તેમની સંભાળ રાખશો તો તેઓ તમારી સંભાળ રાખશે.”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ માત્ર મહિલાઓ માટે શૌચાલય પણ બનાવવાના છે.

કેટલીક સંસ્થાઓ મહિલાઓ ગરમી સામે પોતાની સલામત રાખવા જે સરળ પગલાં લઈ શકે તેનું શિક્ષણ પણ આપી રહી છે. પીવાના પાણીને ઠંડુ રાખવા માટે ઇન્સ્યુલેટેડ બૉટલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સુમતિ કસુવાવડનાં બે વર્ષ પછી ફરી ગર્ભવતી થયાં ત્યારે ભારે ગરમીમાં કામ કરવાનું ચાલુ રાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, પરંતુ તેમને ડૉક્ટર્સ અને SRIHERના સંશોધકો પાસેથી ખુદને કેવી રીતે સલામત રાખવા તે અંગે ચોક્કસ સલાહ મળી હતી. તેમણે તંદુરસ્ત પુત્રી અને પુત્રને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો