જીવાતવાળા ચોખા રાંધીને ખવાય? ચોખામાં કીડા ન પડે એ માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિગવલ્લી પવનકાંત
- પદ, બીબીસી પ્રતિનિધિ
આખા વર્ષની જરૂરિયાત માટે ઘરમાં સંઘરવામાં આવેલા ચોખામાં કીડા કેમ પડી જાય છે?
આવા જીવાતવાળા ચોખા તમે રાંધીને ખાઓ તો શું થાય?
ચોખામાં કીડા પડતા અટકાવવા માટે નિષ્ણાતો શું સૂચવે છે?
દરેક ઘરમાં ચોખા રાંધતા પહેલાં તેને સાફ કરવામાં આવે છે. ચોખામાં જંતુઓ હોય અથવા માટી કે નાનો કચરો હોય તો ચોખાને ચાળવામાં પણ આવે છે.
સામાન્ય રીતે આખા વર્ષની જરૂરિયાતના ચોખા ઘરમાં સંઘરી રાખવામાં આવતા હોય છે. તેનો સંગ્રહ સારી રીતે કરવામાં આવ્યો હોવા છતાં ઘણી વાર તેમાં જીવાત પડી જાય છે.
ચોખામાં જંતુ અને કીડા કેમ પડી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આંધ્ર પ્રદેશના કૃષિ વિભાગ દ્વારા પ્રકાશિત સત્તાવાર ગૅઝેટમાં આપેલી માહિતી મુજબ, સંગ્રહિત અનાજમાં સામાન્ય રીતે જીવાત અને કીડા પડતા હોય છે.
આ જીવાત અનાજના દાણામાં કાણાં પાડી દે છે. તે અનાજમાંથી ભેજ શોષીને તેને સૂકવી નાખે છે. આવા જંતુગ્રસ્ત ચોખાને સાફ કરવાનું થોડું મુશ્કેલ હોય છે. તબીબોનું કહેવું છે કે આ પ્રકારના ચોખાને સાફ કરીને ખાવાથી પણ પાચન સંબંધી રોગો થાય છે.
અન્ય અનાજની સરખામણીએ ચોખા તથા ઘઉંમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ચોખા અને ઘઉંનો સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમાં વધારે કીડા થાય છે, એમ પદ્મશ્રી ફિલ્મ દિગ્દર્શક ખાદર વલીએ બીબીસીને જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. વલીએ કહ્યું હતું, “અનપૉલિશ્ડ ચોખા પરના ફોતરાંમાંના રેષા ઢાલનું કામ કરે છે. તે 30 વર્ષ સુધી ચોખાને જંતુથી દૂર રાખી શકે છે. ચોખા અને ઘઉંમાં આ તંતુમય આવરણ ખૂબ જ પાતળું હોય છે. તેમાં જંતુઓ સરળતાથી ઘૂસી જાય છે.”
બ્રાઉન રાઇસ અને બ્લેક રાઇસમાં કીડા થઈ શકે?
ડૉ. વલીએ ઉમેર્યું હતું, “કોઈ પણ પ્રકારના ચોખામાં ફાઇબર ખૂબ જ ઓછું હોય છે. ફાઇબર ઓછું હોય ત્યારે અનાજ કુદરતી રીતે નબળું હોય છે.”
“બ્રાઉન રાઇસ અને બ્લેક રાઇસ એ ચોખાની અનપૉલિશ્ડ જાતો છે. તેથી ફોતરાંવાળા ચોખા કરતાં તે દસ ગણા વધુ સારા હોય છે. ફરક એટલો જ છે કે ચોખાની અન્ય કોઈ પણ જાતથી વિપરીત, તેમાં જંતુઓના ઉપદ્રવને રોકવાની ક્ષમતા હોતી નથી.”
ચોખામાં કીડા ન થાય તે માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ચોખામાં જંતુઓના ઉપદ્રવની સમસ્યાના નિવારણ માટે નિષ્ણાતો કેટલીક રીત સૂચવે છે. હોમિયોપેથ ડી. ઇન્દિરાએ કહ્યું હતું, “સૌપ્રથમ તો ચોખાનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે ડબ્બામાં અને તેની આસપાસ જરાય ભેજ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.”
કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચોખાના ડબ્બામાં સુગંધી સામગ્રી મૂકવાથી પણ જંતુઓ દૂર રહે છે. એવી સામગ્રીમાં લીમડાનાં પાન, તમાલપત્ર, લવિંગ, કપૂર, લસણ, સૂકાં મરચાં અને રોક સોલ્ટનો સમાવેશ થાય છે. રસોડામાં ઉપલબ્ધ આ સામગ્રીની મદદથી ચોખામાં જંતુઓ થતા અટકાવી શકાય.
ડૉ. ઇન્દિરાએ કહ્યું હતું, “લીમડાનાં પાન, લવિંગ અને કપૂરની નાની પોટલી બનાવીને તેને ચોખાના ડબ્બામાં મૂકવાથી જંતુઓ દૂર રહે છે.”
લીમડો અને લવિંગ જંતુઓ સામે અત્યંત અસરકારક છે. તેમની તીવ્ર સુગંધથી જંતુઓ દૂર રહે છે. કેટલાક લોકો બોરિક પાવડરની પોટલી બનાવીને ચોખાના ડબ્બામાં રાખતા હોય છે. એ ઉપરાંત ચોખામાં કીડા પડતા રોકવા માટેનાં કેટલાંક રસાયણો પણ બજારમાં મળે છે.
કીડાવાળા ચોખા રાંધીને ખાઈ શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ઇન્દિરાના કહેવા મુજબ, “ચોખામાં કીડાનો ઉપદ્રવ બહુ ખતરનાક બાબત નથી. સામાન્ય રીતે ચોખાને સારી રીતે ધોયા પછી પાણીમાં પલાળીને રાંધવામાં આવતા હોય છે. ચોખા બફાય ત્યારે તેમાં રહેલા જંતુઓ કે કીડાઓ અતિશય ગરમીને લીધે ટકી શકતા નથી. તેથી એ સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડતા નથી. અપચાની તીવ્રતા પણ ઓછી હોય છે.”
મુંબઈસ્થિત નિસર્ગોપચારક આશાવરી ભટવર્ધને કહ્યું હતું, “ભારતમાં ચોખામાંના જંતુઓને લીધે થતા રોગો ભાગ્યે જ જોવા મળે છે. અગાઉ ગ્રામ્ય ભારતમાં સંયુક્ત પરિવારો વધુ હતા. તેથી તેઓ ચોખાનો મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી સંગ્રહ કરતા હતા, પરંતુ હવે પરિવારો નાના થયા છે અને ઓછા ચોખાનો સંગ્રહ કરવામાં આવે છે.”
આશાવરી ભટવર્ધનના કહેવા મુજબ, “જંતુઓની લાળવાળા ચોખા ખાધા પછી બીમાર પડતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. ચોખામાં જંતુનો પ્રવેશ અટકાવવા માટે બોરિક પાવડર અને એરંડિયાનાં તેલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય.”












