કોલકાતા બળાત્કાર કેસઃ તૂટેલા બ્લૂટૂથ ઇયરફોનને સહારે માત્ર છ કલાકમાં પોલીસે આરોપીને કેવી રીતે ઝડપ્યો?

કોલકાતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની એક હૉસ્પિટલમાં બળાત્કાર બાદ એક મહિલા ડૉક્ટરની હત્યાના મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હોવા છતાં વિરોધપ્રદર્શનો કરી રહેલા ડૉક્ટરોનો ગુસ્સો શાંત થતો નથી.

કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષે રાજીનામું આપી દીધું છે.

મેડિકલ ઍજ્યુકેશન વિભાગના એક અધિકારીએ બીબીસીને કહ્યું હતું, “સોશિયલ મીડિયા પર થતી બદનામી અને પોતે જેને દીકરી માનતા હતા તે ડૉક્ટરની હત્યાને કારણે ડૉ. સંદીપ ઘોષે આ નિર્ણય કર્યો છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને તેવી તેમને આશા છે.”

બીજી તરફ દેશભરની સરકારી હૉસ્પિટલોમાં આ ઘટના બાબતે સોમવારે વિરોધપ્રદર્શનો કરવાની હાકલ કરવામાં આવી.

અત્યાર સુધીની પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે ગુનો આચર્યા બાદ આરોપી ઘરે ગયો હતો અને કપડાં ધોઈને ઊંઘી ગયો હતો.

આરોપી હૉસ્પિટલ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલો નથી, પરંતુ હૉસ્પિટલમાં આવતો-જતો હતો. આરોપી કોલકાતા પોલીસ સાથે કામ કરતો એક સ્વયંસેવક છે અને જરૂર પડ્યે પોલીસને મદદ કરે છે.

કોલકાતા પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ઘટના પછી આરોપીએ પુરાવાનો નાશ કરવા તેણે તેનાં કપડાં ધોઈ નાખ્યાં હતાં.

સેમિનાર હૉલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ

મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ શુક્રવારે સવારે સેમિનાર હૉલમાંથી મળ્યો હતો. તેઓ ભોજન કર્યા બાદ સેમિનાર હૉલમાં જ ઊંઘી ગયાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસના જણાવ્યા મુજબ, બળાત્કાર અને હત્યાની આ ઘટના રાતે ત્રણથી સવારે છ વાગ્યા વચ્ચે બની હતી.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે પહેલાં મહિલા ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી અને પછી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ, રવિવારે છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત મેડિકલ કૉલેજ ગયા હતા અને ત્યાં વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.

વિરોધપ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોને મળ્યા બાદ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મૃતકના પરિવારજનોને સોંપી દેવાયો છે અને એ વિસ્તારમાં તહેનાત એક આસિસ્ટંટ પોલીસ અધિકારીને બેદરકારીને કારણે ફરજ પરથી હઠાવી દેવાયા છે.

હૉસ્પિટલના વહીવટી તંત્રએ પણ તેના બે કર્મચારીઓને ફરજમાં બેદરકારીને કારણે હઠાવી દીધા છે. એ બન્ને કૉન્ટ્રેક્ટ પર હૉસ્પિટલમાં કામ કરતા હતા.

પોલીસે શરૂઆતમાં આ ઘટનાને હત્યાનો મામલો ગણી હતી, પરંતુ પરિવારજનોના આગ્રહ પછી તેમાં બળાત્કારની કલમો પણ ઉમેરવામાં આવી હતી.

પીડિતાના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, “મારી દીકરી ક્યારેય પાછી નહીં આવે, પરંતુ તપાસ યોગ્ય રીતે થવી જોઈએ.”

કેવી રીતે પકડાયો આરોપી?

આ ઘટનાને કારણે પશ્ચિમ બંગાળના ડૉક્ટરોમાં ઘણો આક્રોશ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ઘટનાને કારણે પશ્ચિમ બંગાળના ડૉક્ટરોમાં ઘણો આક્રોશ છે

પોલીસે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી અને તપાસ શરૂ કર્યાના છ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસને સીસીટીવી ફૂટેજ ઉપરાંત ઘટનાસ્થળેથી એવા કેટલાક પુરાવા મળ્યા હતા, જે તેમને આરોપી સુધી લઈ ગયા હતા.

ઘટનાસ્થળેથી મળેલા પુરાવાને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પોલીસને સેમિનાર હૉલમાંથી એક તૂટેલું બ્લૂટૂથ ઇયરફોન મળ્યું હતું. તે આરોપીના ફોનથી કનેક્ટ થઈ ગયું હતું.

એ ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં આરોપી હૉસ્પિટલની ઇમર્જન્સી બિલ્ડિંગમાં સવારે લગભગ ચાર વાગ્યે પ્રવેશતો જોવા મળ્યો હતો. એ વખતે આરોપીએ ઇયરફોન પહેર્યું હતું, પરંતુ લગભગ 40 મિનિટ પછી તે હૉસ્પિટલમાંથી નીકળ્યો ત્યારે ઇયરફોન તેના કાનમાં ન હતું.

આરોપી કોલકાતા પોલીસ સાથે સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. તેને ઘણીવાર હૉસ્પિટલ બહારની પોલીસચોકી પર તહેનાત કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ કારણસર આરોપી કોઈ રોકટોક વિના હૉસ્પિટલમાં આવતો-જતો હતો.

આરોપી 2019માં સ્વયંસેવક બન્યો હતો અને તેને કોલકાતા પોલીસ સાથે સાંકળવામાં આવ્યો હતો. હૉસ્પિટલની નજીક તહેનાત હોવાને કારણે આરોપીની હૉસ્પિટલમાં ઓળખાણ હતી.

પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે આરોપી પોલીસ વેલફેર ઍસોસિયેશન સાથે પણ જોડાયેલો હતો અને એ કારણે પણ હૉસ્પિટલમાં તેની પહોંચ આસાન હતી. તે હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા પોલીસ કર્મચારીઓના પરિવારજનોની દેખભાળ પણ કરતો હતો.

પોલીસનું કહેવું છે કે આરોપીને અત્યંત આકરી સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જોકે, આરોપીની ધરપકડ છતાં ડૉક્ટરોનો ગુસ્સો શાંત થયો નથી. ડૉક્ટરો શુક્રવારથી જ હૉસ્પિટલ પરિસરમાં વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

હૉસ્પિટલ પરિસરમાં જ ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યાના આ મામલાએ મહિલાઓની સલામતી સંબંધીત સવાલો પણ ઊભા થયા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મામલે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ ભલે મૃત્યુદંડની સજાના વિરોધી હોય, પરંતુ આ મામલામાં આરોપીને મોતની સજા આપવાનું સમર્થન કરશે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ કેન્દ્રીય એજન્સી મારફત કરવાની જરૂર પડશે તો તેની સામે પણ તેમને કોઈ વાંધો નથી.

ગુરુવાર અને શુક્રવાર વચ્ચેની રાતે કોલકાતાની આર. જી. કાર મેડિકલ કૉલેજના સેમિનાર હૉલમાં ઊંઘી રહેલાં એક મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે હૉસ્પિટલના ડૉક્ટર્સ અને મેડિકલ વિદ્યાર્થીઓ વિરોધપ્રદર્શનો કરી રહ્યાં છે.

ડૉક્ટર્સનો વિરોધ

આરજી કાર મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓનો આક્રોશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર. જી. કાર મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓનો આક્રોશ

આર. જી. કાર મેડિકલ કૉલેજ પશ્ચિમ બંગાળની સૌથી મોટી હૉસ્પિટલો પૈકીની એક છે.

26 એકર વિસ્તારમાં ફેલાયેલી આ હૉસ્પિટલમાં દર્દીઓ માટે 1,200 ખાટલા છે, જ્યારે ઓપીડીમાં રોજ સરેરાશ 2,500 દર્દીઓ આવે છે. એ ઉપરાંત ઇમર્જન્સી વિભાગમાં પણ રોજ 1,000થી વધુ દર્દીઓ આવે છે.

એક મોટી હૉસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ દેશભરની હૉસ્પિટલોના ડૉક્ટર્સને આઘાત લાગ્યો છે.

ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સે સોમવારે દેશભરમાં બિનજરૂરી સ્વાસ્થ્ય સેવાઓ ઠપ્પ કરી દેવાની હાકલ કરી હતી.

દિલ્હીની સરકારી હૉસ્પિટલોએ પણ સોમવારથી અનિશ્ચિત કાળ સુધી હડતાળની જાહેરાત કરી હતી.

અનેક હૉસ્પિટલો તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનોમાં સોમવારથી ઓપીડી, ઑપરેશન થિયેટર અને વોર્ડ ડ્યૂટી બંધ હોવાની માહિતી આપવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનકર્તાઓ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓની સલામતી તથા પીડિતાને ન્યાય અપાવવાની માગણી કરી રહ્યા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ તરફથી પ્રકાશિત)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.