"ત્રણેયે મારા પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો", સુદાનમાં અર્ધ સૈન્યબળોના અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ ઉસ્માન
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
સુદાનના યુદ્ધ પ્રભાવિત વિસ્તાર દારફુરમાં અર્ધસૈન્ય બળના ચાર સૈનિકોએ કુલસુમ પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારની સાથેસાથે તેમની સાથે વંશીય દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.
ચેતવણી : આ લેખના કેટલાક વિવરણ વિચલિત કરી શકે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાત્રોના નામ પણ બદલવામાં આવ્યા છે.
"એ લોકો બહુ ક્રૂર હતા. હું જ્યાં લાકડા વીણવા ગઈ હતી, ત્યાં જ તેમણે એક પછી એક મારા પર બળાત્કાર ગુજાર્યો"
40 વર્ષીય કુલસુમ પશ્ચિમ દારફુરના આફ્રિકન મસાલિટ સમુદાયના છે. જ્યારે તેમના પર બળાત્કાર ગુજારનારા સૈનિકો રૅપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) અરબી હતા.
આ અર્ધસૈન્ય દળ પર સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અત્યાચાર ગુજારવાનો આરોપ છે. જેણે દારફુરમાં જાતીય અને વંશીય ભેદભાવનું રૂપ ધારણ કરી લીધું છે.
કુલસુમ અલ જેનિનામાં રહેતા હતા. આ જગ્યા દારફુરમાં ઐતિહાસિક અશ્વેત આફ્રિકન શક્તિનું પ્રતીક હતી અને મસાલિટ સામ્રાજ્યની રાજધાની હતી.
તેમનું કહેવું છે કે બળાત્કારીઓએ તેમને શહેર છોડી દેવા કહ્યું હતું કારણ કે તે 'અરેબિયનોનું શહેર' છે. તેનાથી ઘણા અશ્વેત આફ્રિકનોમાં ભય ઊભો થયો કે આરએસએફ પોતાની સહયોગી મિલેશિયા જંજાવીદ સાથે મળીને જાતીય રીતે મિશ્રિત વિસ્તારને અરેબિક વિસ્તારમાં ફેરવવા માગે છે.

આશરે 20 લાખ લોકોનું પલાયન

ઇમેજ સ્રોત, Getty Images
સુદાન પોતાના બે સૌથી શક્તિશાળી જનરલો, સેના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-બુરહાન અને આરએસએફ કમાન્ડર મોહમ્મદ હમદાન ડાગાલોના અલગ થયા બાદથી એપ્રિલ મહિનાથી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંનેના ઝઘડાએ દારફુરમાં 2003 બાદ ફરી એક વખત સંઘર્ષમાં વધારો કર્યો છે. વર્ષ 2003માં આ વિસ્તારમાં થયેલા સંઘર્ષમાં અંદાજે ત્રણ લાખ લોકો માર્યા ગયા હતા.
હાલમાં ચાલી રહેલા સંઘર્ષને લીધે મસાલિટ સમુદાયના 1.60 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
હજુ સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આ વિસ્તારમાં કેટલા લોકો માર્યા ગયા છે. અલ જેનિનામાં ઓછામાં ઓછા પાંચ હજાર લોકો માર્યા ગયા છે.
આરએસએફ લડવૈયાઓએ સુદાનની સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય અને દેશની રાજધાની ખાર્તૂનમાં લોકો પર અત્યાચાર ગુજાર્યો હોવાના પણ આરોપ મૂકાયા છે.
અર્ધસૈન્ય બળોનો રાજ્યના મોટાભાગના વિસ્તારો પર કબજો છે. સેના તેમને પાછા ધકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
આ સંઘર્ષને કારણે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં આશરે 20 લાખ લોકોએ પલાયન કરવું પડ્યું છે.

'મારે આત્મહત્યા કરવી હતી, પણ...'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાર્તૂનમાં હિંસાએ વંશીય કે જાતીય રૂપ ધારણ કર્યું નથી. અહીં તમામ વંશના લોકો સંઘર્ષનો શિકાર બન્યા છે.
24 વર્ષીય ઇબ્તિસામે બીબીસીને જણાવ્યું કે તેઓ પોતાના માસીને મળવાં જઈ રહ્યાં હતાં ત્યારે આરએસએફ જવાનોએ તેમને રોક્યાં હતાં.
તેમણે કહ્યું, "તેમણે મારા પર બંદૂક તાણી અને મને પૂછ્યું કે હું ક્યાં જાઉં છું. મેં જ્યારે તેમને કહ્યું કે હું મારા માસીનાં ઘરે જઈ રહી છું તો તેમણે મારા પર સેનાની ગુપ્તચર સંસ્થામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો."
ત્યાર બાદ સૈનિકો તેમને પોતાની કારમાં નજીકમાં આવેલા એક ઘરમાં લઈ ગયા.
ફોન પર રડતાં અવાજે ઇબ્તિસામે કહ્યું, "મેં ઘરમાં વધુ એક વ્યક્તિને જોઈ, જે માત્ર અંડરવિયર પહેરીને બેઠી હતી. મેં ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક સૈનિકે મને એટલું જોરથી માર્યું કે હું જમીન પર ફસડાઈ પડી. તેમણે મને ધમકી આપી કે જો હું જરા પણ હલી કે ફરી વખત ચીસો પાડી તો તેઓ મને મારી નાખશે."
તેમણે આગળ કહ્યું, "ત્રણેયે વારાફરતી મારા પર એકથી વધારે વખત બળાત્કાર ગુજાર્યો. ત્યાર પછી તેઓ મને કારમાં પાછી લઈ ગયા અને સૂર્યાસ્તના સમયે રસ્તાની બાજુમાં ફેંકી દીધી."
થોડીવાર માટે રોકાયા બાદ ઇબ્તિસામે જણાવ્યું કે તેઓ કેવી રીતે અપમાનિત અને ક્રોધિત અનુભવી રહ્યાં છે.
તેમણે રડમસ અવાજમાં કહ્યું, "હું આત્મહત્યા કરવા માગતી હતી પરંતુ મેં એ વિચારને પડતો મૂક્યો. હું ઘરમાં ચાલી ગઈ અને આ વિશે કોઈને વાત ન કરી."

'યુદ્ધમાં શસ્ત્ર તરીકે બળાત્કારનો ઉપયોગ'

ઇમેજ સ્રોત, Getty Images
સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે જુલાઈ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે તેમને 57 મહિલાઓ અને યુવતીઓ વિરુદ્ધ જાતીય સતામણીની 21 ઘટનાઓનો રિપોર્ટ મળ્યો છે.
સંસ્થાના પ્રમુખ વૉલ્કર તુર્કે કહ્યું હતું કે તેમના કાર્યાલાયમાં રિપોર્ટ કરાયેલા લગભગ તમામ મામલાઓમાં 'આરએસએફને ગુનેગાર' તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર અને સ્થાનિક અધિકાર જૂથો બંનેનું માનવું છે કે આ આંકડો હકીકતના આંકડાનો માત્ર એક નાનકડો અંશ છે.
સુદાનના માનવાધિકાર કાર્યકર્તા અહલમ નાસિરે કહ્યું કે તેમને કોઈ શંકા નથી કે લોકોને આતંકિત કરવા માટે બળાત્કારનો યુદ્ધમાં શસ્ત્ર તરીકે 'વ્યવસ્થિત રીતે' ઉપયોગ કરાઈ રહ્યો છે.
તેમણે આગળ કહ્યું, "દારફુરમાં ભૂતકાળમાં પણ બળાત્કારનો હથિયાર તરીકે ઉપયોગ કરાયો છે અને ખાર્તૂનમાં હાલ એમ જ થઈ રહ્યું છે. એ પણ ખાસ કરીને આરએસએફ દ્વારા."
તેઓ હાલ દેશ છોડીને ભાગી ચૂક્યા છે. તેમનો દાવો છે કે તેમણે પણ ખાર્તૂનની કેટલીક મહિલાઓની ડરામણી કહાણીઓ સાંભળી છે.
નાસિરે કહ્યું, "કેટલાક કિસ્સામાં માતાઓ પર તેમનાં નાનકડાં સંતાનો સામે બળાત્કાર ગુજારવામાં આવતો હતો."

આરએસએફનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આરએસએફે એ વાતથી ઇનકાર કરી દીધો છે કે આ હુમલા પાછળ તેમના સૈનિકોનો હાથ છે.
બીબીસીને મોકલવામાં આવેલ એક વૉઇસ રૅકોર્ડિંગમાં તેના પ્રવક્તા મોહમ્મદ અલ-મુખ્તારે કહ્યું કે તેમના સૈનિકો "યુદ્ધના ઉચ્ચતમ નૈતિક માનકો માટે પ્રતિબદ્ધ છે."
તેમણે કહ્યું, "અમને મળેલી સફળતા પર ડાઘ લગાવવા માટે અને સૈનિકોની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી દેવા માટે જાણીજોઈને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે."
જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે અમે એ મહિલાઓ સાથે વાત કરી છે જેમણે આરએસએફના લડવૈયાઓને પોતાના પર થયેલા હુમલાના હુમલાખોર તરીકે ઓળખ્યા છે, તો જવાબમાં અલ-મુખ્તારે કહ્યું કે આરએસએફ સભ્યો તરીકે પોષાક બદલનારા લોકો અત્યાચાર માટે જવાબદાર છે.
આ સંઘર્ષના કારણે બળાત્કાર અને જાતીય હિંસાથી બચેલા લોકોને ઘણી ઓછી મદદ મળી છે. મોટા ભાગની હૉસ્પિટલો હાલ કામ નથી કરી રહી અને જે કાંઈ છે તેના સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે.
કુલસુમ અને ઇબ્તિસામે જણાવ્યું કે આ દુખ તેમને હંમેશાં સતાવશે.
કુલસુમે અંતે કહ્યું, "મારી સાથે જે થયું હું ક્યારેય નહીં ભૂલું. શરમનો નિશાન હંમેશાં પડછાયાની જેમ મારી સાથે રહેશે."














