12 હત્યામાં સંડોવણી છતાં ગુજરાત પોલીસ આરોપી તાંત્રિક સુધી કેમ ન પહોંચી શકી?

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Vipul Dave

ઇમેજ કૅપ્શન, આરોપી નવલસિંહ ચાવડા
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ પોલીસે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં નવલસિંહ ચાવડા નામના શખ્સની ધરપકડ કરી, જેના ઉપર કથિત તાંત્રિકવિધિ બાદ એક વ્યક્તિની ઝેરી પીણું આપીને હત્યા કરવાનો આરોપ હતો.

તાંત્રિકની નજીકની વ્યક્તિએ જ પોલીસને આના વિશે માહિતી આપી હતી, એટલું જ નહીં તેણે નવલસિંહના પીડિતને પણ સતર્ક કર્યા હતા.

એ પછી પોલીસે નવલસિંહને રંગેહાથ ઝડપી લેવા ઑપરેશન હાથ ધર્યું. આરોપીએ કસ્ટડીમાં આવતા સાથે જ એક પછી એક કબૂલાતો આપવા માંડી હતી.

નવલસિંહે મમ્મી, દાદી અને કાકા જેવા પરિવારજનો અને ત્રાહિતો સહિત 12 લોકોની ઠંડાકલેજે હત્યા કરી હોવાની કથિત કબૂલાત આપી.

નવલસિંહ પોલીસ રિમાન્ડ દ્વારા વધુ વટાણાં વેરે તે પહેલાં કસ્ટડીમાં જ તેનું મૃત્યુ થયું તથા અનેક રહસ્યો ઉપર પડદો પડી ગયો.

જોકે, બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કથિત ભૂવાજી નવલસિંહના પીડિતે તેમને કેવી રીતે ફસાવવામાં આવ્યા એના વિશે તથા પોલીસના બાતમીદારે નવલસિંહની મૉડસ ઑપરેન્ડી અંગે ખુલાસા કર્યા હતા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'નવલ'સિંહની 'જૂની' મૉડસ ઑપરેન્ડી

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Vipul Dave

ઇમેજ કૅપ્શન, નવલસિંહને અનેક સ્થળોએ 'ભૂવા' તરીકે જવાનું થતું

નવલસિંહની ભયાનક યોજનાનો ભોગ બનતા માંડ-માંડ બચેલા અભિજિતસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો.

રાજપૂતના કહેવા પ્રમાણે, "નવલસિંહ મારા કૌટુંબિક મામાના દીકરા થાય. તેઓ માતા અને કાકાના અવસાન પછી વઢવાણથી અમદાવાદ રહેવા આવી ગયા હતા. ત્યારે અમારા સગાઓએ તેમને મદદ કરવા માટે ભલામણ કરી હતી, એટલે હું તેમના સંપર્કમાં આવ્યો હતો."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"નવલસિંહનું સપનું હતું કે તેમનો દીકરો મોટો ક્રિકેટર બને એટલે તેની ટ્રેનિંગ માટે માતાજીની આજ્ઞાથી અમદાવાદ આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓ વેજલપુર પોલીસ સ્ટેશન પાસે મકાન ભાડે રાખીને રહેતા હતા."

29 વર્ષીય અભિજિતસિંહ કૉસ્મેટિકનો ધંધો કરે છે અને અમદાવાદ જિલ્લાના સાણંદ પાસેના ગામમાં રહે છે. નવલસિંહે ધીમે-ધીમે અભિજિતસિંહનો વિશ્વાસ કેળવ્યો હતો અને 'એકના ચારગણાં' કરી આપવાની લાલચમાં ફસાવ્યા હતા.

અભિજિતસિંહના કહેવા પ્રમાણે, "નવલસિંહ મસાણી મેલડીમાં ભૂવા તરીકે કામ કરતા. ઑક્ટોબર મહિનાથી તેમણે મારા ધંધાની ઝીણીઝીણી વિગતો અંગે પૃચ્છા ચાલુ કરી હતી. ક્યારેક ઉઘરાણીના પૈસા ન આવવા કે પેમેન્ટમાં તકલીફ જેવી વાતો થતી."

"નવલસિંહે એક દિવસ મને કહ્યું હતું કે એમની પાસે એકના ચાર ગણાં રૂપિયા કરવાની વિદ્યા છે. પછી એણે મારું બ્રૅઇનવૉશિંગ શરૂ કર્યું હતું. નવલસિંહે એવા લોકો સાથે મારી મુલાકાત કરાવી હતી, જેમણે ચમત્કારિક શક્તિઓ હોવાની વાત કહી હતી."

"એટલે મને નવલસિંહ ઉપર ભરોસો બેઠો હતો. તેઓ મસાણી મેલડીના ભુવા હતા. મારા કૌટુંબિક ભાઈ પણ થતા હતા એટલે શંકાને કોઈ કારણ ન હતું."

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો સર્વાનુમતે પસાર કર્યો હતો. જેનો હેતુ મેલી વિદ્યા, અંધશ્રદ્ધા, ભૂવા, પાખંડી, બાબાઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડી, હત્યા, છેડતી, બળાત્કાર, પશુબલિ અને નરબલિ ચઢાવવા જેવી પ્રવૃત્તિઓથી લોકોને બચાવવાનો છે.

આ કાયદામાં મહત્તમ રૂ. 50 હજાર તથા મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ડ્રાઇવર, ભાગીદાર અને બાતમીદાર

વીડિયો કૅપ્શન, 'મજૂરીના બહાને ગાડીમાં બેસાડી દારુ પિવડાવી નસબંધી કરી’ વેદના સાથે યુવાને શું કહ્યું?

નવલસિંહ સાથેની મુલાકાતો દરમિયાન અભિજિતસિંહની ઓળખાણ જિગર ગોહિલ સાથે થઈ હતી, જે નવલસિંહની ગાડી ચલાવતા અને ટૅક્સીના ધંધામાં ભાગીદાર હતા.

જિગર ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મારાં પત્ની અને નવલસિંહ કૌટુંબિક ભાઈ-બહેન થાય એટલે હું તેમને 'બનેવી' કહેતો. તેઓ વઢવાણથી અમદાવાદ આવ્યા, ત્યારે મારી પાસે કોઈ કામ ન હતું. નવલસિંહે એમની કાર મને ચલાવવા માટે આપી હતી."

"હું એ ગાડી દિવસ દરમિયાન એક કૅબ કંપનીમાં ચલાવતો અને રાત્રે લોકોના ઘરે ભુવા તરીકે લોકોના ઘરે જાય, ત્યારે તેમની સાથે જતો. નવલસિંહ વેજલપુરમાં રહેતા, જ્યાંથી ક્યારેક રાત્રે તેમને અમદાવાદના અલગ-અલગ સ્મશાનગૃહોમાં લઈ જતો."

નવલસિંહને ધીમે-ધીમે તેમના ડ્રાઇવર ઉપર વિશ્વાસ બેસવા લાગ્યો હતો, પરંતુ જિગરના મનમાં શંકાનો સળવળાટ થવા લાગ્યો હતો.

જિગર ગોહિલના કહેવા પ્રમાણે, "નવલસિંહ જ્યારે પણ કારમાં બેસીને કોઈકની સાથે ફોન ઉપર વાત કરતા, ત્યારે કંઇક અજૂગતું લાગતું. મને એવું લાગતું કે તેઓ લોકોને મૂર્ખ બનાવે છે."

"એવામાં ઑક્ટોબર મહિનામાં એમણે મને કહ્યું હતું કે ટૅક્સી ચલાવવાથી પૈસાદાર ન થવાય. મેં એક માણસ શોધ્યો છે. એને એકના ત્રણગણાં પૈસા કરી આપવાની લાલચ આપી છે."

પકડવાનો પ્લાન પેચમાં ફસાયો

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Vipul Dave

ઇમેજ કૅપ્શન, ડીસીપી શિવમ્ વર્મા

નવલસિંહે આ કામમાં જિગરનો સાથ માગ્યો હતો અને 25 ટકા ભાગ આપવાની વાત કહી હતી. આ સિવાય શિકારનું મૃત્યુ કેવી રીતે થશે તે પણ જણાવ્યું હતું. જિગર ગોહિલના કહેવા પ્રમાણે:

"પહેલાંથી જ મને તેની પ્રવૃત્તિઓ અંગે શંકા હતી. શરૂઆતમાં મેં નવલસિંહની હા એ હા કરી હતી, જેથી કરીને મને તેની યોજના વિશે માહિતી મળે. નવેમ્બર મહિનામાં દિવાળી હતી. જો હું અડધેથી કામ છોડી દઉં તો પૈસા ન મળે, એટલે હું તેની વાત સાંભળતો."

"જ્યારે એણે મારીને લાશને ઠેકાણે પાડવાની વાત કહી એટલે હું ગભરાયો. મેં તેના ફોન રેકૉર્ડ કરવાના શરૂ કર્યા. નવલસિંહની યોજના તા. પહેલી ડિસેમ્બરે દારૂમાં ઝેર આપીને અભિજિતસિંહની હત્યા કરવાની હતી. તેમણે મને તૈયાર રહેવા માટે કહ્યું હતું."

"મેં નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એમને (નવલસિંહને) ત્યાં જવાનું બંધ કર્યું, પરંતુ તેમના ફોન સતત મારી ઉપર આવતા."

ડ્રાઇવર જિગર ગોહિલે બેએક વખત નવલસિંહ ચાવડાથી સાવધ રહેવા અભિજિતસિંહ રાજપૂતને કહ્યું હતું. શરૂઆતમાં તો અભિજિતસિંહે તેની અવગણના કરી હતી.

જિગર ગોહિલ ઉમેરે છે, "અભિજિતસિંહને વિશ્વાસ બેઠો નહીં એટલે મેં સરખેજ પોલીસ સ્ટેશને જઈને નવલસિંહના બધા ફોન રેકૉર્ડિંગ સંભળાવ્યા હતા અને કહ્યું હતું કે તેણે ભૂવા બનીને લોકોની હત્યા કરી હોય એમ લાગે છે."

આ પછી સરખેજ પોલીસે અભિજિતસિંહ રાજપૂતને બોલાવ્યા હતા. તેમને નવલસિંહના રેકૉર્ડિંગ સંભળાવવામાં આવ્યા તથા તેમનાથી સતર્ક રહેવાની તાકિદ કરી.

ઝોન-7ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) શિવમ્ વર્માએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "અમને આ મામલો ગંભીર લાગ્યો હતો એટલે અમે અભિજિતસિંહનો ફોનનંબર ટ્રૅસ કરવાનું શરૂ કર્યું. સગાં પૈસા લઈને આવે છે એમ કહીને રાજપૂત દ્વારા નવલસિંહને રોકી રાખવામાં આવે એવો પ્લાન હતો."

સરખેજ પોલીસે નવલસિંહને રંગેહાથ પકડી લેવાની યોજના ઘડી હતી, જેમાં અભિજિતસિંહ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના હતા.

વીડિયો કૅપ્શન, આ રાજ્યમાં મરણપ્રસંગે છોકરીઓ પાસે ડાન્સ કેમ કરાવાય છે?

સરખેજ પોલીસે અભિજિતસિંહને નંબર આપ્યો હતો અને તેને પોતાના સગા-વ્હાલાના નામથી મોબાઇલમાં સેવ કરવાની સૂચના આપી હતી. જિગર ગોહિલે પોલીસને બાતમી આપી હતી કે નવલસિંહ પાસે દેશી દારૂ અને પીળા રંગનું પ્રવાહી છે.

ભૂવા નવલસિંહ પોતાની ગાડીમાંથી ઉતરીને અભિજિતસિંહની ગાડીમાં બેસી ગયા. અભિજિતસિંહે વાપરેલી સતર્કતાથી નવલસિંહને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી.

એ ઘટનાક્રમને યાદ કરતા અભિજિતસિંહ કહે છે, "ઘડિયાલનો કાંટો જેમ-જેમ ફરી રહ્યો હતો, તેમ-તેમ મારા ધબકારા વધી રહ્યા હતા. નવલસિંહ મને વારંવાર કહેતા હતા કે જલદીથી સ્મશાને જતા રહીએ એટલે વિધિ શરૂ થઈ જાય. હું વારંવાર ફોન કરીને પૈસા આવી રહ્યા હોવાનું બહાનું કરી રહ્યો હતો."

"સગાનું બહાનું કાઢીને તેમના નામે પોલીસને ફોન કરી રહ્યો હતો. રસ્તો મળતો ન હોય તો મારું લાઇવ લૉકેશન મોકલું છું એમ કહીને ઝાડીમાં રહેલી મારી કારમાંથી મારું લાઇવ લૉકેશન મોકલી આપ્યું હતું. થોડીવારમાં પોલીસ આવી ગઈ અને મારો જીવ બચી ગયો."

પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી તો એક પછી એક કબૂલાતો આપવા માંડી હતી, જેમાંની સૌથી તાજેતરની ઘટના નવ મહિના પહેલાં માતાની હત્યાની હતી.

નવ મહિના પહેલાં

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Vipul Dave

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં નવલસિંહ

પોલીસનો દાવો છે કે નવલસિંહે તેનાં માતા અને કાકાની હત્યાની કબૂલાત કરી હતી, જેમનાં છેલ્લાં એક વર્ષ દરમિયાન મૃત્યુ થયાં હતાં. એ પછી આરોપીએ વઢવાણથી અમદાવાદ સ્થળાંતર કર્યું હતું.

ડીસીપી શિવમ્ વર્માના કહેવા પ્રમાણે, "ચૌદેક વર્ષ પહેલાં નવલસિંહનાં દાદી બીમાર પડી ગયાં હતાં અને પથારીવશ હતાં, ત્યારે સારવાર ન કરાવવી પડે એટલે એમની હત્યા કરી નાખી હતી. કાકા અને માતાને પણ નવલસિંહની કરતૂતો અંગે જાણ થઈ ગઈ હતી."

"એટલે નવલસિંહે અગ્યારેક મહિના અગાઉ કાકાને અને નવેક મહિના પહેલાં માતાને રસ્તામાંથી હઠાવી દીધાં હતાં."

માતા, કાકા અને દાદીનાં પૉસ્ટમૉર્ટમ ન થયાં હોવાથી નવલસિંહનું રહસ્ય અકબંધ રહી જવા પામ્યું હતું. જોકે રિમાન્ડ દરમિયાન આરોપીએ કથિત રીતે અનેક ચોંકાવનારી કબૂલાતો કરી હતી.

ડીસીપી વર્માના કહેવા પ્રમાણે, "સુરેન્દ્રનગરમાં પતિ-પત્ની અને પુત્રી એમ ત્રણ સભ્યોનાં અપમૃત્યુ અને રાજકોટ જિલ્લાના પડધરીમાં ત્રણ સભ્યોનાં પરિવારનાં અપમૃત્યુમાં પોતાની ભૂમિકા હોવાનું સ્વીકાર્યું હતું."

પોલીસના કહેવા પ્રમાણે, આ સિવાય તેણે રાજકોટમાં એક મહિલા અને કચ્છમાં એક પૂજારીનાં અપમૃત્યુમાં પોતાની ભૂમિકા હોવાની વાત કબૂલી હતી.

દેશી દારૂ અને ઝેર

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે, નવલસિંહે વર્ષ 2018- '19 આસપાસ ઉજ્જૈનના એક કથિત તાંત્રિક પાસેથી આ કથિત જીવલેણ ફૉર્મ્યુલા મેળવી હતી.

નવલસિંહે કથિત રીતે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે 'ઉજ્જૈનના તાંત્રિકે તેને જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને સોડિયમ નાઇટ્રેટ અને દેશી દારૂ ભેળવીને પીવડાવી દેવામાં આવે, ત્યારે તે હાર્ટઍટેકથી મૃત્યુ પામે છે.'

'જો એમ ન થાય અને તે વાહન લઈને ચાલવા માંડે તો પણ તે વાહન નથી ચલાવતી શકતી અને માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામે છે.'

વર્ષ 2021માં વિવેક ગોહિલ નામની વ્યક્તિનું માર્ગઅકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારે નવલસિંહ ઉપર આરોપ લાગ્યા હતા, પરંતુ પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં હાર્ટઍટેકથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમના શરીરમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાનું પણ જણાય આવ્યું હતું.

જાણીતા ટૉક્સિકૉલૉજિસ્ટ ડૉ. ટી.એસ. પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "દેશી દારૂમાં મિથેનૉલ હોય છે. તે સોડિયમ નાઇટ્રેટ સાથે ભળે એટલે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચેતાતંતુને પણ અસર થાય છે."

ડૉ. પ્રજાપતિ ઉમેરે છે કે જો આ બંનેનું પ્રમાણ સામાન્ય હોય તો વાંધો ન આવે, પરંતુ જો વધુ હોય તો તે ગંભીર અને જોખમી અસર ઊભી કરે છે.

ક્રિમિનલ સાઇકૉલૉજીના નિષ્ણાત ડૉ. ગોપાલ ભાટિયાના કહેવા પ્રમાણે, "નાનપણ, શાળા કે કુટુંબમાં બનેલી કોઈ ઘટના વ્યક્તિના મનમાં ઊંડી છાપ ઊભી કરે છે. આ સંજોગોમાં જો સારું પૅરેન્ટિંગ ન થયું હોય તો માણસ સાઇકૉપાથ બની જાય છે."

ડૉ. ભાટિયા ઉમેરે છે કે આવા લોકોના ન્યૂરૉબાયૉલૉજિકલ કમ્પૉનન્ટ સામાન્ય લોકો કરતાં ખૂબ જ અલગ હોય છે.

પડદો પડશે કે ઊંચકાશે?

સુરેન્દ્રનગર, તાંત્રિક નવલસિંહ ચાવડા, 12 હત્યા, સરખેજ પોલીસ તપાસ, પૉસ્ટમૉર્ટમ, સોડિયમ નાઇટ્રેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અદાલતે નવલસિંહના તા. 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

ડીસીપી શિવમ્ વર્માના કહેવા પ્રમાણે, "નવલસિંહ પોલીસ રિમાન્ડ દરમિયાન ભાગી પડ્યો હતો. તેના વઢવાણ ખાતેના ઘરેથી અમને અનેક પુરાવા મળ્યા હતા. પોલીસ કસ્ટડી દરમિયાન તેને ઊલટી થઈ હતી અને શાનભાન ગુમાવી દીધું હતું. પોલીસે આરોપીને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું."

આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હોવાથી તેમના મૃતદેહનું ફોરેન્સિક પૉસ્ટમૉર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય પોલીસ સ્ટેશનના સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમીક તપાસમાં નવલસિંહનું કાર્ડિયાક ઍરેસ્ટથી મૃત્યુ થયું છે.

ડીસીપી શિવમ્ વર્માના કહેવા પ્રમાણે, "ભૂવાની મૉડસ ઑપરેન્ડીને કારણે અકસ્માતે મૃત્યુ કે આત્મહત્યાના કેસ દાખલ થતા અને તે આબાદ બચી જતો."

બીજી બાજુ પોલીસે નવલસિંહનો ભોગ બનેલાં મૃતકોના કેસોની ફરીથી તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.