એસ. એમ. ક્રિષ્ના: જ્યારે દક્ષિણના અભિનેતાનું અપહરણ થયું અને મુખ્ય મંત્રીની ખુરશી જોખમાઈ

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પૂર્વ વિદેશ મંત્રી તથા કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી સોમનહલ્લી મલ્લયા ક્રિષ્નાનું અવસાન થયું
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

મંગળવારે દેશના પૂર્વ વિદેશ મંત્રી તથા કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી સોમનહલ્લી મલ્લયા ક્રિષ્નાનું અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા.

ક્રિષ્ના અમેરિકામાં અભ્યાસ કરીને વર્ષ 1962માં ભારત પરત ફર્યા અને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં તેમણે અનેક પદ સંભાળ્યા. લગભગ 37 વર્ષની રાજકીય કારકિર્દી પછી તેઓ કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા. કેટલાક દ્વારા ક્રિષ્નાને 'બ્રાન્ડ બૅંગ્લોર'ના શિલ્પી માનવામાં આવે છે.

જોકે ક્રિષ્ના સરકારની શરૂઆત સારી નહોતી થઈ. મુખ્ય મંત્રી તરીકે પદગ્રહણ કર્યાને હજુ એક વર્ષ પણ નહોતું થયું કે વરસતા વરસાદની એકરાતે તેમના અત્યારસુધીના રાજકીયજીવનનો સૌથી પડકાર સામે આવ્યો.

કુખ્યાત ડાકૂએ એ કન્નડ ફિલ્મજગતના વિખ્યાત અભિનેતાનું અપહરણ કરી લીધું. જેના કારણે ક્રિષ્નાની ક્ષમતાઓ ઉપર સવાલો ઊભા થયા. કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ અને સુપ્રીમ કોર્ટે પણ તેમને ઠપકો આપ્યો.

પાડોશી રાજ્ય સાથેના સંબંધમાં ખટાશ આવી. વિપક્ષ અને પક્ષના હિતશત્રુઓ ગેલમાં આવી ગયા. આ પ્રકરણ સાડા ત્રણ મહિના કરતાં વધુ સમય સુધી ચાલ્યું અને આખરે ક્રિષ્ના તેમાંથી પાર ઉતર્યા. મુખ્ય મંત્રીની જોખમમાં આવેલી તેમની ખુરશી બચી જવા પામી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વરસાદની એક રાત્રે

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીરપ્પન (જમણે)

હાલમાં તામિલનાડુની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાન્ત કે કમલ હસન, બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને તેલુગુ ફિલ્મ જગતમાં ચિરંજીવી કે નાગાર્જુન જેવા અભિનેતાઓનો જેવો દબદબો છે એવી પ્રતિષ્ઠા કન્નડ ફિલ્મજગતમાં ડૉ. રાજકુમારની હતી.

તામિલનાડુ અને કર્ણાટકની સીમા ઉપર ગજ્જાનુર ખાતે અભિનેતાનું પૈત્તૃક ઘર હતું, જે તેમનું ફાર્મહાઉસ પણ હતું. આ જંગલીય વિસ્તારમાં ચંદનચોર વીરપ્પનનો દબદબો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કર્ણાટક સ્પેશિયલ ટાસ્ક ફોર્સના (એસટીએફ) અધિકારીઓએ રાજકુમારને ચેતવણી આપી હતી કે વીરપ્પન તમારા અપહરણનું કાવતરું ઘડી રહ્યો છે. (હિંદુ, પહેલી ઑગસ્ટ, 2000)

રાજકુમારને તેમના ચાહકો 'અન્નાવરુ' (મોટાભાઈ જેવા) તરીકે ઓળખતા. સાદગીપૂર્ણ જીવન જીવવા ટેવાયેલા રાજકુમારે આ ચેતવણી અવગણી હતી. તેઓ હળવાશમાં કહેતા કે 'તેને મારી પાસેથી શું મળશે? એક શર્ટ અને ધોતિયું.'

તા. 30 જુલાઈ, 2000ની વરસાદી રાત્રે એસટીએફની આશંકા સાચી પડી હતી. રાજકુમારે પરિવાર સાથે વાસ્તુપૂજા પૂરી કરીને ઘરના નવનિર્મિત ભાગમાં પ્રવેશ કર્યો હતો.

રાત્રે રાજકુમાર તેમનાં પત્ની પાર્વથમ્મા, જમાઈ એસ.એ. ગોવિંદરાજ, અન્ય એક પરિવારજન નાગેશ તથા સહાયક દિગ્દર્શક નાગપ્પા ફાર્મહાઉસ પર હતા. તેઓ જમીને પરવાર્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા.

એવામાં વીરપ્પન તેમના ડઝનેક સાગરિતો સાથે ફાર્મહાઉસ ઉપર ત્રાટક્યો. તેણે રાજકુમારનાં પત્ની તથા ડ્રાઇવર સિવાયના લોકોને બાનમાં લીધા.

પર્વથમ્માને ચંદનચોર તરીકે કુખ્યાત વીરપ્પને ખાતરી આપી કે અભિનેતાને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચે અને તેઓ સલામત રહેશે. સાથે જ સ્થાનિક પોલીસને સૂચના નહીં આપવાની ચેતવણી પણ આપી.

વીરપ્પને આ સાથે જ પાર્વથમ્માને એક કૅસેટ આપી, જે રાજ્ય સરકારને પહોંચાડવા માટે કહ્યું, જેમાં વાટાઘાટો માટે દૂત મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.

કર્ણાટકના તત્કાલીન મુખ્ય મંત્રી એસ. એમ. ક્રિષ્નાએ વીરપ્પનની માગણીઓને 'ખુલ્લા મને' વિચારવાની વાત કહી હતી.

ફૅન્સમાં આક્રોશની હવા

વીડિયો કૅપ્શન, ગુજરાતની મગફળીમાં એવું શું ખાસ છે કે તામિલનાડુથી વેપારીઓ તેને ખરીદવા ગુજરાત આવે છે?

જ્યારે ડૉ. રાજકુમારનું અપહરણ કરવામાં આવ્યું, ત્યાર સુધીમાં તેઓ 200થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા હતા. તેઓ દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ વિજેતા હતા.

તો સામા પક્ષે વીરપ્પને ચંદનના લાકડાની દાણચોરી અને હાથીઓના શિકાર દ્વારા કુખ્યાતી મેળવી લીધી હતી. તેના ઉપર 120થી વધુ હત્યાના આરોપ હતા.

વીરપ્પનનો જન્મ (વર્તમાન સમયના) કર્ણાટક અને તામિલનાડુ રાજ્યની સીમા ખાતેના ગામડામાં થયો હતો. છતાં કર્ણાટકમાં રહેતા અભિનેતા રાજકુમારના અમુક સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા. બેંગ્લોરમાં (વર્તમાન સમયનું બૅંગ્લુરુ) તામિલ મૂળના લોકોના વેપારી એકમો ઉપર હુમલા થયા અને રાહદારી તામિલો પણ આક્રોશનો ભોગ બન્યા.

તામિલનાડુથી કર્ણાટકમાં આવતા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ક્રિષ્ના સરકારે બેંગ્લોર સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવાની ફરજ પડી.

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ સમયે નાયબ મુખ્ય મંત્રીપદના દાવેદાર મનાતા હતા. તેમને ઇચ્છિત પદ તો નહોતું મળ્યું, પરંતુ રાજ્યના ગૃહ મંત્રી હતા. જે કોઈપણ રાજ્ય સરકારમાં ટૅક્નિકલી 'નંબર ટુ'નું પદ ગણાય.

રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં પોલીસબળોની વધારાની કૂમકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉતારવામાં આવી. શાળાઓને પણ બંધ કરવાની ફરજ પડી.

આગ લગાડતી માગ

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કન્નડ અભિનેતા રાજકુમાર તેમની એક ફિલ્મના દૃશ્યમાં

તામિલ અખબારના તંત્રી એન. ગોપાલે વાટાઘાટો માટે સરકારી દૂત બનવાની વાત સ્વીકારી. અગાઉ તેમણે વીરપ્પનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

ડૉ. રાજકુમારનું અપહરણ થયું તેના બે-એક વર્ષ આઠેક લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારે એન. ગોપાલે સફળતાપૂર્વક મધ્યસ્થી કરી હતી અને તેમને છોડાવ્યા હતા.

કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે ભાષા અને હદવિસ્તાર જેવા મુદ્દે વિવાદ રહ્યા છે. આ સિવાય કાવેરી જળવિતરણ પણ બંને રાજ્યની પ્રજા માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.

વીરપ્પને કન્નડ અભિનેતાને છોડવા માટે જે અમુક માગો મૂકી, તેમાંથી અમુક રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ અને ચોંકાવનારી હતી. (ડૉક્યુસિરીઝ ધ હન્ટ ફૉર વીરપ્પન)

જેમ કે, વર્ષ 1991ના કાવેરી હુલ્લડોમાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને પૂરતું વળતર આપવું, કર્ણાટક સરકાર તામિલને અધિક વહીવટી ભાષા તરીકે સ્વીકારે, કર્ણાટકની જેલમાં સબડતાં ટાડાના અટકાયતીઓને છોડી મૂકવા, બેંગ્લોરમાં તામિલ સંત થિરૂવલ્લૂરની પ્રતિમા મૂકવી અને કાવેરી જળવિવાદનો કાયમી ઉકેલ લાવવો.

આ બધી માગો બંને રાજ્યના લોકોનો આક્રોશ વધારનારી જ હતી. વીરપ્પનના ભૂતકાળના અપહરણના મામલાને જોતા તે લાંબો ખેંચાશે એનો અંદાજ હતો, પરંતુ આ વખતે તે સંવેદનશીલ પણ બની ગયો હતો.

કર્ણાટકની એસ.એમ. ક્રિષ્ના સરકારે વર્ષ 1992થી તેની જેલમાં બંધ 30 જેટલા કેદીઓ સામેના કેસ પડતા મૂકીને તેમને છોડી મૂકવાની તૈયારી દાખવી. વીરપ્પનને પકડવાના અભિયાનમાં મૃત્યુ પામનારા પોલીસ અધિકારીના પિતાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

સુપ્રીમ કોર્ટે એસ.એમ. ક્રિષ્ના સરકારના નિર્ણયની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને બંધકોની મુક્તિને અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરી દીધી. અદાલતે પૂછ્યું, "છેલ્લાં આઠ વર્ષથી તમે શું કરતા હતા? તમે લોકોને શું સુરક્ષા આપી?"

એક તબક્કે અદાલતે અવલોક્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવીએ રાજ્ય સરકારની ફરજ છે અને જો તે એમ કરી શકે તેમ ન હોય, તો તેણે માર્ગ કરી આપવો જોઈએ.

ક્રિષ્નાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટના વિચારો ઉપર અમે ગંભીર ટિપ્પણી ન કરી શકીએ, પરંતુ ચુકાદો અમને બંધનકર્તા છે. અમે વહેલી તકે રાજકુમારની સમસ્યાને ઉકેલવા માગીએ છીએ."

વિવાદનો અંત, કારકિર્દીમાં અલ્પવિરામ

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, KATHIRAVAN

ઇમેજ કૅપ્શન, આ ઍમ્બુલન્સમાં વીરપ્પનની દાસ્તાનનો અંત આવ્યો હતો

લગભગ 108 દિવસ સુધી અપહરણનું પ્રકરણ ચાલ્યું. આ દરમિયાન ક્રિષ્ના સરકારે તેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. રાજકુમારને છોડવા માટે ખુદ મુખ્ય મંત્રી ક્રિષ્નાએ ઑલ ઇન્ડિયા રેડિયો પરથી વ્યક્તિગત અપીલ કરી હતી.

તામિલનાડુ અને કર્ણાટકની સરકારે ધીરજપૂર્વક વાટાઘાટો ચાલુ રાખી. અનેક ચઢાવઉતાર પછી બંધકોની મુક્તિ શક્ય બની.

રાજકુમારને છોડાવવા માટે રૂ. 30 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે, અભિનેતાના પરિવારે હંમેશા આ વાતને નકારી હતી.

વીરપ્પન બે વર્ષ પછી ફરી એક વખત ત્રાટક્યો અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ. નાગપ્પનાનું અપહરણ કર્યું. લગભગ 100 દિવસ સુધી અપહરણમાં રાખ્યા બાદ વીરપ્પને બંધકની હત્યા કરી નાખી હતી.

બેંગ્લુરુસ્થિત વરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરૈશીના મતે, ક્રિષ્ના સરકારની આઈટી નીતિઓએ બેંગ્લુરુને 'ભારતની સિલિકૉન વૅલી' બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે પ્રાઇવેટ કંપનીના સીઈઓની જેમ સરકારી તંત્ર પાસેથી કામ લીધું.

અઝીમ પ્રેમજી (વીપ્રો) અને નારાયણ મૂર્તી (ઇન્ફોસિસ) જેવા નવા સાહસિક ભારતીય ઉદ્યોગપટલ પર જોવા મળ્યા. આ ઉદ્યોગપતિઓ બેંગ્લુરુમાં ફરતા હતા ત્યારે 'કડક ભાષા'માં સુરક્ષા લેવાનો સંદેશ આપ્યો હતો, જેથી કરીને ખંડણી જેવી ઘટના ફરી ન ઘટે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, rajbhavan-maharashtra.gov.in

વર્ષ 2004માં એસ.એમ. ક્રિષ્નાએ કર્ણાટકમાં વહેલી ચૂંટણીઓ યોજી. હજુ દુકાળના ડાકલા શાંત નહોતા થયા. ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ ઊભી થઈ. કોઈપણ પક્ષ સરકાર બનાવી શકે તેમ ન હતો.

કૉંગ્રેસ અને પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાની જનતાદળની વચ્ચે ગઠબંધન થયું. બંને પક્ષ વચ્ચે મુખ્ય મંત્રી તરીકે કૉંગ્રેસના નેતા ધરમસિંહનું નામ નક્કી થયું.

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનું પતન થયું હતું અને કૉંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા ઉપર આવી હતી. જેણે ક્રિષ્નાને મહારાષ્ટ્રના ગવર્નર બનાવ્યા. આ રીતે તેમને સન્માનજનક સ્થાન આપવાનો પણ પ્રયાસ હતો.

ક્રિષ્ના ઘણીવખત નજીકના લોકોને કહેતા કે મારે રાજ્યપાલપદ નહોતું સ્વીકારવું જોઇતું અને કર્ણાટકમાં જ રહીને લોકોની સમસ્યાઓને વાચવા આપવાની જરૂર હતી.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રમાં બીજી વખત ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર બની ત્યારે એસ.એમ. ક્રિષ્નાને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. જે 'ટોચના ચાર' ખાતામાંથી એક હતું.

ફેબ્રુઆરી-2011માં સંયુક્ત રાષ્ટ્રમાં ત્રણ મિનિટ સુધી તેઓ પૉર્ટુગલના વિદેશ મંત્રીનું ભાષણ વાંચી ગયા હતા અને આ અંગે તેમનું ધ્યાન દોરવું પડ્યું હતું.

ક્રિષ્નાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે મારી સામે ઘણા કાગળ વિખેરાયેલા પડ્યા હતા, એમાં ધ્યાન ન રહ્યું. દરેક ભાષણમાં શરૂઆતનું બધું સરખા જેવું હોય એટલે તેમનું ધ્યાન નહોતું પડ્યું, એમાં કોઈ મોટી વાત નથી.

વર્ષ 2012માં ડૉ. મનમોહનસિંહે સરકારમાં ફેરબદલ કર્યા, ત્યારે 'નવલોહિયાઓને સ્થાન આપવા' તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. એ સમયે તેઓ 80 વર્ષના હતા.

વર્ષ 2017માં તેઓ ભાજપમાં જોડાયા. વર્ષ 2023માં રાજકીયક્ષેત્રે આપેલા પ્રદાન બદલ તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત થયો. જે ભારતરત્ન પછી બીજું સૌથી મોટું નાગરિકસન્માન છે.

ક્રિષ્ના અમેરિકામાં સ્નાતક તથા સ્નાતકોત્તર અભ્યાસ કરીને વર્ષ 1962માં વતન પરત ફર્યા હતા. તેમણે બેંગ્લોરની એક કૉલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી, પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. ક્રિષ્ના, અવસાન, કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમાર, ચંદનચોર વીરપ્પન, તામિલનાડુ અને કર્ણાટક સ્પેશિયલ ટાસ્કફોર્સ

ઇમેજ સ્રોત, SIVASUBRAMANIAM

વર્ષ 1964માં પ્રેમા સાથે લગ્ન કર્યું અને બે પુત્રીઓના પિતા બન્યા. વર્ષ 1968માં તેઓ પીએસપીની ટિકિટ ઉપર સંસદસભ્ય બન્યા. એ પછી કૉંગ્રેસમાં આવી ગયા.

એ પછીના એક દાયકા દરમિયાન તેઓ સંસદસભ્ય અને કર્ણાટકની કૉંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા. જનતા સરકારના પતન પછી કેન્દ્રમાં ઇંદિરા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર બની ત્યારે તેઓ સંસદસભ્ય હતા.

ઇંદિરા ગાંધીએ તેમને પોતાના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપ્યું. એમના અચાનક મૃત્યુ પછી તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા અને તેમણે પણ ક્રિષ્નાને મંત્રીમંડળમાં સમાવ્યા.

નવમી કર્ણાટક વિધાનસભા (1989થી '94) કૉંગ્રેસ માટે ઉથલપાથલ ભરેલી રહી હતી. પાર્ટીએ ત્રણ મુખ્ય મંત્રી જોયા અને એક વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાદવાની જરૂર પડી.

વર્ષ 1992માં વીરપ્પા મોઇલીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે ક્રિષ્નાને નાયબમુખ્ય મંત્રીપદ મળ્યું હતું. એ પહેલાં ટર્મના બે વર્ષ દરમિયાન તેઓ રાજ્યની વિધાનસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા.

ડૉ. રાજકુમારનું અપહરણ થયું એના લગભગ એક વર્ષ બાદ જુલાઈ-2001માં તામિલનાડુનાં નવાં ચૂંટાયેલાં મુખ્ય મંત્રી જે. જયલલિતાએ આઈપીએસ અધિકારી વિજય કુમારને તામિલનાડુ ટાસ્ક ફોર્સના વડા બનાવ્યા.

લગભગ ત્રણ વર્ષની મહેનત બાદ તા. 18 ઑક્ટોબર 2004ના એસટીએફ અને વીરપ્પન વચ્ચે અથડામણ થઈ, જેમાં કુખ્યાત ડાકૂનું મૃત્યુ થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.