ચંદનચોર વીરપ્પન જ્યારે ફૉરેસ્ટ ઑફિસરનું માથું કાપી તેનાથી ફૂટબૉલ રમ્યો

વીરપ્પન
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • 18 જાન્યુઆરી, 1952માં જન્મેલા વીરપ્પન વિશે કહેવાય છે કે, એણે 17 વર્ષની ઉંમરે પહેલી વાર હાથીનો શિકાર કર્યો હતો
  • ઈ.સ. 2000માં વીરપ્પને દક્ષિણ ભારતના મશહૂર અભિનેતા રાજકુમારનું અપહરણ કર્યું હતું
  • તમે ગુનાની દુનિયાનાં ક્રૂરતાપૂર્ણ અનેક ઉદાહરણ સાંભળ્યાં હશે, પણ એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ લુટારુ કે ડાકુએ પોતાને બચાવવા માટે પોતાની નવજાત બાળકીનો બલિ ચઢાવ્યો હોય
લાઇન

એમનાં બાવડાંના ગોટલા એવા હતા કે, એમના સાથીદારો એમને રૅમ્બો કહીને બોલાવતા હતા. રૅમ્બો ગોપાલકૃષ્ણનની ખાસિયત એ હતી કે, તેઓ વીરપ્પનની વન્નિયાર જાતિના હતા.

9 એપ્રિલ, 1993ની સવારે કોલાથપુર ગામમાં એક મોટું બૅનર જોવા મળેલું, જેમાં વીરપ્પન તરફથી રૅમ્બોને ગંદી ગાળો લખેલી હતી. એમાં એમને પડકાર અપાયો હતો કે, જો તાકાત હોય તો વીરપ્પનને પકડે.

રૅમ્બોએ નક્કી કર્યું કે, એ જ સમયે તેઓ વીરપ્પનને પકડવા જશે. જેવા એ પલારપુલ પાસે પહોંચ્યા કે, એમની જીપ બગડી. એ જીપ તેમણે ત્યાં જ છોડી દીધી અને પુલ પર ચોકીપહેરો ભરતી પોલીસ પાસેથી બે બસ માગી લીધી. પહેલી બસમાં 15 ખબરીઓ, 4 પોલીસ અને 2 વનરક્ષકો સાથે રૅમ્બો બેઠા.

line

વીરપ્પનનો આતંક

વીરપ્પનની ક્રૂરતા

ઇમેજ સ્રોત, Getty Images

પાછળ આવતી બીજી બસમાં પોતાના છ સાથીદારો સાથે તામિલનાડુ પોલીસના ઇન્સ્પેક્ટર અશોકકુમાર બેઠા હતા. વીરપ્પનની ગૅંગે પૂરઝડપે આવતી બસોના અવાજ સાંભળ્યા અને તેઓ પરેશાન થઈ ગયા કેમ કે, તેમને એમ હતું કે રૅમ્બો જીપમાં આવશે.

પરંતુ વીરપ્પને દૂરથી જોઈને જ સીટી મારી હતી. દૂરથી જ એણે આગળની બસમાં પહેલી સીટ પર બેઠેલા રૅમ્બોને જોઈ લીધા હતા. જેવી બસ ચોક્કસ સ્થાને પહોંચી કે તરત જ વીરપ્પનની ગૅંગના સભ્ય સાઇમને સુરંગ સાથે જોડાયેલી 12 વોલ્ટની કાર બૅટરીના તાર જોડી દીધા.

એક મોટો ધડાકો થયો. તાપમાનમાં 3000 ડિગ્રી સેલ્સિયસ ગરમી ફેલાઈ ગઈ. બસોની નીચેની ધરતી ખળભળી ગઈ અને આખેઆખી બસ હવામાં ઊછળી અને પથ્થરો તથા ધાતુના કાટમાળ સાથે ટુકડા-ટુકડા થઈ ગયેલા માંસના લોચા 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીન પર પડ્યા.

કે. વિજયકુમારે પોતાના પુસ્તક 'વીરપ્પન ચેન્જિંગ ધ બ્રિગાન્ડ'માં લખ્યું છે કે, "દૃશ્ય એટલું ભયાનક હતું કે, દૂર ટેકરીની આડમાં બેઠેલો વીરપ્પન પણ ભયથી કંપવા લાગેલો અને એનું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હતું. થોડી વાર પછી જ્યારે ઇન્સ્પેક્ટર અશોકકુમાર ત્યાં પહોંચ્યા તો એમણે ટુકડેટુકડા થઈ ગયેલાં 21 શબ ગણ્યાં હતાં."

અશોકકુમારે વિજયકુમારને જણાવ્યું કે, એમણે બધાં શબ અને ઘાયલોને પાછળની બસમાં મૂક્યાં પણ એ અસ્વસ્થતામાં અમે અમારા એક સાથીદાર સુગુમારને ત્યાંથી લાવવાનું ભૂલી ગયા, કેમ કે હવામાં ઊડીને એ થોડે દૂર પડ્યા હતા અને બસ ત્યાંથી નીકળી ગઈ પછી એમને એની ખબર પડી હતી. થોડી વાર પછી એ મૃત્યુ પામ્યા.

વીરપ્પનનો આ પહેલો મોટો હુમલો હતો, જેણે એને આખા ભારતમાં કુખ્યાત કરી દીધો.

18 જાન્યુઆરી, 1952માં જન્મેલા વીરપ્પન વિશે કહેવાય છે કે, એણે 17 વર્ષની ઉંમરે પહેલી વાર હાથીનો શિકાર કર્યો હતો. હાથીને મારવાની એક રીત એને સૌથી વધુ પસંદ હતી, હાથીના માથામાં વચ્ચોવચ ગોળી મારવી.

line

જ્યારે પકડાયો હતો વીરપ્પન

કે. વિજયકુમાર જણાવે છે કે, "એક વાર વન અધિકારી શ્રીનિવાસે વીરપ્પનને પકડ્યો હતો પણ એણે સુરક્ષાકર્મીઓને કહ્યું કે એનું માથું દુઃખે છે, માટે એને તેલ આપે, જેથી માથા પર લગાડી શકે. એણે એ તેલ પોતાના માથામાં ઘસવાના બદલે પોતાના હાથ પર ચોપડી દીધું. થોડી જ મિનિટોમાં એનાં કાંડાં હાથકડીમાંથી નીકળી ગયાં. જોકે વીરપ્પન ઘણા દિવસો સુધી પોલીસની કસ્ટડીમાં હતો, પણ એની આંગળીઓની છાપ નહોતી લેવાઈ."

વીરપ્પન એટલો બધો ખૂંખાર હતો કે, એક વાર એણે ભારતીય વનસેવાના એક અધિકારી પી. શ્રીનિવાસનું માથું ધડથી અલગ કરી દીધેલું અને એનાથી જ પોતાના સાથીદારો સાથે ફૂટબૉલ રમ્યો હતો. આ એ જ શ્રીનિવાસ હતા જેમણે વીરપ્પનની ધરપકડ કરી હતી.

વિજયકુમાર જણાવે છે કે, "શ્રીનિવાસ વીરપ્પનના નાના ભાઈ અરજૂનન સાથે સતત સંપર્કમાં હતા. એક દિવસ એણે શ્રીનિવાસને કહ્યું કે, વીરપ્પન આત્મસમર્પણ માટે તૈયાર છે. એણે કહ્યું કે, તમે નામદેલ્હી તરફ ચાલવાનું શરૂ કરો. તે તમને રસ્તામાં મળશે. શ્રીનિવાસ કેટલાક લોકો સાથે વીરપ્પનને મળવા માટે રવાના થયા. આ દરમિયાન શ્રીનિવાસને એવું ન લાગ્યું કે, ધીરે-ધીરે એક પછી બધા લોકો તેમનો સાથ છોડીને ચાલ્યા ગયા."

line

વીરપ્પનની ક્રૂરતા

"એક સમય એવો આવ્યો કે, વીરપ્પનનો ભાઈ અરજૂનન એકલો જ એમની સાથે હતો. જ્યારે તેઓ એક તળાવ પાસે પહોંચ્યા, ત્યારે એક ઝાડીમાં કેટલાક લોકોના પડછાયા દેખાયા. એમાં એક ઊંચા શખસની લાંબી લાંબી મૂછો હતી. શ્રીનિવાસ પહેલાં તો એમ સમજેલા કે વીરપ્પન હથિયાર છોડીને આત્મસમર્પણ કરશે. પછી એમને લાગ્યું કે કંઈક ગરબડ છે."

"વીરપ્પનના હાથમાં રાઇફલ હતી અને એ એમને એકીટશ ગુસ્સાથી જોઈ રહ્યો હતો. શ્રીનિવાસે પાછળ ફરીને જોયું તો અરજૂનની સાથે તેઓ બિલકુલ એકલા હતા. વીરપ્પન એમને જોઈ જોર જોરથી હસવા લાગ્યો. શ્રીનિવાસ કંઈ કહે એ પહેલાં જ વીરપ્પને ગોળી છોડી. પણ, વીરપ્પન એક ગોળી છોડીને અટક્યો નહીં; એણે શ્રીનિવાસનું માથું કાપી નાખ્યું અને એને ટ્રોફીની જેમ પોતાના ઘરે લઈ ગયો. ત્યાં એમણે અને તેની ગૅંગના લોકો એ માથાને ફૂટબૉલની જેમ રમ્યા."

તમે ગુનાની દુનિયાનાં ક્રૂરતાપૂર્ણ અનેક ઉદાહરણ સાંભળ્યાં હશે, પણ એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ લુટારુ કે ડાકુએ પોતાને બચાવવા માટે પોતાની નવજાત બાળકીનો બલિ ચઢાવ્યો હોય.

વિજયકુમાર જણાવે છે કે, "1993માં વીરપ્પનને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. ત્યાં સુધીમાં એની ગૅંગના સભ્યોની સંખ્યા 100ની ઉપર પહોંચી ગયેલી. એક બાળકના રડવાનો અવાજ 110 ડેસિબલની આસપાસ હોય છે જે વીજળીના કડાકાના અવાજ કરતાં માત્ર 10 ડેસિબલ જેટલો જ ઓછો હોય છે. રાત્રિસમયે જંગલમાં બાળકના રડવાનો અવાજ અઢી કિલોમીટર દૂર સુધી સંભળાય છે."

"એ બાળકીના રડવાના અવાજના કારણે વીરપ્પન એક વાર મુસીબતમાં મુકાયો હતો. એ કારણે, એણે પોતાની દીકરીનો અવાજ કાયમ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો. 1993માં કર્ણાટક એસટીએફને મારી માડુવૂમાં એક સમતળ જમીન કંઈક ઊપસેલી દેખાઈ હતી. જ્યારે એ ખોદીને તપાસ કરવામાં આવી તો નીચેથી એક નવજાત બાળકીનું શબ મળ્યું હતું."

line

100 દિવસ સુધી ચુંગલમાં

વીરપ્પને દક્ષિણ ભારતના મશહૂર અભિનેતા રાજકુમારનું અપહરણ કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઈ.સ. 2000માં વીરપ્પને દક્ષિણ ભારતના મશહૂર અભિનેતા રાજકુમારનું અપહરણ કર્યું હતું. રાજકુમાર 100થી વધુ દિવસ સુધી વીરપ્પનની ચુંગલમાં રહ્યા. આ દરમિયાન એણે (વીરપ્પને) કર્ણાટક અને તામિલનાડુ, બંને રાજ્ય સરકારોને ઘૂંટણિયે કરી દીધી હતી.

જૂન, 2001માં સવારના 11 વાગ્યાની આસપાસ વરિષ્ઠ આઇપીએસ અધિકારી કે. વિજયકુમારના ફોનની ઘંટડી વાગી. ફોનની સ્ક્રીન પર નામ ફ્લૅશ થયું, 'અમ્મા'. એમણે જયલલિતાના ફોનનંબરને અમ્મા નામે સેવ કર્યો હતો.

જયલલિતા સમય ગુમાવ્યા વગર સીધાં મુદ્દાની વાત કહેવા લાગ્યાં, "અમે તમને તામિલનાડુ સ્પેશિયલ ટાસ્ક ફૉર્સના વડા બનાવી રહ્યાં છીએ. આ ચંદનચોરની સમસ્યા કંઈક વધારે જ વધી ગઈ છે. તમને આવતીકાલ સુધીમાં તમારા આદેશ મળી જશે."

એસટીએફના વડા બનતાંની સાથે જ વિજયકુમારે વીરપ્પન વિશે ખાનગી માહિતીઓ એકત્ર કરવાનું શરૂ કરી દીધું. એમાં જાણવા મળ્યું કે, વીરપ્પનની આંખમાં તકલીફ છે. એ જ્યારે પોતાની મૂછોને ડાઇ (કાળો રંગ કરવો) કરતો હતો, ત્યારે કૅમિકલનાં કેટલાંક ટીપાં તેની આંખમાં પડ્યાં હતાં.

જયલલિતા સાથે વિજયકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

વિજયકુમાર જણાવે છે કે, "વીરપ્પનને બહારની દુનિયામાં ઑડિયો અને વીડિયો ટેપ્સ મોકલવાનો શોખ હતો. એક વાર આવા જ વીડિયોમાં અમે જોયું કે વીરપ્પનને કાગળ વાંચવામાં તકલીફ પડે છે. ત્યારે અમને પહેલી વાર સંકેત મળ્યો હતો કે, એની આંખમાં કંઈક ગરબડ છે. પછી અમે નક્કી કર્યું કે, અમે અમારું દળ નાનું રાખીશું. જ્યારે પણ અમે મોટા જૂથ માટે કરિયાણું વગેરે ખરીદતા હતા તો લોકોની નજરે ચડી જતા હતા અને વીરપ્પનને પહેલાંથી એની જાણકારી મળી જતી. તેથી અમે છ-છ લોકોની ઘણી ટીમ બનાવી."

વીરપ્પન માટે એવું છટકું ગોઠવ્યું કે, એણે પોતાની આંખના ઇલાજ માટે જંગલની બહાર નીકળવા મજબૂર થવું પડે. એના માટે એક ખાસ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી, જેના પર લખેલું, એસકેએસ હૉસ્પિટલ, સેલમ.

આ ઍમ્બ્યૂલન્સમાં એસટીએફના બે લોકો ઇન્સ્પેક્ટર વેલ્લઈદુરઈ અને ડ્રાઇવર સરવનન પહેલાંથી જ બેઠા હતા. વીરપ્પને સફેદ કપડાં પહેર્યાં હતાં અને ઓળખ છુપાવવા એણે પોતાની મશહૂર હૅન્ડલબાર મૂછોને કપાવી નાખી હતી.

પહેલાંથી નક્કી કરાયેલા સ્થાને ડ્રાઇવર સરવનને એટલી જોરથી બ્રેક મારી કે ઍમ્બ્યુલન્સમાં બેઠેલા બધા લોકો પોતાની જગ્યાએથી પડી ગયા. વિજયકુમાર એ દૃશ્યને યાદ કરતાં જણાવે છે કે, "તેઓ ખૂબ ઝડપે આવતા હતા. સરવનને એટલી જોરથી બ્રેક મારી કે ટાયરમાંથી અમને ધુમાડો નીકળતો દેખાયો. અમને ટાયર બળવાની ગંધ આવવા લાગી. સરવનન દોડીને મારી પાસે આવ્યો."

line

વિજયકુમારનું વિજય-અભિયાન

વીરપ્પનનું પ્રકરણ પૂરું કરનાર પોલીસ અધિકારી વિજયકુમાર

"મેં એના મોંથી સ્પષ્ટ સાંભળ્યું કે, વીરપ્પન ઍમ્બ્યુલન્સની અંદર છે. એ જ સમયે મારા આસિસ્ટન્ટનો અવાજ મેગા ફોન પર ગુંજ્યો, 'હથિયાર મૂકી દો. તમે બધી બાજુથી ઘેરાયેલા છો.' પહેલી ગોળી એમના તરફથી છોડવામાં આવી. પછી અમારી ચારે દિશામાંથી ગોળીઓ છૂટવા લાગી. મેં પણ મારી એકે 47ની આખી બર્સ્ટ ઍમ્બ્યુલન્સ ઉપર ખાલી કરી દીધી. થોડી વાર પછી ઍમ્બ્યુલન્સમાંથી જવાબી ગોળીબાર બંધ થઈ ગયા."

"અમે એમના પર કુલ 338 (ગોળી) રાઉન્ડ છોડ્યા. વાતાવરણ એકાએક ધુમાડિયું થઈ ગયું. એવામાં એક પડછંદ અવાજ આવ્યો, ઑલ ક્લિયર. એન્કાઉન્ટર 10 વાગ્યા ને 50 મિનિટે શરૂ થયેલું. 20 મિનિટમાં તો વીરપ્પન અને તેના ત્રણ સાથીદારો મરી ગયા હતા."

આશ્ચર્યની વાત એ હતી કે, વીરપ્પનને માત્ર બે ગોળી વાગી હતી. સાઠના દાયકામાં જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ ગાલની કાર પર 140 ગોળીઓ છોડાયેલી, ત્યારે પણ માત્ર સાત ગોળી જ એમની કાર પર વાગી હતી.

મેં વિજયકુમારને પૂછ્યું કે, જ્યારે તમે ઍમ્બ્યુલન્સમાં ઘૂસ્યા ત્યારે શું વીરપ્પન જીવતો હતો?

એમનો જવાબ હતો, "એના છેલ્લા શ્વાસ ચાલતા હતા. મને સ્પષ્ટ દેખાતું હતું કે, તે મરી રહ્યો છે. તરત જ મેં એને હૉસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. એની ડાબી આંખમાંથી એક ગોળી આરપાર નીકળી ગઈ હતી. મૂછ વગરનો વીરપ્પન એક સાધારણ માણસ લાગતો હતો. પછીથી, એનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર વલ્લીનાયગમે મને જણાવેલું કે, વીરપ્પનની ઉંમર 52 વર્ષની હતી, છતાં તેનું 25 વર્ષના યુવક જેવું હતું."

વીરપ્પન મરી ગયો એ વાતનો એસટીએફના લોકોને એકદમ વિશ્વાસ ન બેઠો કે ખરેખર આવું થયું છે! જેવો લોકોને એહસાસ થયો, ત્યારે ઉત્સાહથી એમણે પોતાના વડા વિજયકુમારને ખભે ઊંચકી લીધા. વિજયકુમાર ઉતાવળાં પગલાં ભરતાં બબ્બે પગથિયાં એકસાથે ચડતાં સ્કૂલના ધાબે પહોંચી ગયા.

ત્યાંથી એમણે તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાને ફોન કર્યો. એમનાં સચિવ શીલા બાલાકૃષ્ણને ફોન રિસીવ કર્યો. તેમણે કહ્યું, "મેડમ, સૂવા માટે ગયાં."

વિજયકુમારે કહ્યું, "મારા ખ્યાલ પ્રમાણે, મારે જે કંઈ કહેવું છે તે સાંભળીને તેઓ ખૂબ ખુશ થશે."

વિજયકુમાર એ ક્ષણોને યાદ કરતાં જણાવે છે કે, "બીજી જ મિનિટે મેં જયલલિતાનો અવાજ સાંભળ્યો. મારા મોંથી શબ્દો નીકળ્યા, 'મૅમ, વી હૅવ ગૉટ હીમ.' જયલલિતાએ મને અને મારી ટીમને અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા પછી મને આટલા સરસ સમાચાર ક્યારેય નથી મળ્યા."

ફોન કાપ્યા બાદ વિજયકુમાર પોતાની જીપ તરફ ચાલ્યા. એમણે ઍમ્બ્યુલન્સ પર છેલ્લી નજર નાખી. ઍમ્બ્યુલન્સની વાદળી બત્તી હજી પણ ગોળ ગોળ ફરતી હતી. મજાની વાત એ કે એ બત્તીને એક પણ ગોળી નહોતી વાગી. એમણે એને સ્વિચ-ઑફ કરવાનો હુકમ આપ્યો. બત્તી બંધ થઈ ગઈ, જાણે આખી દુનિયાને જાણ કરતી હોય એમ કે, 'મિશન પૂરું થયું.'

(આ સ્ટોરી 2017માં પ્રકાશિત થઈ હતી.)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન