ફ્રાન્સ: રાષ્ટ્રપતિ મેક્રોં સામે મુસ્લિમોના વિરોધપ્રદર્શનથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં હલચલ

ઇમેજ સ્રોત, SURAIH NIAZI/BBC
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સામે ભોપાલના ઇકબાલ મેદાનમાં મુસ્લિમોએ કરેલા એક વિરોધપ્રદર્શનથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં હલચલ મચી છે.
ગુરુવારે આયોજિત કરવામાં આવેલા આ વિરોધપ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમોએ ન ફક્ત ફ્રાન્સનો વિરોધ કર્યો બલકે ફાન્સના ધ્વજને આગચંપી પણ કરી.
ગત દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇસ્લામ ધર્મને સંકટમાં ગણાવ્યો હતો.
એમણે મોહમ્મદ પેગંબરનું એક આપત્તિજનક કાર્ટૂન બતાવનાર શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા પછી કહ્યું કે તેઓ ઇસ્લામિક ચરમપંથી લોકો સામે સખત કાર્યવાહી કરશે.

ઇમેજ સ્રોત, EPA
મેક્રોંના આ નિવેદન પછી દુનિયાના અનેક દેશોમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. ભોપાલમાં પણ વિરોધપ્રદર્શન થયું. ભોપાલના આ વિરોધપ્રદર્શનનું શહેરના મુસ્લિમ ઉલેમાઓ ઉપરાંત કૉંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્યે પણ સમર્થન કર્યું હતું.
ભોપાલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મુસ્લિમો વિશે કરેલી વાતો વિશે નાના પાયે વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ ગુરુવારે આ મોટું વિરોધપ્રદર્શન આયોજિત થયું. આ વિરોધમાં લોકોએ ઇમેન્યુઅલ મેક્રોંના પોસ્ટરોને જમીન પર પાથર્યાં હતાં જેથી એના પર પગ મૂકી શકાય.

પેટાચૂંટણી ટાણે રાજકારણમાં હલચલ

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY
આ વિરોધપ્રદર્શન પછી હવે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના નેતાઓએ તેની સામે વાંધો ઉઠાવ્યો એ પછી મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને કહ્યું કે, "મધ્ય પ્રદેશ શાંતિનો ટાપુ છે અને તેની શાંતિ ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવામાં આવશે."
એમણે લખ્યું કે, "આ કેસમાં 188 આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોઈ પણ દોષીને બક્ષવામાં નહીં આવે, ભલે એ ગમે તે હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, EPA
જિલ્લા કલેકટરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સામે હજારો લોકો સામે કોરોના ગાઇડલાઇનના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. પ્રદર્શનકારીઓ પર આરોપ છે કે એમણે તંત્ર દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન ન કર્યું.
ભાજપના પ્રવક્તા રજનીશ અગ્રવાલે કહ્યું કે આ પાર્ટી દ્વારા અધિકૃત પ્રદર્શન હતું કે નહીં એ કૉંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ.

ભાજપ-કૉંગ્રેસ સામસામે

ઇમેજ સ્રોત, EPA
રજનીશ અગ્રવાલે કહ્યું કે "દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે નિયમો અને કાયદાનુસાર થવું જોઈએ. કોઈ પણ વિરોધ કે પ્રદર્શન હોય એમાં નિયમોનું પાલન થવું જોઈએ."
કૉંગ્રેસે આ પ્રદર્શનનો બચાવ કર્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ કહ્યું કે "પ્રદેશની આબોહવા શાંત છે. આ તો જન-ભાવનાઓની અભિવ્યક્તિ છે. કોઈના ધર્મગુરુ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવે છે કે અપમાન કરવામાં આવે છે ત્યારે આ ક્રિયાની પ્રતિક્રિયા છે. "
એમણે કહ્યું, "આ શાંતિપૂર્ણ પ્રદર્શન હતું. કોઈને માહોલ ખરાબ કરવાની પરવાનગી ન હોવી જોઈએ પણ આ શાંતિપૂર્ણ હતું. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેકને છે અને આ પ્રદર્શનમાં કોઈ અરાજકતા હોય એવું જોવા નથી મળ્યું."
જોકે આ વિરોધપ્રદર્શનમાં ધર્મગુરુઓની સાથે કૉંગ્રેસના ધારાસભ્યની હાજરીથી મામલાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, EPA
આરિફ મસૂદે કહ્યું કે "ભારત સરકારે મુસ્લિમોની ભાવનાઓને ધ્યાનમાં લઈ ફ્રાન્સના રાજદૂતને બોલાવી રાષ્ટ્રપતિના નિવેદન પર વાત કરવી જોઈએ."
આરિફ મસૂદ સવાલ કરે છે કે "શું આ વિરોધપ્રદર્શન પછી ભોપાલમાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ છે?"
એમણે કહ્યું, "પચીસ હજાર લોકો ભેગા થયા. શાંતિથી પોતાની વાત રજૂ કરી અને જતા રહ્યા. આનાથી વધારે શાંતિપૂર્ણ શું હોઈ શકે. શું અમે અમારા અધિકાર અને ન્યાયની વાત પણ ન કરીએ? અમારા ધર્મ, અમારા ધર્મગુરુ અને અમારા પેગંબર પર ટિપ્પણી થાય તો પણ અમે ચૂપ રહીએ?"
એમણે કહ્યું કે, "ચૂંટણીની જે રેલીઓમાં ભીડ ભેગી થઈ રહી છે એના પર ટ્વીટ થવું જોઈએ."

મેક્રોંના નિવેદનની ટીકા

ઇમેજ સ્રોત, SURAIH NIAZI/BBC
મસૂદે કહ્યું કે "ખૂબ અફસોસની વાત છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ ઇસ્લામ અને ઇસ્લામના રહનુમા પેગંબરસાહેબને નિશાન બનાવનાર કાર્ટૂનનાં પ્રદર્શનોને હવા આપી અને જાણી જોઈને મુસ્લિમોની આસ્થાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી."
"ફ્રાન્સના રાષ્ટ્રપતિને ઇસ્લામ ધર્મ અંગે કોઈ સમજ નથી અને તેમ છતાં એમણે ઇસ્લામ પર હુમલો કરી દુનિયાભરમાં કરોડો મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડી છે."
ભોપાલના કાઝી સૈયદ મુશ્તાક અલી નદવીએ કહ્યું કે "પેગંબર-એ-ઇસ્લામે દુનિયામાં અમન અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જે ગુસ્તાખી કરી છે એ કોઈ પણ મુસલમાન માટે અસહ્ય છે."
ભોપાલ શહેરના મુફ્તી અબુલ કલામ કાસમીએ કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નિવેદન શરમજનક છે જેની સામે દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. અમે ભારત સરકાર પાસે માગણી કરીએ છીએ કે તે મુસલમાનો વતી ફ્રાન્સના રાજદૂતાવાસ સામે વિરોધ રજૂ કરે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ પોતાના નિવેદન બદલ માફી માગે."
આ વિરોધપ્રદર્શનમાં સામૂહિક દુઆનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં 28 બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે અને ભાજપ-કૉંગ્રેસ બેઉ માટે આ પેટાચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ચૂંટણીમાં આ વિરોધપ્રદર્શનની તસવીરો દ્વારા ધ્રુવીકરણનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














