ઇસ્લામ પર મેક્રોંના નિવેદન બાદ ફ્રાન્સની બિનસાંપ્રદાયિકતા પર પ્રશ્નો કેમ થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
'ધર્મ વગરનું રાજ્ય' જ ફ્રાન્સનો સરકારી ધર્મ છે. તમને ભલે નવાઈ લાગે પરતું વાસ્તિવકતા એ છે કે 'laicite' એટલે કે લૅસિતે અથવા 'ધર્મથી છૂટકારો' એ ફ્રાન્સની રાષ્ટ્રીય વિચારધારા છે.
ફ્રાન્સના રાજકારણ વિશે ઊંડી સમજ ધરાવતા ડૉમિનિક મૉઇસીએ 'લૅસિતે' પર અભિપ્રાય આપતાં એક વાર કહ્યું હતું કે આ પ્રથા અમારી ઉપર લાદવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, "લૅસિતે પ્રજાસત્તાક રાજ્યનો પ્રથમ ધર્મ બની ગયું છે."
ફાન્સમાં અત્યારે લૅસિતે શબ્દની બહુ ચર્ચા થઈ રહી છે. આ શબ્દને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંના ઇસ્લામ વિશેના તાજેતરના નિવેદન સાથે સાંકળવામાં આવી રહ્યો છે.
ફ્રાન્સના શિક્ષકે મહંમદ પેગંબરનું વિવાદિત કાર્ટૂન દેખાડવાનો જે નિર્ણય કર્યો તેનું મેક્રોંએ સમર્થન કરી રહ્યા છે અને શિક્ષકની હત્યા બાદ તેમણે કહ્યું હતું કે ઇસ્લામ સંકટમાં છે.
તેમણે ઇસ્લામને ફ્રાન્સની જરૂરીયાત પ્રમાણે આકાર આપવાની વાત કરી હતી.
નિવેદનો આપ્યાં બાદ તેમની અને મુસ્લિમ દેશોનો ઘણા નેતોઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું છે. ઘણા મુસ્લિમ દેશોમાં ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવાની માગ થઈ રહી છે.
16 ઑક્ટોબરની ઘટનાના કારણે ફ્રાન્સના લોકો હજુ આઘાતમાં છે. મહંમદ પેગંબરનાં વિવાદિત કાર્ટૂન દેખાડવા બદલ 18 વર્ષના મુસ્લિમ યુવાને ઘોળાદિવસે શિક્ષકની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં. રાષ્ટ્રપ્રમુખે પોતાના નિવેદનથી મુસ્લિમ દેશોના નેતાઓ અને મુસ્લિમ સમાજને નારાજ કરી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ લૅસિતેમાં પરિવર્તનને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ક્ટ્ટર બિનસાંપ્રદાયિકતા અથવા લૅસિતે શું છે?

ઇમેજ સ્રોત, ADEM ALTAN/Getty
'Laicite' એ ફ્રેન્ચ ભાષાના શબ્દ 'laity' થી આવ્યો છે, જેનો અર્થ થાય છે - સામાન્ય માનવી અથવા એવી વ્યક્તિ જે પાદરી ન હોય.
સાર્વજનિક બાબતોમાં લૅસિતે ફ્રાન્સની બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત છે, જેનો હેતુ છે ધર્મથી મુક્ત સમાજને પ્રોત્સાહન આપવું.
ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન આ વિચારધારાની શરૂઆત થઈ હતી.
આ વિચારધારાને કાયદકીય સ્વરૂપ આપવા માટે 1905માં એક કાયદા હેઠળ તેને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવામાં આવી.
આ કાયદામાં રાજ્યને ધર્મથી અલગ કરવામાં આવ્યું છે. આ વિચારમાં લોકો અને સાર્વજનિક સંસ્થાઓની સંગઠિત ધર્મના પ્રભાવથી સ્વતંત્રતા વિશે વાત કરવામાં આવી છે.
યુરોપના અન્ય દેશોની જેમ ફ્રાન્સમાં પણ સદીઓથી રોમન કૅથલિક ચર્ચનો પ્રભાવ રહ્યો છે.
આ સંદર્ભમાં 'ધર્મમુક્ત સમાજ'નો વિકાસ એક પ્રશંસાને લાયક પગલું હતું, 20મી સદીની શરૂઆતમાં લૅસિતે એક ક્રાંતિકારી વિચાર હતો.
પરતું દાયકાઓ બાદ લૅસિતે રાષ્ટ્રિય સ્તરે લોકપ્રિયતા મેળવવામાં સફળ થયું. લૅસિતેને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય દ્વારા સંસ્થા બનાવવામાં આવી, જેને ફ્રેન્ચ ભાષામાં 'ઑબ્ઝર્વેટૉઇર ડે લૅસિતે' એટલે કે 'બિનસાંપ્રદાયિકતાની સંસ્થા.' કહેવામાં આવે છે.
આ સંસ્થાની વેબસાઇટમાં લૅસિતેની વ્યાખ્ચા કંઈક આ રીતે છે - લૅસિતે અંતરાત્માની સ્વતંત્રતાની ખાતરી આપે છે.

ધર્મનું સ્થાન ક્યાં છે?

ઇમેજ સ્રોત, KIRAN RIDLEY/GETTY IMAGES
આનો અર્થ થયો કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવાની છૂટ હશે, પરતું આ કાયદાથી પર નહીં પરતું તેના અધિકારક્ષેત્રની અંદર.
લૅસિતે મુજબ ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે અને ધર્મ અથવા સંપ્રદાયના આધારે પક્ષપાત કર્યા વગર કાયદા માટે બધા સમાન છે, તે સિદ્ધાંતને અનુસરે છે.
આ સંસ્થા કહે છે, "આસ્તિક હોય કે નાસ્તિક, બિનસંપ્રાદાયિકતા બંને પ્રકારની વ્યક્તિઓને તેમની માન્યતાની અભિવ્યક્તિ માટેની સ્વતંત્રતા આપે છે. લૅસિતે ધર્મ પાળવો કે ન પાળવો એ માટેના અધિકારો આપવાની સાથે ધર્મપરિવર્તન માટેના અધિકારોનું પણ સમર્થન કરે છે. આ પ્રાર્થના કરવાની રીત અંગે સ્વતંત્રતા આપવાની સાથે ધર્મથી મુક્તિ પણ આપે છે."
અહીં આ સમજવું જરૂરી છે કે લૅસિતે અથવા બિનસંપ્રાદાયિક હોવાની વિચારધારાનો ફ્રાન્સના જમણેરી અને વામપંથી નેતાઓએ સ્વીકાર કર્યો છે અને આજે તે ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખ બની ગઈ છે.
'પિઉ' રિસર્ચ અનુસાર 2050 સુધી ફ્રાન્સમાં બિનસંપ્રાદાયિક વિચારધારાનો સ્વીકાર કરનાર લોકોની સંખ્યા બધા ધાર્મિક જૂથોમાં સૌથી વધુ હશે.
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સર્કોઝીને એક વાર કહ્યું હતું કે લૅસિતે સાથે કોઈ પણ પ્રકારનું સામાધાન અથવા સોદો કરી શકાય નહીં.
બિનસાંપ્રદાયિકતાને મજબૂત કરવા માટે 2004માં ફ્રાન્સે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને 6 વર્ષ બાદ જાહેર જગ્યાએ ચેહરાને ઢાંકી શકે તેવા નકાબ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
ફ્રાન્સમાં આનાથી પણ વધુ કડક પગલા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે અને શક્ય છે કે માંગણીનો સ્વીકાર કરવામાં આવે.
બીજી ઑક્ટોબરે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ એક કાયદો લાવવાની વાત કરી હતી, જેમાં "સાંપ્રદાયિક ઇસ્લામ" સામે લડવા માટે ફ્રાન્સના લૅસિતે અથવા બિનસાંપ્રદાયિક મૂલ્યોને વધુ મજબૂત કરવાની વાત કરી હતી.
મેક્રોં પોતાના ભાષણમાં કહ્યું કે "ઇસ્લામ સંકટમાં છે", જેનો કેટલાંય મુસ્લિમ રાષ્ટ્રોએ વિરોધ કર્યો હતો.

બિનસાંપ્રદાયિકતાને મજબૂત કરવાની માગપાછળનું કારણ

ઇમેજ સ્રોત, OZAN KOSE
ફ્રાન્સના માર્સે શહેરમાં મોરક્કન મૂળના યુવાન આઈ.ટી. પ્રોફૅશનલ યુસુફ-અલ-અઝીઝી કહે છે, "મારા મતે લૅસિતે (બિનસાંપ્રદાયિક મૂલ્યો)નું રક્ષણ અને તેને મજબૂત કરવાનો પ્રયાસ અમસ્તા નથી થઈ રહ્યા. ફ્રાન્સ અને યુરોપમાં સાંપ્રદાયિક ઇસ્લામનો વધારો આ પાછળનું કારણ છે."
મૅડ્રિડ અથવા લંડનમાં આંતકવાદી હુમલા હોય અથવા ડચ ફિલ્મનિર્માતા થિયો વૅન ગૉગની હત્યા હોય અથવા હાલમાં મહંમદ પેગંબરનાં વિવાદિત કાર્ટૂનો પસંદ નહીં આવતાં થયેલી હિંસા હોય, આ ઘટનાઓને ફ્રાન્સનાં બિનસાંપ્રદાયિક મૂલ્યો પર હુમલા તરીકે જોવામાં આવે છે.
જ્યારે સ્થળે હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે આ નિર્ણયને ફ્રાન્સના મુસ્લિમોએ ઇસ્લામ અને તેમના ધર્મ પર કાબુ મેળવવાના પ્રયાસ તરીકે જોયો, જેના કારણે વધુ ગૂંચવણ ઊભી થઈ છે.
યુસુફ-અલ-અઝીઝી કહે છે, "ફ્રાન્સના મુસ્લિમોને લાગે છે કે લૅસિતેના નામ પર તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે ફ્રાન્સમાં ખ્રિસ્તીઓ બાદ મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે. મુસ્લિમો ફ્રાન્સની કુલ વસતીના 10 ટકા છે. મોટા ભાગના મુસ્લિમો ધર્મને અનુસરે છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "હું લિબરલ છું, પરતું પોતાનો ધર્મ પાળું છું. દેશના બાકી 90 ટકા વસતીમાં એ લોકોની બહુમતિ છે, જેઓ કોઈ ધર્મ પાળતા નથી."
"સ્વાભાવિક છે કે ધર્મને લઈને જો કોઈ કાયદો ઘડવામાં આવશે તો મુસ્લિમોને લાગશે કે આ તેમની વિરુદ્ધ છે."
યુસુફનો જન્મ ફ્રાન્સમાં થયો છે અને તેમનાં પત્ની શ્વેત છે.
તેઓ કહે છે, "ફ્રાન્સની મુખ્ય ધારાનો હું એક અતૂટ અંગ છું, પરતું સમાજ માટે હું એક આરબ છું."
તેમની દલીલ છે કે જો મુસ્લિમોને શાંતિપૂર્ણ રીતે તેમના ધાર્મિક વિશ્વાસને રજુ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ ફ્રાન્સને પોતાના ઘર અને પોતાના દેશની જેમ સ્વીકારશે.

ફ્રાન્સનું મૉડલ કામ નથી કરી રહ્યું?

ઇમેજ સ્રોત, KIRAN RIDLEY/GETTY IMAGES
ફ્રાન્સમાં ચર્ચા ચાલી રહી છે કે લૅસિતે હવે પ્રાસંગિક નથી.
હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કાર્ય કરતાં માર્ટિન ઝિબલેટનું કહેવું છે, એક બાજુ ફ્રાન્સમાં સાંપ્રદાયિક ઇસ્લામનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ મારા સમાજમાં (શ્વેત ફ્રેન્ચ સમાજ)માં ઇસ્લામવિરોધી અભિગમમાં વધારો થયો છે.
તેઓ જણાવે છે કે સાંપ્રદાયિક ઇસ્લામને અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરતું ઇસ્લામોફોબિયાને અટકાવવા માટે કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.
યુસુફ પણ આ સ્વીકારે છે. તેઓ કહે છે કે તેમના સમાજમાં લોકોને ઘણી વખત લાગે છે કે લૅસિતેના નામે રાજ્ય તેમની સાથે પક્ષપાત કરી રહ્યું છે.
ફ્રાન્સના પૂર્વ મંત્રી બુનુઆ અપારુંને એ વાતથી વાંધો છે કે જે સાંપ્રદાયિક કટ્ટરતા સામે લૅસિતેને આગળ કરવામાં આવી રહ્યું છે, તે કટ્ટરતા સેક્યુલર લોકોની અંદર છે.
હાલમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં લૅસિતેને બિનસાંપ્રદાયિક એકલતાવાદ ગણાવ્યો હતો.

'લૅસિતેએ પ્રજાસત્તાકનો મૂળ સિદ્ધાંત'

ઇમેજ સ્રોત, AHMAD GHARABLI
બુનુઆ અપારુંનું સ્પષ્ટ કહેવું છે, "સહિષ્ણુતા (દમન નહીં) એક એવી નીતિ છે જે બહુસાંસ્કૃતિક સમાજ સાથે સારો તાલમેલ ગોઠવે છે."
ફ્રેન્ચ સંસ્કૃતિ અને સમાજમાં લૅસિતેનાં મૂળીયાં બહુ ઊંડે છે અને એટલા માટે આ કામ સરળ નહીં હોય.
જેમ રાષ્ટ્રપ્રમુખ મેક્રોં કહે છે, "લૅસિતેએ પ્રજાસત્તાકનો મૂળ સિદ્ધાંત છે."
જમણેરી નેશનલ ફ્રન્ટ પાર્ટી, જેનાં વડા મેરીન લે પેન છે, પોતાને લૅસિતેના સંરક્ષક તરીકે રજૂ કરવામાં સફળ થયાં છે. તાજેતરની ચૂંટણીમાં આ પક્ષને લોકોનું સારું સમર્થન મળ્યું છે.
ફ્રાન્સના કેટલાક રાજકીય વિશ્લેષકો ઇસ્લામ અંગે મેક્રોંએ જે નિવેદન આપ્યું છે તેને રાજકીય નિવેદન તરીકે જોઈ રહ્યા છે કારણે 18 મહિના બાદ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થવાની છે અને મરીન લે પેનની લોકપ્રિયતા વધી રહી છે.
મરીન લે પેનના ટીકાકારો માને છે કે તેમનું લૅસિતે 'ઇસ્લામોફોબીયા સામે માત્ર એક મુખવટો છે, પરંતુ તેમની વધતી લોકપ્રિયતા સત્તાનો માર્ગ ખોલી શકે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












