દુનિયાનું સૌથી ઊંચું એટીએમ જ્યાં પહોંચવા વાદળોમાંથી પસાર થવું પડે

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, આયશા ઇમ્તિયાઝ
    • પદ, બીબીસી ટ્રાવેલ

અમે ત્યાં જઈ રહ્યાં છીએ, જ્યાં પાકિસ્તાનની સરહદ પૂરી થાય છે, મેં મારાં બાળકોને કહ્યું કે જેઓ પોતાનાં કપડાં પર જૅકેટ પહેરવામાં વ્યસ્ત હતાં.

ફર્સ્ટ ક્લાસનાં બાળકોની જેમ ભૌગોલિક જિજ્ઞાસા બતાવતા તેમણે પૂછ્યું, આપણે ઉપરની તરફ જઈશું કે નીચે?

મેં જવાબ આપ્યો ઉપર.

અમે પાકિસ્તાનના ઉત્તરના પ્રાંત ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે ખંજરાબ દર્રા સીમા પર આવેલા દુનિયાના સૌથી ઊંચા કૅશ મશીન (એટલે કે એટીએમ)ની તરફ જઈ રહ્યાં હતાં.

હું મારાં બાળકોને પાકિસ્તાનનું સુંદર પર્યટન સ્થળ બતાવવા માગતી હતી.

4693 મીટરની ચોંકાવનારી ઊંચાઈ પર આવેલી આ જગ્યા સુધી પહોંચવું દુનિયાની સૌથી નાટકીય ડ્રાઇવ દ્વારા જ સંભવ છે.

બરફથી ઢંકાયેલા કારાકોરમના શિખર વચ્ચે બનેલો રસ્તો ખંજરાબ નેશનલ પાર્ક પાસેથી પસાર થાય છે, જ્યાં પાકિસ્તાનના રાષ્ટ્રીય પશુ મરખોર (એક રીતનો જંગલી બકરો) ઉપરાંત બર્ફીલા ચિત્તા પણ જોવા મળી શકે છે.

અમારી યાત્રા પાકિસ્તાનના તટીય શહેર કરાચીસ્થિત અમારા ઘરેથી શરૂ થઈ હતી અને આ યાત્રામાં વિમાન, ટ્રેન અને ગિલગિટ શહેરથી છ કલાકથી વધુનો સમય લાગતો હતો.

ખંજરાબ દર્રે સુધી રસ્તો પાક્કો છે અને સારી સ્થિતિમાં છે અને અહીં ડ્રાઇવ કરવું સરળ છે. આ યાત્રા માટે અમે જે ગાડી ભાડે કરી હતી એ અમારી જરૂરિયાત મુજબ ઘણી આરામદાયક હતી.

પરંતુ આ ઊંચાઈ આ યાત્રાને પડકારરૂપ બનાવી દે છે.

2000 મીટરના ચઢાણ દરમિયાન અમારા સ્થાનિક ડ્રાઇવર અને ટૂર ગાઇડે અમને કહ્યું કે એલટિટ્યૂડ સિકનેસ (ઊંચાઈ પર તબિયત ખરાબ થવી)થી બચવા માટે નજીકની હુંજા ઘાટીથી સૂકાં જરદાલુ લઈને જીભ નીચે મૂકી દો.

2016માં નેશનલ બૅન્ક ઑફ પાકિસ્તાન દ્વારા નિર્મિત સૌરઊર્જા અને પવનઊર્જા દ્વારા ચાલનારાં એટીએમ મશીન આ બૉર્ડર ક્રોસિંગની આસપાસ રહેનારા નાગરિકો, સીમા સુરક્ષાવાળા અને પર્યટકોને કામ લાગી રહ્યાં છે

ઇમેજ સ્રોત, AYSHA IMTIAZ

ઇમેજ કૅપ્શન, 2016માં નેશનલ બૅન્ક ઑફ પાકિસ્તાન દ્વારા નિર્મિત સૌરઊર્જા અને પવનઊર્જા દ્વારા ચાલનારાં એટીએમ મશીન આ બૉર્ડર ક્રોસિંગની આસપાસ રહેનારા નાગરિકો, સીમા સુરક્ષાવાળા અને પર્યટકોને કામ લાગી રહ્યાં છે

ઉપર-નીચે કેટલાંક કપડાં પહેરતાં અમે ઝડપથી પોતાને બદલાતા વાતાવણ માટે તૈયાર કર્યાં, અહીં ગરમીમાં પણ તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી આવી શકે છે, સાથે જ ઠંડી હવા હોય છે.

જોકે, અમે જ્યારે સરહદ પર પહોંચ્યાં, ત્યાં સુધી સાંજ પડી ગઈ હતી, મારાં બાળકોના ગાલ ટમેટાંની જેમ લાલ થઈ ગયા હતા. આ ખૂબ સુંદર ખીણ છે. સ્થાનિક લોકો તેને એક એવો વિસ્તાર બતાવે છે, જેની પર માત્ર આકાશ છે અને નીચે વાદળો છે.

આ સુંદર પર્વતીય વિસ્તારની વચ્ચે એક એટીએમ કેમ બનાવવામાં આવ્યું છે?

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયેલું આ એટીએમ અન્ય એટીએમની જેમ જ કામ કરે છે. આનો ઉપયોગ કૅશ કાઢવામાં, યુટિલિટી બિલોને ભરવા અને ઇન્ટરબૅન્ક ફંડ ટ્રાન્સફર કરવા માટે કરી શકાય છે.

આટલી ઊંચાઈ પર ઓક્સિજનની ઊણપ વચ્ચે તહેવાર જેવી રોનક હતી, એવું લાગ્યું કે જાણે કોઈ સમારોહ થઈ રહ્યો છે, કારણ કે લોકો સંબંધીઓને મળી રહ્યા છે. ફોટો માટે પોઝ આપી રહ્યા છે અને સારી સેલ્ફી લેવા માટે એટીએમના આંટા મારી રહ્યા હતા.

કરાચીના એક સ્કૂલ શિક્ષક અતિયા સઈદ પોતાના સ્કૂલના 39 વિદ્યાર્થીઓને અહીં પાકિસ્તાન-ચીનની સરહદ પર લાવ્યા હતા. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ અમે પાકિસ્તાનની અંદર યાત્રા કરી છે.

જોકે તેઓ માત્ર એટીએમ માટે આવ્યા ન હતા, તેમના માટે સરહદીય વિસ્તારની સુંદર ભૂગોળ, ઇતિહાસ અને અર્થશાસ્ત્રનો અનુભવ પણ વધુ મહત્ત્વનો હતો.

નેશનલ બૅન્ક ઑફ પાકિસ્તાન (એનબીપી) દ્વારા વર્ષ 2016માં બનાવવામાં આવેલું અને સૌર અને પવનઊર્જા દ્વારા ચાલનારું આ એટીએમ મશીન બૉર્ડર ક્રૉસિંગની આસપાસ રહેનારા અને સરહદ સુરક્ષા બળોની સીમિત સંખ્યાને ઉપયોગી થઈ રહ્યું છે.

પર્યટકો આ એટીએમમાં જવાને એક સન્માન માને છે અને અહીંથી પૈસા કાઢવાના ફોટો લે છે. જે 'કોલ્ડ હાર્ડ કૅશ'ના વાક્યને નવો અર્થ આપે છે.

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

દુનિયાનું સૌથી ઊંચું કૅશ મશીન ચીન અને પાકિસ્તાન વચ્ચે ખંજરાબ દર્રેની સરહદ પર આવેલું છે.

પોતાના પતિ સાથે રજા માણવા આવેલા સાઉથ આફ્રિકાનાં રિટાયર્ડ પ્રિન્સિપાલ આયશા બયાતે મજાક કરતાં કહ્યું કે, મારું એકાઉન્ટ ફ્રીઝ છે. તેમણે જણાવ્યું કે અમે એક એવા દેશમાંથી આવ્યાં છીએ જ્યાં પર્વતીય શ્રૃંખલા છે... પરંતુ આવું કંઈ જ નથી. હું સુંદર દૃશ્ય જોઈ રહી છું.

બયાતના પતિ ફારૂકે કહ્યું કે, "ઍફિલ ટાવર જેવાં ઐતિહાસિક સ્થળોનું હોવું જરૂરી છે. આ બાકીના વિસ્તાર જોવાનું બહાનું મળી જાય છે."

પરંતુ આ ઐતિહાસિક નિશાનીનું નિર્માણ કોઈ નાની પ્રાપ્તિ નથી. અને ના તો તેને સક્રિય રાખવું સરળ છે.

આ એટીએમનું ધ્યાન રાખનારાં અધિકારી શાહબીબીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટને પૂરો કરવામાં અંદાજે ચાર મહિનાનો સમય લાગ્યો. લગભગ એનબીપી બૅન્ક છે જે અહીંથી 87 કિમી દૂર છે.

સોસ્ટ શાખાના મૅનેજર જાહિદ હુસૈન ખરાબ વાતાવરણ, પર્વતીય દર્રો અને સતત ભૂસ્ખલનનો સામનો કરતા નિયમિત પર્વતના શિખર પર બનેલા આ એટીએમમાં પૈસા ભરવા માટે જાય છે.

તેમણે જણાવ્યું કે સરેરાશ 15 દિવસની અંદર અહીંથી લગભગ 40-50 લાખ રૂપિયા કાઢવામાં આવે છે.

ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયેલું આ એટીએમ અન્ય એટીએમની જેમ જ કામ કરે છે

ઇમેજ સ્રોત, AYSHA IMTIAZ

ઇમેજ કૅપ્શન, ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયેલું આ એટીએમ અન્ય એટીએમની જેમ જ કામ કરે છે

આ દરમિયાન શાહબીબી રિયલ-ટાઇમ ડેટા મૉનિટર કરે છે અને સોસ્ટ શાખાને મોકલે છે.

તેમને સેટેલાઇટ કનેક્ટિવિટી, સૌરઊર્જા બેકઅપ, કૅશ રકમને પાછી લેવા અને ફસાયેલાં કાર્ડ (ગયા વર્ષે ઝડપી હવાના કારણે એટીએમ અસ્થાયી રૂપથી બંધ થઈ ગયું હતું)થી સંબંધિત કટોકટીની સ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે.

શાહબીબીએ કહ્યું કે "જમીન પર હાજર કોઈ વ્યક્તિને એટીએમ સુધી પહોંચવા અને તેનું સમારકામ કરવામાં લગભગ બેથી અઢી કલાકનો સમય લાગે છે."

કેટલાક લોકો આવા અંતરિયાળ વિસ્તારમાં એટીએમના ઉપયોગ પર સવાલો ઉઠાવે છે. પરંતુ હુસૈન કહે છે કે, આપણે એ લોકોને ભૂલી જઈએ છીએ, જેઓ આ સ્થળોની 24/7 (ચોવીસ કલાક) રક્ષા કરે છે. તેઓ સંખ્યામાં ઓછા હોઈ શકે છે, તેઓ એક મોટા પાર્કમાં રહે છે અને તેમની પાસે પોતાનાં પ્રિયજનો અને પરિવારને વતન પૈસા ટ્રાન્સફર કરવાનું કોઈ અન્ય સાધન નથી.

અહીં માત્ર સીમા સુરક્ષા બળ જ નથી. બખ્તાવર હુસૈને પણ પોતાના જીવનનો મોટો ભાગ પાર્કમાં બર્ફીલા ચિત્તાનો પીછો કરતા અથવા બરફના પીગળવાની માપણી કરનારા વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓની મદદ કરતા પસાર કર્યો છે.

તેમણે એટીએમ પાસે એક નાની કૅન્ટિન પણ શરૂ કરી જે કોવિડના કારણે બંધ કરવી પડી.

તેઓ યાદ કરે છે, હું ચા, કૉફી અને બિરયાની વેચતો હતો... એ સમય સારો હતો.

હવે તેઓ ખંજરાબ દર્રે પર પોર્ટેબલ બાથરૂમ ચલાવે છે અને તેના માટે ઘણી ઓછી રકમ લે છે. તેમણે પોતાની કારમાં એક ઓક્સિજન ટૅન્ક લગાવી છે, જેથી અહીં આવવાવાળા લોકોને મફતમાં પ્રાથમિક સારવાર આપી શકાય.

સોસ્ટ શાખાના મૅનેજર ખંજરાબમાં બનેલા એટીએમમાં કેશ નાખવા માટે ખરાબ વાતાવરણ, પર્વતીય દર્રો અને વારંવાર ભૂસ્ખલનનો સામનો કરતા નિયમિત રીતે સરહદ સુધી યાત્રા કરે છે

ઇમેજ સ્રોત, ABDUL RAHMAN BUKHARI

ઇમેજ કૅપ્શન, સોસ્ટ શાખાના મૅનેજર ખંજરાબમાં બનેલા એટીએમમાં કેશ નાખવા માટે ખરાબ વાતાવરણ, પર્વતીય દર્રો અને વારંવાર ભૂસ્ખલનનો સામનો કરતા નિયમિત રીતે સરહદ સુધી યાત્રા કરે છે

બખ્તાવરે મને જણાવ્યું કે, માત્ર છેલ્લા કેટલાક કલાકોમાં ત્રણ મહિલાઓને ઓક્સિજન આપ્યો છે. કાલે ‌આ સંખ્યા સાત હતી.

તેઓ જણાવે છે કે ઊંચાઈ પર આવતા પહેલાં તમે તળેલું ખાવાનું બંધ કરો, તમે વધારે ખાધું હોય તો તેનાથી પણ તમારી તબિયત ખરાબ થઈ શકે છે.

તેમણે એ પણ જોયું છે કે પર્યટકો માટે એક મોટી સમસ્યા તેમનું કાર્ડ ફસાઈ જવાની છે.

જોકે તેમણે અંદાજ લગાવ્યો કે કોઈ પણ અન્ય એટીએમની જેમ, એવું ક્યારેક જ થાય છે.

જો કાર્ડ અટકી જાય તો તમારે અહીંના ખરાબ વાતાવરણમાં બે કલાક સુધી રાહ જોવી પડે છે અથવા બીજા દિવસે ફરી આવવું પડે છે.

બખ્તાવરે હસતાં-હસતાં કહ્યું કે "આવો અનુભવ ફરી વાર હાંસલ કરવો સરળ નથી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન