એક સફર એ હાઈવેની, જે દુનિયાના છેડા સુધી લઈ જાય છે

- લેેખક, માઇક મૈકએચેરન
- પદ, બીબીસી ટ્રાવેલ
શિયાળાના દિવસો છે. પહાડો પર ખૂબ બરફવર્ષા થઈ રહી છે. એમ કહીએ તો પણ ચાલે કે આખો ઉત્તરી ગોળાર્ધ ઠંડીની ઝપેટમાં છે.
આ ઠંડી હવાઓ આવે છે ઉત્તર ધ્રુવથી. ધરતીનો સૌથી ઉત્તરી છેડો, જ્યાં સુધી પહોંચવુ ચંદ્ર સુધી પહોંચવા જેટલું અઘરું છે.
યુરોપ મહાદ્વીપ, ઉત્તર ધ્રુવની ખૂબ નજીક છે. મહાદ્વીપનો છેલ્લો છેડો નોર્વેમાં પડે છે.
આ વિસ્તારમાં સદીઓથી મનુષ્ય વસવાટ કરે છે, પણ બાકી દુનિયા કરતાં અલગ. અહીંના લોકો સમુદ્રી જીવો જેમ કે માછલી, વ્હેલ અને કરચલાનો શિકાર કરી જીવન પસાર કરતા આવ્યા છે.
આ વિસ્તારને બાકી દુનિયા સાથે જોડવાનું કામ કરે છે ઈ-69. આ એવો રસ્તો છે, જે ઉત્તર ધ્રુવની સૌથી નજીક એટલે કે દુનિયાના અંતિમ છેડા સુધી લઈ જાય છે.
આ ધરતીની સૌથી ઉત્તરી સરહદ સુધી જતો હાઈવે છે. તેને એન્જિનિયરિંગનો સૌથી ઉત્તમ નમૂનો કહેવાય, તો પણ ખોટું નથી.
આ બર્ફીલા હાઈવેની કલ્પના આજથી એક સદી કરતાં પહેલાં એટલે કે 1908માં કરવામાં આવી હતી. પરંતુ ઈ-69 બનીને તૈયાર થયું 1999માં. આ નોર્વેના ઓલ્ડરફ્યૉર્ડને નૉર્ડકાપ વિસ્તારથી જોડે છે.
વિરોધાભાસોને જોડતો રસ્તો

પશ્ચિમ યુરોપના તટીય વિસ્તારથી પસાર થતા E69ને મનુષ્યના વિરોધાભાસોને જોડતો રસ્તો કહેવામાં આવે તો કંઈ ખોટું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ વિસ્તારોને આધુનિક યુરોપથી જોડે છે, જે સદીઓથી અલગ રહેતા આવ્યા છે, જેમનો આજે પણ દુનિયા સાથે નિયમિત સંબંધ જળવાતો નથી.
આ એ લોકો છે કે જેઓ દુનિયાથી અલગ રહીને પણ સરસ રીતે જીવન પસાર કરી રહ્યા છે. તેમને બાકી દુનિયા સાથે સંપર્કની કોઈ જરુર જ નથી. આજે પણ તેઓ લાકડાની હોડીની મદદથી જીવનનો પ્રવાસ નક્કી કરી લે છે.
આ રસ્તા પર પ્રવાસ માટે નીકળો, તો તમે કુદરતને એકદમ મૌલિક અને વિશુદ્ધ રૂપે જોશો. એવું લાગે છે કે જાણે પહાડ તમને વળગી પડવા ઉત્સુક છે.
ખડતલ રસ્તા ખૂબ જ બર્ફીલા વિસ્તારમાંથી પસાર થાય છે. ક્યાંક ખાડી, તો ક્યાંક ઊંચા પહાડ છે.
ઈ-69ના ઘણા ભાગ તો એવા છે, જ્યાં એકલા ગાડી ચલાવવાની મનાઈ છે. તમે જૂથમાં ત્યાંથી પસાર થઈ શકો છો. સમુદ્રના કિનારાથી પસાર થતો હાઇવે ઘણી વખત તો ગામડાંઓને સમુદ્રમાં ગુમ કરી દેવાનો અનુભવ કરાવે છે.
1930માં વિકાસની શરુઆત

ઈ-69ના વિકાસની શરુઆત 1930ના દાયકામાં થઈ હતી. તે સમયે ત્યાંના રહેવાસીઓનો માછલીનો વેપાર માઠો ચાલી રહ્યો હતો.
પહેલાં નૉર્ડકાપના લોકો પાસે જ સમુદ્રમાં શિકાર કરવાના અધિકાર હતા, પરંતુ 1930ના દાયકામાં આ અધિકાર પર બીજા લોકોને પણ હક મળ્યો.
ત્યારબાદ 1934માં વિસ્તારના લોકોએ હૉનિંગ્સવૈગ નામના ગામમાં બેઠક મળી, તેમાં વિસ્તારના ગણમાન્ય લોકો સામેલ થયા.
બંદરના માલિકોએ માગ કરી કે આ જગ્યા સુધી પહોંચવા માટે પણ રસ્તો બનાવવામાં આવે, જેથી પ્રવાસીઓની અવરજવરથી આવકનો નવો રસ્તો ખુલે.
ઉત્તર ધ્રુવના નજીક હોવાના કારણે અહીં ઉનાળાના દિવસોમાં સૂરજ ડૂબતો જ નથી અને શિયાળામાં રાત પૂરી જ નથી થતી.
અહીં રહેતાં શિલ્પકાર ઈંગુન ઉત્સી કહે છે કે નાનપણમાં આ પ્રકારના રસ્તાની કલ્પના પણ કોઈ કરતું ન હતું.
અહીંના લોકો બાકી દુનિયાથી અલગ જ રહેવાનું પસંદ કરતા હતા. મોટા શહેર તેમને ગમતા ન હતા, પરંતુ આજે આ હાઇવે તેમના માટે જીવનદાન લઈને આવ્યો છે.
એક સમયે નોર્વેની રાજધાની ઓસ્લોમાં રહેતાં ઉત્સી 1982માં ધરતીના આ ઉત્તરી છેડા પર રહેવા માટે આવી ગયા હતા. ત્યારથી તેઓ અહીં લાકડી અને પથ્થર શોધીને તેમાંથી કલાકૃતિઓ બનાવવાનું કામ કરી રહ્યાં છે.
તેઓ અહીંની મુશ્કેલ પરિસ્થિતિને ઘણી વખત પોતાની કલાકૃતિમાં દર્શાવે છે. તેઓ કલાકૃતિઓ બનાવવા માટે વહીને આવેલા લાકડીના ટુકડાઓનો ઉપયોગ કરે છે. ક્યારેક તેમની કૃતિઓમાં હવા તો ક્યારેક બરફના રુપ પણ જોવા મળે છે.
માછલીનો વેપાર

કુદરતી વસ્તુઓ બરફ, હવા અને સમુદ્રની મદદથી જીવનની કલ્પના કરવી સહેલી નથી. અહીં આવતા લોકોને કદાચ એ ખબર ન હોય કે આધુનિક જીવન અહીં થોડાં વર્ષો પહેલાં જ આવ્યું છે.
નૉર્ડકાપ આવતા ઈ-69 હાઈવેના છેલ્લા 14 કિલોમિટરનો રસ્તો 1956માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેનો ઉદ્દેશ ઉનાળામાં પ્રવાસીઓ માટે અવરજવરનો રસ્તો ખોલવાનો હતો.
ઈ-69 એક્સપ્રેસ વેના અંતિમ છોર પર એક સુરંગ છે, જે સમુદ્રની અંદર બનાવવામાં આવી છે. ઈ-69નો આ ભાગ મૈગેરોયા નામના દ્વીપને પોરસેંગર પ્રાય દ્વીપ સાથે જોડે છે. આ સુરંગ 1999માં બનીને તૈયાર થઈ હતી.
વીસમી સદીની શરુઆતમાં જ્યારે બાકી દુનિયાના માછીમારોને અહીં શિકાર કરવાની પરવાનગી મળી તો દૂરદૂરથી લોકો અહીં માછીમારી કરવા માટે આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ ભીડ ઓછી થઈ રહી છે.
માછીમારી કરતા લોકો ઓછા થઈ ગયા છે. અહીં જે લોકો માછલીઓ પકડે પણ છે, તેમને તુરંત બરફમાં જમાવી દે છે. અહીંથી આ માછલીઓ બાકી દુનિયાને મોકલી દેવામાં આવે છે.
નૉર્વેના આ જ વિસ્તારમાં ઉત્તર યુરોપના સૌથી વધારે કિંગ કરચલા પકડવામાં આવે છે. આજે પણ માછલીઓ પકડવા માટે હોડીની લાઇનો અહીંના બંદર પર જોવા મળે છે.
પ્રકૃતિની સૌથી નજીક

અહીંના શાંત વાતાવરણમાં કલાનું પરિપક્વ સ્વરૂપ જોવા મળે છે.
જેમ કે ઇંગુન ઉત્સી અહીં ત્રણ દાયકા કરતા પણ વધારે સમયથી કલાકૃતિઓ બનાવે છે. ઉત્સીની જ જેમ છે જર્મન કલાકાર ઈવા શ્મટરર, જેઓ માછીમારોના ગામ કમોયેવરમાં રહે છે.
ઈવા શ્મટરર પોતાની કલાકૃતિઓ બનાવવા માટે સ્થાનિક લોકો પાસેથી પસ્તી જમા કરે છે. ઈવા કહે છે કે આ વિસ્તારમાં કલાકૃતિઓ બનાવવાનો સામાન મળવો અઘરો છે.
એટલે પસ્તીથી માંડીને વહીને આવતી લાકડીઓને ઉપયોગમાં લે છે.
ઈવા કહે છે કે અહીં લોકો આજે પણ એમ કરે છે, જેવું એક સદી પહેલાં કરતાં હતાં.
ઈ-69 ઈ વિસ્તારના લોકો માટે વરદાન બનીને આવ્યું છે.
ઈવા શ્મટરર કહે છે, "અહીં તમે કંઈ પણ તમારી મરજીથી કરી શકતા નથી. અહીં તમે એ જ કામ કરી શકો છો, જેની પ્રકૃતિ પરવાનગી આપે છે."
ઈ-69નો સૌથી મહત્ત્વનો માછીમારી કરવાનો બંદર છે હૉન્ગિંસ્વેગ. તેને દુનિયાનો સૌથી ઉત્તરી વિસ્તાર કહેવાય છે. અહીં આવવા પર તમને લાઇનમાં રંગબેરંગી હોડીઓ જોવા મળશે. શિયાળામાં અહીં કૉડ માછલીનો શિકાર થાય છે, તો વસંત ઋતુમાં સૉલ્મન અને કૉલફિશનો, તો પાનખર ઋતુમાં હૈડૉક નામની માછલી પકડવામાં આવે છે.
હાઇવેનો અંતિમ છેડો

નૉર્વેના ફિલ્મકાર ક્નટ એરિક જેન્સેને આ વિસ્તારમાં પોતાની ઘણી ફિલ્મોનું શુટિંગ કર્યું છે.
જેનસેન કહે છે, "હું પહેલાં વિચારતો હતો કે નોર્વેમાં જે આટલા ઉત્તરી વિસ્તારમાં આવીને રહેતો હશે તે કોઈ મૂર્ખ જ હશે, પરંતુ મારી દરેક ફિલ્મનું શુટિંગ અહીં જ થયું છે. મેં હંમેશાં અહીંના માછીમારો પાસેથી પ્રેરણા લીધી છે.
"શિયાળામાં અહીં સ્પેન, પોર્ટુગલ અને અન્ય દેશોના માછીમારો આવતા રહ્યા છે. જો તમે હૉનિંગ્સ્વૈગ સાથે સંબંધ ધરાવો છો, તો ક્યાંય ગયા વગર તમને દુનિયામાં તમામ વિસ્તારોમાં ફરવાનો અનુભવ થઈ જાય છે."
"ઘણી વખત મને લાગે છે કે મોટાં શહેરોમાં રહેતા લોકો વધારે અલગ હોય છે, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો નહીં."
ચીડના વૃક્ષ અને માછલી પકડવાના મોટા ટ્રૉલર છે નોર્ડકાપ. આ ઈ-69નો અંતિમ છોર છે. તેની આગળ માત્ર સમુદ્ર છે.
અહીં પાણીમાં અંધકારમયી રાતો પણ ગૂમ થઈ જાય છે. તો ઉનાળામાં આ વિસ્તારમાં સૂરજ સતત ઘણા મહિના સુધી ચમકતો રહે છે.

આ અંતિમ છેડા પર નોર્ડકાફેલન. અહીં જમીનની અંદર એક ચર્ચ છે અને એક મ્યુઝિયમ પણ. આ મ્યુઝિયમ એક સમયે અહીં રાજ કરતા કિંગ રામા પંચમના નામે સમર્પિત છે.
એક જમાનો હતો જ્યારે અહીંના છોર પર દુનિયાનો અંત માની લેવામાં આવતો હતો. ખૂબ જ ઠંડું પાણી અંતરાત્માને પણ ધ્રુજાવી દેતું હતું.
અહીં કુદરત દરેક વ્યક્તિને પાઠ ભણાવતી હોય એવું લાગે છે. દરેક દોરનો અંત હોય છે. બર્ફીલા વાતાવરણમાં વેરાન પડેલી જમીનમાંથી જ ગરમીઓમાં નવી જિંદગી ખીલે છે.
નૉર્ડકાપ આવીને તમને અનુભવ થાય છે કે આશા ક્યારેય છોડવી ન જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












