દરિયામાં ખોવાયેલા કૅમેરાનો અકલ્પનીય પ્રવાસ!

ઇમેજ સ્રોત, Park Lee
દરિયામાં ખોવાયેલો એક કૅમેરા બે વર્ષ બાદ મળી આવ્યો છે. હવે આ કૅમેરાને થોડા જ દિવસોમાં તેના માલિકને પરત કરવામાં આવશે.
બે વર્ષ સુધી દરિયાના પાણીમાં રહેવાથી કૅમેરા વહાણના તળીયે જામે તેવી શંખ અને છીપની પરત જામી ગઈ છે.
હવે આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષ સુધી પાણીમાં રહેલો આ કૅમેરો હજી પણ તસવીરો ખેંચી શકે તેવી સ્થિતિમાં છે.
કૅમેરો વૉટરપ્રુફ હોવાને કારણે તેની અંદર પાણી જઈ શક્યું ન હતું. પરંતુ બે વર્ષ સુધી સૈંકડો કિલોમીટરની યાત્રા આ કેવી રીતે કરી?
તમે પણ આ કૅમેરાની સફરમાં અમારી સાથે નીકળી પડો!

કેવી રીતે ખોવાયો હતો કૅમેરા?

ઇમેજ સ્રોત, SERINA TSUBAKIHARA
જાપાનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાઇવાનમાં આવેલા ઇસિગાકીમાં વેકેશન માટે ગયા હતા.
અહીં દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે આ કૅમેરા ખોવાઈ ગયો હતો.
સેરીના ત્સુબાકીહરા કહે છે, "હું સ્કૂબા ડાઇવિંગ કરતી હતી ત્યારે મારાથી આ કૅમેરા ખોવાઈ ગયો હતો. સ્કૂબા ડાઇવિંગ વખતે મારા મિત્રનો શ્વાસ અચાનક થંભી ગયો અને હું તેને મદદ કરવા માટે ગઈ. આ સમયે મારા હાથમાંથી કૅમેરા છૂટી ગયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સપ્ટેમ્બર 2015માં કૅમેરા ખોવાઈ ગયો હતો અને ત્યારબાદ સેરીનાએ માની લીધું હતું કે હવે તેનો કૅમેરા મળશે નહીં.

કઈ રીતે બે વર્ષ બાદ મળ્યો કૅમેરા?

ઇમેજ સ્રોત, SERINA TSUBAKIHARA
આ કૅમેરા સૈંકડો કિલોમીટરની સફર કરીને આખરે તાઇવાન પહોંચ્યો હતો.
અહીં દરિયા કિનારે આ કૅમેરા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકને મળ્યો હતો.
કૅમેરા જેમને મળ્યો તે શિક્ષક પાર્ક લી બીબીસીને કહે છે, "એક 11 વર્ષીય છોકરાને આ કૅમેરા મળી આવ્યો હતો."
ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકે તેમના મૂળ માલિકને આ કૅમેરા પહોંચાડવાનું નક્કી કર્યું.
તેમણે આ કૅમેરાની તસવીરો ફેસબુક પર મૂકીને તેમના માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
પાર્ક લી કહે છે, "આશ્ચર્યની વચ્ચે તેમને એક જ દિવસમાં કૅમેરાના માલિક મળી ગયા."
સેરીના ત્સુબાકીહરા કે જેઓ કૅમેરાના મૂળ માલિક છે તેઓએ કહ્યું, "પહેલાં તો મને આ વાત પર વિશ્વાસ જ ના આવ્યો કે બે વર્ષ બાદ મારો કૅમેરા મને મળી શકે."
તેઓ કહે છે, "મારા મિત્રોએ આ કૅમેરાની તસવીરો ફેસબુક પર જોઈ હતી અને તેમને મને કહ્યું. આ સમયે મને આશ્ચર્ય થયું હતું."

કૅમેરામાં કોઈ નુકસાન નહીં!

ઇમેજ સ્રોત, Park Lee
કૅમેરા જેમને મળ્યો તે પાર્ક લી કહે છે, "કૅમેરા અમને મળ્યો ત્યારે અમને થયું કે તે ભાંગી ગયો હશે. પરંતુ તેના પર જામેલી પરત જ્યારે કાઢી ત્યારે અમને એક બટન જોવા મળ્યું."
"આશ્ચર્યની વાત તો એ છે કે વિદ્યાર્થીઓએ જ્યારે કૅમેરા ચાલુ કર્યો તો તે સમયે પણ તેની બેટરી ચાર્જ જ હતી."
તેઓ કહે છે, "વિદ્યાર્થીઓને પહેલાં તો થયું કે આ કૅમેરા મળ્યો છે તો હવે તેઓ રાખી શકે છે. જોકે, ઘણા લોકોએ સૂચવ્યું કે આ કૅમેરાના માલિકને શોધવાના પ્રયત્ન કરવા જોઈએ. જે બાદ અમે ફેસબુક પર તેની તસવીરો પોસ્ટ કરી હતી."
કૅમેરામાં કેટલીક તસવીરો જાપાની હોવાને કારણે તસવીરો સાથે જાપાની અને મેડરિન ભાષામાં પણ લખાણ લખવામાં આવ્યું.
આ પોસ્ટને 10,000થી વધુ વખત શૅર કરવામાં આવી હતી અને એક દિવસ આ સંદેશ ત્સુબાકીહરા સુધી પહોંચી ગયો.
ત્સુબાકીહરાનું કહેવું છે, "હું બહુ ખુશ છું. તે તસવીરો મને જૂની યાદોનું સ્મરણ કરાવે છે અને પસાર થયેલો સમયને ફરીથી જીવવા માટે તક આપે છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેઓ ઓ જૂન મહિનામાં તાઇવાન જવાની યોજના બનાવી રહ્યાં છે.
મુલાકાત દરમિયાન તેઓ શિક્ષક અને શાળાના બાળકોનો આભાર માનશે અને ખોવાઈ ગયેલા કૅમેરાને આખરે પોતાના ઘરે લાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












