અદાણી ગ્રૂપ સામેના લાંચના આરોપોથી ભારતની સ્વચ્છ ઊર્જા મહત્ત્વાકાંક્ષાને ફટકો પડશે?

ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપ, અર્થતંત્ર, ભારત, ગુજરાત, નાણા, બીબીસી ગુજરાતી, ગુજરાતના ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણીની ફાઇલ તસવીર
    • લેેખક, નિખિલ ઈનામદાર અને અર્ચના શુક્લ
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ઉદ્યોગના અગ્રણીઓએ જણાવ્યું છે કે ગૌતમ અદાણી ગ્રૂપ પર એક અમેરિકન કોર્ટ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી ભારતનાં સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોને ખાસ કોઈ અસર થવાની શક્યતા નથી.

ભારતે 2032 સુધીમાં તેની કુલ પૈકીની અડધી અથવા 500 ગીગાવૉટ વીજળી જરૂરિયાત અક્ષય ઊર્જાના સ્રોતોમાંથી મેળવવાની પ્રતિજ્ઞા કરી છે, જે આબોહવા પરિવર્તન સામેના વૈશ્વિક પ્રયાસોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

તેમાં દસમા ભાગનું યોગદાન અદાણી ગ્રૂપ આપવાનું છે.

વિશ્લેષકોના કહેવા મુજબ, અમેરિકામાંની કાનૂની અડચણો અદાણી ગ્રૂપની વિસ્તરણની યોજનાઓને કામચલાઉ રીતે ખોરંભે પાડી શકે છે, પરંતુ ભારત સરકારનાં એકંદર લક્ષ્યો પર તેની અસર થશે નહીં.

ક્લિન ઍનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ભારતે છેલ્લા એક દાયકામાં પ્રભાવશાળી પ્રગતિ કરી છે.

ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સીના જણાવ્યા મુજબ, રીન્યુએબલ ક્ષમતા ઉમેરવાની બાબતમાં ભારત "મોટાં અર્થતંત્રોમાં સૌથી ઝડપી દરે" વિકાસ કરી રહ્યું છે.

સ્થાપિત ક્લિન ઍનર્જી ક્ષમતામાં પાંચ ગણો વધારો થયો છે, જેમાં દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનો લગભગ 45 ટકા હિસ્સો એટલે કે લગભગ 200 ગીગાવૉટ બિન-અશ્મિભૂત ઇંધણ સ્રોતોમાંથી આવે છે.

અદાણી ગ્રૂપનું ઊર્જા ક્ષેત્રે ઉત્પાદન

ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપ, અર્થતંત્ર, ભારત, ગુજરાત, નાણા, બીબીસી ગુજરાતી, ગુજરાતના ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સ્વચ્છ ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓ માટે નિર્ણાયક એવા અદાણી ગ્રૂપ સામેના આરોપો "સરકી રહેલા કાળા વાદળ" જેવા છે અને તેની આ ગતિ પર કોઈ અસર થશે નહીં, એમ એક હરીફ કંપનીના ભૂતપૂર્વ સીઈઓએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના ઊર્જા સંક્રમણમાં 100 અબજ ડૉલરના રોકાણનું વચન ગૌતમ અદાણીએ આપ્યું છે. તેમના જૂથની ગ્રીન ઍનર્જી કંપની દેશની સૌથી મોટી રિન્યુએબલ ઍનર્જી કંપની છે, જે પવન અને સૌર પ્રકલ્પોના વિવિધ પૉર્ટફોલિયો મારફત લગભગ 11 ગીગાવૉટ સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરે છે.

અદાણીએ 2030 સુધીમાં તેને 50 ગીગાવૉટ સુધી વધારવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, જે દેશની પોતાની સ્થાપિત ક્ષમતાના લગભગ 10 ટકા જેટલું હશે.

તે પૈકીના અડધાથી વધુ અથવા 30 ગીગાવૉટનું ઉત્પાદન ગુજરાતના ખાવડા ખાતે કરવામાં આવશે. તે વિશ્વનો સૌથી મોટો ક્લિન ઍનર્જી પ્લાન્ટ છે. તેનું કદ પેરિસ કરતાં પાંચ ગણું છે અને અદાણીના રિન્યુએબલ ઍનર્જી સાહસના તાજમાં તે કેન્દ્રસ્થાને છે.

ખાવડા અને અદાણીના અન્ય રિન્યુએબલ ઍનર્જી પ્રોજેક્ટ્સ અમેરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા મૂકવામાં આવેલા આરોપોના કેન્દ્રમાં છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ એકમોમાંથી રાજ્યની વિતરણ કંપનીઓને વીજ પૂરવઠો પૂરો પાડવાના કૉન્ટ્રૅક્ટ્સ મેળવવા માટે કંપનીએ ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. અદાણી જૂથે તે આક્ષેપોને ફગાવી દીધા છે.

જોકે, કંપનીના સ્તરે તેનો પ્રભાવ દેખાઈ રહ્યો છે.

આરોપ જાહેર થયા કે તરત જ અદાણી ગ્રીન ઍનર્જીએ અમેરિકામાં 600 મિલિયન ડૉલરના બૉન્ડની ઑફર રદ્દ કરી હતી.

ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપ, અર્થતંત્ર, ભારત, ગુજરાત, નાણા, બીબીસી ગુજરાતી, ગુજરાતના ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Getty Images

અદાણી ગ્રીન ઍનર્જીના 20 ટકા હિસ્સાની માલિક અને અનેક રિન્યુએબલ પ્રોજેક્ટ્સ વિકસાવવાના એક સંયુક્ત સાહસમાં અદાણી ગ્રૂપની ભાગીદાર ફ્રાન્સની ટોટલ ઍનર્જીએ જણાવ્યું હતું કે તે કંપનીમાં નવું મૂડી રોકાણ હાલ પૂરતું અટકાવી દેશે.

મૂડીઝ, ફિન્ચ અને એસઍન્ડપી જેવી મુખ્ય ક્રૅડિટ રેટિંગ એજન્સીઓએ અદાણી ગ્રીન ઍનર્જી સહિતના અદાણી જૂથની કંપનીઓનો તેમનો આઉટલૂક નૅગેટિવ કર્યો હતો. તેનાથી ભંડોળ મેળવવાની કંપનીની ક્ષમતા પર અસર થશે અને મૂડી એકત્ર કરવાનું વધુ ખર્ચાળ બનશે.

અદાણી ગ્રીન ઍનર્જીની દેવાને ચૂકવવાની ક્ષમતા બાબતે પણ વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ અદાણી જૂથમાં વધારે રોકાણ કરવા બાબતે સાશંક છે.

બર્નસ્ટેઈનની એક નોંધ અનુસાર, અદાણી જૂથની લાંબા ગાળાના દેવાના રિ-ફાયનાન્સ માટેની વૈશ્વિક બૅન્કો અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બૉન્ડ પરની નિર્ભરતા 2016ના માંડ 14 ટકાથી વધીને આજની તારીખે લગભગ 60 ટકા થઈ છે ત્યારે જેફ્રીઝ અને બર્કલેઝ જેવા વૈશ્વિક ધિરાણકર્તાઓ પહેલેથી જ અદાણી સાથેના તેમના સંબંધની સમીક્ષા કરી રહ્યા હોવાનું કહેવાય છે.

જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાના જણાવ્યા મુજબ, નવું ધિરાણ ટૂંકા ગાળા માટે મળવાનું અટકી શકે છે, પરંતુ "લાંબા ગાળે તે ધીમે-ધીમે ફરીથી શરૂ થઈ શકે છે." આ દરમિયાન એમયુએફજી, એસએમબીસી અને મિઝુહો જેવી જાપાની બૅન્કો અદાણી જૂથ સાથેનો તેમનો સંબંધ ચાલુ રાખે તેવી શક્યતા છે.

અદાણી ગ્રૂપને શું અસર થશે?

ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપ, અર્થતંત્ર, ભારત, ગુજરાત, નાણા, બીબીસી ગુજરાતી, ગુજરાતના ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Getty Images

પોતાની ઓળખ જાહેર ન કરવા ઇચ્છતા સીઈઓએ કહ્યું હતું, "પ્રતિષ્ઠા સંબંધી અને ભાવનાત્મક પ્રભાવ" થોડા સમયમાં દૂર થઈ જશે, કારણ કે અદાણી જૂથ "નક્કર, વ્યૂહાત્મક અસ્ક્યામતો બનાવી રહ્યું છે તેમજ લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરી રહ્યું છે."

અદાણી ગ્રૂપના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું, "ગ્રૂપ 2030ના લક્ષ્યાંકો માટે પ્રતિબદ્ધ છે અને 50 ગીગાવૉટ રિન્યુએબલ ઍનર્જી ક્ષમતા ડીલિવર કરવાનો વિશ્વાસ ધરાવે છે."

અમેરિકન કોર્ટના આરોપ પછી અદાણીના જે શૅરોના ભાવ ઘટ્યા હતા તે ઝડપથી રિકવર થયા છે.

કેટલાક વિશ્લેષકોએ બીબીસીને જણાવ્યું હતું કે અદાણી જૂથને ભંડોળ મળવાની ગતિમાં થયેલો ઘટાડો વાસ્તવમાં તેમના હરીફોને લાભ કરાવી શકે છે.

નાણાકીય શક્તિને કારણે આ ક્ષેત્રમાં અદાણીનું વિસ્તરણ ઝડપી બન્યું છે ત્યારે ટાટા પાવર, ગોલ્ડમૅન-સૅક્સ સમર્થિત રિન્યુ પાવર, ગ્રીનકૉ અને સરકાર સંચાલિત એનટીપીસી જેવા તેના સ્પર્ધકો પણ ઉત્પાદન અને જનરેશન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી રહ્યા છે.

ક્લાઇમેટ ઍનર્જી ફાયનાન્સના ડિરેક્ટર ટિમ બકલેએ કહ્યું હતું, "ગ્રીન ઍનર્જીમાં અદાણી ચૅમ્પિયન છે એવું નથી. તે એક મોટો ખેલાડી છે અને વિશ્વમાં કોલસાના સૌથી મોટા પ્લાન્ટના ખાનગી વિકાસકર્તા હોવાથી તેને બન્ને ક્ષેત્રની જાણકારી છે."

તેમણે ઉમેર્યું હતું, એક મોટી કંપની, જેને "ભ્રષ્ટ માનવામાં આવતી હોવાથી" તેનું વિસ્તરણ ધીમું પડી શકે છે. તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે "અન્ય ગ્રીન ઍનર્જી કંપનીઓને વધુ નાણાં મળતાં થશે."

ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍનર્જી ઇકૉનૉમિક્સ ઍન્ડ ફાયનાન્શિયલ ઍનાલિસિસના દક્ષિણ એશિયાના ડિરેક્ટર વિભૂતિ ગર્ગના જણાવ્યા અનુસાર, ભારતમાં પુરવઠાની સરખામણીએ રિન્યુએબલ ઍનર્જીની માંગ સતત વધી રહી હોવાથી માર્કેટ ફન્ડામેન્ટલ્સ મજબૂત રહેશે, જે મોટા રોકાણની ઇચ્છાને જાળવી રાખે તેવી શક્યતા છે.

હકીકતમાં ભારતની અમલદારશાહી દેશની ક્લિન ઍનર્જીની મહત્ત્વાકાંક્ષાઓની ગતિને ધીમી કરી શકે છે.

વીડિયો કૅપ્શન, સેબી અને અદાણી પર આરોપ મૂકનારી કંપની હિંનબર્ગ શું છે?

વિભૂતિ ગર્ગે ઉમેર્યું હતું, "અમે જે કંપનીઓને ટ્રૅક કરી છે તે બહુ મજબૂત છે. તેમના માટે ફાયનાન્સ કોઈ સમસ્યા નથી. કોઈ સમસ્યા હોય તો એ રાજ્ય સ્તરના નિયમો છે, જે એક પ્રકારે અવરોધક છે."

મોટાભાગની સરકાર સંચાલિત વીજ વિતરણ કંપનીઓ નાણાકીય અવરોધોનો સામનો કરવાની સાથે સસ્તા અશ્મિભૂત ઇંધણનો વિકલ્પ પસંદ કરે છે અને ખરીદી કરાર પર હસ્તાક્ષર કરતી નથી.

રૉયટર્સના જણાવ્યા મુજબ, અદાણીએ જે વિવાદાસ્પદ ટૅન્ડર પ્રાપ્ત કર્યું હતું તે સરકાર સંચાલિત સોલર ઍનર્જી કૉર્પ ઑફ ઇન્ડિયા (એસઈસીઆઈ) દ્વારા વિતરકો સાથેના બાંયધરી કરાર વિના આપવામાં આવેલો પ્રથમ મોટો કૉન્ટ્રેક્ટ હતો.

એસઈસીઆઈના ચૅરમૅને રૉયટર્સને જણાવ્યું હતું કે માર્કેટમાં 30 ગીગાવૉટના પ્રોજેક્ટ્સ કાર્યરત છે અને કોઈ ખરીદદાર નથી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અમેરિકાના અદાણી પરના 8 ગીગાવૉટનો સોલર કૉન્ટ્રેક્ટ પણ અવ્યવસ્થિત ટૅન્ડર પ્રક્રિયા તરફ ઇશારો કરે છે. એ માટે સૌર ઊર્જા ઉત્પાદક કંપનીઓએ મોડ્યુલ્સ બનાવવા જરૂરી હોય છે. બિડર્સની સંખ્યા મર્યાદિત હોય છે અને પાવરનો ખર્ચ વધી જાય છે.

વિભૂતિ ગર્ગના કહેવા મુજબ, કોર્ટના આરોપને કારણે "બિડિંગ અને ટૅન્ડરિંગના નિયમો નિશ્ચિત રીતે કડક બનાવવામાં આવશે."

વિકાસકર્તાઓ અને રોકાણકારો બન્ને માટે જોખમને ઘટાડે તેવી એક સ્પષ્ટ ટૅન્ડરિંગ પ્રક્રિયા આગળ જતાં મહત્ત્વની બનશે, એ વાત સાથે ટિમ બકલે સંમત છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.