ગૌતમ અદાણી પરના આરોપોની ભારતીય અર્થતંત્ર અને રાજકારણ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ પૈકીના એક ગૌતમ અદાણીએ થોડા દિવસો પહેલાં ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની ઉજવણી કરી હતી અને અમેરિકામાં ઊર્જા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી.
62 વર્ષીય ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણવામાં આવે છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીનું 169 અબજનું સામ્રાજ્ય બંદરો અને અક્ષય ઊર્જા સુધીના ક્ષેત્રોમાં ફેલાયેલું છે. તેમની સામે હવે અમેરિકામાં છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા છે. તેને લીધે દેશ-વિદેશમાં તેમની મહત્ત્વાકાંક્ષા પર જોખમ સર્જાઈ શકે છે.
ફેડરલ પ્રોસિક્યુટર્સે તેમના પર 250 મિલિયન ડૉલરની લાંચ યોજના બનાવવાનો અને અમેરિકામાંથી નાણાં એકત્ર કરવા માટે તેને છુપાવવાનો આરોપ મૂક્યો છે.
તેમનો આરોપ છે કે ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓએ 20 વર્ષમાં બે અબજ ડૉલરના નફાના કૉન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. અદાણી જૂથે પ્રસ્તુત આરોપોને “નિરાધાર” ગણાવીને નકારી કાઢ્યા છે.
જોકે, આ આરોપો અદાણી જૂથ અને ભારતીય અર્થતંત્રને અસર કરી રહ્યા છે.
અદાણી જૂથનું અર્થતંત્રમાં સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી જૂથની કંપનીઓએ ગુરુવારે 34 અબજ ડૉલરની માર્કેટ વેલ્યૂ ગુમાવી હતી. એ કારણે તેમની 10 કંપનીઓની સંયુક્ત બજાર મૂડી ઘટીને 147 અબજ ડૉલર થઈ ગઈ છે.
આરોપોના કેન્દ્રમાં છે તે કંપની અદાણી ગ્રીન ઍનર્જીએ જણાવ્યું છે કે તે 60 કરોડ ડૉલરના બૉન્ડ ઇસ્યુ બાબતે આગળ વધશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આક્ષેપોની ભારતીય અર્થતંત્ર અને રાજકારણ પરની અસર બાબતે પણ સવાલ છે.
ભારતીય અર્થતંત્ર દેશના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંધાતા અદાણી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેઓ 13 બંદરો (30 ટકા બજાર હિસ્સો), સાત ઍરપૉર્ટ (પેસેન્જર ટ્રાફિકના 23 ટકા) અને ભારતના બીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ બિઝનેસ (20 ટકા બજાર હિસ્સો)નું સંચાલન કરે છે.
છ કોલ-ફાયર્ડ પાવર પ્લાન્ટ્સ સાથે અદાણી ભારતમાં વીજળી ક્ષેત્રે સૌથી મોટા ખાનગી પ્લેયર છે. એ ઉપરાંત તેમણે ગ્રીન હાઇડ્રોજનમાં 50 અબજ ડૉલરના રોકાણનો સંકલ્પ કર્યો છે અને તેઓ 8,000 કિલોમીટર લાંબી ગૅસ પાઇપલાઇનનું સંચાલન કરે છે.
તેઓ ભારતનો સૌથી લાંબો ઍક્સપ્રેસવે પણ બનાવી રહ્યા છે અને ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ પણ કરી રહ્યા છે. તેઓ 45,000થી વધુ લોકોને રોજગાર આપે છે, પરંતુ તેમના બિઝનેસનો પ્રભાવ દેશમાં લાખો લોકો પર પડે છે.
ભારતીય રાજકારણ અને અર્થકારણ પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૌતમ અદાણીની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા ઇન્ડોનેશિયા તથા ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો, કેન્યા તથા મોરોક્કોમાં ઍરપૉર્ટ્સ અને ઊર્જા પ્રોજેક્ટ્સ સુધી ફેલાયેલી છે. તાંઝાનિયા અને કેન્યામાં એક અબજ ડૉલરથી વધુ મૂલ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ અદાણી જૂથની નજર છે.
અદાણી જૂથનો પૉર્ટફોલિયો નરેન્દ્ર મોદીની નીતિવિષયક અગ્રતાઓ સાથે ઘણો મળતો આવે છે. તેની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે થઈ હતી અને તાજેતરમાં તે ક્લિન ઍનર્જી સુધી વિસ્તરી છે.
ટીકાકારો તેમના સામ્રાજ્યને સરકાર સાથે સાઠગાંઠયુક્ત ગણાવતા હોવા છતાં તેઓ સફળ થયા છે. સરકાર સાથેની સાઠગાંઠના સંદર્ભમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધ તરફ ઈશારો કરવામાં આવે છે.
ગૌતમ અદાણી અને વડા પ્રધાન મોદી બન્ને ગુજરાતના છે. (કોઈ પણ સફળ બિઝનેસમૅનની માફક ગૌતમ અદાણીએ વિરોધ પક્ષોના અનેક નેતાઓ સાથે પણ સંબંધ કેળવ્યા છે, તેમનાં રાજ્યોમાં રોકાણ કર્યું છે.)
અદાણી સમૂહ વિશે વિગત વાર લખી ચૂકેલા પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા કહે છે, “આ (લાંચના આક્ષેપો) બહુ મોટા છે. અદાણી અને નરેન્દ્ર મોદી લાંબા સમયથી અવિભાજ્ય રહ્યા છે. તેની ભારતીય રાજકારણ અને અર્થકારણ બન્ને પર અસર થશે.”
ગૌતમ અદાણી માટે આ આરોપો મુશ્કેલી સર્જશે?

ઇમેજ સ્રોત, AFP
અમેરિકન શૉર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના 2023ના રિપોર્ટમાં અદાણી જૂથ પર દાયકાઓથી શૅરબજારમાં હેરફેર અને હાથચાલાકીના આક્ષેપો કરવામાં આવ્યાને કારણે ખરડાયેલી પોતાની છબીને સમારવાના પ્રયાસ ગૌતમ અદાણી લગભગ બે વર્ષથી કરી રહ્યા છે ત્યારે આ સંકટ આવી પડ્યું છે.
હિંડનબર્ગના દાવાઓનો અદાણીએ ઇનકાર કર્યો હતો, પરંતુ તે આક્ષેપોને કારણે માર્કેટમાં વેચવાલી શરૂ થઈ હતી અને હાલ એ બાબતે ભારતના માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ ચાલુ છે.
અમેરિકન થિંક-ટેન્ક વિલ્સન સેન્ટરના માઇકલ કુગલમૅને બીબીસીને કહ્યું હતું, “ગૌતમ અદાણી તેમની છબી ફરીથી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે અને એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હિંડનબર્ગ સમૂહે કરેલા આક્ષેપો ખોટા હતા તથા તેમની કંપની તેમજ વ્યવસાય વાસ્તવમાં બહુ સારી રીતે ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં અનેક નવા કરાર અને રોકાણ કરવામાં આવ્યું છે. તેથી, અગાઉના આરોપોના સંભવિત નુકસાનને હટાવવા બહુ સારું કામ કરી ચૂકેલા ગૌતમ અદાણી માટે નવા આક્ષેપો મોટો ફટકો છે.”
પૈસાની મોટા પ્રમાણમાં જરૂર હોય તેવા પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવાનું હાલ ગૌતમ અદાણી માટે મુશ્કેલ બનશે.
એક સ્વતંત્ર બજાર વિશ્લેષક અંબરીશ બાલિગાએ બીબીસીને કહ્યું હતું, “માર્કેટની પ્રતિક્રિયાથી સમજાય છે કે નવા આક્ષેપો કેટલા ગંભીર છે. તેમ છતાં અદાણી જૂથ તેના ભાવિ પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરી લેશે, પરંતુ થોડો વિલંબ થશે.”
નવા આક્ષેપો ગૌતમ અદાણીની વૈશ્વિક વિસ્તાર યોજનાઓમાં અડચણ સર્જી શકે છે. કેન્યા અને બાંગ્લાદેશમાં એક ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ તથા વિવાદાસ્પદ ઊર્જા સોદાને અગાઉથી જ પડકારવામાં આવ્યા છે.
સિંગાપુર મૅનેજમૅન્ટ યુનિવર્સિટીમાં લી કોંગ ચિયાન પ્રોફેસર નિર્માલ્યકુમારે બીબીસીને કહ્યું હતું, “આ નવા આક્ષેપોએ અમેરિકા સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય વિસ્તાર યોજનાઓને અટકાવી દીધી છે.”
અદાણીના મામલામાં હવે શું થશે?

ઇમેજ સ્રોત, AFP
રાજકીય રીતે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અપેક્ષાકૃત રીતે અદાણીની ધરપકડની માગણી કરી છે અને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપી છે.
નિર્માલ્યકુમારે કહ્યું હતું, “ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપવી એ કોઈ નવી વાત નથી, પરંતુ જે રકમ દર્શાવવામાં આવી છે તે ચોંકાવનારી છે. મને શંકા છે કે જેમને લાંચ મળવાની હતી એ લોકોનાં નામ અમેરિકા પાસે છે. ભારતીય રાજકારણમાં તેના પડઘા સંભળાતા રહેશે. હજુ ઘણું બધું બહાર આવવાનું બાકી છે.”
ગૌતમ અદાણીની ટીમ ઉચ્ચ સ્તરીય કાનૂની બચાવની તૈયારી કરશે તેમાં કોઈ શંકા નથી.
માઇકલ કુગલમૅનના કહેવા મુજબ, “અત્યારે તો માત્ર આરોપો જ છે. ઘણું બધું બહાર આવવાનું બાકી છે.”
કુગલમેનના જણાવ્યા અનુસાર, ભારત-અમેરિકાના વ્યાપાર સંબંધની તપાસ થઈ શકે છે, પરંતુ ખાસ કરીને શ્રીલંકામાં એક બંદર પ્રોજેક્ટ માટે અદાણી જૂથ સાથે તાજેતરમાં જ થયેલા 500 મિલિયન ડૉલરના અમેરિકન સોદાને ધ્યાનમાં લેતાં, તેના પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. ગંભીર આક્ષેપ છતાં ભારત-અમેરિકાના વ્યાપાર સંબંધ વ્યાપક રીતે મજબૂત છે.
કુગલમૅન કહે છે, “ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધ બહુ વ્યાપક અને બહુઆયામી છે. ભારતીય અર્થતંત્રમાં આવી મોટી હસ્તી વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો થયા હોય તો પણ મને નથી લાગતું કે ભારત-અમેરિકા વ્યાપાર સંબંધ પરની તેની અસર બાબતે વધારીને વાત કરવી જોઈએ.”
ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યર્પણ સંધિ હોવા છતાં અદાણીને નિશાન બનાવવામાં આવે છે કે નહીં, એ સ્પષ્ટ નથી, કારણ કે તેનો આધાર નવું વહીવટીતંત્ર મામલાઓને આગળ વધારશે કે નહીં તેના પર છે.
અંબરીશ બાલિગા માને છે કે અદાણી માટે આ બહુ ખરાબ નથી. તેઓ કહે છે, “હું હજુ પણ માનું છું કે હિંડનબર્ગ પ્રકરણ પછી બન્યું હતું તેમ વિદેશી રોકાણકારો અને બૅન્કો તેમને ટેકો આપવાનું ચાલુ રાખશે, કારણ કે તેઓ ભારતીય અર્થતંત્રના બહુ જ મહત્ત્વના, સારું પર્ફૉર્મ કરતા સૅક્ટર્સનો હિસ્સો છે.”
“બજારમાં પણ એવી ધારણા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સત્તાનાં સૂત્રો સંભાળશે પછી આ મામલાનું પણ નિરાકરણ થઈ જશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












