હિંડનબર્ગ કેસ: સુપ્રીમના નિર્ણય પર અદાણીએ કહ્યું- સત્યમેવ જયતે, કૉંગ્રેસે શું સવાલ ઉઠાવ્યા?

અદાણી સમૂહ હિન્ડનબર્ગ

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

અમેરિકી શૉર્ટ સેલર હિન્ડનબર્ગ ગ્રૂપ તરફથી પ્રકાશિત એક અહેવાલમાં અદાણી સમૂહ પર લગાવાયેલા આરોપો મામલે સુપ્રીમ કોર્ટે 3 ડિસેમ્બર, બુધવારે ચુકાદો આપ્યો છે. સેબીએ શરૂ કરેલી તપાસને એસઆઇટીને સોંપી દેવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અરજી દાખલ કરનાર લોકો તેના માટે કોઈ ઠોસ કારણ આપી શક્યા નથી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે કહ્યું છે સેબીએ અદાણી સાથે જોડાયેલા 22 કેસોમાંથી 20ની તપાસ પૂરી કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે સેબીને બાકી બચેલા મામલાની તપાસ પણ ત્રણ મહિનાની અંદર પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સેબીને એ આદેશ પણ આપ્યો છે કે જો હિન્ડનબર્ગે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય અને તેનાથી ભારતીય રોકાણકારોને નુકસાન થયું હોય તો તેની પણ તપાસ કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે આ નિર્ણય સંભળાવતાં કહ્યું કે, “કોઈ પણ પ્રકારના પ્રમાણભૂત પુરાવાઓ વગર મીડિયામાં ફરતાં થર્ડ પાર્ટી રિપોર્ટમાં કે કોઈ સંસ્થા પર ભરોસો ન કરી શકાય. તેમની પાસે કોઈ ઠોસ પુરાવાઓ નથી.”

કોર્ટે કહ્યું કે સેબીને નિયંત્રિત કરવાના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત તાકાત જ છે. અદાણી સમૂહે હિન્ડનબર્ગના અહેવાલમાં લગાવાયેલા આરોપોને નકાર્યા છે.

કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે હિન્ડનબર્ગ કે બીજા કોઈ રિપોર્ટના આધારે અલગથી તપાસનો આદેશ ન આપી શકાય.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બુધવારે શેરબજારમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ઍનર્જીમાં 9.1 ટકા, અદાણી ટોટલમાં 7.1 ટકા, અદાણી ગ્રીનમાં 5.5 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 2.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

ગૌતમ અદાણીએ કર્યું કોર્ટના નિર્ણયનું સ્વાગત

અદાણી સમૂહ હિન્ડનબર્ગ

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી અદાણી સમૂહના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું છે કે, “સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સત્ય સામે આવી ગયું છે. સત્યમેવ જયતે. હું એ લોકોનો આભારી છું કે જેઓ આ સમય દરમિયાન અમારી સાથે ઊભા રહ્યા. ભારતની વિકાસ યાત્રામાં અમારું વિનમ્ર યોગદાન શરૂ રહેશે. જય હિન્દ.”

અદાણી સમૂહના વકીલ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટે સેબીના રિપોર્ટમાં 22માંથી 20 ટ્રાન્ઝેક્શન્સ બરાબર હોવાનો મત વ્યક્ત કર્યો હોવાથી મને લાગે છે કે આ ચોક્કસપણે અદાણી સમૂહ માટે ક્લિનચીટ છે અને હવે આમાં કોઈ શંકા નથી."

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું, "કોર્ટે સેબીની તપાસ પર વિશ્વાસ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે તેને સેબીમાં વિશ્વાસ છે અને તે કરવામાં આવેલી ચાર અરજીઓને આધારે કોઈ પણ અન્ય સીબીઆઈ કે પોલીસ તપાસને મંજૂરી આપતી નથી. કોઈ બીજી તપાસ શરૂ કરવા માટે તેમને કોઈ જરૂરી તથ્ય મળ્યાં નથી."

કૉંગ્રેસે ફરી ઉઠાવ્યા સવાલ

REUTERS/AMIT DAVE

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અદાણી સમૂહની કંપનીઓ સંબંધિત હિન્ડનબર્ગ રિપોર્ટના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સમયની અંદર આ મામલાની તપાસ પૂર્ણ કરશે.

જોકે, કૉંગ્રેસ પાર્ટીએ એમ પણ કહ્યું છે કે ભૂતકાળમાં સેબીના રેકૉર્ડને ધ્યાને લઈએ તો તેના પર ભરોસો બેસતો નથી.

કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા મનીષ તિવારીએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “મેં સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિસ્તારપૂર્વક વાંચ્યો નથી પણ તેમણે બે મહિનામાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે. સેબીએ ચોક્કસ રહીને તપાસ કરી હોત કે જલદીથી કાર્યવાહી કરી હોત તો આ તપાસ જલદીથી પૂરી થઈ ગઈ હોત.”

મનીષ તિવારીએ કહ્યું કે, "પાર્લામેન્ટરી કમિટી ઑન ફાઈનાન્શિયલ અફેયર્સમાં પણ અમે વારંવાર વિનંતી કરી હતી કે સેબીને બોલાવવામાં આવે અને તેમની પાસેથી અદાણી ગ્રૂપની કંપનીઓનું મૉનિટરિંગ કેમ ચોક્કસ ન હતું અને તે કેમ નિષ્ફળ રહ્યા તે અંગે ખુલાસો માગવામાં આવે. કમનસીબે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં લઘુમતીમાં હતા અને શાસક પક્ષના લોકો બહુમતીમાં હતા.”

હિન્ડનબર્ગના રિપોર્ટમાં શું આરોપો લગાવાયા હતા?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, REUTERS/B MATHUR

અમેરિકન ફૉરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિન્ડનબર્ગે અદાણી સમૂહ વિશે ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અદાણી સમૂહે અહેવાલને પાયાવિહોણા ગણાવતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા, પણ તેમ છતાં રોકાણકારોમાં ડરનું વાતાવરણ હતું.

'અડાની ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મૅન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કૉન ઇન કૉર્પોરેટ હિસ્ટ્રી' નામનો આ રિપોર્ટ ગયા વર્ષે 24 જાન્યુઆરીએ પ્રકાશિત થયો હતો.

આ તારીખ મહત્ત્વની એટલે હતી કે માત્ર બે દિવસ બાદ 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની શેરબજારમાં સેકન્ડરી શેર ઈસ્યૂ કરવા જઈ રહી હતી. આ 20 હજાર કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હતો. આ અહેવાલ બાદ અદાણીએ એફપીઓ મોકૂફ રાખ્યો હતો.

અહેવાલમાં તે 88 પ્રશ્નો પણ સામેલ હતા જે તેમણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથને પૂછ્યા હતા. ઘણા પ્રશ્નો ખૂબ જ ગંભીર હતા અને સીધા અદાણી સમૂહના કૉર્પોરેટ ગવર્નન્સને નિશાન બનાવતા હતા.

રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે ટૅક્સ હેવન દેશોમાં ઘણી નકલી કંપનીઓ છે જે અદાણી સમૂહની કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. મોરેશિયસ અને ઘણા કેરેબિયન દેશો ટૅક્સ હેવન છે જેમાં પૈસા જમા કરવા અથવા વેપાર કરવા માટે રોકાણ કરાયેલાં નાણાંનો સ્રોત જાહેર કરવો જરૂરી નથી. ઉપરાંત, ટૅક્સ ખૂબ ઓછો ચૂકવવો પડે છે.

અદાણી સમૂહે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ આપ્યો નથી, પરંતુ એમ કહ્યું હતું કે, "જ્યાં સુધી કૉર્પોરેટ ગવર્નન્સની વાત છે ત્યાં સુધી સમૂહની ચાર મોટી કંપનીઓ માત્ર ઉભરતાં બજારોમાં જ નહીં પરંતુ વિશ્વના તે ક્ષેત્રની ટોચની સાત કંપનીઓમાં સામેલ છે."

રિપોર્ટમાં પૂછવામાં આવ્યું હતું કે ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણીને ગ્રૂપના એમડી કેમ બનાવવામાં આવ્યા છે? તેમની સામે કસ્ટમ ટૅક્સ ચોરી, આયાત સંબંધિત નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને ગેરકાયદે કોલસાની આયાત કરવાના આરોપો પણ છે.

રિપોર્ટમાં એવું પણ પુછાયું હતું કે ગૌતમ અદાણીના સાળા સમીર વોરા મહત્ત્વના પદ પર કેમ છે? બેનામી કંપનીઓ દ્વારા ડાયમંડ ટ્રેડિંગમાં નામ આવ્યા પછી પણ સમીરને અદાણી સમૂહના ઑસ્ટ્રેલિયા ડિવિઝનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેમ બનાવવામાં આવ્યા?