ગ્રાઉન્ડ રિપોર્ટઃ હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રૂપના સિમેન્ટ પ્લાન્ટ્સ બંધ શા માટે થયા?

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા

- દાડલાઘાટ વિસ્તારના એક મોટા પ્લાન્ટને 15 ડિસેમ્બરે અચાનક તાળું મારી દેવામાં આવ્યું હતું
- દાડલાઘાટ અને બરમાણામાં 1990ના દાયકામાં પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું
- હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં જ સત્તા પરિવર્તનમાં સુખવિંદર સિંહ સુખ્ખુના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર રચાઈ છે
- દાડલાઘાટ અને બરમાણાની સિમેન્ટ ફેકટરીમાં હિમાચલના લગભગ 2,000 લોકો કામ કરતા હતા

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના દાડલાઘાટ વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી અકળામણભર્યો સન્નાટો પ્રસરેલો છે.
આ એ જગ્યા છે, જ્યાં છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત સિમેન્ટના એક મોટા પ્લાન્ટને 15 ડિસેમ્બરે અચાનક તાળું મારી દેવામાં આવ્યું હતું.
અદાણી ગ્રૂપે સપ્ટેમ્બર, 2022માં આ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. એ વખતે કંપનીએ બિલાસપુર જિલ્લાના બરમાણા ગામમાં કાર્યરત એક અન્ય સિમેન્ટ પ્લાન્ટ પણ ખરીદ્યો હતો.
પ્લાન્ટ હસ્તગત કર્યાના લગભગ બે મહિના પછી કંપનીએ જણાવ્યું હતું કે, “આ બન્ને પ્લાન્ટમાં માલના ટ્રાન્સપોર્ટેશન માટે કરવા પડતા ખર્ચને કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું છે. તેથી કંપની બન્ને પ્લાન્ટ બંધ કરી રહી છે.”
આગામી આદેશ ન મળે ત્યાં સુધી કામ પર નહીં આવવાની સૂચના કંપનીના કર્મચારીઓને 14 ડિસેમ્બરે મોડી સાંજે આપવામાં આવી હતી.
દાડલાઘાટના લોકોનું કહેવું છે કે, સિમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો હતો અને ઘણા કર્મચારીઓને તેની ખબર તેઓ 15 ડિસેમ્બરે સવારે કામ પર પહોંચ્યા ત્યારે પડી હતી.
હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં જ સત્તા પરિવર્તન થયું છે અને સુખવિંદર સિંહ સુખ્ખુના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર રચાઈ છે. નવી સરકારની રચનાના થોડા દિવસો બાદ જ બનેલી આ ઘટનાને હિમાચલ પ્રદેશના ઘણા લોકો રાજકારણ સાથે જોડી રહ્યા છે.
દાડલાઘાટ અને બરમાણામાં 1990ના દાયકામાં આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે સંખ્યાબંધ સ્થાનિક લોકોની જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હજારો લોકોના રોજગાર સામે પ્રશ્નાર્થ

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે લોકોની જમીનનું પ્લાન્ટ માટે અધિગ્રહણ કરવામાં આવ્યું હતું, એ પૈકીના કેટલાકને આ જ પ્લાન્ટ્સમાં નોકરી આપવામાં આવી હતી, પરંતુ ઘણા લોકો એવા હતા કે જેમને સિમેન્ટ પ્લાન્ટ્સમાં રોજગાર મળ્યો ન હતો.
જેમને નોકરી મળી ન હતી, તેઓ આ પ્લાન્ટ સાથે ટ્રાન્સપોર્ટના બિઝનેસ વડે સંકળાતા રહ્યા હતા. છેલ્લા ત્રણ દાયકામાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે, આ વિસ્તારનુ આખું અર્થતંત્ર આ સિમેન્ટ પ્લાન્ટ્સ પર નિર્ભર થઈ ગયું હતું, કારણ કે અહીં રોજગારનો બીજો કોઈ વિકલ્પ ન હતો.
હવે આ પ્લાન્ટ્સને તાળાં લાગી ગયાં હોવાથી અહીંના લોકોને તેમની સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગે છે.
હિમાચલ સરકારનું કહેવું છે કે, દાડલાઘાટ અને બરમાણાની સિમેન્ટ ફેકટરીમાં હિમાચલના લગભગ 2,000 લોકો કામ કરતા હતા.
રાજ્ય સરકાર એ પણ સ્વીકારે છે કે, આ ફેકટરીઓ બંધ થવાથી જે લોકોને અસર થઈ છે, તેમાં મોટી સંખ્યા એવા સ્થાનિક લોકોની છે કે જેમના લગભગ 10 હજાર ટ્રક માલના ટ્રાન્સપૉર્ટેશન માટે ફેકટરીઓ સાથે જોડાયેલા હતા.
હજારો ટ્રકને કારણે જ આ વિસ્તારમાં સંખ્યાબંધ ઢાબા, ટ્રકના સ્પેરપાર્ટ્સ વેચતી દુકાનો અને ટ્રકનું સમારકામ કરતા ગેરેજ ચાલતા હતાં તથા તેમના હજારો લોકો કામ કરતા હતા.
આજે એ બધા લોકોના રોજગાર સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સિમેન્ટ ફેકટરીઓમાંથી માલનું પરિવહન કરતા સેંકડો ટ્રકના પૈડાં થંભી ગયાં છે.
દાડલાઘાટના રહેવાસી મહેશ કુમાર કહે છે કે, “લોકોએ એવું ધારીને ટ્રક ખરીદ્યા હતા કે આ પ્લાન્ટમાં સિમેન્ટનું ઉત્પાદન થશે અને તેને ટ્રક મારફત દેશમાં પહોંચાડવાનું કામ તેઓ કરશે. બહારથી કશું આવશે તો પણ તેના માટે તેમના ટ્રકનો ઉપયોગ થશે, પરંતુ હવે પ્લાન્ટ જ બંધ થઈ જવાથી અહીં ટ્રકોની કતાર લાગી ગઈ છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “પ્લાન્ટ ઘણા દિવસથી બંધ છે. તેથી લોકો પણ હવે શું કરીશું તેના ટેન્શનમાં છે, કારણ કે લોકોએ તો તેમની તમામ મૂડી ટ્રક ખરીદવામાં વાપરી છે. આ વિસ્તારમાં સૌથી વધુ બિઝનેસ આ કંપની પર નિર્ભર છે. તે ચાલુ રહે તો સામાન્ય લોકોના ધંધા-રોજગાર પણ ચાલે.”
મહેશ કુમારના કહેવા મુજબ, “અહીંથી માંડીને પંજાબ સુધી જેટલી ટ્રક જાય છે, એ માર્ગ પર જેટલી હોટેલ વગેરે છે એ બધી આ પ્લાન્ટ બંધ થવાને કારણે બંધ થઈ શકે, કારણ કે તેમના ધંધા પર પણ માઠી અસર થશે. કોઈ પંક્ચર રિપેર કરવાનું કામ કરે છે, કોઈ ચા વેચે છે, કોઈ બીડી-સિગારેટ વેચે છે. એ બધાનો ધંધો બંધ થઈ જાય અને તેમણે રોજગારની શોધમાં અન્યત્ર ભટકવું પડે.”

હિમાચલ સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
હિમાચલ સરકારનું કહેવું છે કે, તે સ્થાનિક લોકોના હિતનું રક્ષણ કરશે.
રાજ્યના ઉદ્યોગ તથા ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આર. ડી. નઝીમ કહે છે કે, “અમારો પહેલો ઉદ્દેશ સ્થાનિક હિમાચલીઓને મદદ કરવાનો છે. તેથી અમે અદાણીને પહેલેથી જ જણાવી દીધું હતું કે, ટ્રાન્સપોર્ટેશન અમારા લોકો માટે ફાયદાકારક બને તેવી ફોર્મ્યુલા અમે બનાવીશું, કારણ કે સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે જે લોકોની જમીન હસ્તગત કરવામાં આવી હતી, એ લોકો ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ સાથે સંકળાયેલા છે.”
દાડલાઘાટ સિમેન્ટ પ્લાન્ટ બંધ થવાને કારણે જેમને અસર થવાની છે એ લોકોનું કહેવું છે કે, “આ પ્લાન્ટમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી, એ પૈકીના ઘણા લોકોની બદલી કરવામાં આવી રહી છે.”
અદાણી ગ્રૂપનું કહેવું છે કે, “દાડલાઘાટ અને ગગલ સિમેન્ટ પ્લાન્ટ્સના ઘણા કર્મચારીઓની સુખાકારી માટે કંપનીએ તેમની બદલીને પહેલ કરી છે. કર્મચારીઓની નોકરી બચાવવા માટે તેમની બદલી કરવાનું અનિવાર્ય છે.
અદાણી જૂથના જણાવ્યા મુજબ, કેટલાક કર્મચારીઓને નાલાગઢ, રોપડ તથા ભટિંડાના ગ્રાઈન્ડિંગ પ્લાન્ટ્સમાં અને કેટલાકને મારવાડ, મુંડવા, રાબડિયાવાસ તથા લખેડીના પ્લાન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ઉત્પાદન, જાળવણી તથા ગુણવત્તા જેવાં ઓપરેશન વિભાગોના કર્મચારીઓને જુદા-જુદા સ્થળે ફરી ગોઠવવામાં આવી રહ્યા છે.

વિવાદનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
આ પ્લાન્ટ્સ બંધ થવા પહેલાં માલના ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રક ઓપરેટર પહાડી વિસ્તારોમાં પ્રતિ ટન, પ્રતિ કિલોમીટર રૂ. 10.58 અને મેદાની વિસ્તારો માટે પ્રતિ ટન, પ્રતિ કિલોમીટર રૂ. 5.29 લેખે ભાડું વસૂલતા હતા.
અદાણી ગ્રૂપનું કહેવું છે કે, “પહાડી વિસ્તારોમાં ભાડું ઘટાડીને પ્રતિ ટન, પ્રતિ કિલોમીટર છ રૂપિયા કરવું જોઈએ.”
બીબીસીએ અદાણી ગ્રૂપના દૃષ્ટિકોણ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કહ્યું હતું કે, “ગગલ તથા દાડલાઘાટમાંની અમારી ફેકટરી બહુ ખોટમાં ચાલી રહી છે. પ્રવર્તમાન ભાડા કરતાં ઘણું વધારે ભાડું માગતા ટ્રક યુનિયનોના અડિયલ વલણને કારણે અમને 2022ની 15 ડિસેમ્બરથી ફેકટરી બંધ કરવાની ફરજ પડી હતી. ફેકટરી ચલાવવાનું અવ્યવહારુ બની ગયું હતું.”
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, “પ્રવર્તમાન ભાડાનો દર ઘટાડીને પ્રતિ ટન, પ્રતિ કિલોમીટર છ રૂપિયા કરવા અમે ટ્રક માલિકોને વારંવાર જણાવ્યું હતું. આ દર હિમાચલ પ્રદેશ સરકારે રચેલી સ્થાયી સમિતિના રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણ મુજબનો છે.”
અદાણી ગ્રૂપે એમ પણ જણાવ્યું હતું કે, “સ્થાનિક ટ્રાન્સપોર્ટ યુનિયનો અન્ય ટ્રાન્સપોર્ટરોને સ્પર્ધાત્મક દરે કામ કરવા દેતા નથી અને તે ઓપન માર્કેટની ભાવના વિરુદ્ધનું છે. કંપનીને ટ્રાન્સપોર્ટેશન માટે ગમે ત્યાંના ટ્રક્સનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ.”
સિમેન્ટ પ્લાન્ટ્સ બંધ થવાના થોડા સમય પછી જ હિમાચલ સરકાર આ સમસ્યાના નિરાકરણ માટે સક્રિય થઈ હતી.
રાજ્યના ઉદ્યોગ વિભાગે અદાણી ગ્રૂપને શો-કોઝ નોટિસ પાઠવીને સવાલ કર્યો હતો કે, તેમણે સ્થાનિક વહીવટીતંત્ર કે રાજ્ય સરકારને જણાવ્યા વિના આ સિમેન્ટ પ્લાન્ટ્સ બંધ કરવાનો એકતરફી નિર્ણય શા માટે કર્યો?
છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રાન્સપોર્ટ યુનિયનો, અદાણી ગ્રૂપ અને હિમાચલ પ્રદેશ સરકારના અધિકારીઓ વચ્ચે અનેક વખત વાતચીત થઈ હોવા છતાં આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી.
આર. ડી. નઝીમે કહ્યું છે કે, “નવી સરકાર રચાઈ છે અને અદાણી ગ્રુપે એ જ સમયે પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. અહીં માત્ર કર્મચારીઓનો સવાલ નથી. કંપનીના નિર્ણયની અસર એ વિસ્તારમાંના હજારો ટ્રક ઓપરેટર્સ, ડ્રાઈવર્સ, ક્લીનર્સ અને ઢાબા ચલાવતા લોકોને પણ થઈ છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક લોકોએ પોતાની જમીન ગુમાવી છે. આ લોકો ભૂમિહીન અને બેઘર થઈ ગયા છે. તેમણે આ સિમેન્ટ પ્લાન્ટ્સ માટે જમીન આપી હતી. પહાડી વિસ્તારોમાં સારી જમીનની કિંમત શું હોય, તે કેટલી અણમોલ હોય છે તે તમે જાણો છો.”

‘આ જમીનમાં દર વર્ષે પાક ઊગતો હતો’

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
સ્થાનિક લોકો આજે પણ એ જમીનને યાદ કરે છે. દાડલાઘાટમાં રહેતા પ્રેમલાલ ઠાકુરનો સમાવેશ એ લોકોમાં થાય છે, જેમની જમીનનું આ સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
સિમેન્ટ પ્લાન્ટ તરફ ઈશારો કરતાં તેઓ કહે છે કે, “આ જમીનમાં દર વર્ષે પાક ઊગતો હતો. આખા વિસ્તારમાં બહુ ઉપજાઉ જમીન હતી. તેમાં મકાઈ, કણક, મટર અને તમામ પ્રકારની દાળ ઊગાડવામાં આવતી હતી. આજે અમને એ વાતનો પસ્તાવો થાય છે કે કસવાળી જમીન વેચીને કારણ વિના ચક્કરમાં ફસાઈ ગયા.”

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
દાડલાઘાટના રહેવાસી તુલસીરામ ઠાકુરના કહેવા મુજબ, “અમારી જમીનમાં એવો કસ હતો કે એકવાર તેમાં વાવેતર કરી દઈએ પછી ગરમી પડે તો પણ સૂકાતી ન હતી. સારો પાક થતો હતો.”
સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ તથા પહાડોમાંથી લાઈમસ્ટોનના ખનન માટે 1990માં આ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
દાડલાઘાટના ગ્યાના ગામમાં રહેતા પારસ ઠાકુર કહે છે કે, “અમારે ત્યાં અત્યંત હાઈગ્રેડ લાઇમસ્ટોન મળી આવે છે. 1992માં અમે લોકોએ પ્રતિ વિઘા રૂ. 19,000ના અને રૂ. 62,000ના ભાવે જમીન આપી હતી. આટલી ઓછી કિંમતે તેમને લાઇમસ્ટોન મળ્યો હોવાથી હિમાચલમાં તેમનો ઉત્પાદન ખર્ચ સૌથી ઓછો છે.”
જમીનના અધિગ્રહણ વખતે તેમને બે શ્રેણીમાં વહેંચવામાં આવી હતી. જે જમીન ખેતીલાયક હતી, તેના માટે પ્રતિ વિઘા રૂ. 62,000 અને જે જમીન ખેતીલાયક ન હતી, તેના માટે પ્રતિ વિઘા રૂ. 19,000નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

‘જમીન ગઈ, પણ રોજગાર ન મળ્યો’

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
સ્થાનિક લોકોનું કહેવું છે કે, “જમીન હસ્તગત કરતી વખતે તેમને રોજગારનું વચન આપવામાં આવ્યું હતું, પણ તેનું પાલન કરવામાં આવ્યું નથી.
દાડલાઘાટના રહેવાસી કાન્તા શર્માના પરિવારની જમીનનું પણ અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. તેઓ જણાવે છે કે, “અમારા સંતાનને નોકરી મળી શકે કે કેમ, તે જાણવા માટે સિમેન્ટ ફેકટરીમાં અનેક વખત પૂછપરછ કરી હતી, પરંતુ તેમના માટે કોઈ કામ ન હોવાનો જવાબ મળ્યો હતો.”
કાન્તા શર્મા કહે છે કે, “કેટલાંક બાળકો વધારે ચુસ્ત છે, વધુ ભણેલા છે, પણ સરકાર તથા ફેકટરીને હું એ પૂછવા માગુ છું કે, જે બાળકો ઓછું ભણેલા હોય એ ભોજન નથી કરતા? તેમને પણ તેમના ભણતર અનુસાર કોઈ કામ મળવું જોઈએ.”
પારસ ઠાકુરના જણાવ્યા મુજબ, દાડલાઘાટ સિમેન્ટ પ્લાન્ટ માટે જે વિસ્તારમાંથી લાઇમસ્ટોનનું ખનન કરવામાં આવે છે તે પાંચ પંચાયત હેઠળનો છે.
તેઓ કહે છે કે, “1992થી આજ સુધીમાં આ પાંચ પંચાયતમાં 7,000 વિઘા જમીનનું અધિગ્રહણ માત્ર માઇનિંગ માટે કરવામાં આવ્યું છે, પરંતુ માઇનિંગ એરિયાની પાંચ પંચાયતમાં અત્યાર સુધીમાં માત્ર 72 પરિવારોને પ્રત્યક્ષ રોજગાર મળ્યો છે.”

ઇમેજ સ્રોત, SHAHNAWAZ AHMAD/BBC
સ્થાનિક રહેવાસી જયદેવ ઠાકુર કહે છે કે, “દાડલાઘાટ સિમેન્ટ પ્લાન્ટના માઇનિંગ એરિયા માટે તેમની જમીનનું ત્રણ-ચાર વખત અધિગ્રહણ કરવામાં આવ્યું છે, પરંતુ મને પ્લાન્ટ તરફથી કોઈ રોજગાર મળ્યો નથી.”
અદાણી ગ્રૂપ તથા ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેના ગતિરોધને કારણે આ વિસ્તારના લોકોમાં વધતો રોષ અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.
સ્થાનિક રહેવાસી અનિલ કુમાર કહે છે કે, “કોઈ વિસ્તારમાં આટલા મોટા પ્લાન્ટનું નિર્માણ ન થાય એ જ સારું. પ્લાન્ટનું નિર્માણ થવાથી તેની સાથે ઘણી ચીજો જોડાઈ જાય છે. ભલે તે નાનો દુકાનદાર હોય, દહાડિયો મજૂર હોય કે બીજું કંઈ પણ હોય. પ્લાન્ટના નિર્માણથી ફાયદાની સાથે નુકસાન પણ થાય છે. પ્લાન્ટ બંધ ન થવો જોઈએ. આ એક પ્રકારની તાનાશાહી છે.”
અહીં સિમેન્ટ પ્લાન્ટનું નિર્માણ થવાથી સ્થાનિક લોકોને આશા બંધાઈ હતી કે, તેમનાં સંતાનોએ રોજગારની શોધમાં દૂર નહીં જવું પડે. આવું વિચારીને સેંકડો લોકોએ પોતાની ઉપજાઉ જમીન માઇનિંગ એરિયા તથા ફેકટરી માટે આપી દીધી હતી. આજે એ પૈકીના ઘણા લોકો ત્રણ દાયકા પહેલાના પોતાના નિર્ણય બાબતે પસ્તાઈ રહ્યા છે. તેમને પ્લાન્ટ ફરી શરૂ થવાની આશા પણ છે.
એ આશા રાખવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.

















