એનડીટીવી : 'સરકાર સામે પડવા'થી અદાણી જૂથે 'ટેકઓવર' કર્યું ત્યાં સુધીની 'નિર્ભીક' કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

- અદાણી સમૂહે એનડીટીવી માટે ઓપન ઑફર આપી છે.
- અગાઉ અદાણી જૂથે એનડીટીવીના આશરે 30 ટકા શૅર ખરીદી લીધા હતા
- આની સાથે જ ચર્ચામાં આવેલી એનડીટીવીના ઇતિહાસ અંગે તમે કેટલું જાણો છો?

અદાણી સમૂહ એનડીટીવી (ન્યૂ દિલ્હી ટેલિવિઝન)માં એક મોટી ભાગીદારી ખરીદી હતી અને હવે તેઓ 26 ટકા શૅર વધુ ખરીદવા માટે એક ઓપન ઑફરનું એલાન પણ કર્યું છે.
આ દરમિયાન પ્રણય રૉય અને રાધિકા રૉયે બોર્ડના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
અદાણી ગ્રૂપે જે રીતે એક અજાણ કંપની મારફતે એનડીટીવીમાં હિસ્સો ખરીદ્યો તેને જાણકારો 'હોસ્ટાઇલ ટેકઓવર' એટલે પ્રબંધનની ઇચ્છા વિરુદ્ધ કંપની પર કબજો કરવાનો પ્રયત્ન માની રહ્યા છે.
વાસ્તવમાં, ઑગસ્ટમાં અદાણી ગ્રૂપે એક્સચેન્જને જણાવ્યું કે તેમમે વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે વીસીપીએલને ખરીદી લીધી હતી. અદાણી ગ્રૂપે 100 ટકા ભાગ લગભગ 114 કરોડમાં ખરીદી હતી.
હવે આ કોશિશની સાથે જ એનડીટીવીનું નામ ચર્ચાઈ રહ્યું છે. એનડીટીવી ભારતના ન્યૂઝ પ્રોડ્યુસર્સમાં મહત્ત્વનું નામ રહ્યું છે.

એનડીટીવીનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી ડૉટ કૉમ પર આપેલી માહિતી અનુસાર ન્યૂ દિલ્હી ટેલિવિઝન (એનડીટીવી)ની સ્થાપના 1988માં કરાઈ હતી.
આ સંસ્થાએ પોતાની સફરની શરૂઆત ભારતના ઇલેક્શન કવરેજ સાથે કરી હતી.
એનડીટીવીનાં સ્થાપકો તરીકે અનુભવી ન્યૂઝ બ્રૉડકાસ્ટર પ્રણય રૉય અને રાધિકા રૉયની આગેવાનીમાં કંપનીએ આ શરૂઆત પછી ઘણાં શિખર સર કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં આઝાદી બાદના પાંચ સર્વશ્રેષ્ઠ ટીવી કાર્યક્રમોમાંથી એક ગણાતા "ધ વર્લ્ડ ધિસ વીક", દૂરદર્શન માટે પ્રથમ ખાનગી સમાચાર કાર્યક્રમ "ધ ન્યૂઝ ટુનાઇટ", ભારતની પ્રથમ 24 કલાકની ન્યૂઝ ચેનલ "સ્ટાર ન્યૂઝ" સહિત અનેક સિદ્ધિઓ આ ગ્રૂપના સ્થાપક પ્રણવ રૉયના નામે આવેલી છે.
પરંતુ 1998માં જ તે સ્ટાર સાથેની ભાગીદારી થકી એક 24 કલાકની ન્યૂઝ ચેનલ બની શકી. આ સમયગાળા દરમિયાન તેમણે બીબીસી ઇન્ડિયા માટે પણ તેનું 80 ટકા કન્ટેન્ટ બનાવ્યું. સંસ્થાએ 1998માં એનડીટીવી ઑનલાઇનની શરૂઆત કરી હતી.
આજે એનડીટીવી ભારતના સૌથી જૂના અને સૌથી મોટા ન્યૂઝ પ્રોડ્યૂસર્સમાંથી એક છે. આ સિવાય તેઓ કરન્ટ અફેર્સ અને મનોરંજનને લગતા સમાચારો પણ પૂરા પાડે છે.
કંપની ટેલિવિઝન મીડિયા કંપની તરીકે ભારત અને વિદેશોમાં કાર્યરત્ છે. કંપની હાલ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ એનડીટીવી 24*7, હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇન્ડિયા, બિઝનેસ ન્યૂઝ ચેનલ એનડીટીવી પ્રૉફિટ, લાઇફસ્ટાઇલ ચેનલ એનડીટીવી ગુડ ટાઇમ્સ, ચેન્નાઈ શહેર પૂરતી સિમિત અંગ્રેજી ન્યૂઝ અને મનોરંજન ચેનલ એનડીટીવી હિંદુ ચલાવે છે.
કંપની ટેલિવિઝન, ઇન્ટરનેટ, ટેલિવિઝન અને મોબાઇલના સંયુક્ત પ્લૅટફૉર્મ એનડીટીવી કન્વર્જન્સ અને એનડીટીવી મ્યુઝિક પણ ચલાવે છે.
આ સિવાય પણ કંપનીએ ઘણાં સાહસો લૉન્ચ કર્યાં છે.
હાલ કંપનીમાં કામ કરતાં લોકોની સંખ્યા વિશે વાત કરીએ તો તે 789 છે.

એનડીટીવીની 'નીર્ભિક' સમાચાર પ્રસારકની છબિ તેને નડી?

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીની ન્યૂઝ કવરેજને કારણે એવું કહેવાય અને મનાય છે કે તે એક 'પૂર્વગ્રહવિહીન' મીડિયાહાઉસ છે. અને તેની 'નીર્ભિક' છબિ અને સમાચાર પ્રસારણની નીતિ ઘણી વાર તેને અને સ્થાપિત સરકારને સામસામે લાવીને ઊભાં રાખી દે છે.
અત્યારની કેન્દ્રની મોદી સરકારની બાબતે તેમના પક્ષ ભાજપનું એવું કહેવું છે કે એનડીટીવી એક 'એજન્ડા' સાથે સરકાર સામે પડવાનું દરેક વખત પસંદ કરે છે.
તેમજ એનડીટીવીના ઍન્કરો અને સમર્થકોનું કહેવું છે કે, "ભાજપના પ્રતિનિધિઓ એનડીટીવીના શો કે તેમની ડિબૅટમાં ઘણી વાર ભાગ લેવા આવતા નહોતા અને કેન્દ્ર સરકાર તેમને દબાવવાના પ્રયત્નો કરે છે."
જોકે, કેન્દ્ર સરકાર અને ભાજપ અવારનવાર આ આક્ષેપ ફગાવતાં રહ્યાં છે.
નોંધનીય છે કે વર્ષ 2016માં કેન્દ્ર સરકારની ઇન્ફૉર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રી દ્વારા એનડીટીવીને 24 કલાક માટે પોતાનું કન્ટેન્ટ પ્રસારિત કરવા કે પુન:પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. જેની સાર્વત્રિક ટીકા બાદ આ આદેશ રદ કરી દેવાયો હતો.
આ સિવાય નવ જૂન 2017ના રોજ એનડીટીવીનાં ઠેકાણાં પર કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઈના દરોડા પણ પાડવામાં આવ્યા હતા. જેની પણ ભારે ટીકા થઈ હતી.
વર્ષ 2013માં એનડીટીવીને એશિયન ટેલિવિઝન પુરસ્કાર અને જાતીય લાગણીશીલતા માટે લાડલી મીડિયા ઍન્ડ ઍડ્વર્ટાઇઝિંગ પુરસ્કાર મળ્યાં છે.
તે બાદ વર્ષ 2014માં વર્લ્ડ મીડિયા સમિટ અ એશિયન વ્યૂઅર્સ ટેલિવિઝન પુરસ્કાર મળ્યાં હતાં.
આ સિવાય એનડીટીવી ઇન્ડિયાના ખ્યાતનામ પત્રકાર રવીશકુમારને તેમના પત્રકારત્વ માટે વર્ષ 2019માં રૅમન મૅગ્સેસે પુરસ્કાર મળ્યું હતું.

અદાણી સમૂહ શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર મામલાને સમજવા માટે એનડીટીવીના પ્રમોટર્સે લીધેલ એક દેવાની વિગતો જાણવી જરૂરી છે.
અદાણી સમૂહે વીસીપીએલ નામની જે કંપની દ્વારા એનડીટીવીમાં ભાગીદારી મેળવવાનો નિર્ણય લીધો છે, એ કંપનીએ વર્ષ 2009-10માં એનડીટીવીને કે તેમનાં પ્રમોટરો રાધિકા રૉય અને પ્રણય રૉયને દેવું આપ્યું હતું, તેના જામીન તરીકે જ આરઆરપીઆર (રાધિકા રૉય પ્રણય રૉય)ની ભાગીદારી તેમના પાસે મૂકવામાં આવી હતી કે આ દેવાને ઇક્વિટીમાં બદલવાનો અધિકાર તેમને મળ્યો હતો.
પરંતુ, એનડીટીવી કે તેમનાં પ્રમોટર્સે અદાણી ગ્રૂપ પાસેથી સીધા ક્યારેય કોઈ દેવું નહોતું લીધું. જ્યારે આ દેવું લેવાયું તે સમયે વીસીપીએલ અંબાણી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડયેલ એક કંપની હતી. એટલે કે કરજ અંબાણીએ આપ્યું અને તેની વસૂલી માટે અદાણી સામે આવી ગયા.
આ જ કારણે એનડીટીવી મંગળવારના જે થયું અણધાર્યું ગણાવી રહ્યું છે.
કંઈક આવું જ નેટવર્ક 18 (વધુ એક મોટી મીડિયા કંપની)ને મળેલ દેવામાં પણ થયું હતું. જેના બદલામાં સંસ્થાપક પ્રમોટર રાઘવ બહલની બધી ભાગીદારી એક સવારે અચાનક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની થઈ ગઈ હતી. ત્યારે પણ આવા જ દેવાને ઇક્વિટીમાં તબદીલ કરવામાં આવ્યું હતું.
હવે કંઈક આવું જ એનડીટીવી સાથે પણ બની રહ્યું છે.

23 ઑગસ્ટ પહેલાં પ્રમોટર પાસે એનડીટીવીના કેટલા શૅર હતા?

ઇમેજ સ્રોત, NDTV
અદાણી સમૂહ દ્વારા કરાયેલ જાહેરાત પહેલાં એનડીટીવીનાં પ્રમોટર્સ પાસે નીચે મુજબ શૅર હતા.
પ્રણય રૉય : 15.94 ટકા
રાધિકા રૉય : 16.32 ટકા
આરઆરપીઆર(રાધિકા રૉય અને પ્રણય રૉય દ્વારા સંયુક્તપણે ચલાવાતી કંપની) : 29.18 ટકા
આમ, એનડીટીવીનાં પ્રમોટરો પાસે રહેલ કુલ શૅર : 61.45 ટકા
23 ઑગસ્ટ 2022ના રોજ શું બન્યું?
23 ઑગસ્ટના રોજ, અદાણી ઍન્ટરપ્રાઇઝે, તેમની સંપૂર્ણ માલિકીવાળી પેટા કંપની એમજી મીડિયા નેટવર્ક્સ દ્વારા, વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (વીપીસીએલ)ને હસ્તગત કરાઈ. વર્ષ 2009માં એનડીટીવીએ વીપીસીએલ પાસેથી 350 કરોડ રૂપિયાની લૉન લીધી હતી.
અહેવાલો પ્રમાણે લૉન કરાર હેઠળ, વીપીસીએલ ગમે ત્યારે લૉનને આરઆરપીઆરની ઇક્વિટીમાં કન્વર્ટ કરી શકે. 23 ઑગસ્ટ 2022ના રોજ વીસીપીએલે આ હકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, જેના કારણે તેમની પાસે આરઆરપીઆરની સંપૂર્ણ માલિકી આવી ગઈ. જેની પાસે એનડીટીવીના 29 ટકા શૅર હતા.
એનડીટીવી પ્રમોટર્સે શું પ્રતિક્રિયા આપી?
એનડીટીવીનાં પ્રમોટરોએ આ સમગ્ર પ્રક્રિયાને 'તેમને પૂછ્યા વગર, વાતચીત વગર અને મંજૂરી વગર લેવાયેલ નિર્ણય ગણાવ્યો.'

ઇમેજ સ્રોત, Getty Images
હવે આગળ શું?
એનડીટીવીનાં પ્રમોટરોએ એવા સંકેત આપ્યા છે કે તેઓ અદાણી દ્વારા લેવાયેલ પગલાને પડકારવા માટેના કાયદાકીય અને રેગ્યુલેટરીને લગતા માર્ગોની તપાસ કરી રહ્યાં છે.
માર્કેટ રેગ્યુલેટરી સેબી અનુસાર, જે-તે કંપનીમાં 15 ટકા શૅરની ખરીદી ઓપન ઑફર માટેની જોગવાઈને ઍક્ટિવ કરી દે છે. એટલે કે હવે એનડીટીવીના શૅરહોલ્ડરો હવે પહેલાંથી નક્કી રકમ પર પોતાના શૅર વેચવાનો નિર્ણય કરી શકે છે. હવે અદાણી પાસે 29 ટકા શૅર હોવાના કારણે તેમણે વધુ 26 ટકા શૅર સંપાદિત કરવા માટે ઓપન ઑફર બહાર પાડી છે.
અદાણીની ઓપન ઑફર શું છે?
અદાણી જૂથ દ્વારા અપાયેલ ઓપન ઑફર માટે પ્રતિ શૅર 294 રૂપિયા ચૂકવવાનું ઠરાવાયું છે. જે એનડીટીવીના શૅરની માર્કેટ કિંમત કરતાં 20 ટકા ઓછી છે. તેથી એવું બની શકે કે કોઈ પણ શૅરહોલ્ડર પોતાના શૅર વેચવાનો નિર્ણય ન લે. અને જો ઓપન ઑફર સફળ રહેશે તો અદાણી જૂથ પાસે એનડીટીવીના 55.18 ટકા શૅર આવી જશે, તેથી અદાણી પાસે એનડીટીવીની કમાન આવી જશે.
NDTVના શૅર હાલ કોની કોની પાસે?
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર એનડીટીવીના હાલ 6,44,71,267 શૅર છે.
જે પૈકી 61.45 ટકા હાલ પ્રમોટર્સ પાસે છે. અને તે પૈકી 29.18 ટકા પર અદાણી સમૂહ દ્વારા વૉરંટ ઍક્સરસાઇઝ થકી દાવો કરાયો છે.
આ સિવાય 14.7 ટકા હિસ્સો ફૉરેન સંસ્થાઓ પાસે છે. આ સિવાય અન્ય પૈસે 11.29 ટકા અને સામાન્ય પબ્લિક પાસે 12.56 ટકા શૅર છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












