ગુજરાત વિધાનસભાની ચૂંટણી : મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈની કાર્યવાહી પાછળ ભાજપની મનસા શી છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા

- દિલ્હીની આબકારી નીતિમાં ફેરફારમાં કથિતપણે ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ
- શુક્રવારે સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર સહિત ઘણાં ઠેકાણે દરોડા પાડ્યા અને 15 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
- સીબીઆઈની કાર્યવાહી અને તેના પર ઉદ્ભવેલા વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે
- 2024માં લોકસભાની ચૂંટણી છે પરંતુ તેની પહેલાં ડિસેમ્બરમાં ગુજરાત અને નવેમ્બરમાં હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે.
- વિશ્લેષકો માને છે કે સિસોદિયા પર કાર્યવાહીનું એક કારણ આગામી વિધાનસભાની ચૂંટણી પણ હોઈ શકે છે.

દિલ્હીની આબકારી નીતિમાં ફેરફારમાં કથિતપણે ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસમાં ફસાયેલા દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે સીબીઆઈ તેમની ક્યારેય પણ ધરપકડ કરી શકે છે.
સિસોદિયાએ એમ પણ કહ્યું છે કે 2024ની ચૂંટણી 'કેજરીવાલ વિરુદ્ધ મોદી' થશે અને આમ આદમી પાર્ટીને કમજોર કરવા તેમને જૂઠ્ઠા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
દિલ્હીના ઉપરાજ્યપાલે કથિત આબકારી કૌભાંડ અંગે સીબીઆઈ તપાસની માગ કરી હતી ત્યાર બાદ દિલ્હી સરકારે નવી આબકારી નીતિને પાછી ખેંચી લીધી હતી.
શુક્રવારે સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર સહિત ઘણાં ઠેકાણે દરોડા પાડ્યા અને 15 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ.
આ વચ્ચે રવિવારે સીબીઆઈએ મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.
સીબીઆઈની કાર્યવાહી અને તેના પર ઉદ્ભવેલા વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ કહ્યું છે કે તેઓ સોમવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

તપાસ એજન્સીઓના ઉપયોગ પર સવાલ

ઇમેજ સ્રોત, VIPIN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
સીબીઆઈની કાર્યવાહી પર વરિષ્ઠ પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક વિનોદ શર્મા કહે છે, "મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો પૈકી કેટલા સાચા છે અને કેટલા ખોટા એ તો કોર્ટ જ નક્કી કરશે પરંતુ આજના સમયે જે રીતે દેશભરમાં વિપક્ષ વિરુદ્ધ તપાસ એજન્સીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનાંથી એજન્સીઓની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે. એનો અર્થ એ નથી કે દિલ્હી સરકારની આબકારી નીતિ યોગ્ય છે પરંતુ એ સ્પષ્ટપણે દેખાય છે કે તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."
સીબીઆઈએ તાજેતરનાં વર્ષોમાં વિપક્ષના ઘણા નેતાઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે પરંતુ ભાજપ સાથે જોડાયેલા કોઈ પણ નેતા સીબીઆઈના નિશાના પર નથી. એવામાં કેન્દ્રીય તપાસ એજન્સીના રાજનૈતિક ઉપયોગને લઈને પણ સવાલ ઊભા થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિનોદ શર્મા કહે છે, "સવાલ એ છે કે તપાસ એજન્સીઓને ભાજપના કોઈ નેતાનો ભ્રષ્ટાચાર દેખાતો નથી. આ એક મોટો મુદ્દો છે અને આ મુદ્દાએ વિપક્ષને એકજૂથ કરી દીધો છે. જે પણ સરકારવિરોધી છે તેના પર તપાસ શરૂ કરી દેવામાં આવે છે. શું એ યોગ્ય છે કે જ્યારે અને જ્યાં પણ ઇચ્છો ત્યાં દરોડા પાડી દેવાય? એવાં ઘણાં ઉદાહરણો છે કે નેતાઓ પર દરોડા પાડ્યા બાદ જ્યારે તેઓ ભાજપમાં જોડાય ત્યારે કાર્યવાહી બંધ થઈ ગઈ હોય."
એક તરફ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડાના અહેવાલો રાષ્ટ્રીય મીડિયામાં ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ મુદ્દે રાજકારણ પર ગરમાયું છે. ભાજપ મનીષ સિસોદિયા પર સતત આક્રમક થઈ રહી છે.
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે દિલ્હીમાં 'બેવડી (શરાબી) અને રેવડી સરકાર' છે.
તેમણે મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં કહ્યું કે હવે તેમના નામનો સ્પૅલિંગ MONEY SHH થઈ ગયો છે. તેમણે આગળ કહ્યું, "જો દિલ્હીની આબકારી નીતિ યોગ્ય હતી તો તેને પાછી કેમ લેવામાં આવી?"

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચારના આરોપો પર રાજનૈતિક વિવાદ વચ્ચે સવાલ એ પણ ઊઠે છે કે શું સીબીઆઈ નિષ્પક્ષ તપાસ કરી શકશે?
વિનોદ શર્મા કહે છે, "જ્યારે સત્તાધારી પાર્ટી કોઈ તપાસ પર ટિપ્પણી કરે છે તો તેનાંથી એક રીતે તપાસ એજન્સી પર દબાણ ઊભું થાય છે અને એવી શંકા જન્મે છે કે શું એજન્સી સરખી રીતે તપાસ કરી શકશે. કેસ દાખલ થતાં જ જો તમે નક્કી કરી દીધું કે તેમાં ગોટાળો છે તો પછી તપાસની જરૂરત શી છે? તપાસ એજન્સી જ્યારે પોતાનું કામ કરી જ રહી છે તો તેમનું કામ પૂરુ થાય તે પહેલાં જ એ નક્કી ન કરી દેવાય કે ગોટાળો છે."
આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનથી પેદા થઈ હતી અને ઇમાનદારીથી કામ કરવાનો દાવો કરે છે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર પ્રત્યે કડક હોવાનો દાવો કરી રહ્યા છે.
એવામાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના નેતા મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારના આરોપોએ કેજરીવાલની ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ પર પણ સવાલ ઊભા કર્યા છે.
અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી સિસોદિયા પર લાગેલા આરોપોને રદિયો આપ્યો છે અને તે સતત તેમના સમર્થનમાં ઊભા છે.
મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈની તપાસમાં જો કંઈ ઠોસ મળે તો તેમની પ્રચારિત ઇમાનદારી સવાલોમાં ઘેરાઈ જશે. વિશ્લેષકો માને છે કે જો સવાલ કોઈની ઈમાનદારી પારખવાનો હોય તો તપાસ એજન્સી નિષ્પક્ષ હોવી જોઈએ.

ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI
આગામી કેટલાક મહિનામાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે અને આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જ પંજાબની ચૂંટણીમાં એકતરફી જીત હાંસલ કરીને સરકાર બનાવી છે. જ્યાં-જ્યાં કૉંગ્રેસ નબળી દેખાઈ રહી છે, ત્યાં-ત્યાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં સક્રિય થઈ રહી છે.
વિશ્લેષક માને છે કે સિસોદિયા પર કાર્યવાહીનું એક કારણ આગામી વિધાનસભાની ચૂંટણી પણ હોઈ શકે છે.
વિનોદ શર્મા કહે છે, "આમ આદમી પાર્ટી એ દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે કે ભાજપનો કોઈ મુકાબલો કરી શકે તો એ આમ આદમી પાર્ટી છે. આ મુદ્દા પર બંને તરફથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. "
"2024માં લોકસભાની ચૂંટણી છે પરંતુ તેની પહેલાં ડિસેમ્બરમાં ગુજરાત અને નવેમ્બરમાં હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે. અરવિંદ કેજરીવાલ આ બંને રાજ્યોમાં જઈ રહ્યા છે અને ભાજપને પડકારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને આ કાર્યવાહીના મૂળમાં આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ હોઈ શકે છે."
આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલ ખાસ કરીને ગુજરાતમાં સક્રિય છે અને તેમણે પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો પર લડવાની જાહેરાત પણ કરી છે.
એવામાં સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પોતાની ઓળખ ઊભી કરી છે?
ગુજરાતના વરિષ્ઠ રાજનૈતિક વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, "આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકાણમાં કેટલું સ્થાન જમાવ્યું છે તે કહેવું હમણાં થોડું અઘરું હશે પરંતુ છેલ્લા એક મહિનાથી કેજરીવાલ ગુજરાતમાં વધુ સક્રિય થયા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 15-16 ઉમેદવારો જાહેર કરી દીધા છે. એમ લાગે છે કે કેજરીવાલ ગુજરાતમાં મધ્યમ વર્ગને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
ગુજરાતમાં ચૂંટણીસભાઓમાં કેજરીવાલે શિક્ષણક્ષેત્રે કામ કરવાનો વાયદો કર્યો છે અને મોંઘવારી જેવા મુદ્દા પર પણ ઘણા વાયદા કર્યા છે. કેજરીવાલ ગુજરાતના શહેરી મતદારો અને મધ્યમવર્ગ સુધી પોતાનો સંદેશો પહોંચાડવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે.
કેજરીવાલની ખુદની છબિ એક ઇમાનદાર નેતા તરીકેની છે અને ગુજરાતની રાજનીતિમાં ઇમાનદાર વ્યક્તિત્વ મતદારોને પ્રભાવિત કરતું આવ્યું છે.
ઘનશ્યામ શાહ કહે છે, "ગુજરાતમાં 1970-75 બાદથી ઇમાનદાર રાજનૈતિક વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. મધ્યમવર્ગ પણ ઇમાનદાર વ્યક્તિત્વ તરફ આકર્ષાય છે. એ જ કારણ હતું કે 2009માં નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું કે 'ન ખાઉંગા, ન ખાને દૂંગા' અને લોકોએ તેને વધાવ્યું હતું."
જોકે, લોકનીતિ સીએસડીએસ દ્વારા 2007માં કરાયેલા સર્વે અનુસાર ગુજરાતમાં 70 ટકા લોકોએ માન્યું હતું કે 2002ની સરખામણીએ રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે.
ઘનશ્યામ શાહ કહે છે, "ભાજપે કૉંગ્રેસ અને અન્ય દળોના લોકોનો દરેક રીતે ઉપયોગ કરીને પોતાની તરફ ખેંચ્યા અને રાજનૈતિક જીત હાંસલ કરી પરંતુ હવે અમે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપ પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે. ગુજરાતનું સ્થાનિક મીડિયા ખાસ કરીને ભાજપના સમર્થનમાં રહે છે પરંતુ હવે એ પણ શહેરી વિસ્તારનો અસંતોષ દેખાડી રહ્યાં છે. એવામાં ભાજપ અહીં મળનારા કોઈ પણ પડકારોને ખતમ કરવા માગશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













