અદાણી જૂથની પેટાકંપની NDTVમાં 29.18 ટકા ભાગીદારી ખરીદશે, શેરહોલ્ડરો માટે ઓપન ઑફર લૉન્ચ કરશે - પ્રેસ રિવ્યૂ

અદાણી જૂથ દ્વારા એક મીડિયા રિલીઝ બહાર પાડીને જાહેરાત કરાઈ છે કે તેમની એક ગૌણ કંપની ભારતના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ ન્યૂ દિલ્હી ટેલિવિઝન એટલે કે NDTVને ટેકઑવર કરશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણી જૂથ દ્વારા એક મીડિયા રિલીઝ બહાર પાડીને જાહેરાત કરાઈ છે કે તેમની એક ગૌણ કંપની ભારતના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ ન્યૂ દિલ્હી ટેલિવિઝન એટલે કે NDTVને ટેકઑવર કરશે

અદાણી જૂથ દ્વારા એક મીડિયા રિલીઝ બહાર પાડીને જાહેરાત કરાઈ છે કે તેમની એક પેટાT કંપની ભારતના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ ન્યૂ દિલ્હી ટેલિવિઝન એટલે કે NDTVને ટેકઑવર કરશે.

મીડિયા રિલીઝ અનુસાર અદાણી જૂથની કંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMNL)ની માલિકકીની વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) દ્વારા NDTVના પ્રમોટર ગ્રૂપ RRRR હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના 99.5 ટકા ઇક્વિટી શૅર ખરીદવાના હકનો ઉપયોગ કર્યો છે.

સમાચર એજન્સી ANIએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

નોંધનીય છે કે NDTV તેની પૂર્વગ્રહરહિત પત્રકારિતા માટે જાણીતી સંસ્થા છે. આ સંસ્થા પર અવારનવાર સત્તાવિરોધી વલણ ધરાવતી હોવાના આરોપ લગાડવામાં આવે છે.

જો દર્શકોની વાત કરીએ તો ઘણા દર્શકોને મન NDTV એક વિશ્વસનીય સમાચારસંસ્થા છે.

line

બિલકીસબાનો કેસ : સુપ્રીમ કોર્ટે દોષિતોની સજામાફી વિરુદ્ધની અરજીની સુનાવણી કરવાનું ગ્રાહ્ય રાખ્યું

બિલકીસબાનોના પતિ યાકૂબ રસૂલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિલકીસબાનોના પતિ યાકૂબ રસૂલ

સુપ્રીમ કોર્ટ ગોધરા રમખાણો બાદ બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને સજામાફી વિરુદ્ધ કરાયેલ અરજીની સુનાવણી કરવાનું ગ્રાહ્ય રાખ્યું

સુપ્રીમ કોર્ટ ગોધરા રમખાણો બાદ બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને સજામાફી વિરુદ્ધ કરાયેલ અરજીની સુનાવણી કરવાનું ગ્રાહ્ય રાખ્યું છે. આ અરજી અપર્ણા ભટ સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલ દ્વારા મૅન્શન કરાઈ હતી.

આ કેસમાં દોષિતોને વર્ષ 2002માં પાંચ માસનાં ગર્ભવતી બિલકીસબાનો પર બળાત્કાર અને 14 વ્યક્તિઓનાં મૃત્યુ નિપજાવવા મામલે ગુનેગાર ઠેરવાયા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ આ બેન્ચની અધ્યક્ષતા કરી હતી અને કહ્યું હતું કે, "તેઓ આ મૅટરની લિસ્ટિંગ કરવા અંગે વિચાર કરશે."

સિબલે આ અરજી મૅન્શન કરી અને દોષિતોને છોડી મૂકવાના આદેશ સામે ફરિયાદ કરી.

સિબલે કહ્યું હતું કે ગર્ભવતી મહિલાના ગૅંગરેપ મામલે દોષિતોને સજામાફીનો આદેશ નહોતો થવો જોઈતો.

ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના આરોપમાં સજા કાપી રહેલા બધા 11 દોષિતોને મુક્ત કરાયા છે. ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ 15 ઑગસ્ટેના જસવંતભાઈ, ગોવિંદભાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિનચંદ્ર જોશી, કેશરભાઈ વોહાનિયા, પ્રદીપ મોઢડિયા, બાકાભાઈ વોહાનિયા, રાજૂભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાને ગોધરા સબજેલમાંથી મુક્ત કરાયા હતા.

મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે 2008માં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન જેલની સજા સંભળાવી હતી. પછી બૉમ્બે હાઈકોર્ટે આ સજા પર પોતાની સહમતી આપી હતી.

બધા દોષિતો 15 વર્ષથી વધારે સમય જેલમાં સજા કાપી ચૂક્યા હતા. આ આધારે આમાંથી એક દોષિત રાધેશ્યામ શાહે પ્રિમૅચ્યોર રિલીઝની માગ કરી હતી.

આ દરમિયાન બિલકીસબાનોના પતિ યાકુબ રસૂલે જણાવ્યું છે કે તેમનાં પત્ની પર સામૂહિક બળાત્કારના દોષિતોની મુક્તીએ 'તેમના જીવનને નર્ક' બનાવી દીધું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં યાકુબભાઈએ કહ્યું કે ગૅંગરેપના દોષિતોની મુક્તિએ તેમને અને તેમના પરિવારને ડરાવી દીધા છે.

તેમણે એવું પણ કહ્યું કે આ મુક્તિથી 18 વર્ષની લડાઈ એક ઝાટકે ખતમ થઈ ગઈ.

તેમણે જણાવ્યું, "આ મુક્તિથી તેઓ ભયમાં છે. પહેલાં દોષિતો જ્યારે પેરોલ પર આવતા ત્યારે તેમને વારંવાર ઘર બદલવું પડતું હતું પણ હવે તો તેઓ કાયમ માટે મુક્ત થઈ ગયા છે."

યાકુબભાઈએ એવું પણ કહ્યું કે "બિલકીસ સાથે આજે જે ઘટી રહ્યું છે એના વિરુદ્ધમાં આખું હિંદુસ્તાન અવાજ ઉઠાવી રહ્યું છે. બિલકીસનું જીવન નર્ક સમુ બની ગયું છે."

3 માર્ચ, 2002ના રોજ ગુજરાતનાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો અને તેમના પરિવારના 14 સભ્યોને મારી નાખવામાં આવ્યા હતા.

મૃતકોમાં બિલકીસની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.

આ કેસમાં 15 ઑગસ્ટે જેલમાં સજા કાપી રહેલા તમામ દોષિતોને ગુજરાત સરકારે સજામાફી આપી મુક્ત કરી દીધા હતા.

એ બાદ બિલકીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દોષિતોની મુક્તિને લીધે તેમનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવે છે.

line

કોઈ દેવતા બ્રાહ્મણ નથી, શિવ દલિત કે આદિવાસી : જેએનયુનાં વીસી

જેએનયુનાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ધુલિપુડી પંડિત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જેએનયુનાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ધુલિપુડી પંડિત

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ધુલિપુડી પંડિતે કહ્યું છે કે હિંદુઓના કોઈ પણ દેવતા સવર્ણ નથી. તેમણે શિવ દલિત કે આદિવાસી હોવાનો દાવો કર્યો છે.

જ્યારે તેમના મતે જગન્નાથ આદિવાસી છે.

જેએનયુનાં વીસીનું આ નિવેદન આજનાં લગભગ તમામ રાષ્ટ્રીય અખબારોએ પ્રમુખતાથી છાપ્યું છે.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ પણ આ નિવેદનને પોતાના પ્રથમ પાને છાપ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર તેમણે કહ્યું, "તમારામાંથી મોટા ભાગનાઓએ આપણા દેવતાઓની ઉત્પતિને માનવશાસ્ત્ર કે વૈજ્ઞાનિક રીતે સમજવી જોઈએ. "

"એક પણ દેવતા બ્રાહ્મણ નથી. સૌથી ઊંચા ક્ષત્રિય છે. ભગવાન શિવ એસસી કે એસટી સમુદાયના હશે, કેમ કે તેઓ સ્મશાનમાં ગળે સાપ નાખીને બેસે છે. એમની પાસે પહરેવા માટે કપડાં પણ ઘણાં ઓછાં છે. મને નથી લાગતું કે બ્રાહ્મણ સ્મશાનમાં બેસી શકે. "

તેમણે ઉમેર્યું, "લક્ષ્મી, શક્તિ કે ત્યાં સુધી કે ભગવાન જગન્નાથ પણ માનવવિજ્ઞાનની રીતે ઉચ્ચ વર્ણના નથી. ભગવાન જગન્નાથ આદિવાસી સમુદાયના છે."

નવભારત ટાઇમ્સ અનુસાર તેમણે કહ્યું છે કે "આવી વાત હોવા છતાં આપણે જાતિઓને લઈને ભેદભાવ કેમ કર્યો? જે આ બહુ જ અમાનવીય છે."

line

વલસાડ : ભાજપના ધારાસભ્ય બોલ્યા 'કહું તો હમણાં હુલ્લડ થાય'

ધારાસભ્ય ભરત પટેલ

ઇમેજ સ્રોત, facebook/@bharatpatelMLA

ઇમેજ કૅપ્શન, ધારાસભ્ય ભરત પટેલ

ડેક્કન હેરાલ્ડના અહેવાલ પ્રમાણે, વલસાડમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય ભરત પટેલની ગણેશોત્સવની શોભાયાત્રા દરમિયાન પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને રમખાણો કરાવવાની ધમકી આપતી વીડિયો ક્લિપ વાયરલ થઈ છે.

વીડિયોમાં ધારાસભ્ય કહે છે, "આવી જાવ, હું જો કહું તો હમણાં હુલ્લડ થાય."

આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે ગણેશઉત્સવની શોભાયાત્રાનું આયોજન કરનાર સમાજના એક જૂથને પોલીસે અટકાવ્યું હતું.

ધારાસભ્યે બચાવમાં કહ્યું, "પોલીસે આયોજકનો મોબાઇલ ફોન અને ડીજે પ્લેયરનું લૅપટોપ જપ્ત કર્યાં હતાં. સ્થિતિ વણસે એ પહેલાં હું ત્યા જઈ ચડ્યો અને પોલીસને મોબાઇલ અને લૅપટોપ પરત કરવા કહ્યું. દરમિયાન પોલીસ સાથે મારે દલીલો થઈ. જોકે મેં પોલીસને ધમકી આપી નથી, પોલીસ મારા વિરુદ્ધ જૂઠ ફેલાવી રહી છે."

અહેવાલ પ્રમાણે, વીડિયોમાં ધારાસભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઢોલને એવું કહેતા સંભળાય છે કે 'અમે તાજિયાના આયોજન વખતે સહકાર આપ્યો હતો, તમે હિંદુઓને કેમ અપમાનિત કરો છો. '

line

દિલ્હી : ખેડૂત નેતાઓની 'મહાપંચાયત'

ખેડૂત

ઇમેજ સ્રોત, ANI

લખીમપુર ખીરીની ઘટનામાં પીડિત ખેડૂતોના પરિવારોને ન્યાય, ખેડૂત આંદોલનમાં ખેડૂતો પર દાખલ કરાયેલા કેસ પરત લેવાય, એમએસપી ગૅરંટી કાયદો અને એના જેવા બીજા ઘણા મુદ્દાઓને લઈને ખેડૂત નેતાઓએ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન યોજ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ખેડૂતોના ભારે વિરોધ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2021ના રોજ ત્રણેય વિવાદાસ્પદ કૃષિકાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

ફરી ખેડૂત આંદોલનના આગમનનાં એંધાણ સાથે દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.

સોમવારે દિલ્હીના જંતર-મંતર પર ઘણાં રાજ્યોના ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતું.

મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા, જ્યાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

line

હવે ડિગ્રી ન હોય તો પણ પ્રોફેસર બની શકાશે

પ્રોફેસર

ઇમેજ સ્રોત, ugc.ac.in

ધ હિન્દુ અનુસાર, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ટૂંક સમયમાં, શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય અને પુસ્તકો પણ પ્રકાશિત ન થયાં હોય તો પણ જે-તે વિષયના નિષ્ણાત હોય તેમની પ્રોફેસર તરીકે ભરતી કરી શકશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા ગયા અઠવાડિયે 560મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ યોજનાને "પ્રોફેસર્સ ઑફ પ્રેક્ટિસ" નામ આપવામાં આવ્યું હતું.

સમાચાર સંસ્થા પીટીઆઈ દ્વારા મેળવાયેલા 'પ્રોફેસર્સ ઑફ પ્રેક્ટિસ'ના ડ્રાફ્ટની માર્ગદર્શિકા અનુસાર, ઍન્જિનિયરિંગ, વિજ્ઞાન, મીડિયા, સાહિત્ય, ઉદ્યોગસાહસિકતા, સમાજવિદ્યા, લલિત કળા, નાગરિક સેવાઓ અને સશસ્ત્ર દળો જેવાં ક્ષેત્રોના ડિગ્રી નહીં ધરાવતા નિષ્ણાતો પ્રોફેસર તરીકે નિયુક્તિ માટે પાત્ર હશે.

ડ્રાફ્ટ અનુસાર, 'આ માટે ઉમેદવાર ઓછાંમાં ઓછાં 15 વર્ષની સેવા અથવા અનુભવ સાથે વિષયનિષ્ણાત હોવા જરૂરી છે. આ પદ માટે વ્યવસાયિક અનુભવ હોય તો ઔપચારિક શૈક્ષણિક લાયકાત આવશ્યક માનવામાં નહીં આવે.'

આ નવો નિયમ આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં આવે તેવી શક્યતા છે.

યુજીસીના નિર્ણય મુજબ, ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં 'પ્રોફેસર્સ ઑફ પ્રેક્ટિસ'ની સંખ્યા મંજૂર પોસ્ટના 10%થી વધુ ન હોવી જોઈએ.

આ યોજના હેઠળ ફૅકલ્ટીઓની ત્રણ શ્રેણીમાં નિમણૂક કરી શકાશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન