મોદી સરકારને લઈને ગડકરી ફરી બોલ્યા, 'સરકાર સમયસર નિર્ણય લેતી નથી' - પ્રેસ રિવ્યૂ

નીતિન ગડકરી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભાજપમાં નિર્ણય લેતી ટોચની સંસ્થા 'ભાજપ સંસદીય બોર્ડ'માંથી પડતા મૂકવામાં આવ્યા હોવાના સમાચાર વચ્ચે ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે સરકાર 'સમયસર નિર્ણયો નથી લઈ રહી' અને આ એક સમસ્યા છે.

એનડીટીવી અનુસાર,કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે "ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. આપણને વિશ્વ અને દેશમાં સારી ટેકનૉલૉજી, સારાં ઇનોવેશન, સારાં સંશોધન અને સફળ અમલીકરણની જરૂર છે. "

"આપણી પાસે વૈકલ્પિક સામગ્રી હોવી જોઈએ, જેના દ્વારા આપણે ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ખર્ચ ઘટાડી શકીએ અને બાંધકામમાં સમય એ સૌથી મહત્ત્વનું પરિબળ છે."

તેમણે ઉમેર્યું કે "સમય એ સૌથી મોટી મૂડી છે. જોકે, સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર સમયસર નિર્ણયો લેતી નથી."

ઍસોસિયેશન ઑફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ, મુંબઈ દ્વારા આયોજિત NATCON 2022ને સંબોધતાં તેમણે આ વાત કરી હતી.

અખબાર 'હિંદુસ્તાન'ની વેબસાઇટ પર પણ ગડકરીનું આ નિવદેન પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું શિર્ષક છે, 'સમય પર નિર્ણય ના લેતી સરકાર, નીતિન ગડકરીએ ફરીથી ઇશારાઓમાં કહી વાત'

જોકે ભાજપના નેતાઓનું કહેવું છે કે ગડકરીના શબ્દો કોઈ ચોક્કસ સરકાર માટે નહોતા પરંતુ તમામ સરકારો માટે હતા.

line

સોનિયા ગાંધી: "અશોક ગેહલોત કૉંગ્રેસનું સુકાન સંભાળે"

અશોક ગેહલોત

ઇમેજ સ્રોત, ANI

સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત કૉંગ્રેસનું સુકાન સંભાળે એવી ઇચ્છા વ્યક્ત કરી છે.

જોકે ગેહલોત રાહુલ ગાંધીને કૉંગ્રેસના વડા બનાવવા ઈચ્છે છે.

કૉંગ્રેસ 21 સપ્ટેમ્બર સુધીમાં નવા પક્ષપ્રમુખને ચૂંટવા જઈ રહી છે ત્યારે અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' અનુસાર, વર્તમાન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી મંગળવારે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને મળ્યાં હતાં અને તેમને પદ સંભાળવા કહ્યું હોવાનું માનવામાં આવે છે.

સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાર્ટીની બાગડોર પાછી લેવા માગતાં નથી. તેમની સ્વાસ્થ્યની સમસ્યા અને ઉંમરને લઈને પાર્ટીનું સુકાન સોંપવા માટે બિન-ગાંધી તરફ નજર દોડાવી રહ્યાં છે.

જોકે ગેહલોતે તેમના અગાઉના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે પાર્ટીના પૂર્વ વડા રાહુલ ગાંધી કૉંગ્રેસની "સર્વસંમત" પસંદગી છે.

અશોક ગેહલોતે સોનિયા ગાંધીને મળ્યા બાદ અમદાવાદ જતાં દિલ્હી ઍરપૉર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું, "હું વારંવાર કહું છું કે કૉંગ્રેસ ત્યારે જ પુનર્જીવિત થશે જ્યારે રાહુલ ગાંધીજી સુકાન સંભાળશે."

"તેમના વિના લોકો નિરાશ થશે અને લોકો ઘરે બેસી જશે તો પાર્ટી નબળી પડશે. રાહુલ ગાંધીજીએ લોકોની લાગણીઓને માન આપીને નેતૃત્વની જવાબદારી સંભાળવી જોઈએ. અમે દબાણ કરવાનું ચાલુ રાખીશું અને તેમને પાર્ટીના વડા તરીકેનો કાર્યભાર સંભાળવા માટે મનાવીશું."

આ દરમિયાન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ના સભ્ય દિગ્વિજયસિંહે એમ કહ્યું છે કે રાહુલ ગાંધી પાર્ટીના વડા ના બનવા માટે "મક્કમ" હોય તો દબાણ ન કરવું જોઈએ.

line

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ઍક્ટની બંધારણીય માન્યતા સામે સવાલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ઍરિયા ડેવલપમૅન્ટ ઍન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઍક્ટ, 2019ની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે.

આ નોટિસ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, વિધાનસભા અને સંસદીય બાબતોના વિભાગ, પ્રવાસન વિભાગ અને આદિજાતિવિકાસ વિભાગને પાઠવવામાં આવી છે.

જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., એસઓયુ ટુરિઝમ ઑથોરિટી અને ગરુડેશ્વર તાલુકાના તાલુકાવિકાસ અધિકારીને પ્રતિવાદી પક્ષો બનાવવામાં આવ્યા છે, કોર્ટે તેમને નોટિસ જારી કરી નથી.

પીઆઈએલમાં માગણી કરવામાં આવી છે કે આ અધિનિયમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે કારણ કે એ PESA ઍક્ટ, LAAR ઍક્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટ, 1980 અને અન્ય કેટલીક વૈધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

પીઆઈએલ અનુસાર, પર્યટનના નામે, બંધારણની કલમ 243ZC હેઠળ નિયુક્ત અનુસૂચિત પ્રતિબંધિત વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

પીઆઈએલ 11 અરજદારો દ્વારા દાખલ કરવામાં આવી છે - તેમાંથી 10 ગરુડેશ્વર અને કેવડિયા વિસ્તારમાં રહેતા આદિવાસી સમુદાયના સભ્યો છે. એક અરજદાર સાર્વજનિક ટ્રસ્ટ 'સમસ્ત આદિવાસી સમાજ' છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન