'મારા પુત્રના હત્યારા સાથે જ્યારે મેં ચાર કલાક વિતાવ્યા'

- લેેખક, નોમિયા ઇકબાલ
- પદ, બીબીસી ન્યૂઝ, વર્જિનિયા
અમેરિકાના પત્રકાર જેમ્સ ફૉલીની હત્યામાં મદદગાર થનારા ઇસ્લામિક સ્ટેટના બે સભ્યો સામે અમેરિકામાં મુકદ્દમો ચાલી રહ્યો છે.
તેમાંથી એકને 19 ઑગસ્ટના રોજ હત્યા માટે દોષિત જાહેર કરાયા હતા. જેમ્સનાં માતાએ આરોપી સાથે મુલાકાત કરી હતી.
ગયા વર્ષે શિયાળાની એક સવારે ડિયાન ફૉલી પોતાના પુત્રનું અપહરણ કરનારા અને તેમની હત્યામાં મદદ કરનારાને રૂબરૂ મળ્યાં હતાં. અદાલતના રૂમમાં આ મુલાકાત યોજાઈ હતી અને બાદમાં અહીં જ તેને આજીવન જેલની સજા જાહેર થઈ હતી.
રૂમમાં તેઓ પ્રવેશ્યાં ત્યારે ઍલેક્ઝાન્ડ્રા કોટી ત્યાં હાજર જ હતાં. આસપાસમાં એફબીઆઈના એજન્ટ, વકીલો અને માણસો પણ પોતાનું કામ કરી રહ્યા હતા.
ફૉલી કહે છે કે રૂમમાં પ્રવેશીને પોતે બેઠાં તે પછી લાગ્યું કે, "જાણે આસપાસમાં બીજા કોઈ છે જ નહીં. અમે એકબીજાની સામે જોયું અને હેલ્લો કહ્યું."
પુત્રની હત્યાના આરોપીને મળવાના એ અનુભવનો ભાર તેમના શબ્દોમાં વાત કરતી વખતે જણાઈ આવતો હતો.
તેઓ કહે છે, "આ રીતે મળવું અઘરું હતું, પણ જરૂરી હતું. જિમની પણ એવી જ ઇચ્છા હોત કે હું આમ કરું."
જિમ એમના પુત્ર અને અમેરિકાના માર્યા ગયેલા પત્રકાર જેમ્સ ફૉલીનું હુલામણું નામ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

2014માં ફૉલીની ગરદન કાપીને હત્યા થઈ ત્યારે જગતભરમાં ખળભળાટ મચી ગયો હતો. ઇસ્લામિક સ્ટેટના 'બીટલ્સ ઑફ આઈસીસ' તરીકે ઓળખાતા ત્રાસવાદીઓની ટોળકીએ આ હત્યા કરી હતી.
ઇરાક અને સીરિયામાં મોટા વિસ્તારમાં કબજો જમાવીને ઇસ્લામિક સ્ટેટે ત્રાસ વર્તાવી દીધો હતો અને તેના શાસનમાં લાખો લોકો પર અત્યાચાર થયા હતા. 2014થી 2017 દરમિયાન આઈએસ દુનિયાનું સૌથી ખતરનાક આતંકવાદી જૂથ બની ગયું હતું.
19 ઑગસ્ટ 2014ના રોજ ટ્વિટર પર જેમ્સની હત્યાનો વીડિયો મુકાયો હતો જે આધુનિક યુગના આતંકવાદી કૃત્યનો સૌથી જાણીતો વીડિયો બની ગયો હતો.
રણમાં ઑરેન્જ રંગનું જમ્પસૂટ પહેરેલી એક વ્યક્તિ અને કાળી બુકાની પહેરેલ જેહાદી તેના ગળે છૂરો રાખીને ઊભા છે. તે પછી તેમની ગરદન કાપી નાખવામાં આવે છે.
આ વીડિયોને "મૅસેજ ટુ અમેરિકા" એવું ટાઇટલ આપવામાં આવ્યું હતું.
આ હત્યા બદલ બે બ્રિટિશ મૂળના 33 વર્ષીય અલશફી અલ શેખ અને 38 વર્ષીય કોટી પર અમેરિકામાં ખટલો ચાલ્યો હતો અને હત્યામાં સામેલગીરી માટે સજા કરવામાં આવી હતી.
શેખને વર્જિનિયાની જેલમાં રખાયા હતા, જ્યારે આજીવન કેદની સજા મેળવનાર કોટી સાથે ડિયાનની મુલાકાત થઈ હતી.
પોતાના પુત્રની હત્યાથી વિચલિત થયેલાં ડિયાન માટે હવે ફરીથી શ્રદ્ધાવાન બનવું, માફ કરી દેવું અને દુનિયાભરમાં અપહરણ કરાયેલાની મુક્તિ માટે કામ કરવું તેના પર જ ધ્યાન આપવાનું જીવનકાર્ય શેષ રહ્યું હતું. દોષી સાથે ચાર કલાક વિતાવીને તેમણે પોતાના એ જીવનકાર્ય પ્રત્યે જ સમર્પણ દાખવ્યું હતું.

જેમ્સ ફૉલી હત્યા કેસમાં પીડિત માતાએ જ્યારે પુત્રની હત્યામાં મદદગારી કરનારા જેહાદી સાથે વાત કરવા તૈયારી બતાવી

- 2014માં પત્રકાર જેમ્સ ફૉલીની ગરદન કાપીને હત્યા થઈ ત્યારે જગતભરમાં ખળભળાટ મચી ગયો હતો
- ઇસ્લામિક સ્ટેટના 'બીટલ્સ ઑફ આઈસીસ' તરીકે ઓળખાતા જેહાદીઓની ટોળકીએ આ હત્યા કરી હતી
- જેમ્સ ફૉલીની હત્યામાં મદદગાર થનારા ઇસ્લામિક સ્ટેટના બે સાગરીતો સામે અમેરિકામાં કામ ચલાવી, તેમાંથી એકને 19 ઑગસ્ટના રોજ હત્યા માટે દોષિત જાહેર કરાયા હતા
- પુત્રની હત્યાના આરોપીને મળવાના એ અનુભવનો ભાર જેમ્સનાં માતાના શબ્દોમાં વાત કરતી વખતે જણાઈ આવતો હતો
- ઇરાક અને સીરિયામાં મોટા વિસ્તારમાં કબજો જમાવીને ઇસ્લામિક સ્ટેટે ત્રાસ કરી દીધો હતો અને તેના શાસનમાં લાખો લોકો પર અત્યાચાર થયા હતા

ફૉલીનું અપહરણ

ઇમેજ સ્રોત, HO VIA MET POLICE, KOTEY, HANDOUT
હવે 71 વર્ષનાં થયેલાં ડિયાનને કલ્પના નહોતી કે આવી રીતે તેમણે જિંદગીનાં અંતિમ વર્ષો વિતાવવાં પડશે.
2012માં સીરિયામાંથી જેમ્સનું અપહરણ થયું હતું. તે વખતે ડિયાન નર્સ તરીકે કામ કરતાં હતાં, પણ તે છોડીને પુત્રની શોધમાં લાગી ગયાં હતાં.
જેમ્સ પત્રકાર તરીકે કામ કરતા હતા ત્યારે અગાઉ પણ તેમનું અપહરણ થયું હતું.
માર્ચ 2011માં જેમ્સ અને તેમના સાથીઓને કર્નલ ગદ્દાફીના શાસન વખતે લીબિયામાં પકડી લેવાયા હતા. જોકે તેમને 44 દિવસ બાદ છોડી દેવામાં આવ્યા હતા.
આ વખતે એ રીતે મુક્તિ મળવાની નહોતી.

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયામાં આતંક વધી રહ્યો હતો તેનું રિપોર્ટિંગ કરવા માટે જેમ્સ ઑક્ટોબર 2012માં સીરિયા પહોંચ્યા હતા.
જોકે માથે જોખમ હતું તે જાણતા હતા એટલે નિયમિત પોતાના પરિવારને પોતાની કુશળતાની જાણ કરતા રહેતા હતા.
નવેમ્બર પછી ડિયાનને પુત્રનો ફોન આવતો બંધ થઈ ગયો. બીજા એક મહિના પછી તેમને એક ઈમેલ મળ્યો હતો. જેમ્સને પકડી લેનારાએ ઈમેલ કર્યો હતો.
આ ટોળકીએ માગણી કરી કે જેમ્સ જીવતા પાછા જોતા હોય તો અમેરિકન સરકારને કહો કે તેની જેલમાં રહેલા મુસ્લિમ કેદીઓને છોડી દે અને દસ કરોડ યુરો ચૂકવી આપે.
આ ટોળકીએ બીજા પણ કેટલાક અમેરિકનોનું અપહરણ કરી લીધું હતું અને તેમને છોડવા બદલ પણ આવી જ માગણીઓ કરવામાં આવી હતી.
માનવાધિકાર કાર્યકરો મ્યુલર અને પિટર કેસિગ અને પત્રકાર સ્ટિવન સૉટ્લોફનું પણ અપહરણ થયું હતું.
ડિયાન કહે છે કે અઠવાડિયાં અને મહિનાઓ પસાર થતાં ગયાં અને તેઓ આશામાં બેસી રહ્યા કે "ક્રિસમસ વખતે તો જેમ્સ આવી જ જશે."

જેમ્સ ફૉલીની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે અમેરિકન સરકારે ફૉલી પરિવારને જણાવ્યું હતું કે તમે કોઈ વાટાઘાટ કરશો નહીં. ડિયાનના જણાવ્યાનુસાર તેમને ધમકી અપાઈ હતી કે જો તેઓ ખંડણીની રકમ જાતે એકઠી કરવા કોશિશ કરશે તો પણ તેમની સામે કેસ ચલાવાશે. જોકે આવી ધમકી આપી હોવાની વાતનો અમેરિકાનું વિદેશમંત્રાલય નકારે કરે છે.
બીજા થોડા મહિના પસાર થયા તે પછી ફરી ડિયાન ફૉલીને ધમકીનો મૅસેજ મળ્યો કે આ વખતે અમેરિકાએ હવાઈહુમલા કર્યા છે એટલે જેમ્સને ખતમ કરી દેવાશે.
તેઓએ ધમકી આપી હતી કે "અમારા દેશ પર હુમલો કરવા બદલે તેને અમે પતાવી દઈશું."
પોતાના પુત્રની આખરે હત્યા થઈ ગઈ છે તેના ખબર બીજા એક પત્રકાર પાસેથી તેમને મળ્યા હતા.
તેને યાદ કરતાં કહે ડિયાન કહે છે, "એ કોઈ ક્રૂર મજાક જેવું લાગ્યું હતું."
જેમ્સની હત્યા કર્યા બાદ પિટર અને સ્ટિવન પર પણ અત્યાચાર થતા રહ્યા હતા. 2015માં તેમની હત્યા થઈ હતી, પણ તેનો વીડિયો ઉતારાયો નહોતો.
આ ટોળકીના વડા ગણાતા મોહમ્મદ અમવાઝી તે વર્ષે બાદમાં અમેરિકાની ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.

ઇમેજ સ્રોત, HANDOUT/BOSTON GLOBE
બીજા બે જેહાદી અલશેખ અને કોટી પણ છેક 2018માં પકડાયા હતા. અમેરિકાની મદદ કરી રહેલા કુર્દ લડવૈયાને સીરિયામાંથી પકડી લીધા હતા અને અમેરિકાને સોંપી દીધા હતા.
આ ટોળકીનું એઇન ડેવિસ તુર્કીની જેલમાં હતા અને ત્યાંથી તેમને યુકે મોકલી દેવાયા હતા. યુકેમાં તેમની સામે ત્રાસવાદનો ખટલો ચાલ્યો હતો.
જેમનાં અપહરણ થયાં હતાં તેમના પરિવારના લોકોએ માગણી કરી હતી કે આ જેહાદીઓને અમેરિકાને સોંપી દેવામાં આવે. તેમને ગ્વાન્ટેનામો બૅ મિલિટરી કેદમાં મોકલી દેવાના બદલે ફેડરલ કોર્ટમાં તેમની સામે ખટલો ચલાવવાની માગણી થઈ હતી.
ડિયાન કહે છે કે "અમે ઇચ્છતા હતા કે અમેરિકામાં આ લોકોની સામે મુકદ્દમો ચાલે અને તેમની સામે યોગ્ય રીતે કાનૂની કાર્યવાહી થાય."
આ કાર્યવાહી સહેલી નહોતી. "અહીં પહોંચતાં અને આ હાંસલ કરતાં દસ વર્ષ લાગી ગયાં છે."
"આ બધા દેશોએ સાથે મળીને કામ કર્યું હોત તો સારું હોત અને અમારાં સંતાનોને પરત સલામત લઈ આવ્યાં હોત તો વધારે સારું થાત. તેના બદલે અમારે તેમના હત્યારાઓને સજા અપાવવા માટે આટલાં વર્ષોની મથામણ કરવી પડી છે... [જોકે] કંઈ ના થાય તેના કરતાં આટલુંય થયું તે ઘણું."

જેહાદી સાથે રૂબરૂ મુલાકાત

અલ શેખથી વિપરીત કોટીનો કેસ જુદી રીતે ચાલ્યો હતો.
કોટીએ અપહરણ, ત્રાસ આપવો અને સીરિયામાં અમેરિકાના અપહૃત નાગરિકોની હત્યા અંગેના ગુનાના આઠ આરોપોને સ્વીકારી લીધા હતા. તેમણે ગુનો કબૂલવા ઉપરાંત ભોગ બનેલા લોકોના પરિવારને મળવા માટેની પણ તૈયારી દેખાડી હતી એટલે તેમની સામે મુકદ્દમો ચાલ્યો નહોતો.
આ પરિવારોમાંથી ડિયાન તેમને મળવા માટે તૈયાર થયાં હતાં.
ડિયાન કહે છે કે આખરે તે પોતાના પુત્રની હત્યામાં મદદગાર થનારાને એક રૂમમાં મળ્યાં અને તેમને તાકીને જોઈ રહ્યાં તે પછી લાગ્યું કે તેઓ તેમની સામે આખરે ઊભા રહી શકે તેમ હતાં.
ડિયાન કહે છે કે "થોડો ડર લાગ્યો હતો, પણ જોકે મને ખ્યાલ હતો કે અહીં હું સલામત છું અને તે મને કંઈ કરી શકે તેમ નથી. તેનાથી મને થોડી તાકાત મળી હતી."
"તેણે અઘટિત કૃત્ય કરી જ નાખ્યું હતું અને મારા પ્રેમાળ પુત્રને છીનવી લીધો હતો."
આ રીતે ચાર કલાક તેની સાથે પસાર કર્યા પછી તેમને લાગ્યું કે જેમણે આખી જિંદગી કેદમાં પસાર કરવી પડશે તે જેહાદી માટે પણ અફસોસ થતો હતો.
ડિયાનનાં પાંચ સંતાનોમાં સૌથી મોટા જેમ્સ હતા અને "હું ઇચ્છતી હતી કે કોટી એ સમજી શકે કે તેણે કેવું ભયાનક કૃત્યુ કર્યું હતું," એમ તેઓ ઉમેરે છે.
"તેને એ સમજાવવાનું હતું કે કેવી સારપને તેણે ખતમ કરી હતી અને શા માટે જેમ્સ જેવા લોકો સીરિયામાં આવ્યા હતા. આ લોકો એટલા માટે ત્યાં હતા, કેમ કે તેઓ બીજાની પરવા કરનારા હતા અને દુનિયાને સત્ય જણાવવા માટે ગયા હતા."
કોટીએ તેમની વાતો શાંતિથી સાંભળી હતી અને બાદમાં પોતાના પરિવાર વિશે પણ વાતો જણાવી હતી.
"તેણે કહ્યું કે તેણે માફી માટે અલ્લાહની દુઆ માગી છે. તેણે પોતાના પરિવારની તસવીર બતાવી હતી. તેને નાનાં બાળકો પણ હતાં, જેને તે ક્યારેય મળી શકવાનો નહોતો. મને પણ ખ્યાલ આવ્યો કે નફરતના માર્ગે આગળ વધીને તેણે પણ શું શું ગુમાવ્યું છે. તેનાથી મને તેની પણ દયા આવી હતી."
જોકે તેમણે ડિયાનને એ ના જણાવ્યું કે હત્યા પછી તેમણે મૃતદેહોને ક્યાં દફનાવ્યા હતા.
ભોગ બનેલા લોકોના મૃતદેહો ક્યારેય મળ્યા નહોતા.
"અને તેણે સૉરી એવું પણ ના કહ્યું. તે આમ ધીરગંભીર હતો અને પસ્તાવો થતો હોય તેવી રીતે વાત કરી રહ્યો હતો. પણ માફી માગી નહીં," એમ ડિયાન કહે છે.
મુલાકાતના અંતે આખરે ડિયાને તેને કહ્યું, "આશા રાખું છું કે ભવિષ્યમાં ક્યારેક આપણે એકબીજાને માફ કરી શકીશું."
આ શબ્દોથી ગૂંચવાયા હતા અને કહ્યું હતું કે, "મારે તો તમને કશા માટે માફ કરવાના નથી."
જોકે પોતે માફીના વાત પોતાની કૅથલિક તરીકેની શ્રદ્ધાના આધારે કરી શક્યાં હતાં, કેમ કે તેમાંથી જ તેમને શક્તિ મળતી હતી એમ ડિયાન કહે છે.
"હું જાણું છું, પણ ક્યારેક...", એમ કહીને શું કહેવું તેના શબ્દો વિચારીને પછી ડિયાને કહેલું, "મને લાગે છે કે આપણે કોઈ સંપૂર્ણ નથી. આપણે ઘણી વાર એવું કરતાં હોઈએ છીએ, જેનાથી આપણને પસ્તાવો થાય."

આત્મનિરીક્ષણ

ડિયાન કહે છે, "હું તેમને ધિક્કારું તો એ તેમનો વિજય થયો ગણાય. મારા પ્રિયજન સાથે તેમણે જેવો વ્યવહાર કર્યો તેનાથી જુદો વ્યવહાર હું ના કરું ત્યાં સુધી તે લોકો અપહરણ કરતા રહેશે. આપણે તેમનાથી જુદા પડવા માટે હિંમત દાખવવાની છે."
"આ રીતે માફી આપવાનો માર્ગ બહુ કઠિન છે અને હું તેના પર બહુ આગળ વધી શકી નથી, પરંતુ મારી ઇચ્છા તો આ જ માર્ગે આગળ વધવાની છે."
પોતાના પુત્રના હત્યારા સાથે મુલાકાત બાદ ત્રણ અઠવાડિયાં પછી ડિયાનને પોતાના જીવનનો એક માર્ગ પણ મળ્યો. તેમણે જેમ્સ ડબ્લ્યૂ ફૉલી ફાઉન્ડેશનની સ્થાપના કરી.
આ સંસ્થા અમેરિકાની સરકારને વિનંતી કરે છે કે વિદેશમાં અપહરણ થયું હોય તેવા નાગરિકોની વહારે જવા માટે હજી વધુ કરવાની જરૂર છે.
તેમના આ પ્રયાસોને કારણે રાજકીય તાકાત ઊભી થઈ રહી છે અને પોતાના સ્વજનોનું અપહરણ થયું હોય તેમના પરિવારના લોકો કહે છે કે ડિયાન મક્કમ રીતે આગળ વધી રહ્યાં છે.
ડિયાન કહે છે, "આપણા નાગરિકો વિદેશમાં જાય ત્યારે તેમની સંભાળ રાખવાની જવાબદારી આપણી સરકારની છે."
"વધુ સ્માર્ટ બનીને ઘણી બધી બાબતોને અમલમાં લાવવાની જરૂર છે: પ્રતિબંધો મૂકવા, માનવીય સહાય કરવી, વૅક્સિન તથા વિઝા આપવા અને તે રીતે માનવીય સંબંધોની ચેનલ શરૂ કરવી જેથી વિદેશીઓને હોસ્ટેજ લઈ લેવામાં આવે છે તે બંધ થાય."
આટલા બધા પ્રયાસો છતાં પોતાને અને પરિવારને હજીય એટલી રાહત મળી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
"જિમનાં ભાઈબહેનો માટે બહુ મુશ્કેલ સ્થિતિ છે અને મારા પતિ માટે પણ. અમારે જેમાંથી પસાર થવું પડ્યું છે તે અમારે ભોગવવું પડશે. ઘણા બધા પરિવારો આફત પછીય તેના આઘાતમાંથી બહાર આવી શકતા નથી."
આ રીતે ભોગ બનેલા અન્ય લોકોના પરિવારના લોકો ડિયાનની જેમ માફી આપવા માટે તૈયાર પણ નથી.
ડેવિડની પુત્રી બેથની હેઈન્સે બીબીસીને જણાવ્યું હતું કે "હું ક્યારેય તેમને માફ નહીં કરું અને તે રીતે મેં મારી જાતને મનાવી લીધી છે."
આ ગુનેગારોનો કબજો લેતી વખતે બ્રિટિશ સરકારે જે શરતો કબૂલી હતી, તેના કારણે કોટી કે અલશેખને ફાંસીની સજા નહીં થાય.
ડિયાન કહે છે, "તે બાબતનો મને આનંદ છે. બાકીની જિંદગી તેમણે એ વિચારવાનું છે કે તેમણે શું કર્યું હતું."
"તેમનું સ્વાતંત્ર્ય છિનવાઈ ગયું છે, તેમની નાગરિકતા અને પરિવારને પણ ગુમાવ્યાં છે. તેમની નફરત આખરે હારી જ ગઈ છે."
એડિશનલ રિપોર્ટિંગ એલિસન હન્ટર

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












