અમદાવાદ : મનીષ સિસોદિયાએ ભાજપમાં જોડાવાની કથિત ઑફર પર શું કહ્યું? ભાજપે આપ્યો જવાબ

ઇમેજ સ્રોત, Twitter/@AAP

- આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શિક્ષણ અંગેની ગૅરંટીની જાહેરાત કરી હતી
- દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પ્રેસ કૉન્ફરન્સ લીધી હતી
- મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતનાં બાળકોને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે
- મનીષ સિસોદિયાએ કહ્યું કે, "જો આપની સરકાર બનશે તો ગુજરાતના દરેક બાળક માટે મફત અને શાનદાર શિક્ષણવ્યવસ્થા કરવામાં આવશે"
- ભાજપ પર આરોપ મૂકતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, "મને ઑફર કરવામાં આવી હતી કે જો હું આમ આદમી પાર્ટીને તોડું તો મારી પર લાગેલા સીબીઆઈ-ઈડીના બધા કેસ પાછા ખેંચવામાં આવશે અને મને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે."

આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકારણ ગરમાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીમાં પૂરજોશથી ઝંપલાવ્યું છે.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણીલક્ષી જાહેરાતો કરી.
અરવિંદ કેજરીવાલે અમેરિકન અખબાર ન્યૂ યૉર્ક ટાઇમ્સના એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં દિલ્હીની શિક્ષણવ્યવસ્થાનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. તેમણે મનીષ સિસોદિયાને દુનિયાના સૌથી સારા શિક્ષણમંત્રી ગણાવ્યા હતા.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, "કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં શાળાઓની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પંજાબમાં પણ ભગવંત માનના નેતૃત્વમાં શિક્ષણ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કેજરીવાલના નેૃતૃત્વમાં દરેક પરિવાર, વ્યક્તિને આશ્વસ્ત કરું છું કે ગુજરાતમાં જન્મનાર દરેક બાળકને શાનદાર શિક્ષણ મળશે. હું અરવિંદ કેજરીવાલની શિક્ષણ ગૅરંટીના રૂપમાં કહેવા માગું છું કે કેજરીવાલને અવસર આપો, જો આપની સરકાર બનશે તો ગુજરાતના દરેક બાળક માટે મફત અને શાનદાર શિક્ષણવ્યવસ્થા કરવામાં આવશે."
તેમણે કહ્યું કે, "દરેક સરકારી શાળા ખાનગી શાળા જેવી શાનદાર બનાવાશે, શિક્ષકોની અછત દૂર કરવામાં આવશે. રાજ્યની શાળાઓમાં મેં જોયું કે મહિના મહિના કૉન્ટ્રેક્ટ પર શિક્ષકો રાખવામાં આવે છે."
"ખાનગી શાળાઓમાં ભણતાં બાળકો માટે સ્કૂલની ફી ગેરકાયદેસર રીતે વધારવા નહીં દેવાય. સરકારી શાળાઓની પરિસ્થિતિ પણ સુધારવામાં આવશે."
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "શિક્ષણની ખરાબ પરિસ્થિતિ ભાજપના કુશાસનનાં 27 વર્ષોનું પરિણામ છે. જો પાછી તેમની સરકાર આવશે તો તેઓ પાંચ વર્ષ હજુ બગાડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેજરીવાલની આરોગ્યની ગૅરંટી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ગુજરાત વિધાનસબા ચૂંટણી 2022ને અનુલક્ષીને આરોગ્યની ગૅરંટી આપતાં કેજરીવાલે કહ્યું કે, "સરકારી ડિસપેન્સરીના તંત્રને ખતમ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો ખાનગી હૉસ્પિટલ જવા મજબૂર થાય. દિલ્હીમાં અમે સરકારી હૉસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકને શાનદાર બનાવ્યાં. અમે કહ્યું કે દવા, ટેસ્ટ, ઑપરેશન બધું જ બે કરોડ લોકો માટે અમે દિલ્હીમાં મફત કર્યું. આરોગ્યની ગૅરંટી એ છે કે ગુજરાતમાં રહેનારી દેરક વ્યક્તિને સારી અને મફત સારવાર મળશે."
"અમીર, ગરીબ બધાને મફત અને સારી સારવાર મળશે. બીજી ગૅરંટી કે બધા ટેસ્ટ, દવા અને ઑપરેશન મફત થશે. ત્રીજી ગૅરંટી એ કે દિલ્હીની જેમ મહોલ્લા ક્લિનિકની જેમ ગુજરાતના દરેક ગામમાં ક્લિનિક ખોલવામાં આવશે અને શહેરમાં દરેક વૉર્ડમાં ક્લિનિક ખોલવામાં આવશે.
ચોથી ગૅરંટી એ કે બધી સરકારી હૉસ્પિટલોની પરિસ્થિતિ સુધારવમાં આવશે. નવી સરકારી હૉસ્પિટલોની જરૂર હશે તો અમે ખોલીશું. કોઈનો પણ અકસ્માત થાય તો અમે તેનો ઇલાજ મફત કરાવીએ છીએ. ભલે તેની સારવાર ખાનગી હૉસ્પિટલમાં કરાવવી પડે. દિલ્હીમાં ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ લોકોની સરકારે સારવાર કરાવી છે."
આ સિવાય તેમણે કહ્યું કે, "ગુજરાતમાં સૈન્ય ઑપરેશનમાં શહીદ થનાર સૈનિકોના પરિવારોને એક કરોડની સહાય આપવાની જાહેરાત કરાઈ છે. હું તેના માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું."
"અમારી માગ છે કે ગુજરાત પોલીસને પણ આમાં સામેલ કરવામાં આવે. દિલ્હીમાં જે સ્કીમ છે તેમાં સૈનિકો અને પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસકર્મી પણ ઑપરેશનમાં શહીદ થાય છે તો હું તેમના ઘરે જઈને તેને એક કરોડનો ચેક આપીને આવું છું."
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "જનતા કહે છે કે આ ઘોષણા માત્ર ગુજરાતમાં ચૂંટણીને કારણે આ જાહેરાત કરાઈ છે. અન્ય ભાજપશાસિત રાજ્યોમાં આ જાહેરાત કરાઈ નથી."
"અમારી સરકાર આવશે તો ગુજરાતના રહેતા અને પાછલાં પાંચ વર્ષમાં શહીદ થયેલના પરિવારોને એક કરોડ રૂપિયાની મદદ આપીશું."
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતો લઈ રહ્યા છે. તેમણે આની પહેલાં ચૂંટણી અનુલક્ષીને છ જેટલી જાહેરાતો કરી છે.
અમદાવાદમાં પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, "સ્ટેટ ટ્રાન્સપૉર્ટમાં અસ્થાયી કર્મચારીઓનો પગાર ખૂબ ઓછો છે. અમારી સરકાર તેમની માગો પૂરી કરશે."

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આરોપ

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીની શરાબનીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના શકંજામાં ફસાયેલા દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા પણ અમદાવાદમાં પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતા.
તેમણે સોમવારે ટ્વીટ કર્યું હતું કે, "મને ઑફર કરવામાં આવી હતી કે જો હું આમ આદમી પાર્ટીને તોડું તો મારી પર લાગેલા સીબીઆઈ-ઈડીના બધા કેસ પાછા ખેંચવામાં આવશે અને મને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. ભાજપને મારો જવાબ એ છે કે કેજરીવાલજી મારા રાજકીય ગુરુ છે. દગો નહીં આપું. હું રાજનીતિમાં માત્ર દેશનાં બાળકોને શાનદાર શિક્ષણ આપવા આવ્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, મારા માટે પણ આઘાતજનક હતું કે મને કહેવામાં આવ્યું કે તમારી સામે જેટલા પણ ઈડી અને સીબીઆઈના કેસ ખતમ કરવામાં આવશે, તમે પાર્ટી તોડીને ભાજપમાં જોડાઈ જાઓ, અમે તમને મુખ્ય મંત્રી બનાવીશું. તો મેં કહ્યું કે સીબીઆઈ અને ઈડીના કેસ ચાલી રહ્યા છે તેનું સત્ય તો મને ખબર છે. હું કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છું અને આ નકલી કેસમાં દમ નથી, આનાથી મને ન ડરાવી શકો."
"તો મેં સ્પષ્ટ કર્યું કે મારું સપનું સીએમ બનવાનું નથી. સીએમ બનવાનું સપનું લઈને નથી આવ્યો, મારું સપનું છે કે દિલ્દીના દરેક બાળકને સારામાં સારું શિક્ષણ મળે, હવે હું દેશનાં દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું સપનું જોવું છું એટલે જ અરવિંદ કેજરીવાલની સાથે છું. "

વડા પ્રધાન બનવા અંગે અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, " હું અહીં વડા પ્રધાન નથી બનવા આવ્યો."

ભાજપે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
અગાઉ શરાબનીતિ પર કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર એક વખત ફરીથી ભાજપે પ્રશ્ન ઉઠાવ્યા હતા.
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસ કૉન્ફરન્સ પર મનીષ સિસોદિયાના એ ટ્વીટનો જવાબ આપ્યો હતો જેમાં, "જેમના વિચારો નાના છે, નિયત ખોટી છે તેમને કોઈ શું તોડશે. તમારો અહંકાર દિલ્હીની જનતા તોડશે. આ અનર્ગલ વાતો કરવાનું બંધ કરો. જો તમને એ વાતનો અહંકાર હોય કે તમે જનતાના પૈસા લૂંટીને ભ્રષ્ટાચાર કરીને જવાબ પણ નહીં આપો તો એવું નહીં થવા દઈએ."
ભાજપે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પડકાર આપ્યો હતો કે તેઓ જનતાના પ્રશ્નોનો જવાબ આપો. ભાજપે કહ્યું કે કેજરીવાલ પ્રશ્નોથી બચી રહ્યા છે.
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે ભલામણોને અવગણીને શરાબનીતિ લાગુ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને સરકારી સંસ્થાઓથી નફરત છે. ગૌરવ ભાટિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારનાં નવાં કીર્તિમાન સ્થાપી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













