ગુજરાતની 2017ની ચૂંટણી બાદ સતત નબળી પડેલી કૉંગ્રેસને ઉગારી શકશે અશોક ગેહલોત?

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાન ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના ઑબ્ઝર્વર તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરાઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાન ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના ઑબ્ઝર્વર તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરાઈ છે
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું ચૂંટણીપ્રબંધન સંભાળનાર અશોક ગેહલોતને કૉંગ્રેસના ઑબ્ઝર્વર બનાવાયા છે
  • ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાન ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના ઑબ્ઝર્વર તરીકે નીમાયેલા અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા
  • કૉંગ્રેસના નેતાઓનો દાવો છે કે આ નિમણૂકને કારણે આગામી ચૂંટણીમાં પક્ષ સારું પ્રદર્શન કરી શકશે
  • ઘણા કાર્યકર્તાઓ ગેહલોતની નિમણૂકથી ઉત્સાહિત છે તો બીજી તરફ કેટલાક એવા પણ છે કે જેઓ આનાથી કોઈ વધુ ફરક નહીં પડે તેવો મત વ્યક્ત કરે છે
  • નિષ્ણાતોનું માનવું છે કે ગેહલોતની નિમણૂક છતા પણ કૉંગ્રેસ પાસે સત્તામાં પહોંચવા કે ભાજપને રાજ્યની આગામી ચૂંટણીમાં હંફાવી દેવા માટે અથાક પ્રયાસોની જરૂર પડશે
લાઇન

ગુજરાતના રાજકારણના મુકાબલામાં એક તરફ ભાજપ છે, જે હંમેશાં ઇલેક્શન મોડમાં રહે છે, બીજી તરફ જોરશોરથી ગુજરાતના રાજકારણમાં જગ્યા બનાવી લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની વાત કરનારી આમ આદમી પાર્ટી છે.

આ બન્નેની વચ્ચે છે સૌથી જૂની એવી કૉંગ્રેસ પાર્ટી, જે ગુજરાતમાં તો જાણે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી હોય તેવું ઘણા લોકોને લાગે છે.

સતત તૂટતી જતી પાર્ટી અને ગુજરાતમાં ચૂંટણી હારવાના રેકર્ડ છતાં પણ 2022ની રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે હવે કૉંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને મેદાનમાં ઉતાર્યા છે.

રાજસ્થાનના જ કૉંગ્રેસના નેતા રઘુ શર્મા હાલમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી છે, ત્યારે ગેહલોતને ગુજરાતના ઑબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓ પાછલા ત્રણ દિવસથી ગુજરાતનો પ્રવાસ કરીને કૉંગ્રેસ નેતાઓ તેમજ કાર્યકર્તાઓને મળી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ પાર્ટી ખરેખર આવનારી ચૂંટણીમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી જેવું કે તેનાથી સારું કે ખરાબ પ્રદર્શન કરશે તે જોવા માટે અનેક રાજકીય વિશ્લેષકો રાહ જોઈ રહ્યા છે.

line

કૉંગ્રેસના આંતરિક ખટરાગને ડામવાના લક્ષ્ય સાથે ગેહલોતનું આગમન?

ગુજરાતમાં કૉંગ્રેસ 1995 પછી ક્યારેય સત્તાની નજીક પણ પહોંચી શકી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કૉંગ્રેસ 1995 પછી ક્યારેય સત્તાની નજીક પણ પહોંચી શકી નથી

ગુજરાતમાં કૉંગ્રેસ 1995 પછી ક્યારેય સત્તાની નજીક પણ પહોંચી શકી નથી. કૉંગ્રેસના છેલ્લા મુખ્ય મંત્રી 1994માં છબીલદાસ મહેતા હતા, ત્યાર બાદ ગુજરાતમાં ભાજપનો સૌથી મોટા પક્ષ તરીકે ઉદય થયો અને ત્યારથી હજી સુધી, 2017ની ચૂંટણીને બાદ કરતાં, દરેક ચૂંટણીમાં ભાજપ વધુને વધુ મજબૂત પાર્ટી બની છે.

જેની સામે કૉંગ્રેસ શહેરો બાદ ગામડાંમાં પણ કંગાળ પ્રદર્શન કરી ચૂકી છે.

2021ની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું હજી સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલી બેઠકો પક્ષને મળી હતી.

જોકે તેવા સમયમાં કૉંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાની જવાબદારી ફરીથી અશોક ગેહલોતને શીરે આવી છે.

અમદાવાદ ખાતે પત્રકારો સાથેની પોતાની વાતચીત દરમિયાન તેમણે રાજસ્થાનના વિકાસ મૉડલ અને ગુજરાતના મોદી મૉડલની વાત કરી, પરંતુ તેમણે એક પણ સ્થળે કૉંગ્રેસની અંદરની લડાઈઓનો ખાતમો કેવી રીતે કરવો તેની વાત નહોતી કરી અને કૉંગ્રેસ પાર્ટીને એક પાર્ટી તરીકે કેવી રીતે મજબૂત કરવામાં આવશે તેની પણ વાત તેમણે નહોતી કરી.

પોતની પ્રેસવાર્તા દરમિયાન તેમણે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ કેવી રીતે વિકાસ કરી શકાય તે અંગે વાત કરી.

જોકે પડદા પાછળની વાત તો એ છે કે, તેઓ હાલમાં ગુજરાતની મુલાકાત લઈ ગુજરાત કૉંગ્રેસ નેતાઓના અંદરના ઝઘડા દૂર કરવા માટે સક્રિય થયા છે, પરંતુ શું તેમનો આ પ્રવાસ સફળ થશે, તે જાણવામાં બહુ દિવસો નહીં જાય.

આ વિશે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર ગેહલોતની મુલાકાતથી શો ફરક પડી રહ્યો છે.

હાલમાં દક્ષિણ ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ કૉંગ્રેસના મૅનિફેસ્ટો માટે કામ કરતાં મહિલા કાર્યકર મેઘના પટેલે અમારી સાથે આ અંગે વાત કરી.

તેમણે કહ્યું કે, "તેમની મુલાકાત પછી કાર્યકર્તાઓમાં જોશ આવી ગયો છે, તેમાં કોઈ શંકા નથી, લોકો ઘરોથી બહાર પાર્ટી માટે કામ કરવા માટે નીકળી રહ્યા છે, અને જ્યારે ગેહલોતજી લોકોને મળે છે, ત્યારે તેમને લાગે છે કે, તેમને કોઈ સાંભળવાવાળું છે. એટલા માટે લોકોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે."

જોકે તેમણે એ પણ કહ્યું કે, "હાલમાં પાર્ટીના અંદરોઅંદરના ઝઘડાને કારણે પાર્ટીને ઘણું નુકસાન થઈ રહ્યું છે, ગેહલોતજી પોતે અહંકાર વગરની વ્યક્તિ હોવાને કારણે તેઓ લોકો વચ્ચેના ઝઘડાની પતાવટ ખૂબ સારી રીતે કરી શકે છે અને ઘણા લોકો તેમની વાત માની પણ લે છે. એટલે હું માનું છું કે દક્ષિણ ગુજરાતમાં તેમની મુલાકાતથી સારો એવો ફરક પડશે."

line

શું છે કૉંગ્રેસ માટેના પડકાર?

વર્ષ 2012માં ગુજરાતમાં પ્રચાર કરતી વખતે મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2012માં ગુજરાતમાં પ્રચાર કરતી વખતે મનમોહનસિંહ

જોકે બધા જ કાર્યકર્તા આવું નથી માનતા.

એક સમયે કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા રહી ચૂકેલાં દાહોદનાં ચંદ્રકાંતાબહેન દાનકા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મેં બે વર્ષ અગાઉ કૉંગ્રેસ છોડી દીધી હતી. કૉંગ્રેસના નેતાઓ નીચેના કાર્યકર્તાઓને કામ સોંપી દે છે, અને તે કામ માત્ર ફોટો પડાવવા પૂરતો જ થાય છે, ખરેખર લોકોનું કામ ક્યારેય સાચી રીતે થતું નથી."

તેઓ વધુમાં કહે છે કે, "કૉંગ્રેસના કાર્યકર્તાઓનું કામ માત્ર ફોટા પડાવીને પોતાના ઉપરના નેતાઓ સુધી પહોંચાડવા સુધી સીમિત છે, જેના કારણે અશોક ગેહલોત જેવા દિગ્ગજ નેતા હોવા ઉપરાંત પણ કૉંગ્રેસમાં કોઈ ફરક પડતો નથી."

અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોંપાતા ગુજરાતમાં કૉંગેસના વલણમાં ફેરફારની શક્યતા વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ સાથે વાત કરી.

ગુજરાતમાં વર્ષોનો સત્તાનો દુકાળ ખતમ કરી શકશે ગેહલોત?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વર્ષોનો સત્તાનો દુકાળ ખતમ કરી શકશે ગેહલોત?

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ પક્ષની છબિ ઑલ લીડર્સ ઍન્ડ નો વર્કર્સની થઈ ચૂકી છે. બધા માત્ર નેતાગીરી જ કરે છે, પરંતુ લોકો વચ્ચે જઈને કામ કરવાવાળા નેતાઓની કમી છે. જોકે એક સમયે કૉંગ્રેસમાં આવું નહોતું. કૉંગ્રેસની બીજી મોટી સમસ્યા એ છે કે તેના નેતાઓ વચ્ચે ખૂબ જ ખેંચતાણ છે, જેને કારણે ભાજપને જીતવા માટે બહુ પ્રયાસ કરવા પડતા નથી. કૉંગ્રેસની હાલત એટલી હદ સુધી ખરાબ થઈ ચૂકી છે કે હવે ગેહલોત કે તેનાથી પણ કોઇ મોટા નેતા કોઈ ચમત્કાર નહીં કરી શકે."

બીજી બાજુ કૉંગ્રેસના નેતાઓ હજી સુધી આવું માનવા તૈયાર નથી.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને કૉંગ્રેસ નેતા સી. જે. ચાવડા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "હાલમાં ગેહલોતજીના વડપણ હેઠળ અમે વિસ્તાર મુજબ કામ કરી રહ્યા છીએ. આદિવાસી વિસ્તારોની 27 બેઠકો ઉપર ગેહલોતજીના નેતૃત્વમાં કેવી રીતે સારું કામ કરવાનું રહેશે તેની રણનીતિ બની ચૂકી છે."

"અમે હાલમાં મૅનિફેસ્ટો પર કામ કરી રહ્યા છીએ અને આવનારી 25મી ઑગસ્ટ બાદ અમે મૅનિફેસ્ટો માટે વિવિધ તબક્કાના લોકોને મળી રહ્યા છીએ."

જોકે આ પ્રકારે મૅનિફેસ્ટો બનાવવો કૉંગ્રેસ માટે કોઈ નવી વાત નથી, તે દરેક ચૂંટણી પહેલાં પ્રબુદ્ધ નાગરિકો, એનજીઓ વગેરેને મળીને પોતાનો મૅનિફેસ્ટો તૈયાર કરતી હોય છે.

કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા કહે છે કે, "ગેહલોતસાહેબની વર્ષ 2017ની કામગીરીનું સારી રીતે પુનરાવર્તન થવાની શક્યતાઓ પ્રબળ બની છે, કારણ કે કૉંગ્રેસમાં તેનાથી ખૂબ જ વધારે જુસ્સો આવી ચૂક્યો છે. હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં વહેલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે, જેના કારણે લોકો ને શહેરોમાં કામ કરવાનો પૂરતો સમય મળશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ