‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટમાં અમારી જમીનો ગઈ અમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી’ કેવડિયાના આદિવાસીઓની આપવીતી

પુના તડવી
ઇમેજ કૅપ્શન, પુના તડવી
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, કેવડિયા
રેડલાઈન

સારાંશ

  • સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોના વિકાસમાં જમીનનો ઉપયોગ કરાયો છે
  • 25 ખેડૂતોએ વિયર ડૅમના નિર્માણ પછી 42 એકર જમીન ગુમાવી દીધી હતી
  • જમીનનો ઉપયોગ ખેડૂતો નર્મદાના પાણીનું સ્તર ઘટે ત્યારે શાકભાજી ઉગાડવા કરતા હતા
  • "સરકાર દ્વારા હરિયાણા ભવન અને પોલીસ હેડક્વાર્ટર બનાવવા માટે અન્ય જમીનો છીનવી લેવાઈ”
  • સરકાર દ્વારા વળતર આપવાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
રેડલાઈન

સિત્તેર વર્ષના પુના તડવીનો પરિવાર થોડાં વર્ષો પહેલાં ખેતરોમાં શાકભાજી ઉગાડતો હતો, હવે તેમને સ્થાનિક બજારમાંથી રોજ શાકભાજી લેવી પડે છે, તેમના જેવી જ સ્થિતિ અહીંના અન્ય આદિવાસી ખેડૂતોની પણ થઈ છે.

કેવડિયામાં પ્રવેશતાં જ મોટા રસ્તાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, ઉત્તમ રેસ્ટોરાં, ઇમારતો અને વાહનોની લાંબી લાઇનો જોવા મળે છે, પરંતુ પુના તડવી જેવા લોકો વર્ષોથી તેમની જમીનો પર કાયદેસર પુનર્વસન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ જમીનનો સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોના વિકાસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ક્યાંય જોવા મળતું નથી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની નજીક આવેલા નવાગામ અને લીમડીના 25 ખેડૂતો એવા છે જેમણે ગરુડેશ્વરમાં વિયર ડૅમના નિર્માણ પછી સંયુક્ત રીતે 42 એકર જમીન ગુમાવી દીધી હતી, તેમાંના એક પુના તડવી પણ છે.

આ જમીનનો ઉપયોગ ખેડૂતો નર્મદાના પાણીનું સ્તર ઘટે ત્યારે શાકભાજી ઉગાડવા માટે કરતા હતા. જો કે હવે એવું નથી કારણકે વિયર ડૅમના નિર્માણને કારણે આ જમીન ડૂબમાં જ રહે છે.

પુનાભાઈએ બીબીસીને જણાવ્યું હતું કે, “અમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. અમે સરકારી અધિકારીઓનો સંપર્ક કરતા રહીએ છીએ, પરંતુ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી અને મુખ્ય માર્ગ પાસે હવે અમારી થોડા એકર જ જમીન બાકી છે.”

ગ્રેલાઈન

‘સાત એકર જમીન નર્મદા પુલના નિર્માણમાં નષ્ટ થઈ’

કાનજી તડવી
ઇમેજ કૅપ્શન, કાનજી તડવી

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સફાઈ કામગીરી માટે સ્થાનિક કંપની દ્વારા જે કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમની સાથે બીબીસીએ વાતચીત કરી હતી. આ લોકોને છેલ્લા છ મહિનાથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેઓ સરકાર અને સ્થાનિક હાયરિંગ કંપનીથી નારાજ છે.

કથિત રીતે કેવડિયામાં પોલીસ હેડક્વાર્ટર જેમની જમીન પર બાંધવામાં આવ્યું છે તે કાનજી તડવીએ જણાવ્યું હતું કે, “કેવડિયામાં તેમના વડવાઓ પાસે 36 એકર જમીન હતી, તેમાંથી લગભગ સાત એકર જમીન નર્મદા પુલના નિર્માણના કારણે નષ્ટ થઈ ગઈ. જ્યારે બીજી જમીનો સરકાર દ્વારા હરિયાણા ભવન અને પોલીસ હેડક્વાર્ટર બનાવવા માટે છીનવી લેવાઈ છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “તેમને થોડાં વર્ષો માટે સફાઈકર્મચારી તરીકે નોકરી આપવામાં આવી હતી અને દર મહિને 8000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, છ મહિના પહેલાં જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.”

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "મને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી.”

તેઓ કહે છે કે, “સરકાર કહે છે કે આ વિકાસલક્ષી પ્રોજેક્ટ સ્થાનિક રોજગારી ઊભી કરે છે, પણ તે સાચું નથી અને અમે બેરોજગાર છીએ."

ગ્રેલાઈન

‘ઇન્ક્રિમેન્ટ પહેલાં જ નોકરીમાંથી કાઢી મૂકી’

 સફાઈ કર્મચારી તરીકે કામ કરતા સભ્યો
ઇમેજ કૅપ્શન, સફાઈ કર્મચારી તરીકે કામ કરતા સભ્યો

સ્થાનિક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારી તરીકે કામ કરતા અક્ષય તડવીએ બીબીસીને જણાવ્યું હતું કે, “અમે કેવડિયામાં નેતાઓ અને વીઆઈપીની મુલાકાત દરમિયાન કેવડિયાને સ્વચ્છ રાખવાની ખાતરી આપી હતી અને તેમ છતાં અમે બેરોજગાર છીએ.”

“અમે સ્થાનિક છીએ, પરંતુ કેટલાક મહિનાઓથી અમને કોઈ સુરક્ષિત નોકરી મળી નથી.”

સોનલ તડવી નામનાં મહિલા જે હાલમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યાં છે, તેમને રસ્તા સાફ કરવા માટે મહિને 8000 રૂપિયા મળતા હતા, હવે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, “મારુ ઇન્ક્રિમેન્ટ આ વર્ષે મળવાનું હતું અને ઇન્ક્રિમેન્ટ પહેલાં મને કાઢી મૂકવામાં આવી. અમને વધુ રૂપિયા ન આપવા પડે તેથી તેઓ આવું કરી રહ્યા છે."

ગ્રેલાઈન

‘ખેડૂતો પાસેથી જમીન લઈ રહ્યા છે’

સ્થાનિક આગેવાન લખન મુસાફિર
ઇમેજ કૅપ્શન, સ્થાનિક આગેવાન લખન મુસાફિર

સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચીફ ઍડમિનિસ્ટ્રેટર રવિશંકરે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “એ બધા લોકોને વળતર આપવામાં આવે છે અને તે ઉપરાંત તેમને ઘર તેમજ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને અમે સ્થાનિકોને મદદ કરવામાં કોઈ કસર છોડી નથી.”

બીબીસી ગુજરાતીએ આદિવાસીઓના પ્રશ્નો અંગે વાત કરવા માટે સ્થાનિક પ્રશાસનમાં અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમના તરફથી જવાબ મળ્યો નહીં.

જોકે સમગ્ર મામલો સમજવા માટે અમે સ્થાનિક આગેવાન લખન મુસાફિર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ જમીનો લેવામાં આવી હતી, પરંતુ તેનો કબજો ખેડૂતો પાસે જ છે.”

“હવે તેમણે જમીનના ઉપયોગનો હેતુ બદલી નાખ્યો છે અને ખેડૂતો પાસેથી જમીન લઈ રહ્યા છે, જે એક રીતે અન્યાય થઈ રહ્યો છે, તેથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.”

“સરકાર દાવો કરે છે કે, રાજ્ય આ પ્રોજેક્ટ્સ દ્વારા સ્થાનિકોને રોજગારી આપી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારના વિકાસના નામે તેઓ ખરેખર આદિવાસીઓ અને આદિવાસી સંસ્કૃતિને મારી રહ્યા છે.”

રેડલાઈન
રેડલાઈન