ગુજરાત ચૂંટણી : ભાજપના ચૂંટણીઢંઢેરાને ‘જૂની વાતો’ અને ‘આંખમાં ધૂળ નાખનારો’ કેમ ગણાવાઈ રહ્યો છે?

શનિવારે ગુજરાત ભાજપે જાહેર કર્યો ચૂંટણીઢંઢેરો

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો
  • ભાજપના ચૂંટણીઢંઢેરાને નિષ્ણાતો ‘આંખમા ધૂળ નાખનારું’ અને ‘અન્ય પક્ષોના વાયદાની પ્રતિકૃતિ’ ગણાવી રહ્યા છે
  • પરંતુ ભાજપ આ ટીકાને ‘તર્ક વગરની’ ગણાવે છે
  • શું છે ભાજપના ચૂંટણીઢંઢેરામાં અને કેમ તેને ‘જૂના વાયદાની નવી રજૂઆત’ ગણાવાઈ રહ્યો છે?
બીબીસી ગુજરાતી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે થોડા દિવસ જ બાકી છે.

રાજકીય પક્ષો પણ પ્રચાર મોડમાં છે. ત્યારે રાજ્યના સત્તાપક્ષ ભાજપે ચૂંટણીઢંઢેરો જાહેર કરતાં માહોલ વધુ ચૂંટણીમય બનાવી દીધો છે.

ભાજપનો દાવો છે કે તેણે પોતાના ચૂંટણીઢંઢેરામાં ‘તમામ વર્ગોના વિકાસ માટેનો રોડમૅપ આપ્યો છે.’

આ સિવાય ચૂંટણીઢંઢેરાને ‘ગુજરાતના વિકાસ માટે પથ પ્રદર્શિત કરનાર દસ્તાવેજ’ ગણાવાયો હતો.

જોકે, વિશ્લેષકો અને કેટલાક ટીકાકારો તેને ‘જૂની વાતો’ અને ‘આંખમાં ધૂળ નાખનાર વાયદાપત્ર’ ગણાવી રહ્યા છે.

ભાજપના ચૂંટણીઢંઢેરા અને તેમાં કરાયેલી જાહેરાતોના વિશ્લેષણ માટે બીબીસી ગુજરાતીએ કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.

ગ્રે લાઇન

ભાજપનો ચૂંટણીઢંઢેરો ‘લોકોની આંખમાં ધૂળ નાખનારો’?

ગુજરાત ભાજપે જાહેર કરેલ ચૂંટણીઢંઢેરાને કેમ ગણાવાઈ 'જૂની વાતો'

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપે જાહેર કરેલ ચૂંટણીઢંઢેરાને કેમ ગણાવાઈ 'જૂની વાતો'?

ગુજરાત ભાજપે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરાનું વિશ્લેષણ કરતાં જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ભાજપનો ચૂંટણીઢંઢેરો લોકોની આંખમાં ધૂળ નાખનારો છે.”

તેમના આ ટીકાત્મક વિશ્લેષણનું કારણ આપતાં શાહ કહે છે કે, “આવું એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2019થી દેશની ઇકૉનૉમી પાંચ ટ્રિલિયન કરવાની વાત કરે છે પરંતુ હજુ સુધી ભારતનું અર્થતંત્ર 2.8 ટ્રિલિયનથી આગળ જઈ શક્યું નથી. આવી પરિસ્થિતિમાં દેશના લક્ષ્યાંકિત પાંચ ટ્રિલયનના અર્થતંત્રમાં જો માત્ર ગુજરાતનો ફાળો એક ટ્રિલિયન બનાવવાની વાર્તા હોય તો દેશનાં બીજાં રાજ્યો શું કરશે?”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ ચૂંટણીઢંઢેરાની અન્ય જાહેરાતો પર પણ પ્રહાર કરે છે.

હેમંત શાહ આગળ જણાવે છે કે, “જો રાજ્યના શિક્ષણક્ષેત્રે સુધારા અંગેની જાહેરાતોની વાત કરીએ તો સરકારી શાળાઓ બંધ થઈ રહી છે અથવા તો મર્જ કરાઈ રહી છે. આવામાં સ્માર્ટ શાળાનાં વચન કેટલાં યોગ્ય છે? અને આ વાયદાનો અર્થ એ થયો કે 27 વર્ષના સાશન પછી શિક્ષણ જેવી સુવિધા પૂરી પાડવામાં તમે નબળા પુરવાર થયા છો. જો મહિલાઓને મફત શિક્ષણ આપવાના વાયદાની વાત કરીએ તો એમાં ખાનગી શાળા કે સરકારી શાળા એનો કોઈ ઉલ્લેખ જ નથી, સરકારી શાળા હોય તો એ સ્વાભાવિક છે કે ત્યાં મફત શિક્ષણ હોય. આમ આ વાયદા મૂંઝવણ પેદા કરનારા છે.”

રોજગાર માટે અપાયેલાં વચનોની વાત કરતાં હેમંત શાહ કહે છે કે, “ગુજરાતમાં રોજગારની સમસ્યા છે એમાં કોઈ બેમત નથી. સરકારી નોકરીના બદલે હવે લોકોને કૉન્ટ્રેકટ પર નોકરીએ રખાય છે, ચૂંટણીઢંઢેરાને બહુ ઝીણવટથી જોવામાં આવે તો વધતી જતી ઇકૉનૉમી પર રોજગારની વાત કરાઈ છે, તેમજ ખાનગી કંપનીઓને પ્રોત્સાહનની વાત છે, ખાનગી કંપનીમાં અનામત નહીં હોય અને મોટાભાગની ખાનગી કંપનીમાં 70 ટકા લોકોને કૉન્ટ્રેકટ પર કામ આપવામાં આવે છે, આ જણાવે છે કે આ ચૂંટણીઢંઢેરો આંખમાં ધૂળ નાખવાની પ્રવૃત્તિથી વધુ કંઈ નથી.”

બીબીસી ગુજરાતી

‘વર્ષ 2017માં પણ આ પૈકીનાં ઘણાં વચનો આપ્યાં હતાં’

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

જાણીતા સેફોલોજિસ્ટ અને તાલીમ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એમ. આઈ. ખાનના મતે ભાજપના વર્ષ 2017ના ચૂંટણીઢંઢેરામાં પણ આનાં જેવાં જ વચનો અપાયાં હતાં.

તેઓ ચૂંટણીઢંઢેરાનું વિશ્લેષણ રજૂ કરતાં કહે છે કે, “વર્ષ 2017 અને વર્ષ 2019ની ચૂંટણીઓમાં નોટામાં સૌથી વધુ મત આદિવાસી અને મુસ્લિમ સમાજ તરફથી પડ્યા હતા. આ મતોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપે ચૂંટણીઢંઢેરામાં આ વિસ્તારોમાં મેડિકલ-પેરામેડિકલ કૉલેજો શરૂ કરવાની વાત કરી છે. પરંતુ અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે આ કૉલેજોમાં તેમના માટેની અનામત બેઠકો વધવાની નથી. આનો વધુ લાભ સામાન્ય વર્ગને થશે.”

આ સિવાય તેઓ ચૂંટણીઢંઢેરાની અન્ય જાહેરાતો વિશે વાત કરતાં કહે છે કે, “ચૂંટણીઢંઢેરામાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાતની અસર કેવી થશે એ પણ જોવાનું રહેશે. આ સિવાય તોફાની તત્ત્વો દ્વારા જાહેર કે ખાનગી મિલકતને નુકસાન કરાય તે સ્થિતિમાં નુકસાનની રકમ વસૂલવામાં આવે તેવી વ્યવસ્થા કરાશે એવી પણ જાહેરાત કરાઈ છે. સરકારવિરોધી આંદોલનોમાં જાહેર મિલકતને નુકસાન થાય છે, આવી વ્યવસ્થા અમલમાં આવવાથી સરકાર વિરુદ્ધ આંદોલન કરતાં પહેલાં લોકો વિચારશે.”

સેફોલોજિસ્ટ એમ. આઈ. ખાન ભાજપના ચૂંટણીઢંઢેરામાં પક્ષે શહેરી વોટ બૅંકને આકર્ષવા પર ભાર મૂક્યો હોવાની વાત કરે છે.

તેઓ કહે છે કે, “શહેરી પ્રજા ભાજપની પરંપરાગત મત બૅંક છે. તેમના વિકાસ માટે ખાસ બજેટ ફાળવણી એ શહેરી પ્રજાને આકર્ષવા માટે હોઈ શકે.”

તેમના મતે પરંપરાગત મતો ઉપરાંત ભાજપે આ વખત ફર્સ્ટ ટાઇમ મતદારો પર પણ ભાર મૂક્યું છે, પરંતુ ચૂંટણીઢંઢેરાની જાહેરાતો થકી તેમને આકર્ષવાની રણનીતિ કેટલી ફળશે તે જોવું રહ્યું.

બીબીસી ગુજરાતી

ચૂંટણીઢંઢેરો ‘ડિસ્કાઉન્ટ ઑફર’ જેવો

ગુજરાત ભાજપનો ચૂંટણીઢંઢેરો

ઇમેજ સ્રોત, BJP GUJARAT/TWITTER

વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદી ભાજપના ચૂંટણીઢંઢેરાની જાહેરાતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરતાં કહે છે કે, “ચૂંટણીઢંઢેરામાં ઘણા મુદ્દા અને વર્ગોને આવરી લેતી જાહેરાતો કરાઈ છે, પરંતુ તેમાં સ્પષ્ટતાનો અભાવ છે, ઘણી જાહેરાતો વ્યાપક અર્થમાં કરાઈ છે.”

આ સિવાય ગરીબોને મફત ખાદ્ય તેલ અને ચણાની જાહેરાતનું ટિકાત્મક વિશ્લેષણ કરતાં તેઓ કહે છે કે, “ભાજપ પોતે કહે છે કે હાલ ગુજરાતમાં 70 લાખ ગરીબ કુટુંબને અનાજ અપાઈ રહ્યું છે, અને હવે ચૂંટણીઢંઢેરા મુજબ ચણા અને ખાદ્ય તેલ પણ અપાશે. જો એક કુટુંબમાં ચાર સભ્યોની ગણતરી માંડીએ તો પણ પોણા ત્રણ કરોડથી વધુ લોકો થાય અને ગુજરાતની વસતિ સાડા છ કરોડ છે એટલે અડધું ગુજરાત ગરીબી રેખા હેઠળ થયું. આવી જાહેરાતોને કારણે આ ચૂંટણીઢંઢેરો મલ્ટિનેશનલ કંપનીની પ્રોડક્ટની ડિસ્કાઉન્ટ ઑફર જેવો છે, જેમા ડિસ્કાઉન્ટ તો છે પરંતુ શરતોને આધીન છે.”

બીબીસી ગુજરાતી

શું કહે છે રાજકીય પક્ષો?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી

કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના આ ચૂંટણીઢંઢેરાને ‘વાયદાઓનું પુનરાવર્તન’ અને ‘કૉંગ્રેસની કૉપી’ ગણાવે છે.

‘તોફાન તત્ત્વો પાસેથી નુકસાનીની વસૂલાત’ અંગેની જાહેરાતની પણ તેઓ ટીકા કરે છે.

તેઓ કહે છે કે, “સરકાર સામે આંદોલન કરનાર સામે આવી જાહેરાત કરાય છે પરંતુ લઠ્ઠાકાંડ કે હૉસ્પિટલમાં જ્યારે આગ લાગે ત્યારે કેમ આરોપીઓ પાસેથી નુકસાન વસૂલાતું નથી?”

તેઓ ચૂંટણીઢંઢેરાની જાહેરાતો અંગે આગળ વાત કરતાં કહે છે કે, “આરોગ્ય વીમાની રકમ વધારીને દસ લાખ રૂ. કરાઈ તે રાજસ્થાનની કૉંગ્રેસ સરકારની યોજનાની કૉપી છે, તેમજ કન્યાને મફત શિક્ષણની વાત એ દિવંગત કૉંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીએ કરેલી પહેલની કૉપી છે.”

હેમાંગ રાવલ ચૂંટણીઢંઢેરાની ટીકા કરતાં આગળ જણાવે છે કે, “તેમાં જનતાને સ્પર્શતા એવા મોંઘવારીના મુદ્દે કોઈ વાત નથી કરાઈ.”

બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર કરણ ભાવસાર ભાજપના ચૂંટણીઢંઢેરાની જાહેરાતોને પોતાના પક્ષની યોજનાઓની ‘પ્રતિકૃતિ’ ગણાવે છે.

તેઓ કહે છે કે, “ભાજપે ચૂંટણીઢંઢેરામાં આરોગ્યક્ષેત્રે મોબાઇલ ક્લિનિકની વાત કરી છે, તેમજ દિલ્હીના મૉડલને જોઈને હવે સ્માર્ટ સ્કૂલની વાત પણ કરવી પડી છે.”

તેઓ ભાજપના ચૂંટણીઢંઢેરાને જૂનાં વચનોને નવા તરીકે રજૂ કરવાનો પ્રયાસ ગણાવે છે.

ડૉ. ભાવસાર કહે છે કે, “આ ચૂંટણીઢંઢેરામાં લોકોની આંખમાં ધૂળ નાખવા માટે જૂના અધૂરા રહેલાં વચનોને નવાં વાઘાં પહેરાવીને રજૂ કરાયાં છે, જે વાતને અમે લોકો સામે મુકીશું.”

બીજી તરફ ભાજપના પ્રવક્તા ડૉક્ટર હેમંત ભટ્ટ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “આ લાંબાગાળાના વિઝન સાથે બનાવાયેલો ચૂંટણીઢંઢેરો છે, જેમાં સમાજના નાના વર્ગ કે જે સરકારી લાભોથી વંચિત ના રહે એની કાળજી રાખવામાં આવી છે.”

તેઓ ભાજપે કોઈ પણ પક્ષની જાહેરાતોની કે એજન્ડાની નકલ ન કરી હોવાનો દાવો કરે છે.

રેડ લાઇન
રેડ લાઇન