ભાજપ, કૉંગ્રેસ અને આપ માટે મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપવી માત્ર ઔપચારિકતા છે?

ગુજરાત ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
રેડ લાઇન
  • ગુજરાતની 182 બેઠકો પર બે તબક્કા (એક અને પાંચ ડિસેમ્બરે) મતદાન થવાનું છે.
  • રાજ્યમાં ગઈ વખત અલગ-અલગ પાર્ટીઓએ 22 મહિલાઓને ટિકિટ આપી હતી. આ વખત 40 મહિલાઓ મેદાને છે.
  • ભાજપ તરફથી 17 મહિલાઓ ચૂંટણીમેદાને છે.
  • કૉંગ્રેસે 14 મહિલાઓને ટિકિટ આપી છે.
  • આપ તરફથી સાત મહિલા ઉમેદવારો છે અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન કે એઆઈએમઆઈએમની બે મહિલાઓ ચૂંટણી લડશે.
મહિલાઓની ઉમેદવારી

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાઓની ઉમેદવારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ દરેક રેલીમાં મહિલાઓને લગતા મુદ્દા ઉઠાવે છે અને તેમના સશક્તિકરણની વાત ભારપૂર્વક કરે છે. હાલમાં જ તેમણે ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન ઘણી યોજનાઓની જાહેરાત પણ કરી હતી.

મોદી ભલે મહિલાઓ વિશે ગમે તેટલી વાતો કરે, પરંતુ સત્ય એ છે કે ગઈ વખતની સરખામણીએ ભાજપે આ વખત મહિલા ઉમેદવારોને માત્ર પાંચ બેઠકો વધુ આપી છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રદેશ ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેનું કહેવું છે કે રાજ્યમાં મહિલાઓનું રાજકારણમાં આવવાનું ચલણ ઓછું છે એની સરખામણીમાં ભાજપે અન્ય પાર્ટીઓ કરતાં વધુ બેઠકો આપી છે અને તે ગત ચૂંટણી કરતાં પણ આ સંખ્યા વધુ છે.

તેમજ કૉંગ્રેસની વાત કરીએ તો પાર્ટીનાં ઉત્તર પ્રદેશમાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ‘લડકી હું, લડ સકતી હું’નો નારો આપ્યો હતો અને યુપીમાં મહિલાઓને છૂટથી ટિકિટો અપાઈ હતી, પરંતુ તેનાં પરિણામો ફીકાં રહ્યાં હતાં. તો શું ગુજરાત રાજ્યમાં મહિલાઓને ઓછી ટિકિટ આપવાનું કારણ આ જ બન્યું?

આ અંગે પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા અમીબહેન યાજ્ઞિકે બીબીસીને જણાવ્યું કે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં જે પગલું લીધું તે સરાહનીય છે, પરંતુ હવે એ પણ જોવું પડે છે કે મહિલાઓ કેટલી બેઠકો જીતી શકે છે અને હજુ આ દિશામાં વધુ કામ કરવાની જરૂરિયાત છે.

તેઓ કહે છે કે, “જો મહિલા ઉમેદવારો પાર્ટી અને લોકો માટે કામ કરે છે તો નિશ્ચિતપણે તેમના કામની સરાહના થાય છે. પાર્ટી પણ આવી મહિલાઓને પ્રાથમિકતા આપીને તેમને જવાબદારી આપે છે.”

ગુજરાત વિધાનસભા ચૂંટણી

આમ આદમી પાર્ટી બીજી વખત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.

પાર્ટીએ દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ મફત વીજળી, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે એક હજાર રૂપિયાનું ભથ્થું વગેરેનો વાયદો કર્યો છે તો હાલમાં જ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન કહ્યું હતું કે તેઓ પણ એ તમામ સુવિધાઓ મફત આપશે જેનો વાયદો આમ આદમી પાર્ટી કરી રહી છે. તેમજ ગૃહિણીઓ, શિક્ષણ, ખેડૂતો, સ્વાસ્થ્યને લઈને આઠ વચન જાહેર કર્યાં છે.

ભાજપે પણ પોતાના સંકલ્પપત્રમાં ઘણા વાયદા કર્યા છે.

ભાજપે કહ્યું છે કે જો તેઓ સત્તામાં પાછા આવશે તો આયુષ્માન ભારત અંતર્ગત અપાતું હેલ્થ કવર પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ કરાશે. એસસી, એસટી અને આર્થિક દૃષ્ટિએ પછાત બાળકોને ટૉપ રેન્કિંગ કૉલેજમાં ઍડમિશન મળ્યા બાદ 50 હજાર રૂપિયા પણ અપાશે.

સાથે જ પાર્ટીએ છોકરીઓ માટે સ્કૂલ, કેજીથી માંડીને પીજી સુધી મફત શિક્ષણ, શારદા મહેતા યોજના, વરિષ્ઠ મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને આગામી પાંચ વર્ષોમાં એક લાખ સરકારી નોકરીઓ લાવવાનો પણ સંકલ્પપત્રમાં વાયદો કર્યો છે.

રેડ લાઇન
રેડ લાઇન

શું છે મુદ્દા?

પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાણકારો પ્રમાણે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસની ઘણી બેઠકો પર અસરકારક સાબિત થઈ શકે છે.

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટનું કહેવું છે કે રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાને લઈને લોકોમાં નારાજગી છે અને તેમના અનુસાર તેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.

ગુજરાતમાં વર્ષ 1995માં ભાજપ સત્તામાં આવ્યો હતો અને તે બાદથી આજ સુધી ભાજપ રાજ્યમાં સત્તાસ્થાને છે.

પત્રકાર અજય ઉમટ, અલગ-અલગ પાર્ટીઓ દ્વારા મહિલાઓને અપાયેલ ટિકિટને માત્ર ટોકનિઝ્મ (ઔપચારિકતા)ની જેમ જુએ છે અને કહે છે કે સત્તાધારી પાર્ટીએ આઠ ટકાથી પણ ઓછી મહિલાઓને ટિકિટ આપી છે, કૉંગ્રેસ અને આપમાં આ સંખ્યા ઓછી છે.

રાજ્યમાં પંચમહાલ જિલ્લાની મોરવાહડફ એક એવી બેઠક છે જેના પર ભાજપ અને કૉંગ્રેસ બંને તરફથી મહિલા ઉમેદવારો એકબીજાની સામસામે છે. આ એક આદિવાસી આરક્ષિત બેઠક છે.

અજય ઉમટ અનુસાર, “ગુજરાતમાં જો મહિલાઓના મુદ્દાની વાત કરાય તો ત્યાં રોજગારમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે, જાતિપ્રમાણની વાત કરાય તો તે અત્યંત ખરાબ છે.”

તેઓ કહે છે કે, “આનો અંદાજ એ બાબત પરથી કાઢી શકાય કે પાટનગર ગાંધીનગરથી લગભગ 40 કિલોમિટર દૂરના ગામડે આ મામલે સ્થિતિ ખરાબ છે. તેમજ છોકરીઓનો સ્કૂલ ડ્રૉપ આઉટનો મામલો પણ છે. તેમજ આદિવાસી વિસ્તારોમાં માનવ તસ્કરી પણ એક મોટો મામલો છે પરંતુ આ મુદ્દાને કોઈ પાર્ટી મહત્ત્વ આપી નથી રહી.”

ગ્રે લાઇન

અસંતુલિત લિંગ પ્રમાણ અને ડ્રૉપ આઉટ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP

વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી કહે છે કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં છોકરીઓ કે મહિલાઓની સુરક્ષા મુદ્દો ક્યારેય નથી રહી અને આનું કારણ દારૂબંધીનો કાયદો હોઈ શકે છે.

ગુજરાત પ્રોહિબિશન (સંશોધિત) બિલ 2017, વિધાનસભામાં પસાર કરાયો હતો અને આ વિશે જાહેર કરાયેલ સરકારી પ્રેસ રિલીઝ મારફતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક નિગરાની સેલ બનાવશે જેનું કામ શરાબબંદીને લાગુ કરવાનો હશે.

તેમના અનુસાર રાજ્યમાં મહિલાની માથાદીઠ આવક જોવામાં આવે તો દેશનાં ઘણાં રાજ્યો કરતાં ઘણી વધારે છે. પરંતુ આ વિરોધાભાસ એ છે કે મહિલાઓમાં કુપોષણ ઘણું વધુ છે અને કોઈ પણ રાજકીય પાર્ટી આ મુદ્દા નથી ઉઠાવતી.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'બેટી બચાઓ અને બેટી પઢાઓ'નો નારો આપ્યો હતો જેની અસર પણ થઈ છે પરંતુ ગુજરાતમાં તે કારગત સાબિત થતો કેમ નથી દેખાતો?

આ અંગે ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, “રાજ્યમાં લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે અને તેમાં મોદીજીના બેટી બચાઓ અને બેટી પઢાઓ અભિયાને જ કામ કર્યું છે. તેમજ કુપોષણમાં પણ સુધારો થયો છે.”

આ અંગે અજય ઉમટ સમાજની પિતૃસત્તાક વિચારસરણીને કારણભૂત માને છે અને કહે છે કે લવ જેહાદ જેવા મુદ્દા પર વધુ ભાર મુકાય છે. સાથે જ આદિવાસીઓના વિકાસની વાતો પણ ઓછી થાય છે.

તેમજ દીપલ ત્રિવેદી કહે છે કે ગુજરાતમાં મહિલાઓની વિચારસરણી અત્યંત પ્રગતિશીલ રહી છે.

તેમજ અનુસાર, “સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન એ જમાનામાં સાઇકલ લઈને કૉલેજ જતાં હતાં જ્યારે પુરુષો પણ સાઇકલ નહોતા ચલાવતા. પરંતુ રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વની વાત કરીએ તો તે અત્યંત ઓછું દેખાય છે.”

તેઓ માને છે કે રાજકારણમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ જેથી તેમના મુદ્દાને વધુ બળ મળી શકે.

તેઓ માને છે કે અહીં લિંગપ્રમાણ એ એક મુદ્દો છે પરંતુ ભાજપને એ વાતની ક્રેડિટ આપી શકાય કે, તે છોકરીઓને સ્કૂલમાં લાવવામાં સફળ રહ્યો છે એટલે કે ડ્રૉપ આઉટ રેશિયોમાં સુધારો થયો છે. સાથે જ તેઓ માને છે કે પાણીની સમસ્યાનું પણ અમુક હદે નિરાકરણ થયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ભારતમાં વર્ષ 2011ની વસતિગણતરી અનુસાર ગુજરાતમાં હજાર પુરુષોની સરખામણીમાં 919 મહિલાઓ છે. જોકે, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-5)માં તેમાં સુધારો જોવા મળ્યો.

એનએફએચએસ-5 (2019-2020)ના આંકડા પ્રમાણે એક હજાર પુરુષોની સરખામણીએ 965 મહિલાઓ છે અને શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ સારી છે.

જોકે તેઓ માને છે કે ગુજરાતમાં જમીનદાર સમુદાયોમાં લિંગપ્રમાણ ખરાબ હોવાનું જોવા મળ્યું છે જેમ કે પટેલ સમુદાય.

આ સમુદાયોમાં સામાન્ય ધારણા એવી હોય છે કે જમીનના માલિક પુરુષ હશે અને તેનાથી આગળ વંશ ચાલતો રહેશે.

પરંતુ અજય ઉમટ માને છે કે ઘણાં ક્લિનિક લિંગપ્રમાણને ખરાબ કરવામાં ભૂમિકા ભજવી રહ્યાં છે.

ગ્રે લાઇન

રાજકારણમાં મહિલાઓ

લિંગપ્રમાણ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગનાં વડાં પ્રોફેસર સોનલ પંડ્યાનું કહેવું છે કે ડૉક્ટરના પરિવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ એવા કોઈ સમાચાર તમે નહીં વાંચ્યા હોય.

તેઓ પ્રશ્ન ઉઠાવતાં કહે છે કે, “કાયદો હોય પરંતુ તેનો અમલ જ ન કરાય તો સુધારો કઈ રીતે થશે?”

સોનલ પંડ્યા ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવે છે અને લિંગભેદના મુદ્દે લખે પણ છે.

તેઓ કહે છે કે, “રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, તમે પ્રયત્ન કરશો તો પણ તમને ચૂંટણીનાં પોસ્ટરોમાં મહિલા પ્રતિનિધિ નહીં દેખાય. તેમના વિધાનસભા ક્ષેત્રમાં તેઓ દેખાઈ શકે છે પરંતુ આમ મહિલાઓ પોસ્ટર કે કૅમ્પેનમાં જોવા મળતાં નથી. તેમજ 24 મંત્રીઓમાં માત્ર બે જ મહિલા છે. બધી પાર્ટીઓ પોતાના પરિવારની વાત કરે છે, પરંતુ તેમના પરિવારમાં મહિલાઓ નથી.”

તેઓ કહે છે કે જ્યારે મહિલાઓના મુદ્દાની વાત આવે છે ત્યારે મહિલા પ્રતિનિધિઓ જેન્ડરના મુદ્દાની સરખામણીએ પાર્ટીને વધુ વફાદાર જણાય છે. આવી પરિસ્થિતિમાં તેઓ માને છે કે મહિલાઓની સંખ્યા તો વધે છે પરંતુ આનાથી મહિલાઓના મુદ્દાને અવાજ મળશે તેનાથી તેઓ સંમત નથી.

કૃષિક્ષેત્રની વાત કરાય તો રાજ્યમાં લગભગ 78 ટકા મહિલાઓ ખેતરોમાં અલગ-અલગ કામ સાથે સંકળાયેલાં છે અને લગભગ 16 ટકા મહિલાઓના નામે જમીન છે પરંતુ હજુ સુધી પણ તેઓ કૃષિને લઈને નીતિઓ બનાવવામાં આવે તો ભાઈઓની જ વાત કરાય છે.

સોનલ પંડ્યા કહે છે કે પશુપાલન ઉદ્યોગમાં પણ મહિલાઓ છે, પરંતુ આ વાતનો સ્વીકાર નથી કરાઈ રહ્યો કે તેઓ છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી

જાણકારોનું કહેવું છે કે પાછલા અમુક દાયકાથી રાજ્ય પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું હતું પરંતુ હવે તેમાં સુધારો જોવા મળ્યો છે.

જોકે ભાજપનો દાવો છે કે પીવાનું પાણી ઘરે-ઘરે પહોંચ્યું છે અને તેમાં નર્મદા બંધને લઈને નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલ નિર્ણયને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણી પહોંચ્યું.

દીપલ કહે છે કે દરેક ઘરે પાણી તો ન પહોંચ્યુ પરંતુ સ્થિતિ ઘણી સુધરી છે.

બીબીસી ગુજરાતીના એડિટર દીપક ચુડાસમાનું કહેવું છે કે નર્મદા બંધના કારણે ઘણા શહેરી વિસ્તારો અને તેનાથી જોડાયેલાં ગામો સુધી તો પીવાનું પાણી જરૂર પહોંચ્યું છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ પાણીની સમસ્યા છે.

તેમના અનુસાર આ પરેશાની ગરમીઓમાં વધી જાય છે અને મહિલાઓને પાણી લેવા માટે દૂર જવું પડે છે.

પરંતુ આનો શ્રેય તેઓ રાજકીય પાર્ટીઓને નહીં, પરંતુ મહિલા મંડળો અને પંચાયત સ્તરે મહિલાઓને આપે છે અને નીચલા સ્તરે આ મહિલાઓએ આ મુદ્દાને ઉટાવ્યા અને પાર્ટીઓને પાણી માટે પગલાં લેવા મજબૂર કરી.

દીપલ માને છે કે શહેરી મહિલાઓની સરખામણીએ ગ્રામીણ મહિલાઓ વધુ સશક્ત છે અને એ મહિલાઓ મતદાન માટે આગળ આવે છે. પરંતુ વિટંબણા એ છે કે મહિલાઓનું મહત્ત્વ ન રાજકારણ અને ન સમાજ સમજી રહ્યો છે.

જાણકારો અનુસાર સ્વતંત્રતા સમયે અનસૂયાબહેન સારાભાઈ, પૂર્ણિમાબહેન પકવાસા અને હંસા મહેતા જેવાં મહિલાઓ હતાં જેમણે રાજકારણ અને સામાજિક જીવનમાં ઉદાહરણ પૂરું પાડ્યું.

આજના સમયમાં પણ મહિલાઓ કૃષિ, પશુપાલન અને અન્ય ઉદ્યોગોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે પરંતુ રાજકારણમાં તેઓ પાછળ જોવા મળે છે.

રેડ લાઇન
રેડ લાઇન