ગુજરાત 2002નાં રમખાણના બે ચહેરા, 20 વર્ષ પછી તેઓ શું વિચારે છે?

અશોક પરમાર અને કુતુબુદ્દીન અંસારી
ઇમેજ કૅપ્શન, અશોક પરમાર અને કુતુબુદ્દીન અંસારી
    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી

અમદાવાદનો શાહપુર વિસ્તાર. આંખો એક સરનામું શોધી રહી છે. એક દુકાનનું સરનામું, જેની તસવીર તમે કદાચ જોઈ પણ હતી.

બૂટ-ચંપલની એ દુકાન પણ ન મળી અને એ દુકાનના માલિક પણ ન મળ્યા. દુકાનના માલિકના ચહેરાથી તમે વાકેફ છો. એ ચહેરો પાછલાં 20 વર્ષમાં તમે અનેક વાર જોયો છે.

એ રસ્તા પર ટેમ્પો રીપૅર કરી રહેલા મિકેનિકને પૂછ્યું કે, “અહીં બૂટ-ચંપલની દુકાનવાળા અશોક પરમાર ક્યાં મળશે? મિકેનિકે માથું ધૂણાવીને ના પાડી. પાસે બેઠેલા છોકરાએ કહ્યું કે આ ભાઈ પેલા વિખ્યાત મોચી વિશે, જે ન્યૂઝમાં આવે છે ને તેના વિશે, પૂછપરછ કરતા હશે.”

ગુજરાત રમખાણ સમયે અશોક મોચી

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA

ઇમેજ કૅપ્શન, ગુજરાત રમખાણ સમયે અશોક મોચી

“હાથમાં લોખંડનો સળિયો તથા માથા પર કેસરી પટ્ટી સાથે આક્રોશ દર્શાવતી અશોક પરમારની તસવીર 2002 પછી ગુજરાતના રમખાણના ચહેરા તરીકે પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

અશોક પરમારના ઠેકાણે પહોંચ્યા, ત્યારે ત્યાં કોઈ ન હતું. એક ખરાબ શેતરંજી પાથરેલી હતી. પાસે કોઈ દેખાયું ત્યારે મેં પૂછ્યું કે અશોકભાઈ ક્યાં ગયા છે?”

જવાબ મળ્યોઃ તમે મીડિયાવાળા હશો. બિચારો પહેલી તારીખથી કંટાળેલો છે.

ગ્રેલાઈન

ખાલી જગ્યા અને ગુસ્સે થતા અશોક મોચી

અશોક પરમાર
ઇમેજ કૅપ્શન, અશોક પરમાર

અશોક હવે જે ફૂટપાથ પર બેસીને મોચીનું કામ કરે છે ત્યાં તેઓ નહીં, પરંતુ બીજા ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. એ વખતે અશોકના એક દોસ્ત ધર્મેન્દ્ર આવી પહોંચ્યા હતા.

ધર્મેન્દ્રે કહ્યું હતું કે, “ગોધરાકાંડનો ઍમ્બૅસૅડર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર બેઠો છે અને તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી.”

“અશોક જે જગ્યાએ બેસીને મોચીનું કામ કરે છે, એ દીવાલ ભાજપના કામચલાઉ કાર્યાલયની દીવાલ સાથે જોડાયેલી છે. અમે અશોકની રાહ જોઈએ છીએ, ત્યારે ‘હર-હર મોદી, ઘર-ઘર મોદી’ એવા સૂત્રોચ્ચાર સંભળાય છે.”

“એ જ વખતે અશોક આવતા દેખાય છે. નજીક આવતાં તેમને ખબર પડે છે કે અમે મીડિયાવાળા છીએ, ત્યાં તરત તેમનો અવાજ ઊંચો થઈ જાય છે.”

હું પૂછું છું કે, “અશોકભાઈ કેમ છો? આજકાલ કોઈ ચિંતામાં છો?”

આજ સુધી અશોક ફિલ્મ જોવા સિનેમા હૉલમાં પણ ગયા નથી
ઇમેજ કૅપ્શન, આજ સુધી અશોક ફિલ્મ જોવા સિનેમા હૉલમાં પણ ગયા નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અશોક નરમ પડે છે અને કહે છે કે, “શું વાત કરું? મારું કામ કરી શકતો નથી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ માઈક લઈને આવી ચડે છે. ચૂંટણી હોય કે બીજું કંઈ તેનાથી મારે શું લાગેવળગે? મારો તો એક જ મત છે. બાકીનું તો લોકો નક્કી કરશે ને. રોજ ધંધો કરીને પેટ ભરીએ છીએ.”

“બધાને ઇન્ટરવ્યૂ આપતો રહીશ તો કામ ક્યારે કરીશ? પહેલી તારીખથી કોઈને કોઈ ચાલ્યું આવે છે. ત્યારથી મારા પર 600 રૂપિયાનું કરજ થઈ ગયું છે. કામ કરવાના સમયે મીડિયાવાળા આવી જાય છે. કોઈ ક્યારેય એટલું પણ નથી પૂછતું કે, અશોકભાઈ કશું ખાધું કે નહીં?”

થોડી વાર પછી અશોક વધુ શાંત થઈ જાય છે.

પાસે ઊભેલી ઑટો રિક્ષામાં બેસીને અશોક કહે છે કે, “મીડિયાવાળાઓનું શું? એ લોકો તો પોતાની ફરજ બજાવે છે, કારણ કે ચેનલોને ઇન્ટરવ્યૂ જોઈએ. શરૂઆતમાં મને એમ હતું કે, તેમને ગુજરાત વિશે જાણવું હશે, પરંતુ પછી તો લાઈન લાગી ગઈ. દિવસમાં ચાર-પાંચ મીડિયાવાળા આવવા લાગ્યા હતા. ધંધો આમ પણ મંદ છે.”

અશોકે જણાવ્યું હતું કે, “તેઓ ભણી ગણીને કંઈક બનવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા મૃત્યુ પામ્યાં. અશોક એક છોકરીને પ્રેમ કરતા હતા, પણ એ અલગ જ્ઞાતિની હતી. હજુ સુધી અશોકના લગ્ન થયાં નથી. 2002નાં રમખાણ બાદ આજ સુધી અશોક ફિલ્મ જોવા સિનેમા હૉલમાં પણ ગયા નથી. મોબાઇલ પર ફિલ્મો જરૂર જુએ છે.”

ગ્રેલાઈન

‘બધાના સવાલ એકસમાન હોય છે’

ગુજરાતની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) પણ મેદાનમાં છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) પણ મેદાનમાં છે

સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણમાં 790 મુસલમાન અને 254 હિન્દુ માર્યા ગયા હતા. 2500 લોકો ઘાયલ થયા હતા અને 223 લોકો ગૂમ થઈ ગયા હતા. એ સિવાય કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીની જાહેરાત પછી તરત જ અશોક તથા ગુજરાતના રમખાણ સાથે જોડાયેલા બીજા ચર્ચિત ચહેરા કુતુબદ્દીન અન્સારી સંબંધી અનેક સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા હતા.

2002નાં રમખાણનાં 20 વર્ષ પછી મહત્ત્વના આ બન્ને લોકો શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ એ સમાચારોમાં કરવામાં આવ્યો હતો.

અશોકે કહ્યું હતું કે, “બધા એક પ્રકારના સવાલો જ પૂછે છે. ગોધરાકાંડ વિશે પૂછે છે. ચૂંટણીમાં શું થશે એ વિશે પૂછે છે. હું રમખાણનો પોસ્ટરબૉય છું એટલે તેઓ એ જાણવા આવે છે કે શું થયું હતું, કેવી રીતે થયું હતું, સરકારનો હાથ હતો કે નહીં. હવે એવું પૂછે છે કે, ક્યો પક્ષ જીતશે અને ક્યો હારશે.”

અશોકે ઉમેર્યું હતું કે, “એકને એક સવાલ પૂછ્યા કરો તો માણસ ગુસ્સે તો થાય કે નહીં? અમે પણ એકના એક જવાબ આપીને થાકી જઈએ છીએ. પત્રકારપરિષદ યોજીને બધા મીડિયાવાળાને એકસાથે બોલાવીને એક સાથે બધા જવાબ આપી દેવાની ઇચ્છા થાય છે. કોઈ સવારે આવે છે તો કોઈ સાંજે આવે છે. અહીં ભીડ એકઠી થઈ જાય છે.”

ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) પણ મેદાનમાં છે.

આપના ચૂંટણી ઢંઢેરામાંની અનેક ચીજો મફત આપવાના વચન બાબતે અશોકે કહ્યું કે, “મોદી સરકારે પણ રૂ. 15 લાખનું વચન આપ્યું હતું. કોઈને પાંચ લાખ રૂપિયા પણ આપ્યા? આ લોલીપોપ છે. ઇન્ટરવ્યૂ આપવાનો ધંધો નેતાઓનો છે, અમારો નહીં.”

અશોકે દુકાનનું નામ એકતા ચંપલ ઘર રાખ્યું હતું
ઇમેજ કૅપ્શન, અશોકે દુકાનનું નામ એકતા ચંપલ ઘર રાખ્યું હતું

અશોકે આર્થિક મદદને લીધે થોડાં વર્ષો પહેલાં બૂટ-ચંપલની દુકાન શરૂ કરી હતી.

એ દુકાનનું નામ તેમણે એકતા ચંપલ ઘર રાખ્યું હતું. એ વખતે કુતુબુદ્દીન અન્સારી પણ અશોકની દુકાને આવ્યા હતા.

હવે આર્થિક કારણસર અશોકની એ દુકાન બંધ થઈ ગઈ છે. અમે જે ઑટો રિક્ષામાં બેસીને અશોક સાથે વાત કરી રહ્યા હતા, તેની આસપાસ લોકો એકઠા થઈ ગયા. એક છોકરાએ આવીને અશોકને ફાટેલું પગરખું દેખાડ્યું.

“થોડા બ્રૅક લે લેં,” એમ કહીને અશોક રિક્ષામાંથી નીચે ઊતર્યા અને ફાટેલું પગરખું સાંધવા લાગ્યા. અનેક લોકોને પગરખાં રિપૅર કરી આપ્યા બાદ તેઓ ફરી રિક્ષામાં આવ્યા.

અશોકે ફરી વાત શરૂ કરી, “ગુજરાતમાં જ કોઈ મારું નથી થયું તો બહારના લોકો પાસેથી શું આશા રાખું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ કે ભાજપમાંથી કોઈ મારી વહારે આવ્યું નથી. ત્યાં મારા દલિત સમાજના લોકો કામ કરતા હોવા છતાં તેમણે મને ક્યારેય મદદ કરી નથી.”

અશોકે એમ પણ કહ્યું હતું કે, “ધર્મના ઠેકેદારો જ મારા ન થયા તો બહારના લોકો પાસેથી શું આશા રાખવાની. હું કેરળ ગયો ત્યારે મને સમાનતા, માનવતાનો અનુભવ થયો હતો. મેં હવે હિન્દુ ધર્મને અનુસરવાનું છોડી દીધું છે.”

ઑટો રિક્ષાની બહારથી આવતા અવાજથી તંગ થઈને અશોકે ગુજરાતીમાં ઑટોવાળાને કહ્યું કે, “આગળ લઈ લો. અહીં લોકો મગજમારી કરશે.”

ગ્રેલાઈન

કુતુબુદ્દીન અન્સારીની આંખો

કુતુબુદ્દીન અન્સારી
ઇમેજ કૅપ્શન, કુતુબુદ્દીન અન્સારી

ગુજરાતનાં રમખાણોની તસવીરોમાં મહત્ત્વનું એક અન્ય નામ કુતુબુદ્દીન અન્સારીનું છે.

આંખોમાં આંસુ સાથે હાથ જોડીને દયાની યાચના કરતા કુતુબુદ્દીનની તસવીરનો ઉપયોગ મીડિયા જ નહીં, પરંતુ રાજકીય પક્ષો પણ કરે છે.

મીડિયામાં પાછલા ઘણા દિવસોથી કુતુબુદ્દીન અન્સારીના ઇન્ટરવ્યૂ પ્રસારિત થતા રહે છે. કુતુબુદ્દીનને ફોન કર્યો, પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો.

બીજી વાર ફોન કર્યો ત્યારે કુતુબુદ્દીન સાથે વાત થઈ. તેઓ કહે છે કે, “ભાઈ, અહીં બહુ હેરાન થઈ ગયા છીએ, પણ તમે પહેલી એવી વ્યક્તિ છો તે આવી રીતે વાત કરી રહ્યા છો. બીજા કોઈને હું બોલાવતો નથી, પણ આપ મારા ઘરે આવો. હું રાજી થઈશ.”

હું કુતુબુદ્દીન અન્સારીના ઘર તરફ જવા રવાના થાઉં છું. અમદાવાદના એ વિસ્તારમાં પ્રવેશતાં એવું લાગતું નથી કે, તે એ ગુજરાત મૉડલનો હિસ્સો છે, જેની ચર્ચા દેશ-દુનિયામાં વારંવાર થતી રહે છે.

શેરીઓમાં ગંદકી, બંધ રહેતો હોય તેવો વિસ્તાર અને દરવાજાનું કામ કરતી નાની-નાની બારીઓ.

કુતુબુદ્દીનનાં પત્ની બૂમ પાડીને કહે છે, “સાંભળો, કોઈ મળવા આવ્યું છે.”

પહેલા માળે લુંગી પહેરીને કામ કરતા કુતુબુદ્દીન સીડી પરથી નીચે ઊતરી આવે છે અને મને તેમના ઘરમાં લઈ જાય છે. હું કુતુબુદ્દીનની આંખો જોઉ છું. રમખાણની સ્મૃતિ સંઘરી ચૂકેલી એ આંખોમાં હવે શાંતિ અને ખુશી દેખાય છે.

ગ્રેલાઈન

‘રમખાણને ક્યાં સુધી પકડી રાખશો?’

કુતુબુદ્દીન અંસારી સાથે બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદી
ઇમેજ કૅપ્શન, કુતુબુદ્દીન અંસારી સાથે બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદી

કુતુબુદ્દીન કહે છે કે, “રમખાણની વાત પકડીને ક્યાં સુધી બેઠા રહેશો, આગળ તો વધવું પડશે ને? ઇન્ટરવ્યૂ કરવા ઘણા લોકો આવે છે. એ લોકો પણ શું કરે. પોતાની નોકરી કરી રહ્યા છે. કેટલાક લોકો સારા પણ હોય છે. તેમની મારફત લોકોમાં સારો મૅસેજ પણ જાય છે. અમે પણ અમારી જિંદગીમાં આગળ વધી ગયા છીએ.”

કુતુબુદ્દીન ઘરમાં રહીને જ કામ કરે છે. દીકરા સહિતનો ત્રણ લોકોનો પરિવાર કપડાં સીવવાનું કામ કરે છે.

કુતુબુદ્દીન કહે છે કે, “મારો તો એક જ મત છે. સાથે મારો પરિવાર પણ છે. કોઈ કહે છે કે, અમે દૂરથી આવ્યા છીએ. તેમને ના પાડતાં ખરાબ લાગે છે. મીડિયાવાળા ઘણી વાર એવા કોઈને સાથે લાવે છે કે, અમે ના પાડી શકતા નથી. આવી મજબૂરીમાં શું કરવું? કાલે પણ એક ભાઈ આવ્યા હતા. અમે કૅમેરા સામે વાત કરવાની ના પાડી તો તેમને માઠું લાગી ગયું હતું. મેં તેમની માફી પણ માગી હતી.”

કુતુબુદ્દીન ઉમેરે છે કે, “આજકાલ કોઈ ફોન કરે તો હું ફોન ઉપાડતો જ નથી, કારણ કે કોઈ મીડિયાવાળા જ હશે તેની અમને ખબર હોય છે. ચૂંટણી ખતમ થઈ જશે પછી બધું ઓછું થઈ જશે. આવું બધું જ કરતા રહીએ તો આસપાસના લોકો અથવા અમે જેમની સાથે બિઝનેસ કરીએ છીએ એ લોકો પણ પૂછે છે. બધા વીડિયો વાઇરલ થઈ જાય છે.”

વાતચીત દરમિયાન કુતુબુદ્દીને રમખાણ કેટલાક કિસ્સાની વાત કરી હતી. તેમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત પણ જોવા મળી હતી અને મહોબ્બત પણ.

2002ની પોતાની તસવીર વિશે કુતુબુદ્દીન કહે છે કે, “એ તસવીરની ખબર નહીં, કોણે-કોણે, ક્યાં-ક્યાં ઉપયોગ કર્યો છે? તસવીર ક્લિક કરતા ફોટોગ્રાફર ઓર્કો દત્તાને પણ એ વાતની ખબર હતી કે તસવીર ક્લિક કરીને સારું કર્યું કે ખોટું? તે એક પળ હતી. રસ્તાઓ પર બબ્બે દિવસ સુધી લાશો પડી હતી. કૂતરાં આવતા હતા અને લાશોને સૂંઘીને ચાલ્યા જતા હતા.”

કુતુબુદ્દીન અંસારીની ગલી
ઇમેજ કૅપ્શન, કુતુબુદ્દીન અંસારીની ગલી

રમખાણ થયાં, ત્યારે કુતુબુદ્દીનની દીકરી ચાર વર્ષની હતી. આજકાલ એ દીકરી તેની ચાર વર્ષની દીકરી સાથે સાસરેથી પિયર આવી છે. દીકરીની દીકરી પલંગ પાસે રમી રહી છે. નાના કુતુબુદ્દીન તેને જોઈને રાજી થાય છે.

કુતુબુદ્દીન કહે છે કે, “અશોક અમારા ઘરે આવતો-જતો રહે છે. મને લાગે છે કે, અશોક એકલો પડી ગયો છે. લગ્ન થઈ ગયાં હોત તો તેનું ઘર વસી ગયું હોત. આજકાલ ફૂટપાથ પર જ રહે છે. રાતે ત્યાં જ ઊંઘી જાય છે. એકલો રહેતો હોવાના કારણે ચીડિયો પણ થઈ ગયો છે.”

ફૂટપાથ પર એકલા જિંદગી પસાર કરતા અશોકના ચહેરા પર ચીડ દેખાય છે, જ્યારે પરિવાર સાથે ઘરમાં રહેતા કુતુબુદ્દીન અન્સારીના ચહેરા પર શાંતિ અને સૌમ્યતા જોવા મળે છે.

જોકે, આ શાંતિ પાછલા કેટલાક દિવસોથી થોડી ડહોળાયેલી છે.

રેડલાઈન
રેડલાઈન