ગુજરાત રમખાણ : કયા કેસમાં કોને કેટલી સજા થઈ અને કેટલા છૂટી ગયા?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે હાલમાં જ ઝકિયા જાફરીની ફરિયાદમાં પોતાનો નિર્ણય આપ્યો હતો. એ નિર્ણય બાદ ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી અને હ્મુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર તેમજ પૂર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટની સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.
સુપ્રીમ કોર્ટના ઑર્ડરનાં તારણોને ટાંકીને આ ત્રણે વ્યક્તિઓ પર રાજ્ય સરકારને બદનામ કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા પણ થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech/Getty
જોકે, એ વાત અહીં નોંધવા જેવી છે કે સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની ફરિયાદને આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી હતી.
ઝકિયા જાફરી કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન ઝાફરીનાં પત્ની છે. 2002નાં રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન જાફરીની સમેત 69 લોકો માર્યા ગયા હતા.
ઝકિયા જાફરીએ એ વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત 63 લોકો સામે ફરિયાદ નોંધવાની અરજી કરી હતી અને તેના આધારે સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી.
SIT બન્યા બાદ તેને 9 કેસની તપાસ સોંપવામાં આવી હતી. બીબીસીએ એ નવ કેસની હાલની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ વાત કરીએ ગોધરાની જે ઘટના પછી હિંસાની શરૂઆત થઈ.

ગોધરા ટ્રેન હત્યાકાંડ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
ગુજરાતભરમાં તોફાનો ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેન ઉપર થયેલા હુમલા બાદ શરૂ થયા હતા.
એક હિંસક ટોળાના આક્રમણ બાદ આ ટ્રેનના ડબ્બાને આગ લગાવી દેવામાં આવી હતી અને 59 લોકો મૃત્યુ પામ્યાં હતાં. મૃતકોમાં મોટા ભાગના લોકો અયોધ્યાથી અમદાવાદ પાછા ફરી રહેલા કારસેવકો હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના 27મી ફેબ્રુઆરી 2002ના રોજ બની હતી. ગોધરા પોલીસે આ કેસમાં 103 લોકોની ધરપકડ કરી હતી, ત્યાર બાદ SITએ તપાસ હાથ ધરી તે પછી અન્ય 31 લોકોની ધરપકડ કરી હતી.
આ કેસમાં કુલ 26 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 34 લોકોને સજા થઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં કુલ 13 અપીલ દાખલ થઈ હતી, જેમાંથી બે અપીલનો નિકાલ આવી ચૂક્યો છે, જ્યારે બીજી તમામ અપીલ હાલમાં બાકી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રુલામીન અકીલા નામના એક વકીલે (જેઓ આ કેસ સાથે સંકળાયેલા છે) કહ્યું કે હાલ આ કેસમાં 10 લોકો જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.

સરદારપુરા હત્યાકાંડ

ઇમેજ સ્રોત, Getty Images
પાટણ જિલ્લાના સરદારપુરા ગામમાં ત્રણ અલગઅલગ મુસ્લિમ વસાહતો હતી. આ ત્રણેય વસાહતો પર માર્ચ 1, 2002ની રાતે ટોળાએ હુમલો કર્યો હતો. 33 લોકો ટોળાના ભયથી એક ઘરમાં આશરો લીધો હતો અને એને આગ લગાવી દેવામાં આવી હતી.
ટોળાએ ગામના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અને 33 લોકો પૈકી 29 લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યાં હતાં. પોલીસ પણ આ લોકોને મદદ પહોંચાડી શકી ન હતી.
સુપ્રીમ કોર્ટે એસઆઈટીનું ગઠન કર્યું એ અગાઉ આ કેસમાં સ્થાનિક પોલીસે 54 લોકોની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
SITએ તપાસ હાથમાં લીધી એ પછી અન્ય 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, આમ કુલ 76 લોકોની ધરપકડ સરદારપુરા હત્યાકાંડમાં થઈ હતી.
અદાલતમાં આ 76 લોકો પૈકી 31 લોકોને સજા થઈ હતી જ્યારે એક સગીર સહિત 43 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. જે લોકોને સજા થઈ તેમાંથી અમુક લોકોએ આ મામલે ચાર અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી, જે તમામ અપીલનો નિકાલ જાન્યુઆરી 2012 થઈ ગયો હતો. આ કેસમાં ત્રણ અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી છે અને તે તમામ અપીલ પેન્ડિંગ છે.
ધ વાયરના એક રિપોર્ટ પ્રમાણે આ હત્યાકાંડમાં બે મુખ્ય વ્યક્તિ, સરપંચ કચરાભાઈ પટેલ અને ભૂતપૂર્વ સરપંચ કનુભાઇ પટેલની ભૂમિકા હતી, અને આ બન્ને લોકો ભાજપ સાથે જોડાયેલા હતા.
ભારતની સુપ્રીમ કોર્ટે 2003માં તોફાનોના અન્ય કેસોની સાથે આ કેસની સુનાવણી પર પણ રોક લગાવી દીધી હતી અને 2008માં SITને આ કેસ સોંપવામાં આવ્યો. એ પછી કેસની ફરી સુનાવણી શરૂ થઈ હતી.
2011માં આ કેસનો ચુકાદો આવ્યો હતો. આ કેસમાં 31 આરોપીઓને સજા થઈ હતી, તેમાંથી 30 લોકો પાટીદાર સમુદાયના હતા.

ઓડ હત્યાકાંડ

ઇમેજ સ્રોત, Getty Images
મુસ્લિમ સમુદાયના 27 લોકો આણંદના ઓડ ગામમાં અલગ-અલગ ત્રણ ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં. જોકે, માત્ર બે કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ બન્ને કેસની તપાસ SITને સોંપવામાં આવી હતી.
ઓડ ગામમાં હિંસાનો પહેલો કેસ માર્ચ 1, 2002ના રોજ નોંધાયો હતો. આ કેસની વિગત પ્રમાણે પરીવાળી ભાગોળ વિસ્તારમાં 23 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. મૃત્યુ પામનારા લોકોની ઓળખ પણ ન થઈ શકે તે હદે મૃતદેહો બળી ચૂક્યા હતા.
પોલીસ માત્ર બે લોકોની ઓળખ કરી શકી હતી અને બાકીના લોકોને ખોવાયેલી વ્યક્તિઓની યાદીમાં નોંધવામાં આવ્યા હતા. આ કેસની ફરિયાદ રફીક મોહમ્મદ અબ્દુલ ખલીફા નામની એક વ્યક્તિએ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન 51 લોકોની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
51 આરોપીઓ પૈકી 23ને સજા ફટકારવામાં આવી હતી અને 23 લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. ત્રણ આરોપીનું મૃત્યુ ટ્રાયલ દરમિયાન થયું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાં કુલ છ અપીલ દાખલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટે 23 દોષીઓ પૈકી 19ની સજા બહાલ રાખી હતી. સુપ્રીમ કોર્ટે 2020માં આ કેસમાં 15 લોકોને જામીન આપી દીધા હતા.
ઓડ ગામમાં બીજી ફરિયાદ માર્ચ 5, 2002ના રોજ થઈ હતી. એ કેસમાં બે મહિલા સહિત ત્રણ લોકોને ગામની વચ્ચે જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 44 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
SITની તપાસ બાદ બીજા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ આરોપીઓમાંથી છ લોકો હજી સુધી ભાગેડું છે, જ્યારે બીજા બે આરોપીઓ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં.
આ કેસમાં ટ્રાયલ કોર્ટે 10 લોકોને સજા કરી હતી, જ્યારે 30 લોકોને આરોપમુક્ત જાહેર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની ચાર અપીલ હાલમાં ચાલી રહી છે.

નરોડા પાટિયા

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 28, 2002ના રોજ બજરંગદળના તેમજ બીજા લોકોએ મળીને નરોડા પાટિયા વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને તે વસાહતના અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી.
આ હત્યાકાંડમાં 97 લોકો માર્યા ગયા હતા. SITની રચના પહેલાં સ્થાનિક પોલીસે આ કેસમાં 46 લોકોની ધરપકડ કરી હતી અને ચાર ચાર્જશીટ દાખલ કરી હતી.
SITએ ત્યાર બાદ 24 બીજા લોકોની ધરપકડ કરી હતી અને બીજી 4 ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં કુલ 70 આરોપીઓ પૈકી સાત આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું અને બે લોકો હજી સુધી ભાગેડું છે. આ કેસમાં 32 લોકોને સજા થઈ છે અને તેમાંથી બે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
ટ્રાયલ કોર્ટ પોતાના ચુકાદામાં ભાજપનાં મંત્રી માયા કોડનાણીને આ તોફાનોનાં મુખ્ય સુત્રધાર ગણાવ્યાં હતાં અને તેમને 28 વર્ષની જેલની સજા કરી હતી. આ કેસમાં બજરંગદળના બાબુ બજરંગીને પણ સજા થઈ હતી.
માયા કોડનાણી સહિત 32 લોકોને સજા થઈ હતી. આ ચુકાદો આપતી વખતે મૅજિસ્ટ્રેટે કહ્યું હતું કે કોડનાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની ફરજને છોડી દીધી હતી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલા અને બાળ વિકાસમંત્રી હતાં.
આ કેસમાં તે સમયના ભાજપના પ્રમુખ અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ SIT સમક્ષ માયા કોડનાણીની તરફેણમાં જુબાની આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કોડનાણીની હાજરી સોલા સિવિલ હૉસ્પિટલ અને ગુજરાત વિધાનસભામાં હતી. જ્યારે સુપ્રીમ કોર્ટ કોડનાણીની જામીન અરજી સાંભળી રહી હતી, ત્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ડિબેટેબલ છે, તેવી ટિપ્પણી કરી હતી.
આ કેસમાં હાઈકોર્ટમાં 12 અપીલ ફાઇલ થઈ હતી અને આ તમામ અપીલોનો નિકાલ 25-04-2018ના રોજ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં 32 દોષીઓ પૈકી ભાજપનાં મંત્રી માયા કોડનાણી સહિત 18 દોષીઓને હાઈકોર્ટે છોડી દીધાં હતાં, જ્યારે 13 લોકોની સજા બહાલ રાખી હતી. આ કેસમાં હાલ સુપ્રીમ કોર્ટમાં દસ અપીલ પેન્ડિંગ છે.

નરોડા ગામ હત્યાકેસ

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
નરોડા પાટિયા પાસે આવેલા નરોડા ગામમાં 11 મુસ્લિમોની હત્યા થઈ હતી અને પોલીસ ફરિયાદમાં 49 લોકો પર તેનો આરોપ હતો.
તપાસ SITએ હાથમાં લીધી એ પછી 37 લોકોની આ કેસમાં ધરપકડ થઈ હતી, હાલમાં આ તમામ લોકો જામીન પર બહાર છે અને ભોગ બનેલા લોકોની સતત અરજી છતાં આ કેસની સુનાવણી હજી પૂર્ણ થઈ નથી.
ગુજરાત 2002નાં રમખાણોમાં નવ અગત્યના કેસ પૈકી માત્ર નરોડા ગામનો કેસ એવો છે કે જેની સુનાવણી 20 વર્ષ પછી પણ પતી નથી.
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ભોગ બનનારા લોકો તરફથી કોર્ટમાં હાજર થનારા વકીલ એમ.એમ. તીરમીઝી સાથે જ્યારે વાત કરી તો તેમણે કહ્યું કે, "તમામ સુનાવણીઓ બાદ જ્યારે આ કેસનો ચુકાદો આપવાનો સમય આવે ત્યારે એવું એકથી વધારે વખત બન્યું છે કે તે સમયે મૅજિસ્ટ્રેટની બદલી થઈ જાય અથવા તો તેમનું પ્રમોશન થઈ જાય. હવે નવા મૅજિસ્ટ્રેટ આવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આવનાર થોડા મહિનાઓમાં ફરીથી સુનાવણીઓ પતી જાય અને ચુકાદો આવે."

મહેસાણાનો દીપડા દરવાજા કેસ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
મહેસાણાના વીસનગરના દીપડા દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના 11 લોકોની હત્યા 28 ફેબ્રુઆરી 2002ના રોજ થઈ હતી. આ મામલે એ જ દિવસે ફરિયાદ નોંધાઈ ગઈ હતી.
આ કેસમાં 79 લોકોની ધરપકડ થઈ હતી અને આ તમામ લોકોને જામીન મળી ગયા હતા. SITએ તપાસ હાથમા લીધી ત્યાર બાદ બીજા છ લોકોની ધરપકડ થઈ હતી અને કુલ પાંચ ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં ટ્રાયલ કોર્ટે 22 આરોપીઓને દોષી જાહેર કરી સજા ફટકારી હતી. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ સંદર્ભે કુલ 13 અપીલો દાખલ થયેલી છે અને તમામ અપીલો પેન્ડિંગ છે.
આ કેસમાં જે 61 લોકો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તેમાં ભાજપના વીસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ પટેલ તેમજ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભાજપના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ સામેલ હતા.

બ્રિટિશ નાગરિકનો હત્યા કેસ
ત્રણ બ્રિટિશ નાગરિકો અને તેમના ડ્રાઇવરની 28મી ફેબ્રુઆરી 2002 રોજ એક ટોળા દ્વારા હત્યા થઈ હતી.
આ કેસની વિગત પ્રમાણે ઇમરાન દાઉદ નામની એક વ્યક્તિ યુકેથી આવેલા પોતાનાં ત્રણ સગાં સાથે પ્રાંતિજથી પસાર થઈ રહી હતી.
ટોળાએ ગાડી રોકી અને બે લોકોને એ જ સ્થળે જીવતા સળગાવી દીધા હતા. બે લોકો ભાગી ગયા પણ તેમનો પીછો કરીને ટોળાએ તેમની પણ હત્યા કરી. ઇમરાન દાઉદ પોતે પોલીસની મદદથી બચી ગયા હતા.
આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી, જોકે આ તમામ લોકો ટ્રાયલ કોર્ટમાં છૂટી ગયા હતા. NDTVના એક રિપોર્ટ પ્રમાણે કોર્ટે પોતાનો ચુકાદો આપતી વખતે 2015માં કહ્યું હતું કે તેની પાસે પકડાયેલા આરોપીઓને છોડવા ઉપરાંત બીજો કોઈ માર્ગ નથી, સરકારી વકીલો આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ત્રણ સાક્ષીઓ ટ્રાયલ વખતે ફરી ગયા હતા.

ગુલબર્ગ હત્યાકાંડ
ફેબ્રુઆરી 28, 2002ના રોજ એક ટોળાએ 69 લોકોને ચમનપુરાની ગુલબર્ગ સોસાયટીમાં રહેતા લોકોને મારી નાંખ્યા હતા.
મરનાર વ્યક્તિઓમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી પણ હાજર હતા. આ સોસાયટીમાં 19 બંગલા અને 10 એપાર્ટમેન્ટ છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે 46 લોકોની ધરપકડ કરી હતી. જોકે, તેમને તરત જ જામીન મળી ગયા હતા.
સુપ્રીમ કોર્ટે SITને તપાસ સોંપી એ પછી 28 અન્ય લોકોની ધરપકડ થઈ હતી અને કુલ 12 ચાર્જશીટ દાખલ થઈ હતી. કુલ આરોપીઓમાંથી 24 લોકોને સજા થઈ હતી, 39 લોકો નિર્દોષ જાહેર થયા હતા. હાઈકોર્ટમાં 17 અપીલ દાખલ થઈ હતી અને આ તમામ અપીલ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
બીબીસી સાથે વાત કરતાં ગુલબર્ગ સોસાયટીના હત્યાકાંડમાં સ્વજનોને ગુમાવનારાં 64 વર્ષના સાયરાબાનો સંધિ કહે છે કે, ફરિયાદ બાદ બધા જ લોકો છૂટી ગયા હતા. અમને થયું કે હવે અમને ન્યાય નહીં મળે. જોકે અમારી સતત લડાઈ પછી અમને કંઈક રકમ મળી હતી, જેમાંથી અમે એક મકાન લઈને રહી શકીએ છીએ. આ તમામ માટે અમે મદદ કરનારાં તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમાર જેવા લોકોના આભારી છીએ.
આવી જ રીતે પોતાના દીકરાને તોફાનોમાં ગુમાવનારા દારા મોદી કહે છે કે, "અમને હજી સુધી ન્યાય મળ્યો નથી. બધા જ આરોપીઓ હાલમાં જેલની બહાર છે. SITએ કામગીરી કરી છે, પરંતુ બધા જ લોકો ઉપરની અદાલતોમાં જઈને છૂટી જાય છે એ જોઈ અમને લાગે છે કે અમારી લડાઈ વેડફાઈ ગઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














