કર્ણાટક : મંદિરમાં કેળાં સપ્લાય કરનારા મુસ્લિમ વેપારીનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે?

શ્રી અનંતપદ્મનાભ મંદિરે મુસ્લિમ વેપારીને મંદિરમાં કેળા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેને રદ કરવાની માંગ ઉઠી છે

ઇમેજ સ્રોત, KUDUPUTEMPLE.COM

ઇમેજ કૅપ્શન, શ્રી અનંતપદ્મનાભ મંદિરે મુસ્લિમ વેપારીને મંદિરમાં કેળા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેને રદ કરવાની માંગ ઉઠી છે
    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બેંગ્લોરથી, બીબીસી હિન્દી માટે
લાઇન
  • કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ દ્વારા મંદિરના ઉત્સવોમાં ભાગ ન લેવાના અભિયાન બાદ ત્યાં એક નવી માંગ ઊઠી રહી છે.
  • કેટલાંક હિંદુ સંગઠનોએ માંગ કરી છે કે મંદિરમાં કેળાં સપ્લાય કરનારા વેપારીઓ મુસ્લિમ છે, તેથી તેમનું લાઇસન્સ રદ કરવામાં આવે.
  • મેંગલુરુ શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર કોડુપૂમાં આવેલા શ્રી અનંતપદ્મનાભ મંદિરે ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ આપ્યો હોવાથી એક મુસ્લિમ વેપારીને મંદિરમાં કેળાં સપ્લાય કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો.
  • હવે કેટલાંક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે અને કૉન્ટ્રેક્ટ રદ કરવાની માંગ કરી છે.
  • જોકે જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કૉન્ટ્રેક્ટ 30 જૂન સુધી જ માન્ય છે, તેથી તેને રદ કરી શકાય નહીં.
લાઇન

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ દ્વારા મંદિરના ઉત્સવોમાં ભાગ ન લેવાના અભિયાન બાદ ત્યાં એક નવી માંગ ઊઠી રહી છે.

કેટલાંક હિંદુ સંગઠનોએ માંગ કરી છે કે મંદિરમાં કેળાં સપ્લાય કરનારા વેપારીઓ મુસ્લિમ છે, તેથી તેમનું લાઇસન્સ રદ કરવામાં આવે.

મેંગલુરુ શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર કોડુપૂમાં આવેલા શ્રી અનંતપદ્મનાભ મંદિરે ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ આપ્યો હોવાથી એક મુસ્લિમ વેપારીને મંદિરમાં કેળાં સપ્લાય કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. હવે કેટલાંક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે અને કૉન્ટ્રેક્ટ રદ કરવાની માંગ કરી છે.

જોકે જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કૉન્ટ્રેક્ટ 30 જૂન સુધી જ માન્ય છે, તેથી તેને રદ કરી શકાય નહીં.

બજરંગદળના જિલ્લા પ્રમુખ શરણ પમ્પવેલે બીબીસીને કહ્યું, "હિન્દુ સંગઠનોએ મંદિર સમિતિને કહ્યું છે કે આવા કૉન્ટ્રેક્ટ માત્ર હિન્દુ વેપારીઓને જ આપવા જોઈએ, અન્ય કોઈ સમુદાયના વેપારીઓને ન આપવા જોઈએ."

પરંતુ શરણ પમ્પવેલે કહ્યું, "જિલ્લા વહીવટી તંત્રે કહ્યું છે કે આ ગયા વર્ષે આપવામાં આવેલો કૉન્ટ્રેક્ટ છે જે થોડા દિવસોમાં એટલે કે 30 જૂને પૂરો થશે. અમે નક્કી કર્યું છે કે અમે કૉન્ટ્રેક્ટ સમાપ્ત થવાની રાહ જોઈશું."

જોકે, આ કિસ્સામાં, જિલ્લા વહીવટી તંત્રે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઍન્ડ પબ્લિક પ્રૉક્યોર્મેન્ટ ઍક્ટ (કેટીપીપીએ એક્ટ) અને કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટીટ્યૂટ ઍન્ડ ઍન્ડોમૅન્ટ ઍક્ટનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે નિયમોનું પાલન કરવું પડશે.

દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડૉ. કે.વી. રાજેન્દ્રએ બીબીસીને કહ્યું, " કેટીપીપીએ ઍક્ટ મુજબ, કોઈ પણ વેપારીને કૉન્ટ્રેક્ટ મેળવવાથી રોકી શકાય નહીં. ઍન્ડોમૅન્ટ ઍક્ટમાં એવી પણ જોગવાઈ છે કે હિંદુ મંદિર પરિસરમાં માત્ર હિંદુઓને જ જગ્યા આપવી."

તેમણે કહ્યું, "આ બે અલગ-અલગ કાયદા છે. કોઈ પણ વ્યક્તિ જેમાં સૌથી ઓછી કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવો કૉન્ટ્રેક્ટ આપવાનો ઇન્કાર કરી શકે નહીં. એક એ પણ જોવાની જરૂર છે કે કૉન્ટ્રેક્ટ કહે છે કે વેપારી સ્થાનિક ધાર્મિક માન્યતાઓનું સંપૂર્ણ સન્માન કરશે."

તેઓ કહે છે કે વેપારીઓના મામલામાં "અમે સ્પષ્ટીકરણ જારી કરી શકીએ છીએ. જો મુસ્લિમ વેપારી હોય તો તેને પણ સપ્લાયનો કૉન્ટ્રેક્ટ આપી શકાય છે, પરંતુ તેમણે સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીનું સન્માન કરવું જરૂરી છે."

line

હિજાબ વિવાદથી શરૂ થયો સિલસિલો?

પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કોડુપુના શ્રી અનંતપદ્મનાભ મંદિરની મુલાકાત લીધી

ઇમેજ સ્રોત, KUDUPUTEMPLE.COM

ઇમેજ કૅપ્શન, પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કોડુપુના શ્રી અનંતપદ્મનાભ મંદિરની મુલાકાત લીધી

ડૉક્ટર કે.વી. રાજેન્દ્ર કહે છે, "જો સામાન મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાનો હોય તો મંદિર આ માટે સ્થાનિક સ્તરે કોઈ હિન્દુ વ્યક્તિને કામ પર રાખી શકે છે."

તેમણે કહ્યું કે કેટીપીપીએ ઍક્ટ મુજબ કેટલીક માનક માર્ગદર્શિકા પણ છે. આ મુજબ, જો કોઈ તેને સંબંધિત મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તે અપીલ કરી શકે છે, જે તેના કોઈ પણ અધિકારીને આ સંબંધિત સૂચના આપી શકે છે.

દક્ષિણ કન્નડ અને ઉડુપીના દરિયાકાંઠાના જિલ્લાઓ જાન્યુઆરીથી હિજાબને લઈને વિવાદ શરૂ થયો હતો ત્યારથી વિવાદમાં છે.

આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી.

કોર્ટના આ આદેશ બાદ ત્યાંના મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા ધર્મગુરુઓએ આ નિર્ણયનો વિરોધ કરવાને બદલે શોક વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને ત્યાંના મુસ્લિમોને તેમની દુકાનો બંધ રાખવાની અપીલ કરી.

આ પછી હિંદુ સંગઠનોએ અહીં અભિયાન ચલાવ્યું કે હિંદુ મંદિરોના તહેવારો દરમિયાન મુસ્લિમોને અસ્થાયી દુકાનો ન ખોલવા દેવામાં આવે.

આ અભિયાનની જ્યોત મેંગલુરુથી 22 કિમી દૂર બપ્પનાડુ દુર્ગાપરમેશ્વરી મંદિર સુધી પણ પહોંચી હતી. આ મંદિર બાપ્પા નામની મુસ્લિમ વ્યક્તિએ બનાવ્યું હતું.

કહેવાય છે કે એકવાર દેવીએ બાપ્પાના સ્વપ્નમાં દર્શન કર્યા અને બાપ્પાને મંદિર બનાવવાનું કહ્યું. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો પ્રાર્થના કરવા આવે છે.

મંદિર સમિતિએ મંદિરમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ અને કામ પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ સ્થાનિક હિન્દુ સંગઠનોએ મંદિરની બહાર આવાં પોસ્ટરો લગાવ્યાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન