રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા'થી નરેન્દ્ર મોદીને હરાવી શકશે?

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક નાગરિક સાથે

ઇમેજ સ્રોત, congress

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક નાગરિક સાથે
    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા'માં લગભગ બે હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે.

ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા ઉત્તર ભારતીય રાજ્યોમાંથી થઈને ફેબ્રુઆરીમાં શ્રીનગર પહોંચશે.

મહારાષ્ટ્રના વિદર્ભમાં બીબીસીની ટીમ રાહુલ ગાંધીને મળી હતી.

ભારતના સૌથી ધનિક રાજ્ય મહારાષ્ટ્રનો આ સૌથી ગરીબ વિસ્તાર છે, જે ખેડૂતોની આત્મહત્યાના કારણે સમાચારોમાં રહે છે.

રાહુલ ગાંધી અહીં તેમની પાર્ટીના કાર્યકરો, વિવિધ અધિકાર સમૂહો અને સામાન્ય જનતાથી ઘેરાયેલા જોવા મળ્યા હતા.

તેઓ આ મુલાકાત દ્વારા લોકોમાં એક અલગ ભારતનું સ્વપ્ન રોપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગ્રે લાઇન

કૉંગ્રેસ ભાજપથી આગળ નીકળી શકશે?

કૉંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/BHARATJODO

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

આ યાત્રાની અસર વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો થોડી વધુ મહેનત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે હરાવી શકાય છે.”

આ એવો દાવો છે જેણે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના સમર્થકોમાં જોમ ભરી દીધું છે.

જોકે, તેમના આ દાવાને તેમના ટીકાકારો શંકાની નજરે જોઈ રહ્યા છે.

અત્યારે કૉંગ્રેસ ભારતનાં 28માંથી માત્ર બે રાજ્યોમાં સત્તા પર છે.

એક સમયે ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી કૉંગ્રેસ માટે આ એક મોટું રાજકીય નુકસાન છે.

રાહુલ ગાંધીની યાત્રા પર ભાજપે કહ્યું છે કે તેઓ એ ભારતને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે જે તૂટ્યું જ નથી.

પરંતુ છેલ્લા 75 દિવસમાં રાહુલ ગાંધીના કદમતાલે ચાલનારાઓમાં તેમની પાર્ટીના ટોચના નેતાઓ તેમજ બોલીવૂડ કલાકારો સહિત અલગઅલગ ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે.

આ યાત્રા જ્યાંથી પસાર થઈ રહી છે તેની આસપાસનો વિસ્તાર કૉંગ્રેસમય જણાઈ રહ્યો છે.

પાર્ટીના ચૂંટણી ચિહ્નથી લઈને અને નેતાઓની વિશાળ તસવીરોથી ઉભરાતી શેરીઓમાં 'નફરત છોડો, ભારત જોડો' જેવા નારા અને ગીતો ગાતાં લોકો જોવા મળ્યા હતા.

આ રસ્તાઓ પરથી પસાર થતી વખતે અમે રાહુલ ગાંધી સાથે ટૂંકી વાતચીત કરી હતી.

ગ્રે લાઇન

સામાન્ય લોકો શું કહે છે?

કૉંગ્રેસ

આ મુલાકાતના એક દિવસ પહેલાં રાહુલ ગાંધીએ શાસક પક્ષની 'વિભાજનકારી રાજનીતિ' પર જુસ્સાદાર ભાષણ આપ્યું હતું, જેને સાંભળવા એક લાખથી વધુ લોકોની ભીડ જામી હતી.

બીબીસીએ રાહુલ ગાંધી સાથે યાત્રા કરી રહેલા સામાન્ય લોકો સાથે પણ વાત કરી હતી.

પહેલાં નરેન્દ્ર મોદીના સમર્થક રહેલા અને 2014માં ભાજપને મત આપનાર એક મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટે અમને જણાવ્યું હતું કે તેઓ વર્તમાન સરકારથી નિરાશ થઈને આ યાત્રામાં જોડાયા હતા.

પુણેમાં આઈસ્ક્રીમ પાર્લર ચલાવતું એક યુગલ 'ભારત જોડો યાત્રા' દરમિયાન હાથમાં બૅનરો સાથે જોવું મળ્યું, તેમના હાથમાં રહેલા બૅનરમાં યુનિવર્સિટીઓના રાજનીતિકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ જણાવ્યું કે તેમની ઉત્સુકતાનું કારણ એ છે કે તેમના ગામમાં આવડો મોટો સમારોહ ક્યારેય યોજાયો નથી અને યોજાવાનો નથી.

bbc line

અત્યાર સુધી યાત્રા કેટલી સફળ

મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી સાથે રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, congress

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી સાથે રાહુલ ગાંધી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી પણ આ યાત્રામાં એક દિવસ જોડાયા હતા.

તેઓ કહે છે, "હું અહીં એ આશા સાથે આવ્યો છું કે કદાચ આ પ્રવાસ વિસરાયેલા એ ભારતની યાદ અપાવી દે જે ભારત ઉદાર, બિનસાંપ્રદાયિક, સર્વસમાવેશક અને પ્રગતિશીલ મૂલ્યો માટે જાણીતું હતું."

આ યાત્રાને ભાજપની તરફેણ કરનારા મીડિયા દ્વારા પૂરતું કવરેજ મળ્યું નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી અત્યાર સુધી જે પાંચ રાજ્યોમાંથી પસાર થયા છે, ત્યાં તેઓ મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવામાં સફળ રહ્યા છે.

પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું આ યાત્રા અસ્તાચળે જઈ પહોંચેલા કૉંગ્રેસના રાજકીય સૂરજના ફરી ઉદયમાં મદદ કરશે.

શું તે લોકોમાં રાહુલ ગાંધીની તેમના વિરોધીઓએ ઊભી કરેલી ‘ઠોકી બેસાડેલા રાજનેતા’ની છબી બદલી શકશે.

કૉંગ્રેસ પાર્ટીના યુવા નેતા કનૈયાકુમારનું કહેવું છે કે 'તેઓ રાજકુમાર નથી. આ તેમના વિરોધીઓ દ્વારા બનાવેલી છબી છે."

તેમનું કહેવું છે કે તેઓ આ યાત્રાથી આવા દુષ્પ્રચારનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કૉંગ્રેસે કહ્યું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવેલી આ રેલી નથી.

પરંતુ કનૈયાકુમાર કહે છે કે તેમનો હેતુ ફરી એક વાર મતદારો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાનો છે.

આ જ કારણસર રાહુલ ગાંધી પોતાનાં ભાષણોમાં અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે સતત ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કૉંગ્રેસના ટોચના નેતા જયરામ રમેશનું કહેવું છે કે સામાન્ય કાર્યકર્તાઓ સાથે જમીન પર સંપર્ક સ્થાપિત કરવાથી સંગઠનમાં નવું જોમ આવે છે.

યાત્રાની શરૂઆતથી જ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ તેજી જોવા મળી રહી છે.

પૉલિંગ એજન્સી સી-વોટરના જણાવ્યા અનુસાર, જે રાજ્યોમાંથી રાહુલ ગાંધી પસાર થયા છે, ત્યાં તેમના લોકોના તેમના તરફેણમાં વલણમાં 3થી 9 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

પરંતુ આ નાનકડો સુધારો બતાવે છે કે જો રાહુલ ગાંધીએ 2024માં મોદીને લડત આપવી હોય તો કેટલું કામ કરવું પડશે.

સી-વોટરના સ્થાપક-નિદેશક યશવંત દેશમુખ કહે છે કે આ યાત્રાએ દક્ષિણનાં રાજ્યોમાં રાહુલ ગાંધીની છબી સુધારી છે જે ભાજપનો ગઢ નથી.

પરંતુ આ વધેલી લોકપ્રિયતાને મતમાં ફેરવવી તે એક અલગ જ પ્રકારનો પડકાર હશે.

તેઓ કહે છે, "એક સવાલ એવો પણ છે કે શું ઉત્તર ભારતીય રાજ્યોમાં આવતા સુધીમાં ભારત જોડો યાત્રાનો ઉત્સાહ ઓસરી જશે, યાત્રાના સમર્થકોમાં ઓટ આવશે? કારણ કે આ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે."

કૉંગ્રેસ

રાજકીય સમીક્ષકોને પણ શંકા છે કે આ મુલાકાત ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે ફાયદાકારક રહેશે કે કેમ.

કૉંગ્રેસના પૂર્વ નેતા સંજય ઝા કહે છે કે આ મુલાકાતથી કૉંગ્રેસને લાંબા ગાળાનો લાભ મળશે કે નહીં, તે યાત્રા પૂરી થયા બાદ મળેલી ગતિશીલતાને તે કેટલો સમય જાળવી શકશે તેના આધારે નક્કી થશે.

સંજય ઝાના મતે કોંગ્રેસે ઊંડી સંગઠનાત્મક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સતત કામ કરવું પડશે. તેમાં હતાશ થયેલા કાર્યકર્તાઓ, વંશવાદ અને આંતરકલહનો સમાવેશ થાય છે. આ સાથે કૉંગ્રેસે ભાજપની ટીકાથી આગળ વધીને સ્પષ્ટ વૈચારિક વલણ અપનાવવાની જરૂર છે.

સંજય ઝા કહે છે કે કૉંગ્રેસ પાર્ટીએ ભાજપમાં જોડાનારા નેતાઓ પ્રત્યે થોડા ઉદાસીન થવાની અને ગાંધી પરિવાર પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવાની જરૂર છે.

ગયા મહિને 24 વર્ષમાં પ્રથમ વખત કૉંગ્રેસે બિન-ગાંધી વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા. જોકે મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારના નજીકના ગણાય છે.

શશિ થરૂરની છાવણીએ પાર્ટી પર અધ્યક્ષપદની ચૂંટણી દરમિયાન તમામ ઉમેદવારોને સરખી તકો નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપ આ પૃષ્ઠભૂમિમાં સવાલ ઉઠાવી રહ્યો છે કે જે રાહુલ ગાંધી પોતાની પાર્ટીને જ એકત્ર નથી રાખી શકતા, તેઓ ભારતને કેવી રીતે જોડશે. અથવા તેમના પોતાના પક્ષમાં જ લોકતંત્રનો અભાવ છે ત્યારે તેઓ દેશમાં લોકતંત્ર પાછુ લાવવા માગે છે તેવાં નિવેદનોનો આધાર શું છે.

આ પછી પણ રાજકીય પંડિતો માને છે કે એક એવો દેશ જ્યાં વિરોધ આટલા લાંબા સમય સુધી ગાયબ હતો ત્યાં આવી પહેલ સ્વાભાવિક હતી.

આ યાત્રા કોઈ જાદુઈ છડી નથી, પરંતુ 2014માં શરૂ થયેલા કૉંગ્રેસ પક્ષના પતનને રોકવાની દિશામાં આ પહેલું પગલું હોઈ શકે છે.

સંજય ઝા કહે છે, "આ સાથે કૉંગ્રેસ એક ગંભીર વિપક્ષ તરીકે ફરી ઊભરી શકે છે અને તે વિપક્ષી એકતાની ધરી બની શકે છે."

રેડ લાઇન
રેડ લાઇન