અદાણી પાવરને કારણે બાંગ્લાદેશમાં વીજસંકટ ઊભું થવાનો વિવાદ શું છે?

અદાણીની ચીમકીને કારણે બાંગ્લાદેશમાં વીજસંકટ વકરી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images/ Adani Power

ઇમેજ કૅપ્શન, અદાણીની ચીમકીને કારણે બાંગ્લાદેશમાં વીજસંકટ વકરી શકે છે
    • લેેખક, અર્ચના શુક્લા અને સ્વામિનાથન નટરાજન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમદાવાદસ્થિત અદાણી જૂથની કંપની અદાણી પાવરે વીજપુરવઠો ઘાટી દેતા બાંગ્લાદેશમાં વીજસંકટ ઊભું થયું છે. જેના કારણે બાંગ્લાદેશની સરકારે અદાણી જૂથની બાકી નીકળતી રકમનું ચૂકવણું ઝડપી બનાવ્યું છે.

અદાણી પાવરની બાંગ્લાદેશની સરકાર પાસેથી 80 કરોડ ડૉલર જેટલી રકમ બાકી નીકળે છે, જેની ચૂકવણીમાં ઢીલ થતાં અદાણીએ તેનો વીજપુરવઠો અડધો કરી નાખ્યો હતો.

અદાણી જૂથ બાંગ્લાદેશની કુલ વીજજરૂરિયાતના લગભગ 10 ટકા જેટલો હિસ્સો પૂરો પાડે છે. બે વરિષ્ઠ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે અદાણી જૂથની બાકી નીકળતી રકમની આંશિક ચૂકવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શું કહે છે બાંગ્લાદેશી અધિકારીઓ ?

બાંગ્લાદેશમાં વિરોધપ્રદર્શનની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનને કારણે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયું હતું (ફાઇલ તસવીર)

બાંગ્લાદેશ પાવર ડેવલ્પમૅન્ટ બોર્ડના (બીપીડીબી) એક અધિકારીએ બીબીસીને જણાવ્યું, "ચૂકવણીમાં જે સમસ્યા હતી, તેને અમે દૂર કરી છે. અમે અદાણી ગ્રૂપને 17 કરોડ ડૉલરની (લગભગ એક હજાર 430 કરોડ રૂપિયા) લૅટર ઑફ ક્રૅડિટ ઇસ્યુ કરી દીધી છે."

અદાણી જૂથ દ્વારા પૂર્વ ભારતના 1600 મૅગાવૉટ પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડવામાં આવે છે. બીબીસીએ પ્રતિક્રિયા મેળવવા માટે કંપનીનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ નથી આપ્યો.

બાંગ્લાદેશી અધિકારીઓના કહેવા પ્રમાણે, જો ગુરુવાર (7મી નવેમ્બર) સુધીમાં બાકી નીકળતી રકમ ચૂકવવામાં ન આવે તો કંપનીએ બાંગ્લાદેશને આપવામાં આવતો વીજપુરવઠો અટકાવી દેવાની વાત કહી છે. જેના કારણે અગાઉથી જ વીજસંકટનો સામનો કરી રહેલા બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી શકે છે.

જોકે બીપીડીપીના અધિકારીઓનું કહેવું છે, "વીજપુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જાય એવી સ્થિતિ આવે એમ નથી લાગતું."

ગૌતમ અદાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિપક્ષ દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે અદાણીની નિકટતા હોવાના આરોપ લાગતા રહે છે

બાંગ્લાદેશના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ધીમે-ધીમે અને નિયમિત ચૂકવણી કરતા રહેશે. તેમને વિશ્વાસ છે કે ચૂકવણાના સંકટમાંથી પાર ઊતરી જશે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના ઊર્જા સલાહકાર ફોઝુલ કબીર ખાનના કહેવા પ્રમાણે, "ચૂકવણી વધારી દેવામાં આવી હોવા છતાં વીજપુરવઠાની આપૂર્તીમાં ઘટાડો કરવામાં આવતા અમને આંચકો લાગ્યો છે અને આશ્ચર્ય થયું છે."

"અમે ચૂકવણું કરવા માટે તથા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ, પરંતુ કોઈ વીજઉત્પાદક અમને બાનમાં લે કે બ્લૅકમૅલ કરે, એવું નહીં થવા દઈએ."

તેમનું કહેવું છે કે બાંગ્લાદેશે તેની ચૂકવણીમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જુલાઈ મહિનામાં 35 મિલિયન ડૉલર (અંદાજે રૂ. 295 કરોડ), સપ્ટેમ્બરમાં 68 મિ. ડૉલર (લગભગ રૂ. 572 કરોડ) અને 97 મિલિયન ડૉલર (રૂ. 816 કરોડ આસપાસ) ચૂકવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વીજ કટોકટીની સ્થિતિ પ્રવર્તી રહી છે, જેની સૌથી વધુ અસર દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે.

રાજકીય અંધાધૂંધી અને અનિશ્ચિતતા

વીડિયો કૅપ્શન, Gujarat માં નડિયાદની ઍરકંડિશન્ડ સરકારી શાળા, કેવી રીતે આપે છે બાળકોને ભાર વિનાનું ભણતર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાંગ્લાદેશ વીજળી, કોલસો અને ઑઇલ જેવાં ઉત્પાદનો માટે આયાત ઉપર નિર્ભર છે. બાંગ્લાદેશ ઇમ્પૉર્ટેડ ચીજવસ્તુઓની ચૂકવણી કરવા માટે જરૂરી ડૉલર રળવામાં સંઘર્ષ કરી રહ્યું છે.

વિદ્યાર્થીઓએ ઑગસ્ટ મહિનામાં તત્કાલીન વડાં પ્રધાન શેખ હસનાની સરકાર સામે આંદોલન હાથ ધર્યું હતું, જેના કારણે રાજકીય અસ્થિરતા ઊભી થઈ હતી. આ અરસામાં બાંગ્લાદેશના વિદેશી મુદ્રાભંડોળમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

વચગાળાની સરકારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ) પાસેથી ચાર અબજ 70 કરોડ ડૉલરના (લગભગ રૂ. 395 અબજ) બૅઇલઆઉટ પૅકેજ ઉપરાંત વધારાના ત્રણ અબજ ડૉલરની (અંદાજે રૂ. 252 કરોડ) માગ કરી છે.

શેખ હસીનાની સરકાર સત્તા ઉપર હતી ત્યારે વર્ષ 2015માં બાંગ્લાદેશ અને અદાણી જૂથ વચ્ચે વીજકરાર થયા હતા. હાલની વચગાળાની સરકારનું કહેવું છે કે આ સોદો 'અપારદર્શક' હતો.

એક રાષ્ટ્રીય સમિતિએ અગાઉની સરકાર દ્વારા કરવામાં આવેલા અદાણી સહિતના 11 સોદાની સમીક્ષા હાથ ધરી છે. આ સોદ્દાને મોંઘા ગણાવીને તેની ટીકા થતી રહી છે.

અદાણી પાવર ઉપરાંત એનટીપીસી (નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન) અને પીટીસી ઇન્ડિયા (પાવર ટ્રૅડિંગ કૉર્પોરેશન) જેવા ભારત સરકારના ઉપક્રમ પણ બાંગ્લાદેશને વીજળી વેંચે છે.

બીપીડીબીના અધિકારીઓના કહેવા પ્રમાણે, અદાણી સિવાયના ભારતીય વીજઉત્પાદકોની બાકી નીકળતી રકમની આંશિક ચૂકવણી કરવામાં આવી રહી છે.

અદાણી પર આધાર અને અન્ય વિકલ્પ

ગૌતમ અદાણીના ભીંતચિત્રની તસવીર

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES

બાંગ્લાદેશે વીજતંગીને દૂર કરવા માટે તેને ગૅસ અને ઑઇલ આધારિત બંધ પડેલા પાવર પ્લાન્ટ્સને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જો કે નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે વીજકિંમતોમાં વધારો થવાની શક્યતા છે.

બાંગ્લાદેશમાં શિયાળો બેસવામાં છે, જેના કારણે ઍર કન્ડિશનરોનો વપરાશ ઘડવાથી વીજળીની માગમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

નિવૃત્ત પ્રાધ્યાપક અને ઊર્જા વિશેષજ્ઞ ડૉ. એજાજ હુસૈનના કહેવા પ્રમાણે, "બાંગ્લાદેશના અન્ય કોલસાઆધારિત વીજ ઉત્પાદન એકમો તેની સ્થાપિત ક્ષમતાના લગભગ 50 ટકાએ કામ કરી રહ્યા છે. ડૉલર સંકટને કારણે તેઓ પૂરતા પ્રમાણમાં કોલસો ખરીદી નથી શકતા."

"આથી, અદાણી પાસેથી સીધી જ વીજળી ખરીદવી મહત્ત્વપૂર્ણ બની રહે છે. જે સ્થાનિક ઉત્પાદકો કરતાં થોડી મોંઘી છે, પરંતુ જરૂરી પુરવઠાની આપૂર્તી માટે આવશ્યક બની રહે છે."

બાંગ્લાદેશ ડિસેમ્બર મહિનામાં પહેલો અણુઆધારિત વીજપ્લાન્ટ શરૂ કરશે, જેના કારણે તેની ઊર્જાજરૂરિયાતોની આપૂર્તી માટે વધુ એક વિકલ્પ ઊભો થશે. આ પાવર પ્લાન્ટનો ખર્ચ 12 અબજ 65 કરોડ ડૉલર (રૂ. એક હજાર 64 અબજ અંદાજે) થશે. મોટા ભાગની રકમ રશિયાએ લાંબાગાળાની લૉન પેટે આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.