ચંડોળા તળાવની વસાહતો કેવી છે જ્યાંથી 48 લોકોની બાંગ્લાદેશી હોવાના આરોપસર અટકાયત કરાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલું ચંડોળા તળાવ એ લગભગ 1200 હૅક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.
અમદાવાદમાં જ્યારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો ચર્ચાય ત્યારે અવશ્ય દાણીલીમડા, શાહ-એ-આલમ, મણિનગર અને ઇસનપુરની વચ્ચે વસેલા આ ચંડોળા તળાવની આસપાસની વસાહતોનું નામ આવે છે.
હાલમાં જ ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (DCB), અમદાવાદની વિવિધ ટીમોએ અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ વિવિધ સ્થળો પર રેડ પાડીને અનેક લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહીથી ચંડોળા તળાવની વસાહતોનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે.
પોલીસનો એવો દાવો છે કે આ લોકો કથિતપણે બાંગ્લાદેશી નાગરિકો છે.
24મી ઑક્ટોબરે ગુજરાત પોલીસે કરેલા મોટા ઑપરેશનમાં લગભગ 48 જેટલા લોકોની અટકાયત કરી છે. પોલીસ પ્રમાણે આ લોકો ખોટા પુરાવાઓને આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની વસાહતોમાં વર્ષોથી વસવાટ કરતા હતા.
જ્યારે સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખરેખર બાંગ્લાદેશી નાગરિકો સાબિત થયા હોય તેવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. પોલીસ લોકોની અટકાયત કરીને પરેશાન કરી રહી છે. તેમનો દાવો છે કે આ વસાહતોમાં રહેતા મોટાભાગના લોકો ભારતના જ પશ્ચિમ બંગાળના રહેવાસી હોય છે.
પણ પોલીસ આ વિસ્તારને બાંગ્લાદેશીઓની વસાહત તરીકે કેમ ઓળખાવે છે? પોલીસ કેમ લોકોની અટકાયત કરી રહી છે? ચંડોળા તળાવની વસાહતો કેવી છે? બીબીસી ગુજરાતીએ આ તમામ વાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે તાજેતરમાં કેમ આ કાર્યવાહી કરી?

ઇમેજ સ્રોત, Gujarat Police
ગત અઠવાડિયે પોલીસે આ વિસ્તારમાં લગભગ 200 જેટલા લોકોનું રાઉન્ડઅપ કર્યું હતું, જેમાંથી 48 લોકોની અટકાયત કરીને પાછા તેમને બાંગ્લાદેશ ડિપૉર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ તમામ લોકો ખોટાં આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરેના આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઘર બનાવીને વસવાટ કરી રહ્યા હતા તેવો પોલીસનો દાવો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પોલીસ ઇન્સ્પૅક્ટર, DCB, એસ.જે. જાડેજા કહે છે કે, "જૂની ફરિયાદોને આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે બાંગ્લાદેશથી અહીં આવીને અનેક લોકો ખોટા દસ્તાવેજો બનાવડાવે છે, જેમાં આધારકાર્ડ જેવા પુરાવા ઊભા કરીને, ધીરેધીરે તેઓ ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે. ખોટા દસ્તાવેજો બનાવનારા લોકોની પૂછપરછ બાદ પોલીસે આવા અનેક લોકોની ઓળખાણ કરી છે."
અમદાવાદ પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી ગણેશનગર, પીરાણા, ચંડોળા તળાવ વિસ્તાર વગેરેમાં રેડ પાડીને પોલીસે અંદાજે 48 યુવક અને યુવતીઓની અટકાયત કરી છે.
જાડેજા વધુમાં કહે છે કે, "સામાન્ય રીતે બાંગ્લાદેશથી ઘણા લોકો ગેરકાયદેસર રીતે અમદાવાદમાં આવીને વસવાટ કરે છે. તેઓ અહીં આવીને છૂટક મજૂરીનું કામ જેમ કે – કડિયાકામ, ભંગાર ભેગો કરવાનું કામ, લોબાન(ધૂપ) રાખીને ભીખ માંગવાનું કામ વગેરે જેવા કામમાં લાગી જાય છે."
"તેઓ ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીઓમાં કોઈ જગ્યા શોધીને નાની-નાની ઝૂંપડીઓ બનાવીને રહે છે. પોલીસ અવારનવાર આ પ્રકારની રેડ પાડીને ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની અટકાયત કરીને તેમને પાછા બાંગ્લાદેશ ડિપૉર્ટ કરતી હોય છે."
‘જૂની ફરિયાદોને આધારે કરી છે કામગીરી’

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara/BBC
પોલીસ અનુસાર ઑગસ્ટ, 2024માં DCBએ ફારૂક મોંડેલ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ફારૂક બાંગ્લાદેશી નાગરિક હોવા ઉપરાંત અમદાવાદમાં ખોટા પુરાવા બનાવીને અહીં રહેતા હતા.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, DCB, અજિત રાજિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "પોલીસતપાસમાં ખૂલ્યું હતું કે ફારૂક અહીં ખોટા દસ્તાવેજોને આધારે રહેતો હતો. તે સમયે આવા દસ્તાવેજો બનાવી આપનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફારૂક મોંડેલના કેસને આધારે પોલીસને બીજી અનેક લિંક મળી હતી, જેમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની જાણકારી મળી હતી."
ફારૂક મોંડેલ ઉપરાંત પોલીસે બાંગ્લાદેશથી અહીં આવીને વસવાટ કરી રહેલી અને માનવતસ્કરીનો ભોગ બનેલી અનેક છોકરીઓને પણ રૅસ્ક્યૂ કરી હતી.
અજિત રાજિયા કહે છે, "તેમાંથી ઘણી છોકરીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી. આવી અનેક છોકરીઓને તેમાંથી બચાવવામાં આવી છે."
"આ કેસ બાદ પોલીસે વધુ તપાસ ચાલુ રાખી હતી, અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વિવિધ સ્થળો પર ખોટા પુરાવાને આધારે ઘણા લોકો વસવાટ કરે છે. તે માહિતીને આધારે આ રેડ કરીને વિવિધ લોકોની ઓળખાણ કરવામાં આવી છે, અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે તેમણે ખોટા પુરાવા ઊભા કરીને અહીં વસવાટ કર્યો છે."
ઇન્સ્પૅક્ટર જાડેજાએ બીબીસી ગુજરાતીને વધુમાં જણાવ્યું હતું કે, "પોલીસને એ ખાતરી થઈ ગઈ છે કે આ 48 લોકો બાંગ્લાદેશી નાગરિકો છે. હવે તેમને પાછા બાંગ્લાદેશ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવશે."
પોલીસની પ્રક્રિયા સામે સવાલો કેમ ઊઠી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Beena Jadav
માનવાધિકાર માટે કામ કરતી ઘણી સંસ્થાઓએ પોલીસની આ પ્રક્રિયાને સામાન્ય ગણી નથી. તેમણે અમુક લોકોને ખોટી રીતે પરેશાન કરવાના આરોપો પોલીસ પર લગાવ્યા છે.
જોકે, પોલીસનો સ્પષ્ટ દાવો છે કે તેઓ પુરાવા અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે જ આ કામ કરી રહ્યા છે.
આવી જ એક વસાહતમાં રહેતા એક મુસ્લિમ નાગરિકે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "એ તદ્દન ખોટી વાત છે કે આ વસાહત બાંગ્લાદેશીઓની વસાહત છે. અમુક લોકો તો અહીં ત્રણ-ત્રણ પેઢીઓથી રહે છે."
"બંગાળથી આવીને અહીં રહેતા હોય, ભાષામાં થોડું બંગાળીપણું હોય તો તેમને બાંગ્લાદેશી સમજી લેવામાં આવે છે, જ્યારે હકીકત તો એ છે કે, અહીં રહેતા મોટા ભાગના લોકો બંગાળનાં વિવિધ ગામડાંઓ છોડીને અહીં રહેવા આવ્યા છે."
ચંડોળા તળાવ વિસ્તારના લોકો સાથે કામ કરતા અને વ્યક્તિત્વ સંઘર્ષ સમિતિ, ગુજરાતનાં સંસ્થાપક બીનાબહેન જાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "પોલીસે તપાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમને ડિપોર્ટ કરવા જ જોઈએ, તેમાં કોઈ બે મત નથી. પરંતુ તેના નામે ગમે તે વ્યક્તિને બાંગ્લાદેશી હોવાના આરોપસર પકડી લેવા એ યોગ્ય વાત નથી."
તેઓ કહે છે, "ચંડોળા તળાવ વિસ્તારમાં એવા અનેક લોકો રહે છે કે, જેઓ વર્ષોથી બંગાળનાં વિવિધ ગામડાંમાંથી અહીં આવીને વસવાટ કરે છે. ઘણા લોકોને સરકારી સહાય અંતર્ગત મકાનો મળ્યાં છે, તો કેટલાય લોકોનું 2002ના રમખાણો બાદ સરકારી સહાય હેઠળ પુનર્વસન કરવામાં આવ્યું છે."
બીનાબહેન પાસે એવા અનેક કિસ્સાઓ આવે છે જેમાં બાંગ્લાદેશી નાગરિક હોવાના આરોપસર પોલીસ તરફથી ભારતીય નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હોય.
તેઓ કહે છે, "એક રીતે આ પોલીસની તપાસ કરવાની ઊણપ દર્શાવે છે. તેઓ સાચા બાંગ્લાદેશીઓને શોધી નથી શકતા એટલે જે લોકો ઘરમાં મળે છે, તેને બાંગ્લાદેશી કહીને તેની અટકાયત કરી લે છે. આ સદંતર બંધ થવું જોઈએ. જેથી કરીને ખરેખર જે બાંગ્લાદેશીઓ હોય તે પાછા જાય અને સાચા નાગરિકોને પરેશાની ન થાય."
માઇનોરિટી કૉ-ઑર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહીદ નફીસ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેમનું કહેવું છે કે, "એક નેરેટિવ ઊભું કરવામાં આવે છે કે તમામ બંગાળી મુસ્લિમો એ બાંગ્લાદેશી છે, અને અહીં ખોટી રીતે રહે છે. પણ આ વાત સાચી નથી. બંગાળ જેવા રાજ્યનાં અનેક ગામડાંથી લોકો અહીં આવે છે."
"ચંડોળા તળાવ જેવી વસાહતોમાં તેઓ ઓછા ખર્ચે રહી શકે છે, એટલે આવી ખરાબ પરિસ્થિતિમાં પણ તેઓ અહીં રહે છે. જો આ લોકો ખરેખર બાંગ્લાદેશી હોય તો પહેલો સવાલ તો ભારત-બાંગ્લાદેશની સરહદ પર થવો જોઈએ. આ લોકો કેવી રીતે છેક અહીં સુધી પહોંચી ગયા?"
અન્ય મુસ્લિમ આગેવાન ઇકરામ મિર્ઝા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "ખોટા પુરાવાના આધારે આ લોકો અહીં રહેતા હોય તો પોલીસે એવા લોકોને પકડવાની જરૂર છે, જે આવા પુરાવાઓ બનાવી આપે છે."
"બાંગ્લાદેશી નાગરિક તરીકે જેટલા લોકોની અટકાયત થાય છે તેવા લોકો સામે ખરેખર જે બાંગ્લાદેશી નાગરિક તરીકે સાબિત થયા હોય તેવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે."
2022માં ગુજરાત હાઇકોર્ટે પણ પોતાના એક ચુકાદામાં નોંધ્યું હતું કે – "કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના અધિકારીઓને એ સત્તા આપેલી છે કે તે કોઈપણ વ્યક્તિની નાગરિકતા ચકાસી શકે છે, જોકે, આ સત્તાનો ઉપયોગ તેણે કાયદાના દાયરામાં રહીને કરવાની જરૂર છે. લોકોને વિદેશી નાગરિક તરીકે પકડીને પાછા તેમના દેશમાં મોકલી આપવાની સત્તા ધરાવતા આવા અધિકારીઓથી ઓછામાં ઓછી એટલી અપેક્ષા તો રખાય કે તેઓ આવા લોકોની વાત સાંભળે."
આ કેસના ચુકાદા સમયે અરજદાર રશીદા શેખના દીકરા અમીર શેખને તેમની અટકાયતના 22 મહિના બાદ શરતોને આધારે છોડી દેવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara/BBC
સામાન્ય રીતે કોઈ વ્યક્તિની જ્યારે બાંગ્લાદેશી નાગરિક તરીકે અટકાયત કરવામાં આવે છે તો તેને પહેલા અમદાવાદની સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (એસઓજી)માં રાખવામાં આવે છે.
કાયદાની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિનો રહેણાંક બે પ્રકારે ગેરકાયદેસર ઠેરવી શકાય છે.
પ્રથમ તો એવી વ્યક્તિ કે જે કાયદેસર વિઝા લઈને આવી હોય, પરંતુ વિઝાની અવધિ પૂરી થયા પછી પણ દેશમાં રહેતી હોય. એટલે એવા લોકોની ઍન્ટ્રી કાયદેસર હોય છે પરંતુ તેઓ વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ અહીં રહેતા હોવાથી તેઓ ગેરકાયદેસર કહેવાય છે.
જ્યારે બીજા પ્રકારના લોકો એ હોય છે કે જે કોઈ પણ પ્રકારના વિઝા વગર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે છે.
આ બીજા પ્રકારના લોકોને પાછા બાંગ્લાદેશ મોકલવા માટે સૌપ્રથમ આવા લોકોની નાગરિકતા બાંગ્લાદેશની છે કે નહીં તે જાણવું પડે છે.
ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારી પ્રમાણે, "તેના માટે રાજયસરકાર, મિનિસ્ટ્રી ઑફ ઍક્સટર્નલ અફેયર્સ મારફતે નેશનાલિટી વેરિફિકેશન ફૉર્મ ભરીને હાઇકમિશન ઑફ બાંગ્લાદેશને મોકલવામાં આવે છે."
"તેની ઑફિસ દિલ્હી ઉપરાંત કોલકાતા, મુંબઈ, અગરતલા, અને ગૌહાટીમાં છે. જે તે વ્યક્તિની નાગરિકતા ચકાસી લેવાય ત્યારબાદ બાંગ્લાદેશી સરકાર દ્વારા જે તે વ્યક્તિના નામે ટ્રાવેલ પરમિટ બહાર પાડવામાં આવે છે, અને ત્યાર બાદ તે વ્યક્તિને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવે છે."
જોકે, આ આખી પ્રક્રિયામાં કેટલો સમય લાગે તેની કોઈ બાધ્યતા રહેતી નથી. તેથી જેમની અટકાયત કરવામાં આવેલી છે તેવા લોકોને ઘણા સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડે છે.
કેવી છે ચંડોળા તળાવની વસાહતો?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે અમદાવાદ મૅટ્રોસીટીમાં જોવા મળતી અન્ય ગરીબ વસાહતો ની સરખામણીએ વધુ ભીડભાડવાળી, ગીચ, અને ગંદી વસાહત એટલે ચંડોળા તળાવ પાસેની વિવિધ વસાહતો.
તેમાં એક મુખ્ય માર્ગ હોય, અને તેની પાસેથી એક ગલી નીકળતી હોય, તે ગલીમાંથી એક બીજી, ત્રીજી, ચોથી આમ અનેક સાંકડી ગલીઓથી બનેલી આ વસાહત છે.
આ વસાહતોમાં કોઈ પાકાં મકાનો જોવાં મળતાં નથી. અહીં એવું મનાય છે કે જે મકાનોની ચારેય દીવાલો સિમેન્ટથી બનેલી હોય તેવા ઘરને સૌથી સારું ઘર કહેવાય. અહીં મોટા ભાગના લોકો નાનાં-નાનાં ઝૂંપડાંઓમાં રહે છે.
મોટા ભાગનાં ઘર ચંડોળા તળાવ પાસે બનેલા હોવાથી ગંદા પાણીના ખાબોચિયાં એ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સામાન્ય છે. આ સાંકડી ગલીઓમાં અમુક ઘર પછી એકાદ નાની દુકાન જોવા મળી જાય છે, જેમાં કરિયાણું, દૂધ વગેરે મળતું હોય છે.
આ વિસ્તારમાં રહેતા લોકો મોટા ભાગે બંગાળી ભાષા બોલે છે.
ચંડોળા તળાવ હાલમાં કોના હસ્તક આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસમાં અનેક જગ્યાએ ચંડોળા તળાવનો ઉલ્લેખ છે. તળાવ માટે કહેવાય છે કે તેનું નિર્માણ મુઘલકાળમાં થયો હતો. ઇતિહાસમાં તેનો ઉલ્લેખ દાંડીકૂચના સાહિત્યમાં અનેક સ્થળે જોવા મળે છે.
સાબરમતી આશ્રમથી નીકળ્યા બાદ લગભગ 11 કિલોમીટર ચાલ્યા બાદ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો પડાવ ચંડોળા તળાવ પાસેના એક પીપળાના વૃક્ષ નીચે કર્યો હતો.
હાલમાં આ તળાવ ગુજરાત રાજ્યના સિંચાઈવિભાગના તાબા હેઠળ છે, અને ચંડોળા તળાવનો ઉપયોગ આસપાસની જમીનોના ખેતરોમાં પાણી આપવા માટે કરવો એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આનંદીબહેન પટેલ જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી હતાં, ત્યારે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સોંપવાની વાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ એએમસીએ આ તળાવ લેવાનો ઇન્કાર કર્યો હતો.
તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન હિતેશ બારોટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "તળાવનો વિકાસ કરવો હોય તો તેની આસપાસની મોટી વસાહતનું પુનર્વસન કરવું પડે, જેના માટે તોતિંગ ખર્ચ થાય. તે સમયે અમે પ્રયાસો કર્યા હતા કે સરકાર તરફથી આ પુનર્વસન માટેનો ખર્ચ આપવામાં આવે પરંતુ તે શક્ય બન્યું ન હતું."
હાલમાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમેન દેવાંગ દાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "હજી સુધી આ તળાવ સરકાર પાસે છે, જેથી કરીને અમારે તેમાં કોઈ કામગીરી કરવાની આવતી નથી."
જોકે, આ તળાવની આસપાસ છેલ્લાં ઘણાં વર્ષોથી નાનાં મોટાં ઝૂંપડાં બની રહ્યાં છે, અને આ વિસ્તારને પોલીસ સહિત સામાન્ય લોકો બાંગ્લાદેશીઓની વસાહત તરીકે ઓળખાવતા હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












