હિંદુ અને મુસ્લિમ યુવતીઓ જ્યારે કૉલેજ કૅમ્પસમાં ભેગાં રહેવાં લાગ્યાં અને ધર્મની દીવાલ તૂટવા લાગી

તામિલનાડુનાં કાવ્યા (ડાબે) અને ઉત્તર પ્રદેશનાં નૂર ફાતિમા ખાન
ઇમેજ કૅપ્શન, તામિલનાડુનાં કાવ્યા (ડાબે) અને ઉત્તર પ્રદેશનાં નૂર ફાતિમા ખાન બીએચયુ કેમ્પસમાં રૂમમેટ છે.
    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, બનારસથી

કાવ્યાની કોઈ મુસલમાન યુવતી સાથે પહેલી મિત્રતા છે. આ મિત્રતા બનારસના કાશી હિંદુ વિશ્વવિદ્યાલય (બીએચયુ)ના રૂમમેટ બન્યાં બાદ થઈ.

કાવ્યા કહે છે કે નૂર ફાતિમા ખાન સાથે મિત્રતા એટલે જલદી થઈ ગઈ કેમ કે બંનેનો ખોરાક એક છે. બંને નૉન-વેજ ખાય છે. કાવ્યા કહે છે કે, "જ્યારે ખોરાક અને સંગીતની પસંદ એક હોય તો સંબંધ જાળવવો સરળ બની જાય છે."

નૂર ફાતિમા ખાનને જ્યારે ખબર પડી કે કાવ્યા તામિલનાડુનાં છે તો તેમને લાગ્યું કે બંને વચ્ચે વાત કેમની થશે?

નૂર વિચારવા લાગે છે કે અંગ્રેજી બોલવી પડશે પરંતુ કાવ્યાએ નૂર સાથે જ્યારે હિંદીમાં વાત શરૂ કરી તો તેમણે રાહતનો શ્વાસ લીધો.

કાવ્યા લાંબા સમયથી ઉત્તર ભારતમાં રહ્યાં છે તેથી તે સારી હિંદી બોલે છે.

નૂર કહે છે કે, "અમારો ખોરાક તો એક છે જ પણ સાથે રહ્યા બાદ ખબર પડી કે અમને ગીતો પણ એક જેવાં જ પસંદ છે."

ઉત્તર પ્રદેશનાં નૂર અને તામિલનાડુનાં કાવ્યાનું બીએચયુ કૅમ્પસના રૂમમેટ બનવું એક સંયોગ હતો.

કાવ્યાને જે રૂમ મળ્યો હતો તે તેમને પસંદ ન હતો. છેલ્લે ફક્ત કાવ્યા અને નૂર બચી ગયાં હતાં. બંનેને એક મનપસંદ રૂમ મળી ગયો અને બંને રૂમમેટ બની ગયાં.

બંને બીએચયુથી ફાઇન આર્ટસ્ કરી રહ્યાં છે.

નૂરની કાવ્યાથી ફરિયાદ

બીએચયુ કૅમ્પસમાં નૂર ફાતેમ ખાન અને કાવ્યા
ઇમેજ કૅપ્શન, બીએચયુ કૅમ્પસમાં નૂર ફાતેમ ખાન અને કાવ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નૂર જણાવે છે કે, બંનેને સાથે રહેતા માંડ એક-બે દિવસ થયા હશે.

કાવ્યા તેમનાં મમ્મી સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં. આ વાતચીતમાં તે વારંવાર નૂર કહી રહ્યાં હતાં. કાવ્યાની વાતચીતમાં પોતાનું નામ સાંભળીને નૂરના કાન ઊભા થઈ ગયા.

નૂરને લાગ્યું કે હજી તો બે દિવસ જ થયા છે ને કાવ્યા તેમનાં મમ્મીને ફરિયાદ કરવા લાગ્યાં.

નૂર પોતાની જાતને રોકી ન શક્યાં અને તેમણે કાવ્યાને પૂછી લીધું, "તું તારી મમ્મી સાથેની વાતચીતમાં મારું નામ કેમ વારંનવાર લેતી હતી?"

આ વાત પર કાવ્યા જોરથી હસવાં લાગ્યાં અને થોડી વાર સુધી હસતાં રહ્યાં. નૂર વધુ ચિડાઈ ગયાં.

પછી કાવ્યાએ કહ્યું કે તામિલમાં ‘નૂર’ એટલે સો થાય છે. કાવ્યાએ કહ્યું કે તેઓ તેમનાં મમ્મી સાથે કૅશની વાત કરી રહ્યાં હતાં, કે આજે પાંચસો ખર્ચો થયો, પરમદિવસે ત્રણસોનો ખર્ચો થયો હતો. જ્યાં-જ્યાં પણ સો આવી રહ્યું હતું ત્યાં-ત્યાં કાવ્યા નૂર કહી રહ્યાં હતાં.

હવે હસવાંનો વારો નૂરનો હતો. તે થોડી વાર સુધી હસતાં રહ્યાં અને પછી બંને હસવાં લાગ્યાં.

બંનેની મિત્રતાની શરૂઆત આ હાસ્યથી થય છે પરંતુ બંનેના સંબંધોમાં રડવાનું, નારાજગી અને ગુસ્સો પણ છે.

પરંતુ તેના પહેલાં તમને મોહમ્મદ શાહિદ અને મનીષના રૂમમાં લઈ જઈએ.

કુરાન અને સરસ્વતી દેવી એક સાથે

બનારસમાં મોહમ્મદ શાહિદ અને મનીષનો રૂમ
ઇમેજ કૅપ્શન, બનારસમાં મોહમ્મદ શાહિદ અને મનીષનો રૂમ

શાહિદ અને મનીષના રૂમમાં પ્રવેશતાની સાથે જ નજર અનેક પેઇન્ટિંગ્સ પર જાય છે. આ રૂમને જોઈને લાગતું હતું કે બંનેએ પોતપોતાના સુખ, દુ:ખ, ગુસ્સો, અને સપનાંને કૅનવાસ પર ભરી દીધાં છે.

ફાઇન આર્ટની બંને વિદ્યાર્થિનીઓ મૂર્તિઓ પણ બનાવે છે. શાહિદના પિતા રાજ મિસ્ત્રી છે અને મનીષના પિતા દરજી. શાહિદ અને મનીષે મુશ્કેલ સમયમાં મજૂરી પણ કરી છે પરંતુ હવે તેમના હાથમાં નવું કૌશલ્ય આવ્યું છે.

આ કળામાં એટલા રંગ અને આકાર છે કે મૂર્ત અને અમૂર્તનો ભેદ ઝાંખો પડી જાય છે.

બંનેના રૂમના બુક શેલ્ફ અચાનક ધ્યાન આકર્ષિત કરે છે.

બુક શેલ્ફના એક ખૂણામાં કુરાન છે અને નમાઝ પઢવા માટે ટોપી. તેની બરાબર ઉપર સરસ્વતી દેવીની મૂર્તી અને અને એક તસ્વીર મૂકી છે.

શાહિદ જણાવે છે કે, તે આ જ રૂમમાં નમાઝ પઢે છે અને મનીષ પૂજા કરે છે. શાહિદ કુરાન અને સરસ્વતી દેવીની મૂર્તિ જોઈને કહે છે કે, "સર, ભારત તો આવું જ હોવું જોઈએને?"

શાહિદની વાતથી એ સમજવું મુશ્કેલ છે કે આ તેમની ઇચ્છા છે કે સવાલ છે?

કાવ્યા અને નૂર, શાહિદ અને મનીષા, આ યુવાઓના જીવનમાં અનેક સવાલ, અનેક સપનાં, અને અનેક ગૂંચવણો છે. આ બંનેના મિત્રોની જોડીઓનાં કૅન્વાસના પ્રવાહમાં અડચણ એક જેવી જ છે.

ભારતમાં ધાર્મિક ધ્રુવિકરણની રાજનીતિના કારણે તેમની મિત્રતા પર અવિશ્વાસના વાદળો છવાઈ ગયા,પરંતુ તેમણે આટલી નાની ઉંમરે પણ તેમના એક સરખાં રંગને ઝાંખા નથી થવા દીધા.

મેં કાવ્યા અને નૂરને પૂછયું કે જ્યારે ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક નફરતના કિસ્સાઓ થાય છે તો તેની તેમના સંબંધો ઉપર કેવી અસર થાય છે?

કાવ્યા જણાવે છે કે,"અમે બંને આ વિશે વાત કરીએ છીએ. મને એક વાર નૂરે કહ્યું હતું કે મુસ્લિમ હોવાને કારણે બનારસમાં તેને કોઈ ભાડેથી ઘર નથી આપતું.નૂરની આ વાત પર હું થોડી વાર ચૂપ રહી અને વિચારવા લાગી કે હું તેને કેવી રીતે જવાબ આપું જેનાથી તેને ખરાબ ન લાગે."

"મેં તેને સમજાવ્યું કે મને પણ દિલ્હીમાં રૂમ નહોતો મળતો કારણ કે હું નૉન-વેજ ખાઉં છું. દક્ષિણ ભારતના 90 ટકાથી વધારે હિંદુ નૉન-વેજ ખાય છે. મેં તેને સમજાવ્યું કે અહીંયા ફક્ત ધર્મના આધારે ભેદભાવ નથી પરંતુ ખાન-પાનના આધારે પણ છે. આ ભેદભાવની ચપેટમાં હિંદુ પણ આવે છે."

કાવ્યા નૂરની નિરાશામાં મજબૂત આશાની જેમ ઊભાં હતાં જ્યારે શાહિદને તેમના રૂમમેટ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.

શાહિદ જણાવે છે કે, "મુસલમાન હોવોના કારણે મને મારા ગામ, શહેર, અને આસપાસના લોકોથી જે સહન કરવું પડયું છે તેની કોઈ ગણતરી નથી. પરંતુ મનીષની વિચારસરણી પણ તેવી જ હતી. એક વર્ષ પહેલાં અને અત્યારના મનીષમાં ઘણો ફરક છે."

શાહિદની વાતોથી મનીષ પણ સહમત થતા કહે છે કે, "જો શાહિદ ન મળ્યો હોત તો હું એક સારી વ્યક્તિ ન બની શક્યો હોત. મારે મનમાં મુસલમાનો પ્રત્યે ઘણી ધારણાઓ હતી. તેને નફરત પણ કહી શકાય."

તે કહે છે, "મને લાગતું હતું કે અહીં મુસ્લિમો કેમ છે? તેમના માટે પાકિસ્તાન પહેલેથી જ બનાવવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાન બન્યું ત્યારે મુસ્લિમોને મારીને ભારતમાંથી ભગાડી દેવા જોઈતા હતા. ભારતમાં જ્યારે પણ આતંકવાદી હુમલો થયો, ત્યારે મુસ્લિમો પ્રત્યે હૃદય નફરતથી ભરી જતું હતું."

નફરત ક્યાંથી આવી?

મોહમ્મદ શાહિદ (વચ્ચે) અને મનીષ ગૌતમ (જમણે) તેમના રૂમમાં
ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શાહિદ (વચ્ચે) અને મનીષ ગૌતમ (જમણે) તેમના રૂમમાં

મનીષના મનમાં આટલી બધી નફરત ક્યાંથી આવી? મનીષ અને શાહિદ બંને આ સવાલનો જવાબ આપે છે.

શાહિદ કહે છે, "મનીષ વાંચવા કરતાં મોબાઇલ પર મુસ્લિમ વિરોધી કન્ટેન્ટ વધુ જોતો હતો. તેણે ક્યારેય મુસ્લિમો સાથે કોઈ વાતચીત કરી નહોતી. ઘણી વખત મેં તેને મારી બાજુમાં બેસીને મુસ્લિમોની ટીકા કરતા વીડિયો જોતા જોયો હતો. પછી મને લાગ્યું કે આની સાથે વાત કરવી જોઈએ."

"મનીષ ગરીબ ઘરનો છે. દલિત પરિવારથી આવે છે. તેના પપ્પા કોઈ રીતે ઘર ચલાવે છે. તેને પર દબાણ રહે છે કે ભણતર છોડી કામ કરે. મનીષ પાસે ઘણી વાર ભાડું આપવાના પૈસા પણ નથી હોતા."

શાહીદ કહે છે કે, "મેં મનીષને પેઇન્ટિંગનું કામ અપાવ્યું. તેના તેને પૈસા મળવા લાગ્યા. તેને મારા ઘરે લઈને આવ્યો. તે ત્યાં રહ્યો અને મારા પરિવારો સાથે મળ્યા. ધીરે-ધીરે તેને અહેસાસ થયો કે મુસ્લિમો તરફ તેની જે નફરત છે તે જૂઠ પર આધારિત છે."

કૅમ્પસ મંદિરમાંથી બહાર આવતાં નૂર અને કાવ્યા
ઇમેજ કૅપ્શન, કૅમ્પસ મંદિરમાંથી બહાર આવતાં નૂર અને કાવ્યા

કાવ્યા અને નૂરના કિસ્સામાં સ્થિતિ બીજી છે. નૂરને જ્યારે લાગે છે કે તેમને મુસ્લિમ હોવાને ભેદભાવ સહન કરવો પડે છે ત્યારે કાવ્યા તેમને સમજાવે છે.

કાવ્યા કહે છે, "નૂર ઘણીવાર ગુસ્સામાં રૂમમાંથી કેટલીક વસ્તુઓ ઉપાડી લે છે. હું પૂછું કે તું કેમ ગુસ્સે છે? પછી તે કારણ આપે કે તે કોઈક વાતથી ઉદાસ છે."

તેઓ કહે છે, "ક્યાંક તેને મુસ્લિમ હોવાના કારણે ટોણાનો સામનો કરવો પડ્યો હોય છે. પછી હું નૂરને કહું છું કે જુઓ, હું પણ હિંદુ છું અને હું તારી સાથે ખૂબ જ પ્રેમથી રહું છું."

કૅમ્પસની એક ઘટના જણાવતા નૂર કહે છે, "હું કૅમ્પસના મંદિરમાં અભ્યાસ કરતી હતી. ત્યારે લોકોએ આવીને કહ્યું કે કે તે હિજાબ પહેરીને મંદિરમાં ન આવી શકે. મેં તેમને કહ્યું કે એવો કોઈ નિયમ નથી કે તે હિજાબમાં ન આવી શકે."

"ત્યારબાદ તેમણે મને દિવાલ પર જે લખ્યું હતું તે બતાવ્યું કે બુરખામાં મંદિરમાં આવવું પ્રતિબંધિત છે. હું ચૂપચાપ બહાર નીકળી ગઈ. પરંતુ મારા હિંદુ મિત્રોએ ત્યાં મને ટેકો આપ્યો અને ખુલ્લેઆમ વિરોધ કર્યો કે કોઈ હિજાબ પહેરીને મંદિરમાં કેમ ન આવી શકે. મને સારું લાગ્યું કે હિંદુ મિત્રોએ મને સાથ આપ્યો."

પરસ્પર સંબંધો પર સાંપ્રદાયિક તણાવની અસર

નૂર ફાતિમા ખાન અને કાવ્યા
ઇમેજ કૅપ્શન, નૂર ફાતિમા ખાન અને કાવ્યા

જ્યારે પણ દેશમાં સાંપ્રદાયિક તણાવ થાય છે તો નૂર અને કાવ્યાના સંબંધો ઉપર કેવી અસર પડે છે?

કાવ્યા જણાવે છે કે, "અમારે બંનેના ઘરેથી ફોન આવવા લાગે છે. મમ્મી પપ્પા કહેવા લાગે છે કે બંને ધ્યાનથી રહેજો. બહાર ન જતાં. મારાં મમ્મી કહે છે કે નૂરનું ધ્યાન રાખજો."

"નૂરનાં મમ્મી પણ કહે છે કે બહાર ન જતાં. ઘરવાળા બધા ડરી જાય છે. આ ડર છોકરીઓની સ્વતંત્રતા પર સૌથી મોટી બાધા બને છે. જ્યારે મોટી સંખ્યામાં બિનસાંપ્રદાયિક માનસિકતા ધરાવતા લોકો હશે ત્યારે જ છોકરીઓ માટે સુરક્ષિત વાતાવરણ સર્જાશે."

કાવ્યા અને નૂર ફાતિમા ખાન વચ્ચેની મિત્રતા મુશ્કેલ સમયમાં ગાઢ બની છે. બંનેને સાઇકલ ચલાવતા આવડતું નહોતું પણ તેઓએ એકબીજાને સાઇકલ ચલાવતા શીખવ્યું.

બંનેને લાગે છે કે જો તેઓ એકબીજાને ન મળ્યાં હોત તો તેઓ માનવતાની ભાવનાને બરાબર સમજી શક્યાં ન હોત. જ્યારે નૂર ધાર્મિક ભેદભાવનો શિકાર બને છે, ત્યારે કાવ્યા તેમની કાળજી લે છે અને જ્યારે કાવ્યા નિરાશાથી ભરાઈ જાય છે, ત્યારે નૂર તેમની સંભાળ લે છે.

પરંતુ એવું નથી કે જીવનની સમસ્યાઓનું નિરાકણ આવી ગયું છે.

શાહિહ જણાવે છે કે, "હું ગાઝીપુર જિલ્લાના ગહમર ગામનો છું. તે ઠાકુર પ્રભુત્વ ધરાવતું ગામ છે અને અહીં સેંકડો લોકો સેનામાં છે. એક દિવસ અમે અમારા હિંદુ મિત્રો સાથે બેઠા હતા. ત્યારે એક મિત્રના પિતા, જે આર્મીમાં હતા, આવ્યા અને ગુસ્સાથી મારી તરફ ઇશારો કર્યો અને તેમના પુત્રને કહ્યું - તમે તેમની સાથે શું કરી રહ્યા છો? તેઓ કંઈપણ કરીને ગુજરાન ચલાવી લેશે. તેમની પાસે ઘણું કામ છે. પંચરની દુકાન ઊભી કરી લેશે."

શાહિદ જણાવે છે કે, "જ્યારે મેં તેમનું પુરું વાક્ય મારા પપ્પાને જણાવ્યું તો તેમણે કહ્યું કે આનો જવાબ ભણતરથી આપો અને આ અપમાનનો બદલો ખુદા પર છોડી દો. ત્યારથી જ મેં વિચાર્યું કે મારે ખૂબ જ ભણવું છે. મારો અભ્યાસ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. આના દ્વારા જ જવાબ આપવો છે."

સમજદારી કે ઊડો અવિશ્વાસ

મોહમ્મદ શાહિદ અને મનીષ તેમના રૂમમાં
ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શાહિદ અને મનીષ તેમના રૂમમાં

શાહિદ આટલી નાની ઉંમરમાં એવી સમજદાર વાતો કરે છે, જાણે કે તે તેના સમય પહેલાં મોટા થઈ ગયા હોય.

બીએચયુમાં હિન્દી સાહિત્યના પ્રોફેસર આશિષ ત્રિપાઠી કહે છે કે આ નિરાશામાંથી જન્મેલું શાણપણ છે અને આપણે આનાથી આશ્વાસન ન લેવું જોઈએ પણ ચિંતા કરવી જોઈએ.

પ્રોફેસર આશિષ ત્રિપાઠી કહે છે, "ઉત્તર ભારતના હિંદુઓ તેમના ધર્મને લઈને જાહેરમાં આક્રમક બની ગયા છે, એટલે કે તેઓ ધાર્મિક પ્રતીકો અને ઓળખનો વધુ ઉપયોગ કરી રહ્યા છે."

હિંદુઓના આ જાહેર પ્રદર્શનએ તેમની મનોદશા પણ બદલી નાખી છે, એવું નથી કે તમે તમારાં કપડાં બદલો તો તમારા ચારિત્ર્ય પર કોઈ અસર ન થાય. પહેલા એવું લાગતું હતું કે આ બાહ્ય પરિવર્તન છે પરંતુ ધીમે ધીમે આંતરિક પરિવર્તન પણ થઈ રહ્યું છે.

પ્રોફેસર ત્રિપાઠી કહે છે કે, "બીજી બાજુ ઉત્તર ભારતના મુસલમાન અંગત જીવનમાં વધારે મુસલમાન બન્યા છે. એટલે કે છેલ્લાં 150 વર્ષોમાં આઝાદીની ચળવળ અને આધુનિકીકરણના પ્રભાવ હેઠળ મુસ્લિમોમાં જે આધુનિક સિવિલ સોસાયટીનો જન્મ થઈ રહ્યો છે, તેમા ક્યાંકને ક્યાંક કમી આવી છે, અને આપોઆપ આ સમાજ સંકોચાઈ રહ્યો છે."

"તેનો અર્થ એ છે કે હિંદુ જાહેર જીવનમાં વધારે હિંદુ બન્યા છે અને મુસ્લિમ આંતરિક રૂપે વધારે મુસ્લિમ બન્યા છે. હવે બંને સમાજ વચ્ચે પહેલાં જેવી પારંપારિક આત્મીયતા જોવા નથી મળતી. આ બદલાવ ફક્ત રાજનીતિમાં જ નહીં પરંતુ સમાજમાં પણ થયો છે."

પ્રોફેસર આશીષ ત્રિપાઠી કહે છે કે શાહિદની સમજદારી આ જ આંતરિક પરિવર્તનની પ્રક્રિયાનો હિસ્સો છે.

તે કહે છે કે, "પહેલા ઘણીવાર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે દેગા થતા હતા. દેખીતી રીતે આ અવિશ્વાસ અને નફરતના કારણે થતું હતું. છતાં તેમાં એક પ્રકારની સહજતા હતી. બંને સમુદાયના આક્રમક લોકો એક બીજા ઉપર ગુસ્સો નિકાળતા હતા."

"પરંતુ હવે મુસ્લિમોમાં ગુસ્સાથી સ્ફુરિત પ્રતિક્રિયા સમાપ્ત થઈ ઘઈ છે. હવે તેનું સ્થાન એક પ્રકારના આયોજિત મૌનએ લઈ લીધું છે, બીજી સૌથી મોટી ધાર્મિક વસતી (મુસ્લિમો)એ સૌથી મોટી ધાર્મિક વસ્તીઓ (હિંદુ)માંથી વિશ્વાસ ગુમાવી રહ્યાં છે."

પરંતુ આ બધા વચ્ચે નૂર-કાવ્ચા અને શાહિદ-મનીષની મિત્રતાને જોઈને લાગે છે કે સુગમ સહઅસ્તિત્વની શક્યતા હજુ પણ છે.