'હિન્દુ-મુસલમાન નહીં કરું', પીએમ મોદી આ નિવેદન પહેલાં અને બાદમાં મુસલમાનો પર શું-શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં એક ચૂંટણીસભાને સંબોધતા ફરીથી કૉંગ્રેસ પર મુસલમાનોના મુદ્દે આરોપ લગાવ્યા હતા.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “બાબાસાહેબ (આંબેડકર) ધર્મના આધારે અનામતનો વિરોધ કરતા હતા. જોકે, કૉંગ્રેસ કહે છે કે એસટી, એસસી, ઓબીસી અને ગરીબોની અનામત છીનવીને મુસલમાનોને આપી દેશે. કૉંગ્રેસ તમારી સંપત્તિને કબજે કરીને પોતાની વોટબૅન્કને દેવાની તૈયારી કરી રહી છે.”

કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમોને અનામત અથવા સંપત્તિ આપવાની કોઈ વાત કરી નથી. વડા પ્રધાન મોદીએ પહેલાં પણ આવા દાવાઓ કર્યા હતા ત્યારે પણ કૉંગ્રેસ નેતાઓએ વડા પ્રધાન મોદીના દાવાઓને ખોટા ગણાવ્યા હતા.

મુસ્લિમોનો ઉલ્લેખ કર્યા વગર વડા પ્રધાન મોદીએ કહ્યું, “કૉંગ્રેસનો વિચાર છે કે દેશની સરકારના બજેટના 15 ટકા માત્ર લઘુમતી પર જ ખર્ચ થાય. એટલે કે ધર્મના આધારે બજેટનું પણ વિભાજન કરવામાં આવે. આ લોકોએ ધર્મના આધારે જ દેશનું વિભાજન કર્યું. આજે પણ ધર્મના આધારે અલગ-અલગ પ્રકારના વિભાજન કરવાની કોશિશ કરી રહ્યા છે.”

પોતાની સરકારનાં વખાણ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે કોઈને ધર્મ પૂછ્યો નથી અને ધર્મના આધારે કોઈ યોજના બનાવી નથી. યોજના બધા માટે બનાવવામાં આવે છે. દરેકને યોજનાઓનો લાભ આપવામાં આવે છે.”

નાસિકની ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું, “કૉંગ્રેસે કેટલાંક વર્ષો પહેલાં ધર્મના આધારે બજેટની ફાળવણીને લીલી ઝંડી આપી હતી. તમે કલ્પના કરી શકો કે બજેટનું આ પ્રકારે વિભાજન કેટલો ભયાનક વિચાર છે. તમે જાણો છો કે કૉંગ્રેસ માટે લઘુમતી માત્ર એક જ છે.... તેમની પ્રિય વોટબૅન્ક.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો, “કૉંગ્રેસે જ્યારે આ વાત કરી હતી ત્યારે હું મુખ્ય મંત્રી હતો. મેં મુખ્ય મંત્રી રહેતા આ વાતનો વિરોધ કર્યો હતો. કૉંગ્રેસ ઇચ્છતી હતી કે દેશના બજેટના 15 ટકા માત્ર મુસ્લિમો પર જ ખર્ચ થાય. ભાજપના પ્રયત્નોને કારણે આ યોજનાઓ સફળ ન થઈ. મોદી ધર્મના અધારે બજેટની ફાળવણી નહીં કરવા દે, ધર્મના આધારે અનામત પણ નહીં આપે.”

'વધારે બાળકો પેદા કરનારા' અને 'ઘૂસણખોરો'વાળું નિવેદન

આ પહેલાં 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણીસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક જૂના ભાષણનો હવાલો આપીને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં સમુદાય વિશેષના લોકો માટે ‘ઘૂસણખોરો’ અને ‘વધારે બાળકો પેદા કરનાર’ જેવી વાત કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, “પહેલાં જ્યારે તેમની (મનમોહનસિંહની) સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું ક દેશની સંપત્તિ પર પહેલો હક્ક મુસ્લિમોનો છે. એનો મતલબ આ લોકો સંપત્તિને એકઠી કરીને કોને વહેંચશે – જેના વધારે બાળકો છે તેમને, ઘૂસણખોરોને. તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને અપાશે? તમને આ મંજૂર છે?”

મોદીએ કહ્યું હતું, “કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો કહે છે કે તેઓ મા-બહેનના સોનાનો હિસાબ કરશે, તેની જાણકારી એકઠી કરશે અને પછી તેને વહેંચી નાખશે. તેને વહેંચશે જેના વિશે મનમોહનસિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો હક્ક મુસ્લિમોનો છે. ભાઈ-બહેનો આ અર્બન નક્સલનો વિચાર, મારી મા-બહેનો આ લોકો તમારું મંગળસૂત્ર પણ બચવા નહીં દે, આ એટલી હદ સુધી જશે.”

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહના જે ભાષણનો ઉલ્લેખ કર્યો હતો તે ભાષણમાં મનમોહનસિંહે મુસ્લિમોને પહેલો હક્ક આપવાની વાત કરી નહોતી.

મનમોહનસિંહે વર્ષ 2006માં કહ્યું હતું, “અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પુનર્જીવિત કરવાની જરૂર છે. આપણે નવી યોજનાઓ લાવીને સુનિશ્ચિત કરવું પડશે કે લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમોનું ઉત્થાન થઈ શકે, વિકાસનો ફાયદો મળી શકે. આ દરેકનો સંસાધનો પર પહેલો હક્ક હોવો જોઈએ.”

મનમોહનસિંહે અંગ્રેજીમાં આપેલા ભાષણમાં “ક્લેમ” શબ્દનો ઉપયોગ કર્યો હતો.

હું હિન્દુ-મુસલમાન નહીં કરું- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન મોદીના “વધારે છોકરા પેદા કરનાર” અને “ઘૂસણખોર”વાળા નિવેદન પર ખૂબ જ વિવાદ થયો હતો અને ચૂંટણીપંચને પણ ફરિયાદ કરાઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 મેના રોજ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ નિવેદન વિશે પ્રતિક્રિયા આપી હતી.

એક ચેનલનાં એન્કરે વડા પ્રધાન મોદીને સવાલ પૂછ્યો, “સ્ટેજ પર જ્યારે તમે મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો ત્યારે વધારે બાળકો પેદા કરનાર અને ઘૂસણખોરો... આની શું જરૂર હતી?”

વડા પ્રધાન મોદીએ જવાબ આપતા કહ્યું, “હું પણ હેરાન છું. આ તમને કોણે કહ્યું કે જ્યારે વધારે બાળકોની વાત થાય છે ત્યારે મુસ્લિમોને જોડી દેવામાં આવે છે. તમે મુસ્લિમો સાથે શું કામ અન્યાય કરો છો? આપણે ત્યાં ગરીબ પરિવારોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. તેમનાં બાળકોને ભણાવી શકતાં નથી. એ કોઈ પણ સમાજનાં હોય. ગરીબી જ્યાં છે, ત્યાં બાળકો વધારે છે.”

વડા પ્રધાન મોદીએ કહ્યું, “મેં ન હિંદુ કહ્યું છે, ન મુસ્લિમ. મેં કહ્યું કે તમે એટલાં જ બાળકો કરો જેનું તમે ભરણ-પોષણ કરી શકો. સરકારે ભરણ-પોષણ કરવું પડે તેવી સ્થિતિ ન કરો.”

મુસ્લિમ આ વખતે તમને મત આપશે? શું તમને તેમના મતોની જરૂર છે?

વડા પ્રધાન મોદીએ જવાબ આપ્યો, “હું માનું છું કે મારા દેશના લોકો મને મત આપશે. હું જે દિવસે હિંદુ-મુસ્લિમ કરીશ તે દિવસે હું જાહેર જીવનમાં રહેવા માટે યોગ્ય નહીં રહું. હું હિંદુ-મુસ્લિમ નહીં કરું. આ મારો સંકલ્પ છે.”

ઈદ પર શું બોલ્યા વડા પ્રધાન?

વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી પહેલાં એક ખાનગી ચેનલને મંગળવારે આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે "મારું જે ઘર છે ને... મારી આસપાસ બધા જ મુસ્લિમ પરિવારો છે."

"અમારે ઘરે ઈદ પણ ઊજવાતી હતી. અમારા ઘરે બીજા તહેવારો પણ ઊજવાતા. મારા ઘરે ઈદના દિવસે મારું ભોજન ન બનતું. બધા મુસ્લિમ પરિવારોના ઘરેથી મારા ઘરે ભોજન આવતું. મારા ઘરથી પાંચ ડગલાં દૂર મુસ્લિમ પરિવાર રહે છે. જ્યારે મહોર્રમના તાજિયા નીકળતા હતા ત્યારે અમે તેની નીચેથી નીકળતા હતા. જેમ મંદિરમાં પરિક્રમા કરવામાં આવતી તેમ આ પણ અમને શીખવાડવામાં આવતું હતું.”

વડા પ્રધાન મોદીએ જ્યારે સિદી સૈય્યદ મસ્જિદની મુલાકાત લીધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપનના વડા પ્રધાન શિંઝો આબે

ઇમેજ સ્રોત, NARENDRA MODI TWITTER

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંઝો આબે

વર્ષ 2017માં જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંઝો આબે ભારતના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને અમદાવાદની સિદી સૈય્યદની મસ્જિદ લઈ ગયા હતા.

વડા પ્રધાન મોદી અમદાવાદમાં શિંઝો આબેની મેજબાની કરી રહ્યા હતા. તે સમયે જાપાનના મહેમાનો માટે બુટીક હેરિટેજ હોટલ હાઉસ ઑફ મંગળદાસ ગિરધરદાસમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1924માં બનાવેલી આ બિલ્ડિંગ એક ધનિક કાપડ વેપારીનું ઘર હતું, જેને પાછળથી એક હોટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

જોકે, વડા પ્રધાન મોદી તે પહેલાં શિંઝો આબે સાથે શહેરની સિદી સૈય્યદની મસ્જિદ ગયા હતા.

ગુજરાતના પર્યટન વિભાગ પ્રમાણે અમદાવાદ શહેરના નહેરુ બ્રિજની પૂર્વે આવેલી આ મસ્જિદનું નિર્માણ વર્ષ 1573માં કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ મુઘલ કાળમાં અમદાવાદમાં બનેલી સૌથી મોટી મસ્જિદો પૈકી એક છે.

તેનું નામ તેને બનાવનારના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સિદી સૈય્યદ યમનથી આવ્યા હતા અને તેમને સુલતાન નસીરુદ્દીન મહમૂદ ત્રીજા અને સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના દરબારમાં કામ કર્યું હતું.

વિદેશમાં મોદી ક્યારે-ક્યારે મસ્જિદમાં ગયા?

  • જૂન 2023- અલ-હાકિમ મસ્જિદ, ઇજિપ્ત
  • જૂન 2018- ચુલિયા મસ્જિદ, સિંગાપુર
  • મે 2018- ઇસ્તિકલાલ મસ્જિદ, ઇન્ડોનેશિયા
  • ફેબ્રુઆરી 2018- સુલતાન કબૂસ મસ્જિદ, ઓમાન
  • ઑગસ્ટ 2015- શેખ ઝાયદ મસ્જિદ, યુએઈ

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હિંદુ-મુસ્લિમવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

વડા પ્રધાન મોદીએ એક ખાનગી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મંગળવારે કહ્યું, “હું જે દિવસે હિંદુ-મુસ્લિમ કરીશ તે દિવસથી હું જાહેર જીવનમાં રહેવા માટે યોગ્ય નહીં રહું. હું હિંદુ-મુસ્લિમ નહીં કરું, આ મારો સંકલ્પ છે.”

પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન મોદીના નિવેદન વિશે કહ્યું, “તેઓ હવે તે ભાષણો વિશે ઇનકાર ન કરી શકે, જે તેમણે આપ્યાં હતાં. તેમણે તે ભાષણો આખી દુનિયા સામે આપ્યાં હતાં. તમે જોયાં, મેં પણ જોયાં, આખો દેશે જોયાં. તેઓ હવે ફેરવી તોળશે અને કહેશે કે મેં તે ભાષણો આપ્યાં નથી.”

ગાંધીએ કહ્યું, “આપણે પ્રાચીન યુગમાં નથી રહેતા કે તેઓ જે બોલે તેના વિશે લોકોને ખબર ન પડે. તેમણે ક્યારે અને કયા ધર્મ વિશે શું કહ્યું તે બધું જ રેકૉર્ડમાં છે. તેમણે કેવી રીતે ધર્મનો રાજકારણમાં ઉપયોગ કર્યો છે.”

તેમણે ઉમેર્યું, “કદાચ વડા પ્રધાનને અહેસાસ થયો છે કે 10 વર્ષ પછી લોકો આવી ભાષા સાંભળવા માગતા નથી. તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનું સમાધાન ઇચ્છે છે. તેઓ (વડા પ્રધાન) જ્યારે કહે છે કે કૉંગ્રેસ તમારું મંગળસૂત્ર કે ભેંસ લઈ લેશે તો તેમને તેવો પ્રતિસાદ નથી મળી રહ્યો.”

પ્રિયંકાએ વડા પ્રધાન મોદીને સલાહ આપતાં કહ્યું કે પહેલા અમારો ચૂંટણીઢંઢેરો વાંચો, કારણ કે તેઓ જે વાતો કરે છે એ અમારા ચૂંટણીઢંઢેરામાં નથી.

ઓવૈસીની પ્રતિક્રિયા

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન મોદીના ટીવી ઇન્ટરવ્યૂ પર મંગળવારે પ્રતિક્રિયા આપી હતી.

ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરી હતી.

તેમણે લખ્યું, “મોદીએ પોતાના ભાષણમાં મુસ્લિમોને ઘૂસણખોરો અને વધારે બાળકવાળા કહ્યા હતા. તેઓ હવે કહી રહ્યા છે કે હું મુસ્લિમની વાત કરતો નહોતો. તેમણે ક્યારેય હિંદુ-મુસ્લિમ નથી કર્યુ.”

ઓવૈસીએ કહ્યું, “આ ખોટી સ્પષ્ટતા આપવામાં આટલો સમય કેમ લાગ્યો? મોદીની રાજકીય યાત્રા માત્ર અને માત્ર મુસ્લિમવિરોધી રાજકારણ પર આધારિત છે. આ ચૂંટણીમાં મોદી અને ભાજપે અગણિત અસત્ય અને નફરત ફેલાવ્યાં છે. સવાલ માત્ર મોદી પર જ નથી પરંતુ તે દરેક મતદાર પર છે જેમણે આવાં ભાષણો છતાં ભાજપને મત આપ્યો છે.”