વડા પ્રધાન મોદીનાં ભાષણો, વિપક્ષની ટીકા, મીડિયાની ટિપ્પણીઓ અને ચૂંટણીપંચની ચુપકીદી

ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા 2024ની ચૂંટણી જેમ-જેમ આગળ વધી રહી છે તેમ ચૂંટણીનાં ભાષણોમાં મુસ્લિમો વિરોધી ભાષાના ઉપયોગને કારણે દેશ અને વિદેશમાં ચિંતાઓ વધી છે.

આ ભાષણો એવા સમયે સામે આવ્યાં છે, જ્યારે કેટલાક જાણકારો ભવિષ્યવાણી કરી રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી લોકસભાની ચૂંટણી જીતશે.

એક પૂર્વ ચૂંટણી અધિકારીએ નામ ન છાપવાની શરતે હાલમાં થઈ રહેલાં ભાષણો વિશે કહ્યું, "મેં ક્યારેય આ સ્તરનાં ચૂંટણી ભાષણો જોયાં નથી. ભાષણો આટલાં ઝેરી ક્યારેય નહોતાં. આ અકલ્પનીય છે."

"ભવિષ્ય માટે સારા સંકેત નથી"

રાજનાથ સિંહ. જેપી નડ્ડા અને યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, ANI

મુંબઈમાં 1993માં થયેલાં રમખાણો પછી શાંતિના ઉદ્દેશ્યથી બનેલા સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોસાયટી ઍન્ડ સેક્યુલરિઝ્મના ઇરફાન એન્જીનિયરે કહ્યું કે ભાષણોને કારણે ધ્રુવીકરણ વધશે અને આ ભવિષ્ય માટે સારા સંકેત નથી.

તેમણે કહ્યું, "2014 અને 2019ની ચૂંટણી ભ્રષ્ટાચાર, સારા દિવસો અને રાષ્ટ્રીયતા પર લડવામાં આવી હતી જોકે, લોકસભા 2024ની ચૂંટણી 'મુસ્લિમ વિરોધ' પર લડાઈ રહી છે."

અમેરિકા સ્થિત વિલ્સન સેન્ટરમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના નિદેશક માઇકલ કુગેલમેને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી 400 બેઠકના લક્ષ્યને પાર પાડવા માટે જે પણ થઈ શકે તે કરી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં આપેલા ભાષણ પર સમાચાર પત્ર ઇન્ડિયન ઍક્સપ્રેસે એક તંત્રીલેખ લખ્યો હતો, જેની હેડલાઇન હતી – "ના, વડા પ્રધાન."

રાજસ્થાનની એક ચૂંટણી સભામાં વડા પ્રધાન મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના એક જૂના ભાષણને ટાંકતા મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમને (મુસ્લિમોને) ઘૂસણખોરો અને વધારે બાળકો પેદા કરનારા કહેવામાં આવ્યા હતા.

એક પછી એક ઘણાં નિવેદનો સામે આવ્યાં

નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, વાત એટલે જ અટકી નહીં.

સોશિયલ મીડિયા ઍક્સ પર કર્ણાટક ભાજપની અનામચ અંગે કરેલી એક પોસ્ટ, "મુસ્લિમ વિરોધી" ચૂંટણી જાહેરાત પર પણ વિવાદ થયો હતો.

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને આધારે ભાજપના નેતાઓ જે દાવાઓ કરી રહ્યા છે, વિપક્ષ તે દાવાઓને ખોટા અને વિભાજનકારી ગણાવી રહ્યા છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "કૉંગ્રેસ કહી રહી છે કે અમે (કૉંગ્રેસ) પર્સનલ લૉ થકી શરિયાનો કાયદો લાગુ કરાવશે."

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "મેં જ્યારે કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો વાંચ્યો તો મને આશ્ચર્ય થયું કે આ કૉંગ્રેસ પાર્ટીનો ચૂંટણીઢંઢેરો છે કે મુસ્લિમ લીગનો."

ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવીયે પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "આ સ્પષ્ટ છે કે કૉંગ્રેસ આપણી સંપત્તિ અને નાની બચતો પર નિયંત્રણ કરશે અને મુસ્લિમો સાથે વહેંચણી કરશે."

રક્ષામંત્રી રાજનાથસિંહે એક ભાષણમાં કહ્યું, "કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં આ વખતે સરકારી નોકરીઓ માટે ધાર્મિક લઘુમતીને આરક્ષણ આપવાના સંકેતો આપ્યા છે. જો આ ચૂંટણીઢંઢેરાને લાગુ કરવામાં આવશે તો સશસ્ત્ર દળોને પણ સામેલ કરવામાં આવી શકે છે."

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે એક સભામાં કહ્યું, "કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં કૉંગ્રેસના હાથની સાથે વિદેશી તાકતોનો હાથ પણ નજર આવે છે. જે તમારાં સંતાનોની સંપત્તિ મુસ્લિમોને આપવા માંગે છે."

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં શરિયા કે તાલિબાન જેવા શબ્દોનો કોઈ ઉલ્લેખ નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બાંસવાડાના ભાષણ પર ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પ્રેસવાર્તામાં કહ્યું હતું કે જે લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસે છે તે લોકો ઇન્ડી ગઠબંધન માટે દેશના લોકો કરતા વધારે મહત્ત્વપૂર્ણ છે.

અલગ-અલગ વિચારધારાવાળા લોકો શું કહે છે?

નરેન્દ્ર મોદી અને અરુણ ગોવિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને અરુણ ગોવિલ

ભાષણોની ટીકા પર દક્ષિણપંથી સુવ્રોકમલ દત્તાએ કહ્યું, "આ દેશમાં શું માથું ધડથી અલગ નથી થયું? આ દેશમાં ગજવા-એ-હિંદની વિચારધારા નથી આવી? આ દેશમાં શું વોટ જેહાદ નથી આવી રહ્યો? આ બધી જ વાતો સાચી છે. વડા પ્રધાન આ સત્યને ઉજાગર કરી રહ્યા છે તો શું ગુનો કરી રહ્યા છે?"

ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ વડા પ્રધાન મોદીના ભાષણ પર થઈ રહેલી ટીકાને નકારતા કહ્યું, "મોદીજીએ હંમેશાં મુસ્લિમોના ફાયદા માટે જ વિચાર્યું છે."

તેમણે ઉમેર્યુ, "મુસ્લિમોનો અર્થ ઘૂસણખોર નથી. આપણે કેમ તે વાતને મુસ્લિમો પર થોપીએ છીએ. પાકિસ્તાનથી આવેલા લોકો દેશને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાંગ્લાદેશથી આવેલા લોકો દેશના લોકોના રોજગાર લૂંટી રહ્યા છે. વધારે બાળકો પેદા કરનારા હિંદુ પણ છે અને મુસ્લિમ પણ."

ચૂંટણીપંચ કેમ ચૂપ છે?

ચૂંટણી પંચ

ઇમેજ સ્રોત, ANI

ચૂંટણીપંચે 16 એપ્રિલે આચાર સંહિતા લાગુ થયા બાદ તેના એક મહિના પછી એક નિવેદન જાહેર કર્યું હતું.

ચૂંટણીપંચના નિવેદન પ્રમાણે, પંચ પાસે લગભગ 200 ફરિયાદો મળી છે, જેમાંથી 169 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ તરફથી 51 ફરિયાદો કરવામાં આવી હતી, જેમાં 38 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી. કૉંગ્રેસ તરફથી 59 ફરિયાદો કરવામાં આવી હતી, જેમાંથી 51 મામલાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

જોકે, ઝેરી ચૂંટણી ભાષણોના આ સમયમાં ચૂંટણીપંચ પર આરોપો લાગે છે કે પંચ જેટલી કડકાઈ વિપક્ષના નેતાઓ પર દેખાડે છે તેટલી કડકાઈ ભાજપના નેતાઓ પર દેખાડતા નથી. તે પણ એવા સમયે જ્યારે ભાજપના નેતાઓ પોતાનાં ભાષણોમાં હિંદુ પ્રતીકોની વાત કરી રહ્યા છે.

ટીએમસીના ડેરેક ઓબ્રાયને આરોપ લગાડ્યો કે ચૂંટણીપંચ "પક્ષપાતી અંપાયર" તરીકે વર્તન કરી રહ્યું છે.

ચૂંટણીપંચના એક અધિકારીએ આ આરોપ પર કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી હતી.

વડા પ્રધાનના ભાષણ પર મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરનાર તમિલાનાડુ કૉંગ્રેસના નેતા સેલ્વાપેરુંથગાઈને બીબીસીએ વાતચીતમાં પૂછ્યું કે જાતિ, ધર્મ અને સમુદાયો પર થઈ રહેલાં ભાષણો વિશે ચૂંટણીપંચ ચૂપ કેમ છે.

એક પૂર્વ ચૂંટણી અધિકારીના મત પ્રમાણે જો ચૂંટણીપંચે પહેલાં આપેલાં ભાષણો પર કડકાઈથી કાર્યવાહી કરી હોત તો આજે આ હાલત ન થઈ હોત.

ચૂંટણીપંચે લાગુ કરેલી આદર્શ આચાર સંહિતા પ્રમાણે, ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ધર્મ, સંપ્રદાય અને જાતિના આધારે મત આપવાની અપીલ પણ ન કરી શકાય.

આચાર સંહિતા પ્રમાણે, કોઈ પણ ધાર્મિક કે જ્ઞાતિ સમુદાય વિરુદ્ધ દ્વેષ ફેલાવતાં ભાષણો અને નારાઓ પર પણ રોક લગાવી છે. વિપક્ષ આ નિયમોને ટાંકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યો છે.

સવાલોની તીવ્રતા વધી જ્યારે વડા પ્રધાન મોદીના બાંસવાડાના ભાષણ માટે મોદીને નહીં પરંતુ પક્ષ પ્રમુખ જેપી નડ્ડાને નોટિસ મોકલવામાં આવી હતી. આ જ રીતે રાહુલ ગાંધીના એક ભાષણ પર રાહુલ ગાંધીને બદલે કૉંગ્રેસ પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવી હતી. આવું પહેલી વખત બન્યું હતું.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, "એ સ્પષ્ટ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપમાનજનક ટિપ્પણીને કારણે ઉત્પન્ન થયેલા દબાવને કારણે ચૂંટણીપંચના હાથ બંધાયેલા છે. જોકે, નિષ્પક્ષ વ્યવહાર હેઠળ ચૂંટણીપંચે રાહુલ ગાંધીની ટિપ્પણી પર નોટિસ મોકલાવવાની જરૂર હતી?"

અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને 48 કલાક સુધી ચૂંટણી સભા ન કરવા માટે આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી તેમને (સુરજેવાલાએ) ભાજપનાં નેતા હેમા માલિની પર કરેલી આપત્તિજનક ટિપ્પણીને કારણે કરવામાં આવી હતી.

આ સિવાય ભાજપનાં ઉમેદવાર કંગના રનૌત પર સોશિયલ મીડિયામાં કરવામાં આવી ટિપ્પણીને લીધે ચૂંટણીપંચે કૉંગ્રેસ પ્રવકતા સુપ્રિયા શ્રીનેતની ટીકા કરી હતી.

ભાષણોમાં વધતી તીક્ષ્ણતાનું કારણ શું છે?

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ બાંસવાડામાં ભાષણ ચૂંટણીના બીજા તબક્કાની પહેલાં કર્યું હતું. બીજા તબક્કામાં કેરળ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની કેટલીક બેઠકો પર મતદાન થયું હતું.

અમેરિકાની જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં ભારતીય રાજનીતિના પ્રોફેસર ઇરફાન નૂરુદ્દીન પ્રમાણે, "વડા પ્રધાન મોદીએ છેલ્લાં દસ વર્ષોમાં પાર્ટીની કોર વોટબૅન્કને મનાવવા માટે માત્ર ઇશારાથી કામ ચલાવ્યું. અને વધારે તીક્ષ્ણ નિવેદનો આપવાનું કામ અન્ય નેતાઓ પર છોડી દીધું હતું."

"જોકે, તેઓ (મોદી) આ વખતે જે રીતે નિવેદનો આપી રહ્યા છે તે એક મોટો ફેરફાર છે. અહીં ઉલ્લેખનીય છે કે કબ્રસ્તાન અને શ્મશાનવાળું ભાષણ પણ વિવાદોમાં રહ્યું હતું."

પ્રોફેસર નૂરુદ્દીને કહ્યું કે, "આ એક સંકેત છે કે ભાજપને લાગી રહ્યું છે કે અર્થતંત્ર સાથે જોડાયેલી વાતો મતદારોને અપીલ નથી કરતી. કારણ કે ગામડાં અને શહેરોમાં બેરોજગારી અને નોકરીઓ માટે નવી તક ઊભી કરવી એક મહત્ત્વપૂર્ણ પડકાર છે."

તેમણે ઉમેર્યું, "ભાજપના લોકોને એ પણ અંદાજો છે કે ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલની ધરપકડને કારણે પણ પોતાને (ભાજપ) નુકસાન થયું હતું. આ પગલાને કારણે વિપક્ષની એકતા વધી અને તેઓ 'લોકતંત્ર ખતરામાં છે'ના નારાને જોશ સાથે લગાવી રહ્યા છે."

પ્રોફેસર અરવિંદ કેજરીવાલની ધરપકડને (ભાજપના) અતિ આત્મવિશ્વાસનું પરિણામ માને છે. તેમના મત પ્રમાણે ભાજપને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ચૂંટણીમાં લાભ આશા પ્રમાણે મળ્યો નથી.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચૂંટણી ભાષણોમાં રાહુલ ગાંધી પર હુમલામાં અદાણી, અંબાણીના ઉલ્લેખ પર પૂછ્યું કે જે વ્યક્તિઓ વિશે માનવામાં આવે છે કે તેઓ ભાજપની નજીક છે તેમનો ઉલ્લેખ કરવા પાછળ શું તર્ક છે. પ્રોફેસર પૂછે છે કે કોણ આ વાત પર ભરોસો કરશે.

અમેરિકાની એક યુનિવર્સિટીમાં ભારતીય મૂળના એક પ્રોફેસરે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોમાં થયેલી તોડફોડને કારણે પણ કેટલાક લોકો ભાજપથી દૂર થયા.

માઇકલ કુગેલમૅન કહ્યું કે વડા પ્રધાન મોદીને ભરોસો છે કે તેમની પાર્ટી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે. તેઓ પોતાના મુખ્ય સમર્થકો થકી આગળ જતા અન્ય લોકોને જોડવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું, "જો આ વાત છે તો આ સ્માર્ટ નીતિ નથી. જો તેઓ મુસ્લિમ મતદારો, સ્વતંત્ર વિચાર ઘરાવતા મતદારો, અને એવા મતદારો જેમને રાજકારણમાં વધારે રસ નથી તેવા લોકોને પોતાની (ભાજપ) તરફ આકર્ષવા માટે જે પ્રકારની ભાષાનો તેઓ (નરેન્દ્ર મોદી) ઉપયોગ કરી રહ્યા છે તેને ટાળવી જોઈએ."

માઇકલ કુગેલમૅન આ પ્રકારના ભાષણની ભાષાને દુર્ભાગ્યપૂર્ણ માને છે.

ભાજપની નીતિઓના સમર્થક ડૉ. સુવ્રોકમલ દત્તાના મત પ્રમાણે, "વડા પ્રધાન મોદી અને ભાજપના નેતાઓનાં ભાષણો વિભાજનકારી રાજકારણ નથી. આ વાતો દેશની સંપ્રભુતા, સુરક્ષા, અખંડતા અને રણનીતિ સાથે જોડાયેલી છે."

તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી સતત કહી રહ્યા છે કે કૉંગ્રેસે આ બધી વસ્તુઓ કરી છે અને આ પ્રકારનું જોખમ છે. આ કારણે જ દેશ અને સમાજે સાવચેત રહેવું જરૂરી છે."

"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો મજબૂરીમાં કહેવા પડે છે. શું એ ઐતિહાસિક તથ્ય નથી કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે આ દેશનાં રાષ્ટ્રીય સંસાધનો પર પહેલો હક્ક લઘુમતીનો ખાસ કરીને મુસ્લિમોનો છે."

ટીકાકારોના મત પ્રમાણે ભાજપના નેતા અને સમર્થક જાણીજોઈને મનમોહનસિંહના ભાષણના એક ખોટા સંદર્ભમાં લઈ રહ્યા છે.

અમેરિકા અને પશ્ચિમના દેશો આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે?

નરેન્દ્ર મોદી અને જૉ બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની એક યુનિવર્સિટીમાં ભારતીય મૂળના એક પ્રોફેસરના મત પ્રમાણે પશ્ચિમ દેશોના મીડિયામાં ભારત અને ભારતીય રાજકારણ વિશે જે કંઈ પણ લખાઈ રહ્યું છે તે સારું નથી.

તેમણે કહ્યું કે, "ભારતીય લોકતંત્ર, ભાજપના નેતાઓનાં ભાષણ પર આવી રહેલા રિપોર્ટો, આ ઉપરાંત નિજ્જર હત્યાકાંડમાં ભારતની કથિત સંડોવણીના રિપોર્ટ પણ આવી રહ્યા છે. આ બંને રિપોર્ટોને એકસાથે જોવામાં આવે તો એ કહેવું ખોટું નથી કે અમેરિકામાં આ બાબતે ચિંતાઓ વધી છે".

પશ્ચિમના મીડિયામાં સમાચાર અહેવાલો અને લેખોમાં સતત લખવામાં આવી રહ્યું છે કે, "ભારતમાં લોકતંત્ર નબળું પડી રહ્યું છે અને લઘુમતીની સ્થિતિ સારી નથી. અહીં ઉલ્લેખનીય છે કે પશ્ચિમના દેશો અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક રાજકારણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનું મહત્ત્વ વધ્યું છે".

પ્રોફેસર ઇરફાન નૂરુદ્દીન કહે છે કે આ સમયે દુનિયાનું ધ્યાન ભારત અને ભારતીય લોકતંત્રની નકારાત્મક વાતો તરફ છે.

નૂરુદ્દીન નિજ્જર હત્યાકાંડના મામલે અમેરિકાના સમાચાર પત્ર વૉશિંગટન પોસ્ટમાં છપાયેલા એક અહેવાલ અને ઑસ્ટ્રેલિયામાં કથિતરૂપે ભારતીય જાસૂસ વિશે છપાયેલા રિપોર્ટની તરફ ઇશારો કરે છે. ભારતે નિજ્જર હત્યાકાંડ મામલે કોઈપણ પ્રકારની ભૂમિકા અંગે ઇન્કાર કર્યો છે.

પ્રોફેસર નૂરુદ્દીને કહ્યું, "અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એ દેશો છે જે વૈશ્વિક મંચ પર ભારતના મોટા સમર્થક છે."

માઇકલ કુગેલમૅનના મત પ્રમાણે, "વડા પ્રધાન રૂપે નરેન્દ્ર મોદીનાં ભાષણો અને ચૂંટણીભાષણને અલગ-અલગ રૂપે જોવાની જરૂર છે. એક તરફ મુસ્લિમો જ્યારે ભાજપની નીતિઓથી ચિંતિત છે. ત્યારે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતના સંબંધો મધ્યપૂર્વના દેશો સાથે જેટલા મજબૂત છે તેવા અન્ય કોઈપણ ભારતીય નેતાના સમયમાં રહ્યા નથી."

"આ દેશ ભારતની પરિસ્થિતિઓ વિશે કશું નહીં કહે કારણ કે ભારત તેમના માટે એક મહત્ત્વપૂર્ણ બિઝનેસ પાર્ટનર છે."

કુગેલમૅને કહ્યું કે મને નથી લાગતું કે પાકિસ્તાન, ચીનને છોડીને કોઈ દેશ કે તેના રાષ્ટ્ર અધ્યક્ષ ભારતમાં ચૂંટણી ભાષણો કે અન્ય કોઈ વિષયોની ટીકા કરશે. જોકે, પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે વિદેશી જમીન પર નિજ્જર હત્યાકાંડમાં ભારત પર આરોપ લાગે છે.

તેમણે કહ્યું, "ઘણા સમયથી ભારત ધર્મનિરપેક્ષતાથી દૂર જઈ રહ્યો છે. ચૂંટણી સભાનાં ભાષણોથી ભારતની દિશાને લઈને ચિંતા વધે છે. કારણ કે ભાષણમાં કહેલી વાતોને સરળતાથી હેટ-સ્પીચ ગણી શકાય છે."

ભાજપના નેતાઓ આ આરોપોને નકારી રહ્યા છે

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના નેતાઓ આ આરોપોને સતત નકારી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વિષયોના દક્ષિણપંથી જાણકાર સુવ્રોકમલ દત્તના મત પ્રમાણે ભારત વિશે આંતરરાષ્ટ્રીય દેશ કે પશ્ચિમી દેશ શું બોલે છે તેની ભારતને ચિંતા નથી.

તેમણે કહ્યું, "તેમણે (ટીકાકારોએ) પોતાના દેશની સ્થિતિ જોવી જોઈએ. સ્વીડન, ફ્રાંસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે તોફાનો કર્યાં છે, જે રીતે લંડનમાં બૉમ્બ હુમલા થયા છે, જે રીતે મૉસ્કોના થિયેટરોમાં આઈએસના હુમલામાં લોકો માર્યા ગયા છે, અમેરિકામાં જે રીતે અશ્વેત, સ્પેનિશ લોકો સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે, ત્યાં કેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે. અમેરિકા કઈ રીતે આ બધી વાતો કરે છે. અમેરિકા અને યુરોપે પહેલાં પોતાની સ્થિતિ વિશે વિચારવું જોઈએ."

ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ જમાલ સિદ્દીકીના મત પ્રમાણે, "વડા પ્રધાનની સામે જ્યારે સવાલો થાય છે, કૉંગ્રેસ જ્યારે પોતાનો ચૂંટણીઢંઢેરો બહાર પાડે છે, જ્યારે કૉંગ્રેસના શાહજાદા રાહુલ ગાંધી પોતાની વાત લોકો સામે રાખે છે, જ્યારે તેઓ મોદી પર નિશાનો સાધે છે તો મોદીજીએ પણ પોતાની વાત લોકો સમક્ષ કહેવી પડે છે."

વડા પ્રધાન મોદીએ હાલમાં જ ટાઇમ્સ નાઉ ટીવી ચૅનલ સાથેની વાતચીતમાં મુસ્લિમો વિશે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું, "આત્મમંથન કરો અને વિચારો દેશ આટલો આગળ વધી રહ્યો છે. જો તમારા સમાજમાં અછત અનુભવો છો તો તેનું કારણ શું છે? સરકારી યોજનાઓનો ફાયદો કૉંગ્રેસની સરકારમાં તમને કેમ ન મળ્યો?"