રૂપાલા : કબડ્ડીના કૅપ્ટનથી શરૂ કરી રાજકારણના ‘અઠંગ ખેલાડી’ બનવા સુધીની સફર

ઇમેજ સ્રોત, Parshottam Rupala / Facebook
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભા ચૂંટણીમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલો વિરોધ હજુ અટક્યો નથી.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર તેમણે કરેલી ટિપ્પણી માટે માફી માગી લીધી છે છતાં આ મામલે ‘લાગેલી આગ’ ઠરવાનું નામ નથી લઈ રહી.
ડાયરાના શોખીન અને ભાજપમાં ક્રાઉડપુલર (શ્રોતાઓની ભીડ ભેગી કરનારા નેતા) તરીકે જાણીતા રૂપાલાને ભાજપમાં સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. તેમની રમુજી શૈલીનાં ભાષણોને કારણે ઉમેદવારો તેમની સભા કરાવવાનો આગ્રહ કરતા જોવા મળે છે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહેલા રૂપાલાની સફર અમરેલીના મતીરાળા ગામથી શરૂ થઈ હતી.
કિશોરાવસ્થામાં કબડ્ડીના ખેલાડી રહી ચૂકેલા રૂપાલાને રાજકીય અખાડામાં ભાજપના નેતા દિલીપ સંધાણીનો હાથ પકડીને આવ્યા હતા.
"દિલીપભાઈ સંઘાણીને તમાકુવાળા પાન ખાવાની આદત હતી અને રૂપાલાને ધૂમ્રપાન કરવાની. બંને પોતાની આ આદતો છોડી શકતા નહોતા. બંનેએ એક સાથે મળીને નક્કી કર્યું કે, દિલીપભાઈએ પાન ખાવાનું છોડી દેવું અને રૂપાલાએ સિગારેટ છોડી દેવી. બંનેમાંથી કોઈપણ જો ભૂલ કરતા પકડાય તો, જેણે ભૂલ કરી હોય તેને જે સજા નક્કી થાય તે ભોગવવી પડે."
"થોડા સમય બાદ રૂપાલા ધૂમ્રપાન કરતા પકડાઈ ગયા. દિલીપભાઈએ તેમને તેમનો હાથ ધરવાનું કહ્યું અને હાથની ચામડી ઉપર ખૂબ જ ધીરે ધીરે સળગતી સિગારેટ બુઝાવી. થોડીવારમાં એ જગ્યા પર એક મોટો ફોડલો ઊપસી આવ્યો પણ આ બંને મિત્રો તો, જાણે કંઈ જ બન્યું ન હોય તેમ હસી મજાક કરી રહ્યા હતા."
આ ઘટનાનો ઉલ્લેખ કેન્દ્રીય મંત્રી અને લોકસભાની ચૂંટણીમાં રાજકોટથી ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને અમરેલીથી ભાજપના પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણીના મિત્ર ડૉ. ભરત કાનાબારે પરશોત્તમ રૂપાલાના જીવન પર લખેલા પુસ્તક ‘પુરુષાર્થ યાત્રા’માં છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે આજે બંને કોઈ વ્યસનો ધરાવતાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળપણની યાદોને તાજા કરતા ડૉ. ભરત કાનાબાર કહે છે, "અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામમાં ધોરણ ચાર સુધીની જ નિશાળ હતી. તેમના પિતાએ પાંચમા ધોરણમાં ભણવા માટે તેમને મતીરાળામાં એક સબંધીને ત્યાં મૂક્યા હતા."
ડૉ. કાનાબાર તેમના પુસ્તકમાં લખે છે, "મતીરાળામાં ભણવાને બદલે તેઓ સીમમાં રખડતા રહેતા. ઘરે ખબર પડતાં તેમને અમરેલીની નૂતન મિડલ સ્કૂલમાં દાખલ કર્યા અને તેથી તેઓ ઇશ્વરીયાથી રોજ 6 કિલોમીટર પગપાળા ચાલીને મિત્રો સાથે નિશાળે આવતા. તેઓ બહુ ઓછાબોલા અને અંતર્મુખી પ્રકૃતિવાળા હતા પરંતુ મસ્તીખોર હતા."
તેઓ કબડ્ડીના મહત્ત્વના ખેલાડી હતા. દરવર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડીની સ્પર્ધા યોજાતી તેમાં અમરેલીની કૉલેજ જ ચૅમ્પિયન બનતી.
કાનાબાર કહે છે, "કબડ્ડીની રમતમાં કૅચર ટ્રિક હોય છે. જેમાં એવો ખેલાડી કે જે હરીફ ટીમના ખેલાડીને પકડી પાડે. રૂપાલા આ ભૂમિકામાં હોશિયાર હતા."
તેમનું માનવું છે કે કૅચર તરીકેની આવડત તેમને રાજકારણમાં પણ ખાસ્સી એવી ઉપયોગી થઈ એવું લાગે છે.
સંઘાણીને કારણે રાજકારણમાં પ્રવેશ

ઇમેજ સ્રોત, @PRupala
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલીપ સંઘાણી જ રૂપાલાને રાજકારણમાં લઈ આવ્યા હતા. બંને બાળપણથી જિગરી દોસ્તો રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દિલીપ સંઘાણી કહે છે, "કૉલેજકાળમાં જ્યારે હું જીએસની ચૂંટણી લડ્યો હતો, ત્યારે પણ તેઓ મારી સાથે હતા. તેમણે બી.એસસી. બી.એડ. કર્યું અને હું આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયો. તેઓ શિક્ષક થયા."
કાનાબાર પોતાના પુસ્તકમાં લખે છે, "1980માં ધારાસભાની ચૂંટણીમાં જનસંઘ તરફથી દિલીપભાઈ સંઘાણીને ધારાસભાની ટિકિટ ફાળવવામાં આવી હતી. દિલીપભાઈની ચૂંટણી સમયે રૂપાલા અમરેલી નગરપાલિકામાં ચીફ ઑફિસર હોવાને કારણે ચૂંટણી વ્યવસ્થાના ઝોનલ ઑફિસર પણ હતા. પરદા પાછળ રહીને દિલીપભાઈના ચૂંટણી પ્રચારનું સમગ્ર તંત્ર રૂપાલા સંભાળતા. કૉંગ્રેસે તેમની સામે ફરિયાદ કરી અને કલેક્ટરે તેમને જવાબદારીમાંથી છૂટા કર્યા."
કાનાબારે બીબીસી ગુજરાતીને કહ્યું, "આ ચૂંટણી દરમિયાન એક જ દિવસે તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની સભા હતી અને એકાદ કલાક બાદ અટલબિહારી વાજપેયીની પણ સભા હતી. ચીફ ઑફિસર તરીકે રૂપાલાએ ફાયર ફાઇટર અને લોકો માટે પીવાનાં પાણીનાં ટૅન્કરો વાજપેયીની સભામાં મોકલી આપ્યાં. કલેક્ટરે આ કૃત્ય બદલ પણ રૂપાલાને ઠપકો આપ્યો હતો."
આ ચૂંટણીમાં તો સંઘાણીને સફળતા હાથ નહોતી લાગી, પણ 1985માં સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યારબાદ તેઓ 1991માં લોકસભાની ચૂંટણી જીત્યા. તેથી અમરેલી વિધાનસભાની બેઠક ખાલી પડી. પછી અહીંથી રૂપાલા જીત્યા અને પહેલીવાર ધારાસભ્ય બન્યા.
1995માં ફરી તેઓ વિધાનસભામાં ચૂંટાયા. તે વખતે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલની સરકાર બની અને રૂપાલા તેમાં નર્મદા, સિંચાઈ અને પાણી પુરવઠા જેવા મહત્ત્વનાં ખાતાનાં મંત્રી બન્યા.
1998માં તેઓ ફરી ધારાસભ્ય બન્યા. તે વખતે કેશુભાઈએ તેમને જીઆઈડીસીના ચૅરમૅન બનાવ્યા.
2001માં કેશુભાઈ પટેલને હઠાવીને ભાજપે નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. મોદી સરકારમાં રૂપાલાએ કૃષિ મંત્રીનો પદભાર સંભાળ્યો.
કાનાબાર દાવો કરે છે કે રૂપાલા કૃષિ મંત્રી બન્યા બાદ ગુજરાત સરકારે પહેલીવાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી.
કૃષિમાં કરેલાં તેમનાં કામોને ગણાવતા કાનાબાર કહે છે, "બીટી કૉટન બિયારણને મંજૂરી આપવાનું કામ પણ તેમણે જ કર્યું."
જોકે ત્યારબાદ બીટી કૉટનને કારણે કૃષિક્ષેત્રને લાંબાગાળાનું નુકસાન જાય છે તેવા આરોપો પણ લાગ્યા.
‘પરેશ ધાનાણી તો દૂધ પીતું બચ્ચું છે’

ઇમેજ સ્રોત, @paresh_dhanani
2002માં ગોધરાકાંડ થયો અને ત્યારબાદ ચૂંટણી આવી. રૂપાલા ફરી અમરેલીથી ચૂંટણીમાં ઊભા રહ્યા.
આ ચૂંટણી રસપ્રદ હતી. તેમની સામે કૉંગ્રેસમાંથી નવાસવા અને યુવા પરેશ ધાનાણી ઊભા હતા.
ધાનાણીની ઉંમર માત્ર 26 વર્ષની હતી. એ ચૂંટણીમાં રૂપાલાની હાર થઈ. તે વખતે ગુજરાતમાં મોદી યુગનો આરંભ થયો હતો પરંતુ અમરેલી વિધાનસભાની બેઠક પરથી રૂપાલાની હાર થઈ.
હારનું કારણ જણાવતા દિલીપ સંઘાણી કહે છે, "તેઓ ભાજપમાં આંતરિક જૂથબંધી હતી તેના કારણે હાર્યા."
બીબીસીના સહયોગી હનિફ ખોખર રૂપાલાની હારનું વધુ એક કારણ જણાવતા કહે છે, "રૂપાલા એક ચૂંટણીસભામાં એવું બોલ્યા કે ‘ધાનાણી તો દૂધ પીતું બચ્ચું છે.’ બસ આ જ મુદ્દાને ધાનાણીએ ઉપાડી લીધો. તેઓ બધી જગ્યાએ દૂધની બૉટલ લઈને ચૂંટણીસભા ગજવતા અને કહેતા કે દૂધ પીતું બચ્ચું પણ તમને હરાવી શકે છે."
"જ્યારે ધાનાણી ચૂંટણી જીત્યા અને તેમનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે પણ તેઓ દૂધની બૉટલ લઈને નીકળ્યા હતા અને રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું હતું."
ચૂંટણી હાર્યા ત્યારબાદ રૂપાલાએ ભાજપના મહામંત્રી તરીકે અને પ્રવક્તા તરીકે કામ કર્યું.
2008, 2016 અને 2018માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા.
2006માં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા. લગભગ સાડાત્રણ વર્ષ સુધી તેમણે આ પદભાર સંભાળ્યો. 2010માં તેઓ રાષ્ટ્રીય ઉપપ્રમુખ બન્યા.
હાલમાં જે રાજ્યસભાની ગુજરાતમાંથી બેઠકો ખાલી પડી હતી તેમાં આશા હતી કે રૂપાલા અને વિજય રૂપાણીને રાજ્યસભાથી સંસદસભ્ય બનાવવામાં આવી શકે છે. પરંતુ બંનેનો નંબર નહોતો લાગ્યો.
રૂપાલાને રાજકોટથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાામાં આવી.
આ વિશે રાજકોટથી પ્રકાશિત થતા દૈનિક ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતાનું માનવું છે કે, "2002 બાદ રૂપાલા પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. મને લાગે છે કે તેમની અહીંથી લડવાની ઇચ્છા નહોતી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહને કારણે તેમણે આ ચૂંટણી લડવાનું સ્વીકાર્યું હોવું જોઈએ."
રૂપાલા અને વિવાદ

ઇમેજ સ્રોત, Dr. BHARAT KANABAR
રૂપાલા સાથે વિવાદોનો પણ નાતો નવો નથી. તેઓ જ્યારે સિંચાઈ અને પાણીપુરવઠા મંત્રી હતા ત્યારે અમરેલી પાસે ડૅમ બનવાનો હતો. ત્યારે તેમના પર કૉંગ્રેસે ડૅમ ગળી ગયાના આરોપ મૂક્યા હતા.
અમરેલીમાં અમરેલી એક્સપ્રેસ નામનું અખબાર ચલાવતા મનોજ રૂપારેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે,"અમરેલી નજીક એક ડૅમ બનવાનો હતો તે વખતે કૉંગ્રેસે તેમના પર ‘ભાજપવાળા ડૅમ ગળી ગયા’ નો આરોપ લગાવ્યો હતો."
જોકે સંઘાણીનું કહેવું છે, "કૉંગ્રેસના વિરોધનું કારણ ભ્રષ્ટાચાર નહોતો. જમીનસંપાદન તથા અન્ય ખર્ચને લઈને ડૅમનો ખર્ચ વધારે થતો હતો તેથી સરકારે તેને બનાવવાનું માંડી વાળ્યું હતું. તેથી કૉંગ્રેસના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ ડૅમ બન્યો પણ ખરો."
તેઓ જ્યારે બગસરા તાલુકા (તે વખતના કુંકાવાવ તાલુકા)ના હામાપુરમાં નવી શરૂ થતી હાઈસ્કૂલના આચાર્ય તરીકે નિમણૂક થઈ.
આ વિશે વધુ પ્રકાશ પાડતા કાનાબાર લખે છે, "આ ગામમાં વસતા તથા આજુબાજુનાં પાદરગઢ અને શીલાણા ગામમાં વસતા કેટલાક અસામાજિક તત્ત્વોની આંખે તેઓ ચડી ગયા હતા. તેમણે આ તત્ત્વોની દાદાગીરી સામે ગ્રામજનોને જાગૃત કરવાનું કામ કર્યું. તેઓ મુશ્કેલીમાં મૂકાય તે માટે આ લોકોએ રૂપાલા પર ચોરી-મારામારીની ખોટી પોલીસ ફરિયાદો પણ કરી."
મનોજ રૂપારેલ કહે છે કે તેમના વિશે મનઘડત અફવાઓ પણ ફેલાઈ હતી.
સંઘાણી કહે છે,"તેમની સામે ઘણી વાતો ઉપજાવી કાઢેલી છે."
દિલીપ સંઘાણી આ વિશે કહે છે, "તેઓ જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમણે હિન્દુ ધાર્મિક ગ્રંથોના ઑર્ડર આપ્યા હતા. તે વખતે તેમના પર આરોપ લગાવાયો કે માત્ર હિન્દુ ધર્મના ગ્રંથો જ તેમણે ખરીદ્યા છે અને અન્ય ધર્મના ગ્રંથો તેમણે નથી ખરીદ્યા. જ્યારે ખર્ચનું ઑડિટ થયું હતું ત્યારે આ વિવાદ થયો હતો."

ઇમેજ સ્રોત, @PRupala
અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે રાજીનામું આપી તેમણે અમરેલીમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય તરીકે નિમણૂક મેળવી પણ અહીં મોટો વિવાદ થયો અને મામલો કોર્ટમાં ગયો.
સંઘાણી આ વિશે જાણકારી આપતા કહે છે, "નિયમ હતો કે એ ગર્લ્સ હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે માત્ર મહિલા જ હોવી જોઈએ. તેથી મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે રૂપાલા વિરુદ્ધ ચુકાદો આપ્યો પછી રૂપાલાએ આ પદ છોડવું પડ્યું."
સંઘાણીએ તેમને 1987-88માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવ્યા. ત્યારબાદ તેમનો રાજકીય ગ્રાફ ઉપર ચડતો ગયો.
તેમના પર કાર્યકર્તાઓ સાથે તોછડાઈથી વાતો કરવાનો પણ આરોપ લાગતો રહ્યો છે.
હનિફ ખોખર કહે છે, "તેઓ આખાબોલા છે અને મિજાજમાં કડક છે. તળપદી અને દેશી કાઠિયાવાડી બોલીમાં બોલતા હોય ઘણીવાર તેઓ તોછડા છે તેવો ભાસ કાર્યકર્તાને થાય છે."
મનોજ રૂપારેલ કહે છે, "ઘણીવાર તેઓ કાર્યકર્તાને અપમાનિત કરે તેવા આરોપો પણ થયા છે. તેથી ઘણીવાર કાર્યકર્તા તેમને ફરિયાદો કરતા ડરે છે."
જોકે, તેમના મિત્રો સંઘાણી અને કાનાબાર કહે છે કે એ તેમનો સ્વભાવ છે.
કાનાબાર કહે છે, "ગેરસમજને કારણે સાચું બોલતા અચકાતા નથી. ખેડૂતની માફક તેમની વાતચીત કરવાની ઢબ ખરબચડી અને ભેળસેળ વગરની છે. ના ન પાડી શકાય તેવા વાયદા માટે તેમણે ક્યારેય હા પાડી નથી. રૂપાલા કોણીએ ગોળ લગાડે તેવા તેવા નથી."
છેલ્લા વિવાદની વાત કરીએ તો હાલમાં તેમનો વિવાદ રાજપૂત સમાજ સાથે ચાલી રહ્યો છે.
પત્રકાર જગદીશ મહેતા કહે છે, "આ બફાટ થયો તેને કારણે તેમના વિરોધીઓને તેમની સામેના જૂના પોપડા ઉખેડવાની તક મળી છે."
કૌશિક મહેતા કહે છે, "આ વિવાદ ચાલતો હોવા છતાં ભાજપ હાઈકમાન્ડને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ છે તેનું ઉદાહરણ ત્યાં મળે છે જ્યારે તેઓ આવી સ્થિતિમાં પણ તામિલનાડુમાં ભાજપનો પ્રચાર કરવા જાય છે."
ડાયરા અને લોકસંસ્કૃતિના ચાહક

ઇમેજ સ્રોત, KAUSHIK MEHTA
તેઓ ડાયરા અને લોકસંસ્કૃતિના ચાહક હોવાનું મનાય છે.
કૌશિક મહેતા કહે છે, "શિક્ષણનો જીવ છે અને સાથે લોકસાહિત્યમાં રસ ધરાવે છે. સરકારી ખાતાનો પણ અનુભવ છે. જેને કારણે તેઓ માર્મિક કટાક્ષ કરી શકે છે. તેમની ડાયરાની ચાહત જાણીતી છે. એક ટીવી ચૅનલ માટે તેમણે હાલમાં જ ડાયરાના કલાકારો સાથે ઇન્ટર્વ્યૂ પણ કર્યા. જોકે આ કાર્યક્રમ બહુ લાંબો ન ચાલ્યો પણ તે બતાવે છે કે તેમને લોકસંસ્કૃતિમાં કેટલો રસ છે. તેમણે રામાયણના પ્રસંગો પર 'માનસગાથા' નામના એક પુસ્તકનું સંપાદન પણ કર્યું છે. "
જગદીશ મહેતા કહે છે, "તેઓ પ્રભાવી વક્તા છે. શ્રોતાઓને જકડી રાખે છે. તેનું કારણ તેમનો સાહિત્ય પ્રત્યે પ્રેમ છે. લોકસાહિત્ય અને તળપદી ભાષાની કોકટેલ રજૂ કરવાને કારણે તેઓ સભામાં છવાઈ જાય છે. હાસ્યરસ અને રમુજ તથા ટીખળી કરવામાં પણ અનોખી હથોટી ધરાવે છે."
કાનાબાર કહે છે, "તેઓ કાઠીયાવાડી શૈલીમાં વાત કરવા માટે જાણીતા છે. રૂપાલા પોતાના કલાજગત અને સાહિત્યક્ષેત્રના મિત્રોનો સહવાસ શોધી કાઢે છે. ખાસ કરીને આધ્યાત્મિક સાહિત્ય તેમને ખૂબ ગમે છે."
રૂપાલાના મિત્રો માને છે કે તેમની આ પ્રવૃત્તિઓને કારણે જ તેમની રમૂજી શૈલીનાં ભાષણો ક્રાઉડપુલિંગ કરી શકે છે.
જોકે, હાલ તેઓ રાજપૂત સમાજ સાથેના જે વિવાદમાં સપડાયા છે તે વિવાદ ઉકેલવામાં હાલ તેમની કોઈ શૈલી કામ આવી નથી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












