અમેરિકામાં કેમ થઈ રહ્યાં છે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, યુનિવર્સિટી સામે ઊઠ્યા સવાલો

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PURDUE EXPONENT ORG

ઇમેજ કૅપ્શન, 19 વર્ષીય નીલ આચાર્ય
    • લેેખક, સવિતા પટેલ
    • પદ, બીબીસી માટે, સેન ફ્રાન્સિસ્કોથી

અમેરિકાના સેન્ટ લુઈસ સ્થિત વૉશિંગ્ટન યુનવર્સિટીમાં અભ્યાસ કરતા જે સુશીલ અત્યંત દુ:ખી છે. તેમના સહપાઠી અમરનાથ ઘોષનું ફેબ્રુઆરીમાં મૃત્યુ થયું હતું.

34 વર્ષના અમરનાથ ક્લાસિકલ ડાન્સર હતા. તેમના મૃત્યુના આઘાતમાંથી સુશીલ હજુ સુધી બહાર આવ્યા નથી. સ્થાનિક પોલીસ અમરનાથના મૃત્યુને હત્યાનો મામલો ગણીને તપાસ કરી રહી છે.

સુશીલનું કહેવું છે કે અમરનાથના મૃત્યુની જાણકારી મને યુનિવર્સિટીને બદલે ભારતમાં રહેતા મારા એક દોસ્ત પાસેથી પહેલાં મળી હતી.

"અહીં બે દિવસ બાદ તે માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની પ્રતિક્રિયાથી અહીંના વિદ્યાર્થીઓ ખુશ નથી. ભારતીયો શું અનુભવે છે, એવી કોઈને પરવા ન હોય તેવું એ વિદ્યાર્થીઓને લાગે છે."

માહિતી આપવામાં આટલો સમય કેમ થયો?

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WASHINGTONUNIVERSITY

કેમ્પસ બહારના રસ્તા પર કોઈએ ઘોષની ગોળી મારીને હત્યા કરી હતી.

યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે પોલીસ મૃતકની ઓળખની પુષ્ટિ કરે એ પછી જ તેઓ કોઈ વિદ્યાર્થીના મૃત્યુની માહિતી આપી શકે છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયામાં સમય લાગે છે. એ ઉપરાંત વિદ્યાર્થીના પરિવારજનોની સંમતિ પણ લેવામાં આવે છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટીના માર્કેટિંગ તથા કમ્યુનિકેશન્શ વિભાગના વાઈસ ચાન્સેલર જૂલી ફ્લોરીએ આ બનાવને "દુર્ઘટના" ગણાવ્યો છે.

તેઓ કહે છે, "અમે અમરનાથની નજીકના લોકોની ઇચ્છા જાણીને શક્ય હોય તેટલા વહેલા આ સમાચાર અમારી કમ્યુનિટીમાં શેર કર્યા હતા."

સેન્ટ લુઈસ પોલીસ વિભાગનું કહેવું છે કે મૃતકની ઓળખની પુષ્ટિમાં 48 કલાક થયા હતા અને ઘણા કિસ્સામાં તેનાથી પણ વધારે સમય લાગે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થીઓનાં મૃત્યુ

અમેરિકામાં આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય કે ભારતીય મૂળના 11 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. અમરનાથ ઘોષ એ પૈકીના એક છે. આ પરિસ્થિતિને લીધે અહીં રહેતા ભારતીય સમુદાયમાં ભય વ્યાપી ગયો છે.

આ લોકોનાં મૃત્યુનાં કારણો અલગ-અલગ જણાવવામાં આવે છે. કોઈનું હાઈપોથર્મિયાને લીધે તો કોઈનું ગોળીબારને લીધે મૃત્યુ થયું છે.

જાણકારોનું કહેવું છે કે આ બધા મૃત્યુ વચ્ચે કોઈ સ્પષ્ટ કડી નથી.

પ્રત્યેક મોત પછી કૅમ્પસમાં ખળભળાટ થાય છે. વિદ્યાર્થીઓ ભય વચ્ચે પોતાની દૈનિક દિનચર્યા અને અભ્યાસ ચાલુ રાખે છે.

સુશીલ કહે છે, "અમે અંધારું થયા પછી બહાર જવાનું ટાળીએ છીએ. રાતના સમયે અસલામત હોય તેવી જગ્યાઓ અમે ઓળખી કાઢી છે. આનાથી વધારે તો અમે શું કરી શકીએ?"

સુશીલની માફક એવા અનેક લોકો છે, જેઓ ફરિયાદ કરે છે કે મોત બાબતે તેમને યુનિવર્સિટી તરફથી સમયસર માહિતી મળતી નથી. બલકે એ માહિતી ભારતીય મીડિયા તથા સગાસંબંધીઓ પાસેથી મળે છે.

એપ્રિલમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NITYA VEDANTAM

ઇમેજ કૅપ્શન, અમરનાથ ઘોષ નામના ક્લાસિકલ ડાન્સરનું મૃત્યુ ફેબ્રુઆરીમાં થયું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વર્ષના મોહમ્મદ અબ્દુલ અરફાત માર્ચથી લાપતા હતા.

આ મહિને તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. એક વિદ્યાર્થીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે તેમણે અને અરફાતે કૉલેજમાં એક સાથે ઍડમિશન લીધું હતું.

અરફાતનાં માતા-પિતાના દીકરાના મોતની જાણકારી એક વૉટ્સઍપ મૅસેજ મારફત મળી હતી. તેઓ કહે છે, "મારાં માતા-પિતાએ મને કહ્યું હતું કે મારે સતર્ક રહેવું જોઈએ."

2022-23માં લગભગ 2,67,000 ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઍડમિશન લીધું હતું. આ સંખ્યા 2030 સુધીમાં દસ લાખ સુધી પહોંચવાનું અનુમાન છે.

ન્યૂયૉર્કમાં રહેતાં ઍજ્યુકેશન ઍક્સપર્ટ રાજિકા ભંડારી કહે છે, "અમેરિકામાંથી મેળવવામાં આવેલી ડિગ્રીની ચાહત ભારતમાં બહુ વધારે છે. ભારતીય પરિવારો તેનાથી આકર્ષિત થતા હોય છે."

ન્યૂ જર્સી સ્થિત ડ્રુ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફસર સાંગય મિશ્રાના કહેવા મુજબ, આવા મૃત્યુને એકમેકની સાથે સંબંધ હોય તેવી કોઈ સ્પષ્ટ પેટર્ન નથી અને તેઓ ભારતીય હોવાને કારણે આવું થાય છે એવી વાતોમાં ફસાવું જોઈએ નહીં.

તેઓ કહે છે, "આવું વંશીય દુશ્મનીને કારણે થતું હોય કે આ વંશના આધારે કરવામાં આવેલા હુમલા હોય તેવું મને કશું જાણવા મળ્યું નથી."

તેમનાં માતા-પિતા શું વિચારે છે?

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CLEVELAND STATE UNIVERSITY

અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનાં માતા-પિતા તેમનાં સંતાનો સાથે નિયમિત સંપર્ક જાળવી રાખવાના પ્રયાસ કરતા હોય છે.

મીનુ અવલનો પુત્ર યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફોર્નિયામાં અભ્યાસ કરે છે. તેઓ કહે છે, "ભારતમાં આવા સમાચાર સાંભળીએ ત્યારે અમને ડર લાગે છે."

મીનુ અવલના કહેવા મુજબ, કોઈ લૂંટી જાય તો પણ પ્રતિક્રિયા આપવાની નથી, એવું તેમણે તેમના પુત્રને કહી રાખ્યું છે.

તેઓ કહે છે, "મેં તેને કહ્યું છે કે એવી પરિસ્થિતિમાં તારી પાસે રોકડ કે જે કંઈ હોય તે આપીને ત્યાંથી ચાલ્યા જવાનું છે."

જયપુરમાં રહેતાં નીતુ મર્દાની દીકરી ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. નીતુ તેમની દીકરી સાથે રોજ વાત કરે છે અને દીકરીના દોસ્તોના ફોન નંબર પણ નોંધી રાખ્યા છે.

તેઓ કહે છે, "અજાણ્યા લોકો સાથે એકલા બહાર નહીં જવાની સૂચના મેં તેને આપી છે."

અત્યંત દબાણ હેઠળ હોય છે વિદ્યાર્થીઓ

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અલગ-અલગ પરિસરોમાં રહેતા વિદ્યાર્થીઓ પણ પોતાની રીતે સલામતીના નિયમોનું પાલન કરે છે.

અનુષ્કા મદાન અને ઇશિકા ગુપ્તા મૅસેચ્યુસેટ્સ સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટીમાં ઍસોસિએશન ઑફ સાઉથ એશિયન્સના સહ-પ્રમુખ છે.

એ બન્નેનું કહેવું છે કે રાતે કૅમ્પસમાં એકલા નહીં ફરવા જેવા સલામતી સંબંધી કેટલાક નિયમ-કાયદાઓ છે.

ઇશિકા ગુપ્તા કહે છે, "બૉસ્ટન સામાન્ય રીતે બહુ સલામત છે, પરંતુ હવે અમે થોડાક વધુ સતર્ક રહીએ છીએ અને આસપાસ નજર રાખતા રહીએ છીએ."

શારીરિક સલામતીની સાથે યુનિવર્સિટીઝ વિદ્યાર્થીઓ પર પડતા માનસિક દબાણ બાબતે પણ જાગૃત છે.

રાજિકા ભંડારી કહે છે, "આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ તો સ્પષ્ટ થઈ ગયું છે. તેનું કારણ વધારે પડતું નાણાકીય દબાણ અને શૈક્ષણિક દબાણ પણ છે, જેથી તેમના વીઝા સ્ટેટસ પર કોઈ નકારાત્મક પ્રભાવ ન પડે."

તેઓ ઉમેરે છે, "આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ તેમના ઘરથી હજારો કિલોમીટર દૂર રહેતા હોય છે. તેનું માનસિક દબાણ બહુ મોટું હોય છે."

સીએસયુ યુનિવર્સિટીના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર રીના અરોડા-સાંચેઝ કહે છે, "આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પોતાની સપોર્ટ સિસ્ટમ છોડીને એક નવા કલ્ચર તરફ આગળ વધે છે ત્યારે ભારે તણાવમાંથી પસાર થતા હોય છે."

ભારતીય વિદ્યાર્થીઓને કેવી મદદ મળે છે?

અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા ખાતેનો ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓ માટે એવા દિશાનિર્દેશ બહાર પાડતો હોય છે કે દૂતાવાસનો સંપર્ક કેવી રીતે કરી શકાય. એ સિવાય સમયાંતરે ઑનલાઇન અને ઇન-પર્સન સેશન્સ પણ રાખવામાં આવે છે.

પ્રથમ મહેતા જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં ઇન્ડિયા ક્લબના પ્રમુખ છે.

પ્રથમના કહેવા મુજબ, તેઓ સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. કૅમ્પસમાં અનેક પ્રકારની થેરપી સર્વિસીઝ છે. ઇન્ડિયા ક્લબ અસલામતી અનુભવતા આવા વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં મદદ પણ કરે છે.

પ્રથમ કહે છે, "સીએફયુ એક ઍપ સર્વિસ આપે છે. તેની મારફત વિદ્યાર્થી પોલીસ વિભાગનો સંપર્ક કરી શકે છે. કૅમ્પસ અને તેની આસપાસના જે વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં સુધીની મફત સેફટી ઍસ્કોર્ટ સર્વિસ પણ તેની મારફત આપવામાં આવે છે."

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ફેબ્રુઆરીમાં કહ્યુ હતું, "અમેરિકા ભણવા તથા રહેવા માટે શાનદાર જગ્યા છે તે ભારતીયો માટે સુનિશ્ચિત કરવા અમે કટિબદ્ધ છીએ."

જોકે, હાલમાં થયેલાં મૃત્યુએ આ મુદ્દા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

રાજિકા ભંડારી કહે છે, "ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઝંખના વધી રહી છે અને આ વાત અમેરિકન યુનિવર્સિટીઝ જાણે છે, પરંતુ સલામતી સંબંધે ગંભીર ચિંતા છે એ પણ સ્પષ્ટ છે."

આવી અનિશ્ચિતતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ માટે અમેરિકા પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

જયપુરમાં રહેતા સ્વરાજ જૈન આ વર્ષે ઑગસ્ટમાં ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવાના છે. તેઓ અત્યંત ઉત્સાહિત છે અને તેમને પડકારોનો પણ ખ્યાલ છે.

તેઓ કહે છે, "હિંસા અને ગુનાખોરીની વાત બધા કરે છે. મારે સતર્ક રહેવું પડશે."