મોદી સરકારે દસ વર્ષમાં કેટલા કાયદામાં ફેરફાર કર્યા, નાગરિકો પર કેવી અસર થઈ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદાતા
દિલ્હીમાં ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે અને વિવિધ રાજ્યોમાંની તેની સરકારોએ વ્યાપક કાયદાકીય ફેરફારો કર્યા છે.
તેમણે અંગ્રેજોના સમયના ઘણા કાયદાઓના સ્થાને અનેક નવા કાયદા બનાવ્યા છે.
વિરોધ પક્ષો અને કર્મશીલોના કહેવા મુજબ, ઘણા કાયદાઓ લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેમજ સરકારને વધુ સત્તા આપે છે.
નવા અથવા બદલવામાં આવેલા કેટલાક મુખ્ય કાયદાઓ અને લોકોના રોજિંદા જીવન પર તેની શું અસર જોવા મળી છે અથવા શું અસર થઈ શકે છે તેની સંક્ષિપ્તમાં અહીં વાત કરવામાં આવી છે.
નવા ફોજદારી કાયદા

કેન્દ્ર સરકારે ડિસેમ્બર-2023માં પાયાના ત્રણ ફોજદારી કાયદાઓમાં ફેરફાર કર્યો હતો. એ કાયદાઓ લગભગ 150 વર્ષથી અમલમાં હતા. તે કાયદાઓમાં ભારતીય દંડ સંહિતા (1860), ક્રિમિનલ પ્રોસિજર કોડ (1973) અને એવિડન્સ ઍક્ટ (1872)નો સમાવેશ થાય છે.
સરકારે આ ફેરફાર માટે એવું કારણ આપ્યું હતું કે પ્રસ્તુત કાયદાઓ સંસ્થાનવાદી છે અને ભારતીયો પર શાસન કરવા માટે તે બનાવવામાં આવ્યા હતા. જોકે, સરકારે કરેલા ફેરફારોમાં નિષ્ણાતોએ ખામીઓ દર્શાવી છે.

ઇમેજ સ્રોત, ANI
નિષ્ણાતોના કહેવા મુજબ, મોટાભાગના કાયદાઓ સમાન છે. તેથી હાલના વર્તમાન કાયદામાં ફેરફારથી વધારે અસરકારક બનાવી શકાયા હોત.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. દાખલા તરીકે, રાજદ્રોહને સંપૂર્ણપણે દૂર કરવાને બદલે ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો ઉમેરવામાં આવ્યાં છે. આ કૃત્યોની વ્યાખ્યા અસ્પષ્ટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૉબ લિન્ચિંગ જેવા ગુનાઓને કાયદામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
સૌથી મોટો ફેરફાર એ છે કે પોલીસ કસ્ટડીનો સમયગાળો વધારવામાં આવ્યો છે. તેની મર્યાદા 15 દિવસની છે, પરંતુ ગુનાની ગંભીરતા મુજબ તે વધારીને 60 કે 90 દિવસ સુધી લંબાવી શકાય છે.
કાયદા નિષ્ણાતોના કહેવા મુજબ, કેટલાક અન્ય ફેરફારો યોગ્ય માળખાની સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમ કે તમામ ગુના માટે પુરાવાનું ફરજિયાત ફોરેન્સિક કલેક્શન, ખટલાના તમામ તબક્કામાં ઇન્ફોર્મેશન ટેકનૉલૉજીનો વધુ સારો ઉપયોગ અને તપાસ તથા ચુકાદા માટે ફરજિયાત સમય મર્યાદા.
કાયદામાં ફેરફાર સંબંધે બીજી ટીકા તેના ખરડાઓ જે રીતે પસાર કરવામાં આવ્યા હતા એ બાબતે કરવામાં આવે છે. એ સમયે વિરોધ પક્ષના આશરે 150 સંસદસભ્યોને સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા, જે સંસદના કોઈ એક સત્રમાં સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનો આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. તેનો અર્થ એવો થાય કે આ ખરડાઓ વિરોધ પક્ષના સંસદસભ્યો સમક્ષ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યા ન હતા.
ખોરાકની પસંદગી પર નિયંત્રણ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપ શાસિત ઓછાંમાં ઓછાં પાંચ રાજ્યોએ કાં તો ગૌવંશની કતલ અથવા પરિવહન પર પ્રતિબંધ મૂકતા કાયદા પસાર કર્યા છે અથવા તો ગૌસંરક્ષણના વર્તમાન કાયદાઓને વધુ આકરા બનાવ્યા છે.
દાખલા તરીકે, કર્ણાટકે તેના 1964ના કાયદાના સ્થાને 2020માં પશુ કતલ સંબંધી કાયદો બનાવ્યો હતો. ગાયની કતલ પર અગાઉ પણ પ્રતિબંધ હતો ત્યારે આ સરકારે 13 વર્ષથી ઓછી વયના બળદ, ભેંસ અને આખલાઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સજાનો સમયગાળો છ મહિનાથી વધારીને મહત્તમ સાત વર્ષ સુધીનો કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેનો અર્થ "ગૌમાંસના વપરાશ પર મૂળભૂત પ્રતિબંધ" એવો થાય. જોકે, કાયદો પોતે એવું કહેતો નથી. આ ઉપરાંત પશુઓના વેપાર અને પરિવહન જેવા વ્યવસાયો પર પણ તેની અસર થઈ હતી.
હરિયાણા, ગુજરાત, આસામ અને મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યોમાં પણ કાયદામાં સમાન ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આવા કાયદામાં ગાયની કતલ માટેની સજાનો મહત્તમ સમયગાળો સાત વર્ષથી વધારીને આજીવન કેદ સુધીનો કરવામાં આવ્યો છે.
ગૌમાંસ લઈ જતાં હોવાની આશંકાથી કરવામાં આવતી હત્યાઓએ પણ ગૌમાંસ ખાવાના ડરને વધારી દીધો છે.
ખાદ્ય ઉત્પાદનોમાં બદલાવના અન્ય ઉદાહરણોમાં ભાજપ શાસિત દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હલાલ-પ્રમાણિત ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સામેલ છે.
જોકે, કેરળ, મેઘાલય અને નાગાલૅન્ડ જેવાં કેટલાંક રાજ્યો હજુ પણ ગૌહત્યાની છૂટ આપે છે ત્યારે કેટલાંક રાજ્યોમાં ગૌમાંસ પ્રતિબંધક કાયદાઓને અદાલતમાં પડકારવામાં આવ્યા છે.
બૉમ્બે હાઈકોર્ટે કાયદામાંના અન્ય સુધારાઓને માન્ય રાખતાં, મહારાષ્ટ્ર બહારથી લાવવામાં આવેલું ગૌમાંસ રાખવા અને આરોપીઓના અપરાધી ગણવાની જોગવાઈને ગેરબંધારણીય ગણાવી હતી. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તે હાલ વિચારાધીન છે.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની માહિતી મૂકી શકાય તેના પર તેમજ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર આકરા નિયંત્રણ લાદતા ઇન્ટરમીડિયરી રૂલ્સ કેન્દ્ર સરકારે 2021માં બનાવ્યા હતા.
ન્યૂઝ વેબસાઇટ્સ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર કેવી સામગ્રી પ્રસારિત કરવી જોઈએ તે વિશેનાં આકરાં નિયંત્રણો પણ તેમાં સૂચવવામાં આવ્યાં હતાં. તે ગેરબંધારણીય હોવાને કારણે અનેક હાઈકોર્ટ્સમાં પડકારવામાં આવ્યા છે.
આ નિયમોથી પહેલી નજરે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૌલિક અધિકારનું ઉલ્લંઘન થતું હોવાથી બે હાઈકોર્ટે તેના કેટલાક હિસ્સાના અમલ સામે સ્થગન આદેશ આપ્યો છે.
વેબસાઇટ્સ પરથી કન્ટેન્ટ હટાવી લેવાના આદેશોનું પ્રમાણ પણ વધ્યું છે. દાખલા તરીકે, ભારતમાં 2022માં ઍક્સ (અગાઉની ટ્વિટર) પરના 3,417 યુઆરએલ બ્લૉક કર્યા હતા, જ્યારે ભારત બહાર 2014માં માત્ર આઠ ટ્વિટર યુઆરએલ બ્લૉક કરવામાં આવ્યા હતા.
આ આદેશો પ્રાકૃતિક રીતે અપારદર્શી અને સંપૂર્ણપણે વહીવટીતંત્ર દ્વારા સંચાલિત હોવાની ટીકા કરવામાં આવી છે. ઍક્સએ 2022માં 39 ટેકડાઉન ઑર્ડર્સને પડકાર્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે ખેડૂતોના 2021ના વિરોધ પ્રદર્શનને લગતી ટ્વીટ પોસ્ટ કરતા એક એકાઉન્ટને બ્લૉક કરવામાં આવ્યું હતું.
ઇન્ટરનેટ શટડાઉનમાં પણ ઝડપી વધારો થયો છે. વિશ્વમાં કુલ ઇન્ટરનેટ શટડાઉન પૈકીના 50 ટકાથી વધુ ઇન્ટરનેટ શટડાઉન સાથે ભારત ટોચ પર છે. વિરોધને રોકવા અથવા પરીક્ષામાં છેતરપિંડી અટકાવવા ઇન્ટરનેટ બંધ રાખવાના સરકારના આદેશનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇન્ટરનેટ શટડાઉન પર નજર રાખતી સંશોધન સંસ્થા એસએફએલસીના જણાવ્યા અનુસાર, 2014માં છ ઇન્ટરનેટ શટડાઉન થયાં હતાં, જ્યારે 2023માં 80 ઇન્ટરનેટ શટડાઉન થયાં હતાં.
ગોપનીયતાનું રક્ષણ?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ એક દાયકા સુધી ચર્ચા કર્યા પછી સરકારે 2023માં ડેટા પ્રોટેક્શન કાયદો પસાર કર્યો હતો, પરંતુ એ કાયદાની જોરદાર ટીકા કરવામાં આવી છે.
તેમાં સૌથી મોટી ટીકા એ છે કે સરકારે તેમાં એવી અનેક જોગવાઈ કરી છે, જેને લીધે તે કાયદાને બાયપાસ કરી શકે છે. દાખલા તરીકે, કોઈ પણ વ્યક્તિગત ડેટાના પ્રોસેસિંગ વખતે ભારતની અખંડિતતા તથા જાહેર વ્યવસ્થાની જાળવણી વગેરે જેવા અનેક કારણોસર આ કાયદો કેન્દ્ર સરકાર અને તેના વિભાગોને લાગુ પડતો નથી.
એ સિવાય ફરિયાદો બાબતે નિર્ણય લેવા અને કાયદા હેઠળ દંડ વસૂલવા જેવા તમામ નિર્ણયો તથા અમલીકરણનું કામ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
ક્રિમિનલ પ્રોસિજર (આઈડેન્ટિફિકેશન) કાયદા, 2022 મુજબ, કોઈ પણ કાયદા હેઠળ દોષિત ઠરાવવામાં આવી હોય કે ધરપકડ કરવામાં આવી હોય તેવી ગમે તે વ્યક્તિ સંબંધી બાયોમેટ્રિક ડેટા, બાયોલોજિકલ સેમ્પલ્સ વગેરે જેવી માહિતી પોલીસ એકત્રિત કરી શકે છે. સરકારના જણાવ્યા અનુસાર, ગુનાની તપાસમાં મદદ માટે કાયદાને અપડેટ કરવો જરૂરી હતો.
જોકે, નિષ્ણાતોના મતે, આ કાયદો સરકારને લોકોની સર્વગ્રાહી પ્રોફાઇલ તૈયાર કરવા સક્ષમ બનાવે છે. તેને તેમની ગોપનીયતા માટે જોખમી પણ ગણી શકાય છે.
લગ્ન અને છૂટાછેડા

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપ શાસિત ઓછાંમાં ઓછાં સાત રાજ્યોએ 2017થી તેમના ધર્માંતરણ વિરોધી કાયદાઓ મજબૂત બનાવ્યા છે અથવા તો લગ્નને નિયંત્રિત કરતા નવા કાયદા પસાર કર્યા છે.
આ બધામાં સૌથી મોટો બદલાવ એ છે કે તે લગ્ન માટે અથવા લગ્નના કારણે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લાદે છે. મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓને તેમનો ધર્મ બદલવા તેમની સાથે લગ્નની લાલચ આપતા હોવાના હિંદુ પક્ષના વ્યાપક આક્ષેપોને પગલે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ કાયદાને કારણે આંતરધર્મીય યુગલોએ જિલ્લા મેજિસ્ટ્રેટ જેવા સત્તાધીશો પાસેથી મંજૂરી લેવી પડે છે અથવા કોઈને તેમનાં લગ્ન સામે વાંધો હોય તો તેની રજૂઆતની તક આપવા માટે એક કે બે મહિનાની નોટિસ આપવી પડે છે.
અનેક અહેવાલો અનુસાર, આ કાયદાનો ઉપયોગ આંતરધર્મીય યુગલોને નિશાન બનાવવા માટે, ખાસ કરીને પુરુષ લઘુમતી સમુદાયનો હોય ત્યારે, ઘણીવાર કરવામાં આવે છે.
આ કાયદાઓને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યા છે.
ઓછામાં ઓછી બે હાઈકોર્ટે પોતપોતાનાં રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓની, મંજૂરીની આવશ્યકતા તથા પૂર્વ સૂચના જેવી વિવિધ જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. અદાલતોએ જણાવ્યું છે કે આ જોગવાઈઓ પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને અને એ રીતે જીવનના મૂળભૂત અધિકારને અસર કરે છે.
ઉત્તરાખંડની ભાજપ સરકારે યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) પસાર કર્યો તે બીજો મોટો ફેરફાર છે. યુસીસીનો અમલ ભાજપનું લાંબા સમયનું વચન છે.
આ કાયદામાં નોંધપાત્ર ફેરફાર એ છે કે સાથે રહેતા યુગલોએ પણ હવે નોંધણી કરાવવી પડશે અને સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. એ ઉપરાંત દ્વિપત્નીત્વને ગેરકાયદેસર ગણવામાં આવ્યું છે.
યુસીસીની બીજી ટીકા એ છે કે તે મોટા ભાગે હિંદુ કાયદાઓથી પ્રભાવિત છે. જોકે, રાજ્ય સરકારે એવી દલીલ કરી છે કે આ કાયદા હેઠળ તમામ ધર્મોના લોકો સાથે સમાન વ્યવહાર થશે.
સરકારી માહિતી સુધી પહોંચવાનું આસાન છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે તમામ સ્તરે પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપતા મહત્ત્વના કાયદા રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઈ) ઍક્ટમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ફેરફાર કર્યા છે.
તેમાં કદાચ સૌથી મોટો ફેરફાર નવો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ છે.
2023માં આ કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. એ સમયે બીબીસીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ સંબંધી માહિતીને અંગત ગણાવીને અધિકારી તે આપવાનો ઇનકાર કરી શકે છે, કારણ કે આરટીઆઈ ઍક્ટ હેઠળ જાહેર કરવામાં આવતી તમામ માહિતીમાં કેટલાંક વ્યક્તિગત પાસાંઓ તો હોય જ છે.
2019માં આરટીઆઈ ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ સુધારા પછી ઇન્ફોર્મેશન કમિશનર્સની નિમણૂંકની શરતો કેન્દ્ર સરકાર નક્કી કરી શકે છે.
તે કમિશનર્સનો પગાર અને સેવાની શરતો નક્કી કરવાની સત્તા પણ સરકારને આપે છે. તેને સરકારના વધતા નિયંત્રણ તરીકે જોવામાં આવે છે.
અનામત મેળવવાનું આસાન છે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં દસ વર્ષમાં કરાયેલા મુખ્ય ફેરફારો પૈકીનો એક જનરલ કૅટેગરીના આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે અનામતની વ્યવસ્થા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતની આ જોગવાઈમાંથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો જેવા અગાઉ સંરક્ષિત જૂથોને બાકાત રાખવામાં આવ્યાં છે.
તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને પાંચ જજની ખંડપીઠે 3:2ના ચુકાદાએ તેને માન્ય રાખ્યો હતો. એક મુદ્દો એ હતો કે આ સુધારો સુપ્રીમ કોર્ટે 1992માં નક્કી કરેલી 50 ટકાની મર્યાદાનો ભંગ કરતો હોવાથી તેને રદ કરવામાં આવશે કે નહીં. એક ન્યાયાધીશે લખ્યું હતું કે 50 ટકાની મર્યાદા અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેની હાલની અનામતને લાગુ પડે છે, આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટેની અનામતને નહીં.
આ ચુકાદા બાદ ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે 10 ટકા અનામતની જોગવાઈનો ખરડો પસાર કર્યો હતો. કોઈ માન્ય આધાર વિના 50 ટકા અનામતની ટોચમર્યાદાનો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટે અગાઉ તેને રદ કર્યો હતો.
કેટલાંક રાજ્યોએ અગાઉ પણ 50 ટકા અનામતની ટોચમર્યાદાનો ભંગ કર્યો છે. દાખલા તરીકે, તામિલનાડુમાં બેઠકો તથા નોકરીઓમાં 69 ટકા અનામતની વ્યવસ્થા છે, જેને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.
મની લૉન્ડરિંગ ઍક્ટ વધુ કઠોર બનાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે 2019માં પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ (પીએમએલ) ઍક્ટ-2002માં વ્યાપક ફેરફાર કર્યા હતા. કાયદો નોંધપાત્ર રીતે વ્યાપક બનાવ્યો હતો. આ કાયદો શરૂઆતથી જ કડક હતો. જોકે, કાયદા નિષ્ણાતો અને વિરોધ પક્ષના મતે, તેને વધારે કઠોર બનાવવામાં આવ્યો છે.
મની લૉન્ડરિંગના ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આ સુધારાને લીધે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કર્યા વિના પોતાની રીતે તપાસ શરૂ કરી શકે છે.
એ ઉપરાંત આ કાયદો પૂર્વદર્શી રીતે લાગુ કરી શકાય છે અને આવેદનને વ્યાપક બનાવી શકાય છે. દાખલા તરીકે, અપરાધની આવક, ભલે તે પરોક્ષ હોય તો પણ, ધરાવવી હવે દંડનીય છે.
સુપ્રીમ કોર્ટે 2017માં જામીનની આકરી શરતોને રદ કરી હતી. એ શરતોમાં આરોપી “આવા અપરાધનો દોષી નથી” અને તે “જામીન પર મુક્ત હશે ત્યાં સુધી કોઈ ગંભીર ગુનો કરે તેવી શક્યતા નથી” જેવી શરતોનો સમાવેશ થતો હતો. જોકે, 2019માં તે શરતો ફરી ઉમેરવામાં આવી હતી.
દેશની સર્વોચ્ચ અદાલતે 2022માં આ ફેરફારોને માન્ય રાખ્યા હતા. જોકે, એ ચુકાદાની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો સહિતના કાયદા નિષ્ણાતોએ જોરદાર ટીકા કરી હતી. હાલ તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
આ કાયદાનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે.
ઈડીએ 2018માં 195 કેસ નોંધ્યા હતા, જ્યારે 2020માં 981 કેસ નોંધ્યા હતા. 2004થી 2014 દરમિયાન ઈડીએ રૂ. 5,346 કરોડની પ્રૉપર્ટી જપ્ત કરી હતી અને 104 ચાર્જશીટ નોંધી હતી. તેની સરખામણીએ 2014થી 2022 સુધીમાં ઈડીએ રૂ. 99,356 કરોડની પ્રૉપર્ટી જપ્ત કરી હતી અને 888 ચાર્જશીટ્સ દાખલ કરી હતી. ઈડીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પીએમએલ કાયદા હેઠળ જાન્યુઆરી, 2023 સુધીમાં માત્ર 45 લોકો દોષી સાબિત થયા હતા.
આ કાયદા હેઠળ વિરોધ પક્ષના અનેક નેતાઓ, વેપારીઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને પણ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને નવાબ મલિક વગેરે જેવા રાજકીય નેતાઓની પણ આ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.












