પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાએ કહ્યું, ‘રાજકીય પક્ષોને માહિતી અધિકારના કાયદા હેઠળ લાવવા જોઈએ’

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાએ કહ્યું છે કે ચૂંટણી પહેલાં 'લેવલ પ્લેઇંગ ફીલ્ડ' (બધાને બરાબરનો મોકો મળે)ને લગતા ઉલ્લંઘનના આરોપોની તપાસ કરવાની સત્તા ચૂંટણીપંચ પાસે છે.
લવાસાનું માનવું છે કે ચૂંટણી દરમિયાન તપાસ કરતી એજન્સીઓને આચારસંહિતા હેઠળ લાવવી જોઈએ કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
ચૂંટણીપક્ષનું મૂળ કામ કુશળ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન કરવાનું છે. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરે એમ પણ કહ્યું હતું કે સવાલ એ પણ છે કે શું આમ કરવાથી ચૂંટણીપંચ પોતાના મુખ્ય કામથી ભટકી જશે?
લોકસભા ચૂંટણી માત્ર થોડાક જ દિવસો દૂર છે અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. આ સમયે લોકોની નજર ચૂંટણીપંચ ઉપર પણ છે કારણ કે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન કરવાની જવાબદારી તેમની છે.
જોકે જ્યારે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અને ત્યાર પછી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની પ્રવર્તન નિદેશાલયે (ઈડી) ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ કરી ત્યારે રાજકીય ગરમાવો વધી ગયો.
આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસનાં બૅન્ક ખાતાં પણ ફ્રીઝ કરવાના સમાચાર સામે આવ્યા હતા.
આ ઘટના પછી એ સવાલો સતત ઊઠવા લાગ્યા કે સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષોને નિશાન બનાવી રહી છે. એવા સવાલો પણ ઉઠ્યા છે કે ચૂંટણી માટે જરૂરી લેવલ પ્લેઇંગ ફીલ્ડનું ધ્યાન પણ રાખવામાં આવી નથી રહ્યું.
બીબીસીએ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા સાથે આ મુદ્દાઓ અંગે વિશેષ વાતચીત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ચૂંટણીપંચ શક્તિનો ભંડાર છે’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં અશોક લવાસાએ કહ્યું, “કોઈપણ પાર્ટી ચૂંટણીપંચને ફરિયાદ કરે કે આ એજન્સી અમારી વિરુદ્ધ કામ કરીને અમારી ચૂંટણીને લગતા કામોમાં અવરોધ ઊભો કરે છે તો મારી જેટલી સમજ છે તે પ્રમાણે ચૂંટણીપંચ પાસે એટલી સત્તા રહેલી છે કે તેઓ તેના વિશે તપાસ કરી શકે કે આ પ્રકારના આરોપોમાં તથ્ય છે કે નહીં.”
લવાસાના મત પ્રમાણે બંધારણનો અનુચ્છેદ 324 ચૂંટણીપંચને ચૂંટણીનું આયોજન અને નિયંત્રણ કરાવવા માટે સંપૂર્ણ સત્તા આપે છે.
તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટના કેટલાય એવા નિર્ણયો છે જેમાં કહેવામા આવ્યું છે કે ચૂંટણીપંચ શક્તિનો ભંડાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું પણ છે કે જ્યારે આવો મોકો આવે ત્યારે ચૂંટણીપંચ શક્તિ અને પોતાની પાસે રહેલા અધિકારના આ ભંડારનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણીપંચ પોતાના વિવેકનો ઉપયોગ કરી શકે છે અને આવી સ્થિતિમાં જે પણ યોગ્ય નિર્ણય લાગે તે આપી શકે છે.”
લવાસા કહે છે કે ચૂંટણીપંચ એક રેફરી છે અને રેફરી પહેલાથી તેને મળેલી શક્તિઓ પ્રમાણે કામ કરે છે. રેફરી નિયમ અને કાયદાની અંદર રહીને કામ કરે છે અને કોઈ નવો નિયમ લાગુ નથી કરી શકતા.
ભૂતપૂર્વ કમિશનર લવાસાએ કહ્યું કે સૌથી જરૂરી એ સમજવું છે કે આપણા માટે લેવલ પ્લેઇંગ ફીલ્ડનો અર્થ શું છે અને તેને સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની છે.
લવાસાએ કહ્યું, “જેટલા ઉમેદવારો અને પક્ષો ચૂંટણી મેદાનમાં ઊતરે છે તેમની દરેકની પોતાની ક્ષમતા અને સંસાધનો છે. તેમનો પોતાનો એજન્ડા અને પોતાની અસર છે. જોકે, રેગ્યુલેટરની (ચૂંટણીપંચ) જવાબદારી છે કે ચૂંટણી દરમિયાન બધાને સમાન અવસર મળે. હવે, આ વાતને દર્શાવવા માટે ચૂંટણીપંચ કહે છે કે દરેક ઉમેદવારના ખર્ચની સીમા એક જ રહે. આમ, ઉમેદવાર પાસે સંસાધનો ગમે તેટલાં હોય પરંતુ જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે તો તમે નિશ્ચિત સીમામાં જ ખર્ચ કરી શકો છો.”

ઇમેજ સ્રોત, ANI
તેમણે ઉમેર્યું કે બીજી વાત ઉમેદવાર અને રાજકીય પક્ષોના વ્યવહારની છે. તેમના વ્યવહારને નિયંત્રિત કરવા માટે અને સ્વીકાર્ય બનાવવા માટે આચારસંહિતા બનાવવામાં આવી છે.
બીબીસીને લવાસાએ જણાવ્યું, “આ એક અલગ વ્યવસ્થા છે જેને ભારતમાં બનાવવામાં આવી છે. તેની ખાસિયત એ છે કે બધા જ રાજકીય પક્ષોની સહમતી સાથે બનાવવામાં આવી છે. લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ અને અદાલતો તેનાં કાર્યક્ષેત્રની બહાર છે. આમ, ચૂંટણીપંચ આચારસંહિતા દ્વારા અથવા કોઈ અન્ય રીતે આ એજન્સીઓને નિયંત્રિત નથી કરી શકતું.”
તેમણે કહ્યું, “બંધારણે ચૂંટણીપંચને જે શક્તિઓ આપી છે તે પ્રમાણે ઘણી સરકારી એજન્સીઓ અને સરકારી તંત્ર તેમના ક્ષેત્ર હેઠળ આવે છે. જોકે, લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ અને કોર્ટ પ્રત્યે આશા રાખવામાં આવે છે કે તે કાયદાની યોગ્ય પ્રક્રિયા પ્રમાણે પોતાનું કામ ચાલુ રાખશે.”
જોકે, લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ પર આરોપ લગાવવામાં આવે છે કે એજન્સીઓ સત્તાધારી પક્ષના કહ્યા પ્રમાણે અન્ય રાજકીય પક્ષો સામે પગલાં લે છે.
શું લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓને પણ આચારસંહિતા હેઠળ લાવવાની જરૂર છે?
આ સવાલના જવાબમાં લવાસાએ કહ્યું, “શું એજન્સીઓને આચારસંહિતાના ક્ષેત્રમાં લાવવી જોઈએ? આ એક મહત્ત્વપૂર્ણ સવાલ છે અને હું નથી માનતો કે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં ચૂંટણીપંચને લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ અને કોર્ટ પર નિયંત્રણ રાખવાની સત્તા મળે. શું ચૂંટણીપંચ આવું કરી શકે? શું ચૂંટણીપંચે આવુ કરવું જોઈએ? આમ કરવાથી ચૂંટણીપંચ પોતાના મુખ્ય કામથી ભટકી જશે અને ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે કે નહીં? ચૂંટણીપંચનુ મુખ્ય કામ કુશળ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીનું આયોજન કરવાનું છે.”
ચૂંટણીપંચ સુઓ મોટો (આપમેળે) ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી શકે?

ઇમેજ સ્રોત, Collective Newsroom
એક તર્ક વારંવાર આપવામાં આવે છે કે જ્યારે અલગ-અલગ પ્રકારના આરોપ લાગે છે ત્યારે ચૂંટણીપંચે જાતે જ નોંધ લઈને કાર્યવાહી કરવી જોઈએ?
આ વિશે વાત કરતા અશોક લવાસાએ કહ્યું, “ચૂંટણીપંચ જાતે નોંધ નથી લેતું. કારણ કે તે પોતે નથી ઇચ્છતુ કે તેમના પર આરોપ લગાડે કે પંચ જાતે નોંધ લેતી વખતે કોઈનો પક્ષ લઈ રહ્યું છે. આ વખતે પણ ચૂંટણીપંચને ફરિયાદો મળી છે. ચૂંટણીપંચની જવાબદારી છે કે તે આ ફરિયાદો પર વિચાર કરે અને યોગ્ય નિર્ણય લે. જો તેમને લાગે કે આ દખલ છે અને જરૂર કરતાં વધારે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે તો પંચે દખલ કરવી જોઈએ. પંચને જો લાગતું હોય તો આ યોગ્ય નથી તો પંચે પોતાનો અભિપ્રાય લોકો સામે રાખવો જોઈએ.”
ચૂંટણીપંચને એક રેફરી તરીકે ગણવામાં આવે છે. અહીં સવાલ એ છે કે ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં તાજેતરમાં થયેલા ફેરફારોને લીધે એક પ્રકારની મૅચ ફિક્સિંગ થઈ ગયું છે?
અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે પહેલા વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાની એક સમિતિ હતી. જોકે, તાજેતરમાં કરેલા ફેરફારો પછી આ સમિતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની જગ્યા સરકારના કૅબિનેટ મંત્રીને આપવામાં આવી છે.
આરોપો છે કે જે ત્રણ સભ્યની સમિતિમાં વડા પ્રધાન અને કૅબિનેટ મંત્રી હોય તે સમિતિમાં બહુમતના આધારે તે જ લોકો ચૂંટાશે જેમને તેઓ (વડા પ્રધાન અને કૅબિનેટ મંત્રી) ઇચ્છે છે.
અશોક લવાસાએ કહ્યું, “પ્રક્રિયા અને પરિણામમાં ફર્ક હોય છે. એક જ પ્રક્રિયાથી અલગ-અલગ પ્રકારનાં પરિણામો મળી શકે છે. હું નથી માનતો કે આ પ્રક્રિયાથી જે કોઈ પણ નિમણૂક થશે તે સ્વીકાર્ય નહીં બને. જ્યાં સુધી લોકોનો વિશ્વાસ અથવા પ્રક્રિયાની વિશ્વસનીયતા સ્થાપિત કરવાનો સંબંધ છે, હું માનું છું કે પસંદગી પ્રક્રિયા જેટલી વ્યાપક આધારવાળી હશે એટલી વધુ સ્વીકાર્ય બનશે.”
ઇલેક્ટોરલ બૉન્ડની લેવલ પ્લેઇંગ ફીલ્ડ પર અસર

ઇમેજ સ્રોત, Collective Newsroom
સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડની યોજના ભલે રદ કરી દીધી, પરંતુ ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા હજારો કરોડોના રાજકીય ફંડને કારણે લેવલ પ્લેઇંગ ફિલ્ડ પહેલાથી જ ખરાબ નથી થઈ ગયું?
લવાસાએ કહ્યું, “કેટલીક હદે આ વાત સાચી છે પરંતુ પાર્ટીઓનાં સંસાધનોમાં ઇલેક્ટોરલ બૉન્ડ સિવાય પણ ફરક હોઈ શકે છે. કોઈ પક્ષને વધારે રાજકીય ફંડ મળે છે અને કેટલીક પાર્ટીને ઓછો ફંડ મળે છે અને આ ઐતિહાસીક તથ્ય છે.”
તેમણે ઉમેર્યું, “સત્તાધારી પક્ષને ઇલેક્ટોરલ બૉન્ડ થકી પણ વધારે રૂપિયા મળે છે, તે હવે જાહેર થઈ ગયું. આમ, સત્તાધારી પાર્ટીને માત્ર ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા જ વધારે રૂપિયા મળે છે તે કહેવું વાજબી નથી. જોકે, એ વાત સાચી છે કે ગોપનીયતાને કારણે રાજકીય પક્ષોનું કુલ ફંડિંગ વધ્યું છે. ચૂંટણીપંચ હંમેશાં ગોપનીયતાની વિરુદ્ધ રહ્યું છે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ ગોપનીયતાની વિરુદ્ધ પોતાનો વિચાર વ્યકત કર્યો હતો.”
લવાસાએ કહ્યું કે ચૂંટણી અને રાજકીય ફંડિંગમાં સંપૂર્ણ પારદર્શિતાની જરૂર છે.
તેમણે કહ્યું, “રાજકીય પક્ષોએ પણ એક સાર્વજનિક સ્વતંત્ર એકમ તરીકે માહિતી અધિકારના કાયદા હેઠળ આવવું જોઈએ. એકવાર રાજકીય પક્ષો માહિતી અધિકારના દાયરા હેઠળ આવે તો મને લાગે છે કે તેમનાં ખાતાંઓનું પણ ભારતના કૉમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (કૅગ) અથવા તેમના વતી નામાંકિત ઑડિટર દ્વારા ઑડિટ થવું જોઈએ.”
લોકસભા ચૂંટણી પહેલા કેવા પડકારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમે અશોક લવાસા પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે ચૂંટણીપંચ સામે લોકસભાની ચૂંટણી પહેલાં કેવા પડકારો છે.
તેમના મત પ્રમાણે મહત્ત્વનો મુદ્દો છે કે રાજકીય ફંડિંગ કેવી રીતે કરવામાં આવે છે અને રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન જે પૈસા ખર્ચ કરે છે તેના પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ કે નહીં.
તેમણે કહ્યું, “રાજકીય પક્ષો પર કોઈ નિયંત્રણ નથી અને પક્ષો ઇચ્છે તે પ્રમાણે ખર્ચ કરે છે, જેના પર નિયંત્રણ લાવવાની જરૂર છે.”
લવાસાનું કહેવું છે કે ચૂંટણીમાં એટલી બધી ઉત્તેજના છે કે ચૂંટણીપંચ તેને કેવી રીતે નિયંત્રિત કરી શકે તે એક મોટો પડકાર છે.
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરે કહ્યું, “મને લાગે છે કે જાહેર ભાષણો અને જાહેર સંવાદ દરમિયાન મર્યાદા કેવી રીતે જાળવી રાખવી તે ચૂંટણીપંચ માટે સૌથી મોટા પડકારો પૈકી એક છે. ચૂંટણી પર થતો ખર્ચ પણ એક પડકાર છે. આ ઉપરાંત ચૂંટણીપંચ ચૂંટણીની પ્રક્રિયાને કેવી રીતે વિશ્વસનીય રાખે છે. અહીં મારો મતલબ છે કે જો લોકો જોશે કે ચૂંટણીપંચ તેમને મળી રહેલી ફરિયાદો વિશે તરત જ જવાબ આપે છે તો લોકોમાં તેની વિશ્વસનીયતા વધશે.”
વીવીપેટ સ્લિપની ગણતરીની માંગ

ઇમેજ સ્રોત, AFP
વિપક્ષી રાજકીય પાર્ટીઓ કહે છે કે મતની ગણતરી કરતી વખતે વીવીપેટ સ્લિપોની 100 ટકા ગણતરી થવી જોઈએ.
વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે આ વિષય પર વાત કરવા માટે ચૂંટણીપંચે છેલ્લા એક વર્ષથી સમય નથી આપ્યો.
અશોક લવાસાએ કહ્યું, “વિપક્ષની આ માંગણી યોગ્ય છે. જ્યારે 100 ટકા વીવીપેટ સ્લિપોની ગણતરીની વાત થઈ રહી છે તો મુદ્દો માત્ર 100 ટકા વીવીપેટ સ્લિપોની ગણતરીનો નથી. મુદ્દો એ છે કે તમે સિસ્ટમની વિશ્વસનીયતા કેવી રીતે લાવી શકો.”
તેમણે કહ્યું કે સમય-સમય પર અલગ-અલગ માંગણીઓ થઈ છે. સુપ્રીમ કોર્ટે પણ દખલ કરી છે અને ચૂંટણીપંચે પોતે પણ અનુભવ કર્યો છે કે આ સિસ્ટમની કેવી રીતે સુધારી શકાય.
લવાસાએ ઉમેર્યું, “ફેરફારો થયા છે. સૌથી પહેલા એક રેન્ડમ મશીનના મતની ગણતરી કરીને વીવીપેટ સ્લિપો સાથે મેળવવામાં આવી. સુપ્રીમ કોર્ટે 2019માં કહ્યું કે પાંચ મશીનોના મતોની ગણતરી કરીને વીવીપેટ સ્લિપો સાથે મેળવો. હવે લોકો 100 ટકાની વાત કરી રહ્યા છે. મારું માનવું છે કે ચૂંટણીપંચે આ માંગણી કરનાર લોકો સાથે મોકળા મને વાતચીત કરવી જોઈએ.”
ઈવીએમ પર શંકા

ઇમેજ સ્રોત, Getty Images
દરેક ચૂંટણી પહેલા ઈવીએમની હેરાફેરીના આરોપો લાગે છે અને ઈવીએમ મશીનો પર અલગ-અલગ પ્રકારના સવાલો ઉઠે છે.
જોકે, વિધાનસભાની કેટલીક ચૂંટણીઓમાં સત્તામાં રહેલી પાર્ટીઓને હારનો સામનો પણ કરવો પડ્યો છે. અમે અશોક લવાસા પાસે જાણ્યું કે આ મામલામાં સત્ય શું છે.
તેમણે કહ્યું, “સવાલો ઉઠાવવા અત્યંત જરૂરી છે અને ઉઠાવવા પણ જોઈએ. જોકે, હંમેશાં શંકા કરવી પણ યોગ્ય નથી. પ્રાયોગિક પુરાવાના આધારે નથી લાગતું કે કોઈ હેરાફેરી થઈ હોય. આ પ્રણાલીનો ઉપયોગ હજારો ચૂંટણીઓમાં થયો છે અને આ પ્રક્રિયામાં કોઈ હેરાફેરી થઈ હોય તે કહેવા માટે કોઈ વિશ્વસનીય પુરાવાઓ નથી. આ કારણે જ મને એવું લાગે છે કે આપણે આ પ્રક્રિયા મુજબ જ ચાલવુ પડશે. શું આ પ્રક્રિયામાં સુધારની શક્યતા છે? મેં પહેલાં પણ કહ્યું હતું કે એવી કોઈ વ્યવસ્થા નથી જે પરફેક્ટ હોય. આ પ્રક્રિયામાં સુધારા થઈ શકે છે. આ સુધારા કેવા હોઈ શકે તે એક વ્યાપક ચર્ચા થકી જાણી શકાય.”
જ્યારે ઈવીએમ પર શંકાનાં વાદળો છવાયેલાં છે ત્યારે ભુતકાળમાં ઈ-વોટિંગ અને ઇલેક્ટ્રોનિક વોટિંગના પ્રસ્તાવ પર પણ ચર્ચાઓ થઈ હતી. શું ભારતમાં ઈ-વોટિંગ શરૂ કરવું શક્ય છે?
લવાસાએ કહ્યું, “ચૂંટણીપંચે આ વિશે ઘણી વખત વિચાર કર્યો છે. ટેકનૉલૉજીના નિષ્ણાતોની પણ સલાહ લીધી છે, પરંતુ જો તમને ટેકનૉલૉજી પર જ શંકા હોય તો ઈ-વોટિંગને લાગુ કરવું મુશ્કેલ છે. કારણ કે આપણે ઈવીએમ પ્રણાલી પર જેટલા સવાલો કરીએ છીએ તો આ તો ઈ-વોટિંગ છે, જેની એક કૉમ્યુનિકેશન ચેનલ બનશે. શું તે સુરક્ષિત રહેશે અને લોકોને વિશ્વાસમાં લઈ શકશે કે કેમ? આ મુદ્દો વધારે મહત્ત્વપૂર્ણ છે. જો લોકોને ઈ-વોટિંગથી સંતોષ નહીં થાય તો તે એક મુશ્કેલી છે.”
ચૂંટણીપંચની છબી પર સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીપંચને નિશાન બનાવે છે. વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવે છે કે ચૂંટણીપંચ સત્તાધારી પાર્ટી પ્રત્યે નરમ અને તેમની (વિપક્ષી પાર્ટીઓ) પ્રત્યે કડક વલણ અપનાવે છે.
શું આ આરોપોને કારણે ચૂંટણીપંચની છબી ખરાબ થાય છે?
અશોક લવાસાએ કહ્યું, “છબી જે હોય છે તે લોકો બનાવે છે. ચૂંટણીપંચ પોતાની છબી કેવી હોવી જોઈએ તેના પર વધારે મહેનત નથી કરતું. કારણ કે ચૂંટણી દરમિયાન વાતાવરણ એવું હોય છે કે વિવાદો થાય છે અને બધાની અપેક્ષા હોય છે કે એક સુપરપાવર છે જે દરેક સમસ્યાનું સમાધાન કરશે. આ અપેક્ષા વાજબી છે.”
તેમણે ઉમેર્યું, “ન્યાયાલયમાં ચાલી રહેલા મામલાઓમાં પણ કોર્ટ જ્યારે નિષ્પક્ષ નિર્ણય આપે તો પણ અડધા લોકો નિરાશ અને બાકીના અડધા લોકો ખુશ થાય છે. જે લોકોના પક્ષમાં નિર્ણય આવે છે તે કહે છે કે બધુ બરોબર છે જ્યારે જેના વિરોધમાં નિર્ણય આવે છે તે કહે છે કે કંઈક ગરબડ છે.”
લવાસાના મત પ્રમાણે લોકોને પણ જોવું જોઈએ ચૂંટણીપંચ કે કોઈપણ સંસ્થા માટે એક સમયે બધા જ લોકોને સંતુષ્ટ કરવા શક્ય નથી.
તેમણે કહ્યું, “તમારી સિસ્ટમ અને પ્રક્રિયાઓ પારદર્શક હશે તો તમે જે કાંઈ પણ કરશો તે લોકોને દેખાશે. તેમ છતાં પણ સવાલો ઊઠશે પરંતુ કોઈ તમારી પર કોઈ વસ્તુ છુપાવવાનો આરોપ નહીં લગાડે.”
(બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












