જ્યારે એક મતે વાજપેયીની સરકાર પડી ગઈ, શું થયું હતું એ વખતે?

- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
15 એપ્રિલ, 1999ના બપોરે દોઢ વાગ્યે ઇન્ડિયન નેશનલ લોકદળના ઓમપ્રકાશ ચૌટાલાએ જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રહિતમાં વાજપેયી સરકારને ફરી સમર્થન આપશે. આ ઘોષણાને પગલે સરકારના ફ્લૉર મૅનેજરોએ રાહતનો શ્વાસ લીધો.
સત્તાનાં બદલાતાં સમીકરણ અને દગો દેવાની રમતમાં સરકારના ચહેરા ઉપર સમય કરતાં પહેલાં ખુશી જોવા મળી, જોકે અમુક સંસદસભ્ય એવી રીતે મત કરવાના હતા કે સરકારની ગણતરીઓ બદલી અને બગડી જવાની હતી.
આ બધાની વચ્ચે અમુક લોકોએ જોયું કે લોકસભાના સૅક્રેટરી જનરલ એસ. ગોપાલને એક ચિઠ્ઠી મોકલી. તેમણે એ કાપલી ઉપર કંઇક લખ્યું અને તેને ટાઇપ કરવા માટે મોકલી આપી. એમાં લોકસભાના તત્કાલીન સ્પીકર દ્વારા આપવામાં આવેલું રૂલિંગ હતું, જે કૉંગ્રેસના નેતા મુખ્ય મંત્રી બની ગયા હોવા છતાં વિશ્વાસપ્રસ્તાવ ઉપર મતદાન કરવા માટેનો માર્ગ ખોલી દેવાનું હતું.
એક સંસદસભ્યે પાર્ટીના વ્હીપથી વિરૂદ્ધ જઈને મતદાન કર્યું હતું, જેના માટે તેમનાં વ્યક્તિગત કારણો જવાબદાર હતાં.

'લાલ બટન દબાવો'

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
વરિષ્ઠ પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ 10મી મે, 1999ના 'ઇન્ડિયા ટુડે'ના અંકમાં લખ્યું હતું, "એ રાત્રે કોઈને ઊંઘ નહોતી આવી. એક તરફ ભાજપના સંસદસભ્ય રંગરાજન કુમારમંગલમે બહુજન સમાજ પાર્ટીનાં માયાવતીને આશ્વાસન આપ્યું હતું કે જો તેઓ પૂર્વનિર્ધારિત સ્ક્રિપ્ટ મુજબ વર્તન કરે તો તેઓ એ સાંજે જ ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી બની શકે."
"આ હિલચાલ જોઈને વિપક્ષના નેતા શરદ પવાર તેમની પાસે પહોંચ્યા. માયાવતી રાજકીય સમીકરણ સમજવા માગતાં હતાં કે જો તેઓ વાજપેયી સરકારની વિરૂદ્ધ મતદાન કરે તો કેન્દ્ર સરકારનું પતન થશે? શરદ પવારે તેનો હકારમાં જવાબ આપ્યો."
"જ્યારે મતદાન કરવાનો સમય આવ્યો ત્યારે માયાવતીએ તેમના સંસદસભ્યો તરફ જોયું અને જોરથી કહ્યું, 'લાલ બટન દબાવો.'"
જ્યારે ઇલેક્ટ્રોનિક સ્કૉરબોર્ડ ઉપર બધાની નજર પડી, ત્યારે ગૃહના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. વાજપેયી સરકારના સમર્થનમાં 269 તથા વિરુદ્ધમાં 270 મત પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વાજપેયીને ન મળ્યો હનીમૂન પીરિયડ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન તરીકે વાજપેયી સરકારની સૌથી મોટી કરૂણતા રહી કે તેમની સરકારને હનીમૂન પીરિયડનો લાભ નહોતો મળ્યો.
દેશના પૂર્વ વડા પ્રધાન પર 'વાજપેયી દ ઇયર્સ ધૅટ ચેન્જ્ડ ઇન્ડિયા' નામનું પુસ્તક લખનારા શક્તિ સિંહાના કહેવા પ્રમાણે, "એક તો સરકાર બનાવવામાં બહુ તકલીફ પડી હતી અને મંત્રીમંડળનું ગઠન થયા બાદ અલગ-અલગ વિભાગોની ફાળવણી મુદ્દે પક્ષોની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. જેના કારણે એક અઠવાડિયામાં જ બે મંત્રીઓએ રાજીનામાં ધરવાં પડ્યાં. આને કારણે ઘણાનાં દિલ દુભાયાં હતાં."
"જયલલિતાને કારણે પહેલા દિવસથી જ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમણે કહ્યું કે બીજા જે કોઈ મંત્રીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ છે, તેમને પણ હઠાવવામાં આવે. એ પછી સ્પીકરની ચૂંટણી અંગે પણ વાદ થયો. ચર્ચા દરમિયાન બિનસંસદીય ભાષાનો પણ ઉપયોગ થયો."
"અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ પદભાર સંભાળે તો તેમને 100 દિવસનો 'ગ્રૅસ પીરિયડ' આપવામાં આવે છે. એક-બે મહિના માટે સરકાર પ્રત્યે ઉત્સાહ રહે છે અને લોકો પણ તેમની ટીકા કરવાનું ટાળે છે, પરંતુ અટલ બિહારી વાજપેયી તેનાથી પણ વંચિત રહ્યા હતા અને તેને એ સમયગાળો પણ નસીબ નહોતો થયો."

વાજપેયીએ ન સ્વીકારી જયલલીતાની માગણીઓ

એઆઈએડીએમકેનાં જે. જયલલિતાની ઇચ્છા હતી કે તેમની સામેના બધા કેસને પાછા ખેંચવામાં આવે અને તામિલનાડુની કરૂણાનિધિ સરકારને બરતરફ કરવામાં આવે. આ સિવાય તેઓ સુબ્રમણ્યમ સ્વામીને નાણામંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યાં હતાં, પરંતુ વાજપેયીએ તેમની માંગો સ્વીકારી નહોતી.
શક્તિ સિંહાના કહેવા પ્રમાણે, 'જયલલિતાની ઇચ્છા હતી કે તેમની સામે જે ઇન્કમટૅક્સના કેસ ચાલી રહ્યા હતા, એમાં તેમને રાહત મળે. સરકારે કાયદેસર રીતે શક્ય હોય એટલી મદદ કરી પણ ખરા. તેમની સામેના કેસોને વિશેષ અદલાતમાંથી ખસેડીને સામાન્ય કોર્ટમાં મૂકી દેવામાં આવ્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ પગલાને રદબાતલ કર્યું.'
એ અરસામાં 'આઉટલૂક' સામયિકના સંપાદક વિનોદ મહેતા વડા પ્રધાન વાજપેયીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. મહેતાએ તેમના પુસ્તક 'ઍડિટર અનપ્લગ્ડ મીડિયા, મૅગ્નેટ્સ, નેતાઝ ઍન્ડ મી'માં લખે છે, "મેં જ્યારે તેમને જોયા, ત્યારે તેઓ ઊંડા વિચારમાં ડૂબેલા હતા. તેઓ ખાસ વાતચીત નહોતા કરી રહ્યા. મારાથી રહેવાયું નહીં, એટલે મેં તેમને પૂછ્યું, 'તમને કઈ વાતની ચિંતા કનડી રહી છે?' હાજરજવાબી વાજપેયી હસવાનું રોકતાં કહ્યું, તમને મળ્યા પછી જયલલિતાને મળવાનું છે."
6 એપ્રિલે જયલલિતાના તમામ મંત્રીઓએ વાજપેયીને રાજીનામાં મોકલી આપ્યાં. બે દિવસ બાદ આ રાજીનામાં તત્કાલીન રાષ્ટ્રપતિને મોકલી અપાયાં. એક દિવસ પછી એઆઈએડીએમકેએ સમન્વય સમિતિમાંથી પોતાના સભ્યોને પાછા બોલાવી લીધા.
અમુક દિવસો પછી જયલલિતા દિલ્હી આવ્યાં અને ત્યાંની ફાઇવ-સ્ટાર હોટલમાં ઊતર્યાં. તેમની સાથે 48 સૂટકેસ સમાન હતો. આગામી અમુક દિવસ માટે દિલ્હીના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો. 11 એપ્રિલે સવારે અગિયાર વાગ્યે રાષ્ટ્રપતિ કે. નારાયણન સાથે મુલાકાત કરી અને તેમને એક પત્ર સોંપ્યો, જેમાં વાજપેયી સરકારને ટેકો પાછો ખેંચવાની જાણ કરવામાં આવી હતી.

નારાયણને વિશ્વાસમત લેવા કહ્યું

ઇમેજ સ્રોત, VINOD MEHTA
સંસદનું બજેટસત્ર મળવાનું હતું, છતાં રાષ્ટ્રપતિ નારાયણને વડા પ્રધાન વાજપેયીને વિશ્વાસનો મત મેળવવા કહ્યું, શક્તિ સિંહાના કહેવા પ્રમાણે, 'મને ત્યારે પણ લાગતું હતું અને અત્યારે પણ લાગે છે કે એ બિન-જરૂરી નિર્ણય હતો.'
"કાયદેસર તો એ સમયે સંસદનું સત્ર ચાલી રહ્યું હતું, એટલે વાજપેયી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જરૂર હતી. અથવા તો બજેટસત્ર ચાલી રહ્યું હતું, એટલે બજેટને પસાર ન થવા દઈને સરકારને પરાજિત કરી શકાય તેમ હતી."
"વાજપેયીના વિરોધીઓ વર્ષ 1990 અને 1997નાં ઉદાહરણો ટાંકે છે, પરંતુ બંને વખતે સંસદની આગામી બેઠક પછીના દિવસે જ પૂર્વનિર્ધારિત ન હતી. વિપક્ષે આમ કર્યું હતું, કારણ કે તેમની પાસે વાજપેયીનો સર્વસહમત વિકલ્પ ન હતો. આની પાછળ એવો વિચાર પણ હતો કે જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર ન થઈ શક્યો હોત, તો વિપક્ષ છ મહિના સુધી ફરી વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ન શક્યો હોત."

કૉંગ્રેસના નેતાનું વિવેકાધીન મતદાન

ઇમેજ સ્રોત, RAVEENDRAN
કૉંગ્રેસના નેતા ગિરધર ગોમાંગ ઓડિશા મુખ્ય મંત્રી બની ગયા હતા, પરંતુ તેમણે સંસદસભ્ય તરીકે પોતાના પદ પરથી રાજીનામું નહોતું આપ્યું. લોકસભાના સૅક્રેટરી જનરલ એસ. ગોપાલને લોકસભાના સ્પીકર જી.એમ.સી. બાલયોગીને સલાહ આપી હતી કે વિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવું કે નહીં, તેનો નિર્ણય ગોમાંગના વિવેક ઉપર મૂકવો જોઈએ.
એ પછી ગોમાંગે કહ્યું કે તેમના વિવેકે પાર્ટીના આદેશનું પાલન કરવાનું અને વિશ્વાસમત વિરૂદ્ધ મતદાન કરવાનું જણાવ્યું. આ પછી અનેક સંસદસભ્યોએ લોકસભાધ્યક્ષના આ નિર્ણયની ટીકા કરી હતી, તો કેટલાકે ગોપાલનની સલાહને રાજકીય ત્રાજવે તોળી હતી. તેમનું કહેવું હતું કે ગોપાલનની નિમણૂક પૂર્વ લોકસભાધ્યક્ષ પી.એ. સંગમાએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં ભાજપનું સભ્યપદ લીધું. એ પછી તેઓ તેલંગણા રાષ્ટ્ર સમિતિમાં જોડાયા અને જાન્યુઆરી-2024માં તેઓ પત્ની અને પુત્ર સાથે કૉંગ્રેસમાં પરત ફર્યાં.
વાજપેયી સરકારના ફ્લૉર મૅનેજરોએ મોટા પક્ષો અને નેતાઓને સાધવામાં એક-એક મતનું મૂલ્ય ચૂકી ગયા હતા. અરૂણાચલ કૉંગ્રેસમાં ફાટ બાદ સંસદસભ્ય રાજ કુમારે પૂર્વ મુખ્ય મંત્રી ગેગોંગ અપાંગ વિરૂદ્ધ બળવો પોકાર્યો હતો અને તેમની પાર્ટીનું વિભાજન થઈ ગયું હતું.
જોકે, સરકાર તરફથી કોઈએ તેમનો સંપર્ક સાધ્યો નહીં અને વિશ્વાસમતની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ ન કરી. જેના કારણે રાજકુમારે સરકારની વિરૂદ્ધ મતદાન કર્યું. શક્તિ સિંહાનું માનવું છે કે રાજકુમારના અસ્તિત્વ અંગે કદાચ જ ભાજપના નેતાઓ વાકેફ હતા.
વ્હીપ વિરૂદ્ધ વોટિંગ

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG
જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ફારુખ અબ્દુલ્લાહ તેમના દીકરા ઓમરનું કદ રાજકીય પટલ પર મોટું કરી રહ્યા હતા. આમ કરવા જતાં તેમણે બારામુલ્લાની બેઠક પરથી વરિષ્ઠ સંસદસભ્ય સૈફુદીન સોઝની ઉપેક્ષા કરી હતી.
દરવર્ષે ભારત સરકાર દ્વારા હજ માટે પ્રતિનિધિમંડળ મોકલે છે. સોજે કેટલાંક નામોની ભલામણ કરી હતી, પરંતુ જ્યારે ફારુખ અબ્દુલ્લાહને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે એ નામોને દૂર કરાવ્યાં હતાં.
સોજે વાજપેયી સરકારના સમર્થનમાં મતદાન કરવાના પાર્ટીના વ્હીપનો ભંગ કરીને તેની વિરૂદ્ધ મતદાન કર્યું અને પોતાનું વેર લીધું. પૂર્વ વડા પ્રધાન ઇંદરકુમાર ગુજરાલ અકાલીઓના સમર્થનથી લોકસભામાં પહોંચ્યા હતા, પરંતુ તેમણે વાજપેયી સરકાર વિરૂદ્ધ મતદાન કર્યું. વાસ્તવમાં અકાલી દળ વાજપેયીની ગઠબંધન સરકારમાં ભાગીદાર હતું.
ચર્ચાના બીજા દિવસે ખુદ વડા પ્રધાન વાજપેયીએ બસપાના નેતા કાંશીરામ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. જેમાં કાંશીરામે કહ્યું હતું કે તેઓ દિલ્હીની બહાર છે. તેમની પાર્ટી સરકારને ટેકો આપી શકે તેમ નથી, પરંતુ તેમની વિરૂદ્ધ મતદાન નહીં કરે.
આ પ્રકરણ અંગે વિવરણ આપતાં સ્વપન દાસગુપ્તા અને સુમિત મિત્રાએ ‘ઇન્ડિયા ટુડે’ના 10મી મે, 1999ના 'ધ ઇનસાઇડ સ્ટૉરી, ઇઝ ઇન્ડિયા હેડિંગ ફૉર અ ટુ પાર્ટી સિસ્ટમ'માં લખ્યું, "મતદાનના એક દિવસ પૂર્વે કાશીરામ પટનામાં હતા. મોડી રાત્રે અર્જુનસિંહે બસપા નેતા કાંશીરામને ફોન કર્યો અને તેમને દિલ્હી આવવા માટે રાજી કરી લીધા. કાંશીરામને દિલ્હી લાવવા માટે કમલનાથનું ‘સ્પૈન રિસૉર્ટ’નું વિમાન તૈયાર રાખવામાં આવ્યું હતું. કાંશીરામે કહ્યું કે તેઓ અલાયન્સ ઍરલાઇન્સની પૅસેન્જર ઉડાણ મારફત દિલ્હી પહોંચશે, જે સવારે નવ વાગ્યા 40 મિનિટે ઊતરશે."
"અર્જુનસિંહને ચિંતા હતી કે જો સરકારને આ વાતની ગંધ આવી જશે, તો તે વિમાનઉડાણમાં મોડું કરાવશે. આથી, (બિહારનાં તત્કાલીન મુખ્ય મંત્રી) રાબડીદેવી સરકારનું વિમાન પણ તૈયાર રાખવામાં આવ્યું હતું. મોડી રાત્રે બસપાના સંસદસભ્ય આરીફ મહમદ ખાન તથા અકબર ડંપીએ ફોન કરીને માયાવતીને કહ્યું કે જો પાર્ટીએ ભાજપ સરકારને બચાવવાનો પ્રયાસ કર્યો છે, એવું લાગશે તો મુસ્લિમ મતદાતા આ વાત પસંદ નહીં કરે."
"માયાવતીએ રાત્રે બે વાગ્યે ચિંતા વ્યક્ત કરનારા ડંપી અને આરિફને ફોન કરીને કહ્યું કે વોટિંગ સમયે તેમની ચિંતાને ધ્યાને લેવામાં આવશે. નવ વાગ્યે બંને ઘરે પહોંચે. દરમિયાન ખુદ સોનિયા ગાંધીએ ફોન કરીને માયાવતી સાથે વાત કરી અને વાજપેયી સરકારના પતનનો તખતો તૈયાર થઈ ગયો."
વાજપેયીની આંખો થઈ ભીની

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
શક્તિ સિંહાના કહેવા પ્રમાણે, લાંબા સમયથી વાજપેયીને ભાવિ વડા પ્રધાન તરીકે પ્રૉજેક્ટ કરવામાં આવતા હતા. તેઓ માંડમાંડ વડા પ્રધાન બન્યા હતા, પરંતુ 13 મહિના દરમિયાન તેમની ગાડી ક્યારેય બરાબર નહોતી ચાલી અને ડામાડોળ જ રહી હતી.
માત્ર એક મતે હારવાને કારણે વાજપેયીને ચોક્કસથી આંચકો લાગ્યો હતો. મતદાન બાદ તેઓ પોતાની ચૅમ્બરમાં પરત ફર્યા હતા. તેઓ ખૂબ જ નિરાશ હતા. તેમની આંખોમાં આંસુ હતાં. વાજપેયીનો ચહેરો તેમને લાગેલા આંચકાની ચાડી ખાતો હતો.
જોકે, પાંચ-સાત મિનિટમાં જ વાજપેયીએ સ્વસ્થતા ધારણ કરી લીધી હતી અને રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન રવાના થઈ ગયા હતા.
21 એપ્રિલે તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ નારાયણન સાથે મુલાકાત કરી અને દાવો કર્યો કે તેમની પાસે 272 સંસદસભ્યોનું સંખ્યાબળ છે. લગભગ એવા સમયે જ સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે ફરી એક વખત ડાબેરી નેતા જ્યોતિ બસુને વડા પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.
1996થી વિપરીત આ વખતે કૉમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી આ પ્રસ્તાવ માટે તૈયાર જણાતી હતી, પરંતુ આ વખતે કૉંગ્રેસ પાર્ટી અન્ય કોઈ પક્ષને નેતૃત્વ આપવા તૈયાર ન હતી. આ પછી મુલાયમસિંહે પણ કૉંગ્રેસને ટેકો આપવાનો ઇન્કાર કરી દીધો.
સોનિયા ગાંધીની બાજી બગડી

ઇમેજ સ્રોત, TEKEE TANWAR
મુલાયમસિંહના નિર્ણયમાં તત્કાલીન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ તેમના પુસ્તક 'માય કંટ્રી, માય લાઇફ'માં તેના વિશે વિવરણ આપતા લખ્યું છે:
'21 કે 22ની મોડી રાત્રે જ્યોર્જ ફર્નાન્ડિસે મને ફોન કર્યો અને કહ્યું કે લાલજી મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. સોનિયા ગાંધી આગામી સરકાર નહીં બનાવી શકે. વિપક્ષના એક મોટા નેતા તમને મળવા માગે છે, પરંતુ આ બેઠક ન તો તમારા ઘરે થઈ શકે છે કે ન તો મારા ઘરે.'
અડવાણી લખે છે, 'જયા જેટલીના સૃજાનસિંહ પાર્કવાળા ઘરે આ બેઠક યોજવાનું નક્કી થયું. હું જ્યારે જયા જેટલીના ઘરે પહોંચ્યો ત્યારે મુલાયમસિંહ યાદવ અને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે બેઠા હતા. ફર્નાન્ડિસે મને કહ્યું કે મારા મિત્રે (મુલાયમસિંહે) ખાતરી આપી છે કે તેમના 20 સંસદસભ્યો કોઈ પણ સંજોગોમાં સોનિયા ગાંધીને વડાં પ્રધાન બનાવવાના પ્રયાસને ટેકો નહીં આપે. મારી સામે પણ મુલાયમસિંહે આ વાતનો પુનર્રોચ્ચાર કર્યો.'
'સાથે જ મુલાયમસિંહે આમ કરવા માટે એક શરત મૂકી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીને ટેકો નહીં આપવાની મારી જાહેરાત પછી ભાજપે ફરી એક વખત સરકાર રચવા માટે દાવો ન કરવો. મારી ઇચ્છા છે કે નવેસરથી ચૂંટણીઓ યોજાય.'
લોકસભા ભંગ
નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સનાં ઘટકદળોએ પણ ફરી સરકાર રચવાના બદલે મધ્યસત્રી ચૂંટણીઓમાં જવાની માનસિક તૈયારી કરી લીધી હતી. રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને રખેવાળ સરકારના વડા પ્રધાન વાજપેયીને રાષ્ટ્રપતિભવન બોલાવ્યા અને સલાહ આપી કે તેમની કૅબિનેટ લોકસભા ભંગ કરવાની ભલામણ કરે.
કેન્દ્રીય મંત્રીમંડળે લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી, સાથે જ સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ નારાયણનની સલાહ ઉપર આમ કરી રહ્યા છે. આ વાતે રાષ્ટ્રપતિ ભવન નારાજ થયું, પરંતુ રાષ્ટ્રપતિ શું વિચારે છે એ વાતે વાજપેયીને કોઈ ફેર નહોતો પડતો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)














