પોતાના જ દેશમાં 'અદૃશ્ય', ભારતમાં મુસલમાન હોવાનો મતલબ

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર ભારતના આગ્રા શહેરની એક જાણીતી સ્કૂલમાંથી છ વર્ષ પહેલાં એક મુસ્લિમ છોકરો ચહેરા પર શરમ સાથે ઘરે પાછો ફર્યો હતો. નવ વર્ષના એ છોકરાએ તેની માતાને કહ્યું હતું, “મારા સહપાઠીઓ મને પાકિસ્તાની આતંકવાદી કહે છે.”

લેખિકા અને સલાહકાર રીમા અહમદને તે દિવસ બરાબર યાદ છે. તેઓ કહે છે, “રોષે ભરાયેલા એ છોકરાએ એટલી સજ્જડ મુઠ્ઠીવાળી હતી કે હાથના નખ હથેળીમાં ખૂંપી ગયાનાં નિશાન દેખાતાં હતાં. એ બહુ ગુસ્સે થયો હતો.”

એ દીકરાએ તેની માતાને જણાવ્યું હતું કે શિક્ષક ક્લાસની બહાર ગયા ત્યારે તેના સહપાઠીઓ ધીંગામસ્તી કરતા હતા. “એ વખતે સહપાઠીઓના એક જૂથે તેના તરફ ઇશારો કર્યો હતો અને કહ્યું હતું કે આ પાકિસ્તાની આતંકવાદી છે. તેને મારી નાખો.”

છોકરાના જણાવ્યા મુજબ, કેટલાક સહપાઠીઓએ તેને 'ગટરનો કીડો' પણ કહ્યો હતો.

રીમા અહમદે આ બાબતે ફરિયાદ કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું, “આ નરી કલ્પના છે. આવું કશું બન્યું જ નથી.” આખરે રીમા અહમદે તેમના પુત્રને સ્કૂલમાંથી ભણતો ઉઠાડી લીધો હતો. આજે 16 વર્ષનો એ છોકરો ઘરે રહીને અભ્યાસ કરે છે.

'કદાચ થોડા સમૃદ્ધ હોવાને કારણે અમે બચી ગયાં'

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bimal Thankachan

ઇમેજ કૅપ્શન, રીમા અહમદ

રીમા કહે છે, “મારો સમુદાય જે પ્રકારે ધ્રૂજી ગયો છે અને તેનો અહેસાસ મને મારા પુત્રના અનુભવથી થયો છે. એવું કશું મારા યુવાનીના દિવસોમાં ક્યારેય બન્યું હોય તેવું મને યાદ નથી. અમે સમૃદ્ધ હોવાને લીધે મુસ્લિમ હોવાના અનુભવથી બચી ગયા હોઈશું. હવે એવું લાગે છે કે વર્ગ અને વિશેષાધિકાર તમને વધુ દૃશ્યમાન બનાવે છે.”

હિંદુ ટોળાએ ગાયના શંકાસ્પદ વેપારીને માર માર્યો છે અને મુસ્લિમોની માલિકીના નાના વ્યવસાયોને નિશાન બનાવ્યા છે. મસ્જિદો વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. ઇન્ટરનેટ ટ્રોલ્સે મુસ્લિમ મહિલાઓની ઓનલાઇન ‘હરાજી’ કરી છે.

જમણેરી જૂથો અને મુખ્ય પ્રવાહનાં પ્રસાર માધ્યમોએ “જેહાદ-લવ જેહાદ”ના આરોપો સાથે ઇસ્લામોફોબિયાને વેગ આપ્યો છે. દાખલા તરીકે, મુસ્લિમ પુરુષો હિંદુ સ્ત્રીઓ સાથે પરણીને તેમનું ધર્મપરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ તેઓ કરે છે.

મુસ્લિમવિરોધી ભાષણોમાં વધારો થયો છે. એવી 75 ટકા ઘટનાઓ ભાજપશાસિત રાજ્યોમાં નોંધાઈ છે.

‘બીઈંગ મુસ્લિમ ઈન હિંદુ ઈન્ડિયા’ પુસ્તકના લેખક ઝિયા ઉસ સલામ કહે છે, “મુસ્લિમો આ દેશમાં બીજા દરજ્જાના નાગરિકો બની ગયા છે, પોતાના દેશમાં અદૃશ્ય લઘુમતી બની ગયા છે.”

ભાજપ અને નરેન્દ્ર મોદી આ વાતને નકારે છે

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bimal Thankachan

ઇમેજ કૅપ્શન, કલીમ અહેમદ કુરેશી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, ભાજપ અને નરેન્દ્ર મોદી ભારતમાં લઘુમતીઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાનો ઇનકાર કરે છે.

વડા પ્રધાને ન્યૂઝવીક સામયિકને કહ્યું હતું, “આ બધા, પોતાના પરપોટાની બહાર ન આવવા ઇચ્છતા કેટલાક ચોક્કસ લોકોના રાબેતા મુજબના આક્ષેપો છે. આ વાત તો ભારતના લઘુમતીઓ પણ સ્વીકારતા નથી.”

તેમ છતાં રીના અહમદ માને છે કે પરિવર્તન થયું છે. તેમનો પરિવાર દાયકાઓથી આગ્રામાં રહે છે અને શહેરની વાંકીચૂકી ગલીઓમાં તથા ભીડવાળાં ઘરોમાં તેમના અનેક હિંદુ મિત્રો છે.

રીના અહમદે 2019માં એક સ્કૂલનું વૉટ્સઍપ ગ્રૂપ છોડી દીધું હતું. આ ગ્રૂપના સભ્યો પૈકીના બે મુસ્લિમોમાં તેઓ એક હતાં. ભારતે મુસ્લિમોના બહુમતીવાળા પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે હવાઈ હુમલા શરૂ કર્યા પછી એક મૅસેજ પોસ્ટ કર્યા બાદ તેમણે આવું કર્યું હતું. ગ્રૂપના એ મૅસેજમાં કહેવામાં આવ્યું હતું, “તેઓ અમારા પર મિસાઇલો ઝીંકશે તો અમે તેમને ઘરમાં ઘૂસીને મારીશું.”

એ મૅસેજ, આતંકવાદીઓ અને ભારતના દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને મારવા વિશેના નરેન્દ્ર મોદીના નિવેદનના પડઘા જેવો હતો. શાંતિની હિમાયત કરતાં રીના અહમદ કહે છે, “હું ખૂબ ગુસ્સે થઈ હતી. મેં મારા દોસ્તોને કહ્યું, તમને શું તકલીફ છે? તમને નાગરિકો તથા બાળકોની હત્યા સ્વીકાર્ય છે?”

પ્રતિક્રિયા તીવ્ર હતી.

તેમણે કહ્યું, “કોઈએ મને પૂછેલું કે તમે મુસ્લિમ હોવાને કારણે જ પાકિસ્તાનનાં સમર્થક છો? તેમણે મારા પર રાષ્ટ્રવિરોધી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અહિંસાની અપીલ કરવાનું અચાનક રાષ્ટ્રવિરોધી હોવા સમાન બની ગયું હતું. મેં તેમને કહ્યું કે મારા દેશનું સમર્થન કરવા માટે મારે હિંસક થવાની જરૂર નથી. મેં ગ્રૂપ છોડી દીધું હતું.”

બદલાતો માહોલ અને 'લવ જેહાદ' જેવાં મિથ

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bimal Thankachan

ઇમેજ કૅપ્શન, ઇરમ

બદલાતા માહોલને અન્ય રીતે પણ મહેસૂસ કરી શકાય છે. રીના અહમદનું ઘર, તેમની જાતિ કે ધર્મને ગણકાર્યા વિના, લાંબા સમયથી તેમના પુત્રના સહપાઠીઓનો મિલનસ્થાન બની રહ્યું હતું. પરંતુ ‘લવ જેહાદ’ના હોબાળાને કારણે લોકો હિંદુ છોકરીઓને એક ચોક્કસ સમય પછી તેમના ઘરે ચાલ્યા જવા અને તેમના ઓરડામાં નહીં રહેવા જણાવી દેવાયું છે.

“મારા પિતાએ અને મેં, મારા દીકરાને સામે બેસાડીને કહ્યું હતું કે વાતાવરણ સારું નથી. તારે દોસ્તીને મર્યાદિત કરવી પડશે. સાવધાન રહેવું પડશે. લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાનું નથી. તને ક્યારેય ખબર નહીં પડે. કશું પણ લવ-જેહાદમાં પલટાઈ જશે.”

આગ્રામાં પાંચ પેઢીથી વસતા પર્યાવરણ કાર્યકર્તા એરમે પણ સ્થાનિક સ્કૂલોમાં કામ કરતી વખતે શહેરનાં બાળકો વચ્ચેની વાતચીતમાં બદલાવ જોયો છે. તેમણે એક છોકરાને તેના મુસ્લિમ સહપાઠીને એવું કહેતો સાંભળ્યો હતો કે “મારી સાથે વાત કરીશ નહીં. મારી મમ્મીએ મને મનાઈ કરી છે.”

એરમ કહે છે, “હું વિચારું છું, ખરેખર આવું હોય? આ મુસલમાનોમાં વ્યાપેલા ભયને દર્શાવે છે. સમય જતાં એવી પરિસ્થિતિ સર્જાશે કે જેને ઠીક કરવાનું આસાન નહીં હોય.”

જોકે, એરમના ઘણા હિંદુ દોસ્ત હતા અને એક મુસ્લિમ મહિલા તરીકે તેઓ ક્યારેય અસલામતી અનુભવતાં ન હતાં.

આ વાત બાળકો સુધી મર્યાદિત નથી

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

આગ્રાના એક વ્યસ્ત માર્ગ પરની પોતાની ઑફિસમાં બેસેલા સ્થાનિક પત્રકાર સિરાજ કુરેશી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની જૂની દોસ્તી ખતમ થઈ જવા બાબતે અફસોસ વ્યક્ત કરે છે. તેમણે તાજેતરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં શહેરમાં માંસનું વિતરણ કરતી એક વ્યક્તિને હિંદુ જમણેરી જૂથે અટકાવી, પોલીસને સોંપીને જેલમાં નાખી દીધી હતી. સિરાજ કુરેશી કહે છે, “એ વ્યક્તિ પાસે યોગ્ય પરવાનો હતો. તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમને મુક્ત કર્યા હતા.”

સમુદાયના ઘણા લોકો માને છે કે ટ્રેનમાં પ્રવાસ કરતા મુસ્લિમોના વર્તનમાં પણ ફેરફાર થયો છે. કથિત રીતે ગૌમાંસ લઈ જવાને કારણે મુસ્લિમ પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યાની ઘટનાથી તે ફેરફાર પ્રેરિત છે.

રીના અહમદ કહે છે, “હવે અમે પણ સતર્ક રહીએ છીએ. જાહેર પરિવહનમાં માંસાહારી ભોજન લેવાનું ટાળીએ છીએ અથવા શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ પણ ટાળીએ છીએ.”

સોફટવૅર એન્જિનિયરમાંથી જ્વેલરી ડિઝાઇનર અને સંગીતકાર બનેલા કલીમ અહમદ કુરેશી આગ્રાના સાતમી પેઢીના નિવાસી છે. તેઓ શહેરમાં હેરિટેજ વૉકનું નેતૃત્વ પણ કરે છે.

સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાં વગાડવામાં આવતા રબાબ નામના સંગીત વાદ્યયંત્ર સાથે તેમણે તાજેતરમાં દિલ્હીથી આગ્રા સુધી એક હિંદુ સહયાત્રી સાથે ટૅક્સીમાં પ્રવાસ કર્યો હતો. કલીમ કુરેશી કહે છે, “તેમણે મારો સામાન જોયો તો તેને ખોલવા માટે કહ્યું હતું, કારણ કે બંદૂક હોવાનો ડર તેમને હતો. મને થયું કે તેમનું આ વર્તન મારા નામથી પ્રભાવિત હતું.”

“આ ચિંતાની વાત છે. હવે હું પ્રવાસ કરું ત્યારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે હું ક્યાં છું, હું શું કહું છું, હું શું કરું છું. હું ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ટિકિટ ચેકરને મારું નામ જણાવતા પણ અસહજતા અનુભવું છું.”

રાજકારણે ઝેર ઘોળ્યું?

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Anshul Verma

ઇમેજ કૅપ્શન, આરઝૂ પરવીન

તેનું સ્પષ્ટ કારણ જણાવતાં કલીમ કુરેશી કહે છે, “સમુદાયો વચ્ચેના સંબંધમાં રાજકારણે ઝેર ઘોળ્યું છે.”

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે તાજેતરમાં દિલ્હીમાં કહ્યું હતું, “મુસલમાનોએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.” વધતા ઇસ્લામોફોબિયા માટે તેમણે 'બેજવાબદાર મીડિયા જૂથોને' જવાબદાર ગણાવ્યાં હતાં.

તેમણે ઉમેર્યું હતું, “ક્યાંક એક નાનકડી ઘટના બને તો મીડિયા તેને અતિશયોક્તિથી રજૂ કરે છે, જાણે કે પહેલાં એવું કશું થયું જ ન હોય. 1.4 અબજ લોકોની વસ્તીવાળા દેશમાં આવી અનેક ઘટનાઓ સમુદાયોની વચ્ચે કે સમુદાયોમાં બની શકે.”

“તમે એક કે બે ઘટનાઓને જનરલાઇઝ ન કરી શકો. (શાસક પક્ષ મુસ્લિમવિરોધી છે એવું કહી ન શકો) કોઈ તેને મુસલમાનવિરોધી તરીકે પ્રસ્તુત કરે તો તે ખોટું છે.”

તમારું સંતાન સ્કૂલેથી ઘરે સહપાઠીઓએ તેને પણ 'પાકિસ્તાની આતંકવાદી' કહ્યો આવે તો તમારો પ્રતિભાવ શું હશે, એવું મેં તેમને પૂછ્યું હતું. 2014માં પક્ષમાં સામેલ થયેલા આ ભૂતપૂર્વ બૅન્કરને બે સંતાન છે. તેમાંથી એક હજુ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

તેમણે કહ્યું હતું, “અન્ય કોઈ માતાપિતાની માફક મને પણ ખરાબ લાગશે. આવું ન બને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્કૂલની છે. માતાપિતાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમનું બાળક આવી વાતો ન કહે.”

જે દેશમાં 79 ટકા લોકો હિંદુ છે ત્યાં ભાજપની હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત બાબતે તેમનું શું કહેવું છે?

ઇસ્લામે કહ્યું હતું, “લોકો જાણે છે કે આ નિવેદનબાજી છે. અમારી સરકાર કે પક્ષે ક્યારેય આવી વાતો કહી છે? આવી વાતો કહેતા લોકોને મીડિયા સ્થાન શા માટે આપે છે? મીડિયા આવા લોકોને સ્થાન આપે છે ત્યારે અમે નિરાશ થઈએ છીએ.”

મુસ્લિમ પ્રતિનિધિત્વની કમી

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપ પાસે સંસદના એકેય ગૃહમાં કોઈ મુસ્લિમ મંત્રી કે સંસદસભ્ય નથી અને દેશભરમાં 1,000થી વધુ સભ્યો વચ્ચે માત્ર એક ધારાસભ્ય છે.

સૈયદ ઝફર ઇસ્લામ પોતે ભાજપના ભૂતપૂર્વ સાંસદ છે અને તેમના કહેવા મુજબ, આવું હેતુપૂર્વક કરવામાં આવ્યું નથી.

તેમણે કહ્યું હતું, “ભાજપને હરાવવાના પોતાના ઍજન્ડા માટે કૉંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો મુસ્લિમોનો ઉપયોગ કરી રહ્યાં છે. પક્ષ કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવે અને મુસ્લિમો તેને મત ન આપે તો ક્યો પક્ષ તેમને ટિકિટ આપશે?”

2019ની ચૂંટણીમાં માત્ર આઠ ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતો અને વધુને વધુ મુસ્લિમો મોદીવિરોધી પક્ષોને મત આપી રહ્યા છે તે હકીકત છે.

2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 77 ટકાએ ભાજપવિરોધી પક્ષોને ટેકો આપ્યો હતો. 2021માં પશ્ચિમ બંગાળમાં 75 ટકા મુસ્લિમોએ પ્રાદેશિક પક્ષ તૃણમુલ કૉંગ્રેસને મત આપ્યો હતો અને 2022માં ઉત્તર પ્રદેશમાં 79 ટકાએ વિરોધ પક્ષ સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો હતો.

ઇસ્લામ એવી દલીલ કરે છે કે મુસ્લિમો વફાદાર બની રહે તે માટે કૉંગ્રેસના વડપણ હેઠળના વિરોધ પક્ષે તેમનામાં 'ભય અને ચિંતા' પેસાડી દીધાં છે. બીજી તરફ મોદી સરકાર 'કોમો વચ્ચે ભેદભાવ કરતી નથી.'

તેઓ કહે છે કે, “કલ્યાણ યોજનાઓ તમામ લોકો સુધી પહોંચે છે. કેટલીક યોજનાઓનો મુસ્લિમોને સૌથી વધુ લાભ મળે છે. છેલ્લાં દસ વર્ષમાં કોઈ મોટાં કોમી હુલ્લડ થયાં નથી.”

હકીકતમાં તો નાગરિકત્વના વિવાદાસ્પદ કાયદાના મુદ્દે દિલ્હીમાં થયેલા હુલ્લડમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા. એ પૈકીના મોટા ભાગના મુસ્લિમો હતા. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે બહુ બદતર સ્થિતિ જોઈ છે.

મુખ્ય પ્રવાહમાં ન ભળવા બદલ ઇસ્લામે મુસ્લિમ સમુદાયને જ જવાબદાર ઠેરવ્યો હતો. તેઓ કહે છે, “મુસ્લિમો આત્મનિરીક્ષણ કરતા નથી. તેમણે પોતાનો ઉપયોગ વોટ બૅન્ક તરીકે થવા દેવો જોઈએ નહીં અને ધાર્મિક નેતાઓના પ્રભાવમાં આવવું જોઈએ નહીં.”

“લોકો સાથે મળીને ખુશીથી જીવી શકે અને કોઈ તેમને ગેરમાર્ગે ન દોરે તે માટે નરેન્દ્ર મોદી ભારે મહેનત કરી રહ્યા છે. ”

મેં તેમને સવાલ કર્યો હતો કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતમાં મુસ્લિમોનું ભાવિ કેવું છે?

“બહુ જ સારું છે. માનસ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. વધારે મુસ્લિમો ભાજપમાં જોડાવા તૈયાર છે. પરિવર્તન થઈ રહ્યું છે.”

શું પરિવર્તન થઈ રહ્યું છે?

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ સવાલનો જવાબ મુશ્કેલ છે.

એ વાત સાચી છે કે આ અશાંત સમયમાં પોતાનો સમુદાય સુધારાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હોવાનું ઘણા મુસ્લિમો કહે છે.

સલામ કહે છે, “મુસ્લિમો આત્મનિરીક્ષણ કરી રહ્યા છે અને શિક્ષિત થઈ રહ્યા છે. સમુદાયના લાયક, જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદના પ્રયાસ મુસ્લિમ શિક્ષણવિદો અને પ્રબુદ્ધો સાથે મળીને કરી રહ્યા છે. પોતાનામાં સુધારો કરવાના પ્રયાસ પ્રશંસનીય છે, પરંતુ સરકારમાં વિશ્વાસના અભાવથી તકલીફ થાય છે.”

બિહારનાં આરઝુ પરવીન એવા લોકો પૈકીનાં એક છે, જેઓ પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો માર્ગ શિક્ષણમાં જોઈ રહ્યાં છે. રીના અહમદના પુત્રથી વિપરીત, આરઝુના માર્ગમાં ધાર્મિક તણાવ અવરોધ ન હતો, પરંતુ સમાજ શું કહેશે એ વાતથી તેમના પિતા ડરતા હતા.

“તેમણે કહ્યું હતું કે આપણા ઘરમાં પૈસાની સમસ્યા છે. તું મોટી થઈ ગઈ છે. ગામના લોકો તેની વાતો કરશે. મેં તેમને કહ્યું હતું કે આપણે આ રીતે જીવી શકીએ નહીં. મહિલાઓ આગળ વધી રહી છે. આપણે આપણા ભવિષ્યને અવરોધી શકીએ નહીં.”

આરઝુનું સપનું ડૉક્ટર બનવાનું છે. સ્થાનિક હૉસ્પિટલમાં માતાનું મૃત્યુ થયા બાદ તેમને ડૉક્ટર બનવાની પ્રેરણા મળી હતી. મહિલાઓ કેવી રીતે એન્જિનિયર અને ડૉક્ટર બની રહી છે, તેની વાતો ગામના શિક્ષકોએ કરી હતી. એ બધું સાંભળીને આરઝુને ખાતરી થઈ હતી કે આવું કરવું શક્ય છે.

“હું કેમ નહીં?”

એવા સવાલ સાથે એક વર્ષમાં આરઝુ તેમના પરિવારની ઉચ્ચ શિક્ષણ મેળવનાર પ્રથમ મહિલા બની ગયાં હતાં.

ગામની સરકારી સ્કૂલમાંથી નહીં, પરંતુ 'રહેમાની 30' નામની ભૂતપૂર્વ મુસ્લિમ રાજકારણી અને શિક્ષણવિદ મૌલાના વલી રહેમાનીએ 2008માં સ્થાપેલી વંચિત મુસ્લિમ વિદ્યાર્થીઓ માટેની મફત કોચિંગ સ્કૂલના માર્ગે તેઓ આગળ વધ્યાં હતાં.

'રહેમાની 30' બિહારની રાજધાની પટના સહિતનાં ત્રણ શહેરોમાં 850થી વધારે મુસ્લિમ છોકરા-છોકરીઓને માર્ગદર્શન આપે છે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ સ્કૂલના ભાડાના મકાનમાં રહે છે અને એન્જિનિયરિંગ, મેડિસિન તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ આપવા મહેનત કરે છે. એ પૈકીના ઘણા ખેડૂતો, ફળવિક્રેતાઓ, ખેતકામદારો, મજૂરો તથા બાંધકામ કામદારોનાં સંતાનો છે.

તેના લગભગ 600 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સોફટવેર એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અન્ય વ્યવસાયોમાં કાર્યરત છે. છ લોકો ડૉક્ટર છે.

ભારતની 707 મેડિકલ કૉલેજોમાંની એક લાખ બેઠકો પર પ્રવેશ માટે દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. આરઝુ આવતા વર્ષે 20 લાખથી વધુ પરીક્ષાર્થીઓ સાથે તેઓ પરીક્ષા આપવાનાં છે. આરઝુ કહે છે, “એ પડકાર માટે હું તૈયાર છું. મારે ગાયનેકોલોજિસ્ટ બનવું છે.”

મહમદ શાકિર રહમાની પણ સારા શિક્ષણને વધુ સારા જીવનની ચાવી માને છે, જેનાથી તેઓ તેમના સંઘર્ષરત પરિવારની સારી રીતે સંભાળ રાખી શકશે. 15 વર્ષના શાકિરે તેના એક મિત્ર સાથે પટના જવા માટે ગયા એપ્રિલમાં છ કલાકની બસ મુસાફરી શરૂ કરી હતી. એક હિંદુ તહેવારમાં સરઘસ દરમિયાન ફેલાયેલી ધાર્મિક તંગદિલીથી ગ્રસ્ત એક જિલ્લામાંથી તેમણે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં ખાવા-પીવા થોડા ખજૂર અને પાણીની એક જ બૉટલ સાથે હતી. તેમણે એક મસ્જિદમાં રાતવાસો કર્યો હતો. 'રહેમાની 30'ની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થયા હતા.

શાકિરે કહ્યું હતું, “મારાં માતાપિતા બહુ ડરી ગયાં હતાં. તેમણે કહેલું કે જવાનું રહેવા દે. મેં તેમને કહ્યું હતું કે આ જ તો સમય છે. હું નહીં જાઉં તો મને ખબર નથી મારું ભવિષ્ય કેવું હશે.”

કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ બનવાનું સપનું જોતા આ કિશોરને ધાર્મિક તણાવની ચિંતા સૌથી ઓછી હતી.

“મેં મારી મમ્મીને કહ્યું હતું કે હું પરીક્ષા આપીને પાછો આવીશ. રસ્તામાં મને કંઈ નહીં થાય. ખોટું થાય પણ શા માટે? મારા ગામમાં હિંદુઓ અને મુસ્લિમો સંપૂર્ણ સંવાદિતા સાથે રહે છે.”

ભારતમાં મુસ્લિમોનું ભાવિ શું છે?

મુસ્લિમો, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં વર્ગ, સંપ્રદાય, જ્ઞાતિ અને પ્રાદેશિક વાડાઓમાં વિભાજિત ભારતના મુસ્લિમોનું ભાવિ શું છે? સલામ “સતત તોળાતી ભય”ની લાગણીની વાત કરે છે.

“લોકો રોજગારના અભાવ અને મોંઘવારીની વાતો કરે છે, પરંતુ વાત મોંઘવારી અને રોજગાર પૂરતી મર્યાદિત નથી. મુદ્દો જીવનના અધિકારનો છે.”

યુવા મુસ્લિમોનાં તાજાં સંસ્મરણો પણ સમાન ભયની વાત કરે છે.

ઝાયેદ મસરૂર ખાને તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘સિટી ઓન ફાયરઃ એ બૉયહૂડ ઇન અલીગઢ’માં લખ્યું છે, “અનિવાર્ય સંજોગોમાં ભાગી જવાય તેવો એક દેશ લગભગ દરેક વ્યક્તિએ પસંદ કરી લીધો છે. આશ્રયની જરૂર પડે તો કેટલાકે કૅનેડા, અમેરિકા, તુર્કી કે બ્રિટનમાં સ્થાયી થયેલા તેમના સંબંધીઓ સાથે સંપર્ક સ્થાપ્યો છે. કોમી હિંસાના સમયમાં પણ સલામતી અનુભવતા રહેલા મારા જેવા લોકોને હવે વતનમાંના પરિવારજનોના ભાવિની ચિંતા થાય છે.”

આગ્રામાં રીના અહમદ પણ ભાવિની અનિશ્ચિતતાથી ચિંતિત છે.

તેઓ કહે છે, “શરૂઆતમાં મને એવું લાગ્યું હતું કે મુસ્લિમોની હેરાનગતિ ગૌણ બાબત છે. એ દસ વર્ષ પહેલાંની વાત છે. હવે મને લાગે છે કે બધું કાયમ માટે ખોવાઈ ગયું છે અને ઘણું બધું બરબાદ થઈ ગયું છે.”