હાર્દિક પટેલ : જેમને પ્રચાર માટે કૉંગ્રેસે હેલિકૉપ્ટર આપ્યું હતું એમને ભાજપની સ્ટારપ્રચારકોની યાદીમાં પણ કેમ સ્થાન ન મળ્યું?

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ ‘મહાક્રાંતિ રેલી’નું આયોજન કર્યું હતું જેમાં લાખો લોકો એકઠા થયા હતા. આ રેલીને આઠ વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે.

25 ઑગસ્ટ, 2015ના રોજ પાટીદારોને ઓબીસીમાં સમાવવા અને અનામત આપવાની માગ સાથે આ મહારેલીનું આયોજન થયું હતું. રાજ્યભરમાંથી પાટીદારો આ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં સામેલ થયા હતા.

આ રેલીનું નેતૃત્ત્વ એ સમયે માત્ર 22 વર્ષના યુવાન હાર્દિક પટેલે કર્યું હતું. એક સમયે પાટીદારોમાં પણ જાણીતો ન હોય એવો ચહેરો એ સમયે દેશના રાજકારણમાં છવાઈ ગયો હતો.

પાટીદાર આંદોલે ગુજરાતના રાજકારણમાં એટલો ગરમાવો લાવી દીધો હતો કે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદ આંદોલનના ઓછાયા તળે યોજાયેલી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે માંડ બહુમતી મળી હતી.

સમયનું ચક્ર પલટાયું અને હાર્દિક પટેલ આજે ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. મોટે ભાગે હવે સમાચારોમાં ઓછા ચમકતા હાર્દિક પટેલની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે.

એક સમયે હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસે તેના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે હેલિકૉપ્ટર પણ ફાળવ્યું હતું. જ્યારે હાલમાં ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલા ગુજરાતના 40 સ્ટારપ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ નથી.

હાર્દિક અને ભાજપનું આ મુદ્દે શું કહેવું છે?

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik Patel/FB

ઇમેજ કૅપ્શન, ભાજપના મંચ પર હાર્દિક પટેલ

2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં તમામ બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે. તેના માટે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.

આમ આદમી પાર્ટીએ પોતાના ગુજરાતના સ્ટારપ્રચારકોના લિસ્ટમાં સૌને ચોંકાવ્યા છે અને સુનીતા કેજરીવાલને સામેલ કર્યાં છે. તો બીજી તરફ ભાજપે પણ પોતાના 40 સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપની સ્ટારપ્રચારકોની યાદીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા રાષ્ટ્રીય નેતાઓ સાથે ઘણા સ્થાનિક નેતાઓને પણ સ્થાન અપાયું છે. જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયા જેવા નેતાઓનાં નામ છે. આ યાદીમાં એક સમયે હાર્દિક પટેલના સાથી રહેલા અલ્પેશ ઠાકોરનું પણ નામ છે.

એક સમયે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ‘ક્રાઉડપુલર’ ગણાતા જૂજ નેતાઓમાં સામેલ હાર્દિક પટેલનું નામ આ યાદીમાં નથી જેની ચર્ચા થઈ રહી છે.

ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે ધારાસભ્ય ન હતા અને હાલમાં તેઓ ધારાસભ્ય છે. ભાજપનો દરેક ધારાસભ્ય એ પક્ષનો સ્ટારપ્રચારક જ છે. હાલમાં હાર્દિક પટેલ તેમની વિધાનસભા અને આસપાસના વિસ્તારોમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. યાદીમાં નામ હોવું કે ન હોવું તેનાથી કોઈ મોટો ફરક પડતો નથી, તેઓ પ્રચાર કરી જ રહ્યા છે. સ્ટારપ્રચારકની યાદીમાં સામેલ ન કરવા એ પક્ષનો નિર્ણય છે અને હાર્દિકભાઈ પક્ષના સભ્ય છે.”

બીબીસીએ આ મુદ્દે હાર્દિક પટેલ સાથે પણ વાત કરી હતી.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, "હાલમાં હું સુરેન્દ્રનગર લોકસભામાં પ્રચાર કરી રહ્યો છું અને આ લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભાઓની જવાબદારી મારી પાસે છે. એ સ્વાભાવિક વાત છે કે હું પહેલા મારા વિસ્તારમાં જ પ્રચાર કરું અને એવો પ્રયત્ન કરું કે અહીં પક્ષને મોટો વિજય મળે."

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સંપન્ન થયા બાદ તેઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવાં અન્ય રાજ્યોમાં પણ પ્રચાર માટે જઈ શકે છે. પણ તેમની પહેલી જવાબદારી ગુજરાતમાં તેમની લોકસભા બેઠકની છે.

'લોકપ્રિય નેતા અને વક્તા' તરીકે હાર્દિક પટેલ

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાટીદાર આંદોલન સમયે અને ત્યારપછી પણ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલનાં ભાષણો ગુજરાતમાં લોકપ્રિય હતાં.

જે-તે સમયે હાર્દિક પટેલ તેમનાં ભાષણોમાં કહેતા હતા કે 'આપણે ભાજપની સરકાર સામે અવાજ નહીં ઉઠાવીએ તો ગુલામીનો સમય આવશે.' તેમનાં- ભાષણોમાં - પણ તેઓ સતત ભાજપ, ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન મોદી પર કઠોર શાબ્દિક હુમલાઓ કરતા હતા. તેના કારણે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદમાં એક રેલીને હાર્દિક પટેલ સંબોધિત કરી રહ્યા હતા, જેના ફેસબુક લાઇવને 52800 લાઇવ વ્યૂ મળ્યા હતા. એવા પણ મીડિયા અહેવાલ આવ્યા હતા કે હાર્દિક પટેલના આ લાઇવે ખૂબ ચર્ચા જગાવી હતી અને 'ધી વીક'ના એક અહેવાલ પ્રમાણે હાર્દિકને આ લાઇવને કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ તરફથી આમંત્રણ પણ મળ્યું હતું.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "હાર્દિક પટેલ પ્રભાવશાળી વક્તા છે, તે અદ્ભુત અને લડાયક નેતા હતા. જે સમયમાં ભાજપનું કોઈ નામ ન લઈ શકે એવા સમયમાં તે ભાજપ સામે લડ્યા હતા અને ભાજપની મજબૂત સત્તાના પાયા હલાવી દીધા હતા."

"એ સમયમાં હાર્દિક નિર્વિવાદપણે પાટીદારોના પણ સૌથી મોટા નેતા બની ગયા હતા. ખાસ કરીને પાટીદાર યુવાનોમાં તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી."

પાટીદારોમાં હાર્દિક પટેલની છબી

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ

પાટીદાર આંદોલન પછી પણ હાર્દિક પટેલની છબી મહદ્અંશે પાટીદારોના નેતા તરીકે જળવાઈ રહી હતી. કૉંગ્રેસમાં ગયા બાદ હાર્દિક પર સવાલો ઊઠ્યા હતા પરંતુ વિશ્લેષકોના મતે તેમની અસર ત્યારે પણ ખૂબ વ્યાપક હતી. ખાસ કરીને પાટીદારોનો યુવાવર્ગ હાર્દિક પટેલની સાથે હતો એવું મનાતું હતું.

જગદીશ આચાર્ય કહે છે, "હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હવે પાટીદારોમાં પણ તેમની છબી પહેલાં જેવી નથી રહી. હાર્દિક પટેલ હવે પાટીદારોના નેતા નથી અને તેમનું કદ ઘટી ગયું છે. તેમનું કૉંગ્રેસમાં સામેલ થવું તે એ સમયે સ્વાભાવિક હતું પરંતુ ભાજપમાં જોડાવાને કારણે તેની છબીને નુકસાન થયું છે."

વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતા કહે છે, "પાટીદારોએ તેમને આંદોલનમાં પણ આર્થિક રીતે અકલ્પનીય મદદ કરી હતી. પરંતુ પહેલાં રાજકારણમાં પ્રવેશવાને કારણે તેમની પાટીદારોમાં છબી ઘસાઈ ગઈ અને અંતે ભાજપપ્રવેશથી તેમણે પાટીદારોનો પણ વિશ્વાસ ખોઈ નાખ્યો."

જગદીશ આચાર્ય માને છે કે હાર્દક જો આજે કૉંગ્રેસમાં હોત તો પાટીદારોનો સૌથી મોટો નેતા હોત. જ્યારે કૌશિક મહેતા માને છે કે હાર્દિક કૉંગ્રેસમાં રહ્યા હોત તો પણ તેમનું સ્થાન અને છબી શું હોત એ કહી શકાય નહીં કારણ કે કૉંગ્રેસની પરિસ્થિતિ તો હાલમાં રાજકીય રીતે અત્યંત ખરાબ છે.

શું ભાજપે હાર્દિકનું કદ ઘટાડી નાખ્યું?

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે હાર્દિક પટેલને રાષ્ટ્રીય મંચ પર મોટા વિપક્ષી નેતાઓ સાથે સ્થાન મળતું હતું

આચાર્યએ આ અંગે વિસ્તૃત વાત કરતાં હતું કે, "હાર્દિક પટેલને ભાજપમાં સામેલ કરવાનો ફાયદો ભાજપને મળવાનો હતો કારણ કે તેનાથી પાટીદાર આંદોલનની રહીસહી વાત પણ સમાપ્ત થઈ જાય એવું હતું. હાર્દિક પટેલ શક્તિશાળી નેતા હતા, તેની પાટીદારોમાં લોકપ્રિયતા હતી અને ભાજપને ભવિષ્યમાં નડી શકે તેમ હતા. તેથી ભાજપે તેને યેનકેન પ્રકારેણ પક્ષમાં સામેલ કર્યા."

તેઓ કહે છે, “ભાજપે હાર્દિક પટેલને વિધાનસભાની ટિકિટ પણ આપી અને હાર્દિક પટેલ ધારાસભ્ય પણ બન્યા. પરંતુ હવે તેમને સ્ટારપ્રચારકોની યાદીમાં પણ સામેલ ન કરીને ભાજપે તેને સંદેશ આપી દીધો છે. ભાજપની આ જ રીત છે અને આવા અસંખ્ય દાખલા આપણી સામે છે. શરૂઆતમાં ભાજપ નેતાઓને માન-સન્માન આપે છે અને પછી આ રીતે કદ પ્રમાણે વેતરી નાખે છે."

કૌશિક મહેતા પણ માને છે કે હાર્દિક પટેલને ભાજપમાં લાવવાનો હેતુ ગુજરાતમાં વિરોધની ભૂમિકાને ખલાસ કરવાનો હતો. તેઓ કહે છે, “ભાજપે તેમનો જેટલો રાજકીય ઉપયોગ કરવાનો હતો તેટલો કરી લીધો અને તેના ફળરૂપે હાર્દિક પટેલનું રાજકીય કદ અને મહત્ત્વ ઘટી ગયાં.”

જગદીશ આચાર્ય કહે છે કે, “પાટીદારો પણ હાર્દિકથી નારાજ છે અને જો હાર્દિક પ્રચારમાં જાય તો પાટીદારો પણ તેમનો વિરોધ કરે અને નવો મુદ્દો ઊભો થઈ શકે. આથી, ભાજપે તેનું નામ કદાચ લિસ્ટમાં સામેલ ન કર્યું હોય.”

કૌશિક મહેતાના મત અનુસાર આ હાર્દિક પટેલના કિસ્સાને અન્ય રીતે પણ જોવાની જરૂર છે. તેઓ કહે છે, “તામિલનાડુમાં ભાજપે આ ચૂંટણીમાં પોતાનો સંપૂર્ણ દાવ 36 વર્ષના અન્નામલાઈ પર ખેલ્યો છે. ગુજરાતમાં ભાજપે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવ્યા પણ મંત્રી ન બનાવ્યા. સામે પક્ષે કૉંગ્રેસમાં પણ એવી જ હાલત છે. ત્યાં જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય છે પણ કૉંગ્રેસની હાલત અતિશય ખરાબ છે. ગુજરાતમાં યુવા નેતાઓને અન્ય રાજ્યોની જેમ પ્લૅટફૉર્મ મળતું નથી.”

કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હાર્દિક પટેલ જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે કૉંગ્રેસ પક્ષે તેમને માન, પદ, પ્રતિષ્ઠા- બધું જ આપ્યું હતું. તેમણે કૉંગ્રેસ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો અને ભાજપમાં સામેલ થઈ ગયા.”

તેઓ કહે છે કે, “કયા નેતાને પ્રચારમાં રાખવા, પ્રચારમાં ન રાખવા એ જે-તે પક્ષ નક્કી કરતો હોય છે. એમને ભાજપ કયું પદ આપે અને એમનો કઈ રીતે ઉપયોગ કરે, તેમનું કદ વધ્યું કે ઘટ્યું એ અંગે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. એ તો પ્રજા નક્કી કરશે.”

હાર્દિક પટેલની રાજકીય સફર

હાર્દિક પટેલ, ભાજપ, કૉંગ્રેસ, ગુજરાતનું રાજકારણ, પાટીદાર અનામત આંદોલન, યુવાનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2015માં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બન્યા બાદ હાર્દિક પટેલને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિયતા મળી હતી.

પાટીદાર અનામત આંદોલનના સમયમાં થયેલા રાજદ્રોહના કેસમાં તેઓ નવ મહિના જેલમાં રહ્યા હતા જ્યારે તડીપારીના આદેશને કારણે તેઓ છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા.

ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2018માં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા હતા, પરંતુ તેમને ઑગસ્ટ-2015 જેવી સફળતા મળી ન હતી. જેના કારણે તેમની લોકપ્રિયતા ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો હતો.

હાર્દિક પટેલ 13 માર્ચ, 2019ના રોજ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચીવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા.

2019માં જ તેમને લોકસભા ચૂંટણી લડવી હતી પરંતુ તેઓ 2015ના રાયોટિંગના કેસમાં દોષિત જાહેર થયા હોવાને કારણે ચૂંટણી લડી શકે તેમ ન હતા અને એ સમયે હાઇકોર્ટે પણ સજા પર સ્ટે મૂક્યો ન હતો.

2019ની લોકસભાની ચૂંટણી માટે હાર્દિક પટેલે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે તેમની ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ ભારે ડિમાન્ડ હતી. જેના કારણે કૉંગ્રેસ પક્ષે તેમને હેલિકૉપ્ટર ફાળવ્યું હતું.

જુલાઈ, 2020માં જ તેમને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમને આ પદ આપવામાં આવ્યું ત્યારે તેમને પક્ષમાં દોઢ વર્ષ જેટલો સમય પણ થયો ન હતો.

2021ની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પણ હાર્દિક પટેલ કૉંગ્રેસમાં હતા અને એ ચૂંટણીમાં કૉંગ્રેસનો ભારે રકાસ થયો હતો. તેઓ પાર્ટીને સુરતમાં પણ કોઈ સફળતા અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને આમ આદમી પાર્ટીએ સુરતમાં વિપક્ષનું સ્થાન આંચકી લીધું હતું.

એ સમયે ચૂંટણીપરિણામો પછી પણ હાર્દિક પટેલે જાહેરમાં એવા આરોપો લગાવ્યા હતા કે કૉંગ્રેસના જ કેટલાક નેતાઓ તેમને 'એકલા પાડી દેવા માંગે છે' અને તેમની રેલીઓનું આયોજન થવા દીધું ન હતું.

2022ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હાર્દિક પટેલને સ્ટારપ્રચારકોની યાદીમાં પણ સામેલ કર્યા હતા. તેમણે બનારસ અને મેરઠ જેવાં સ્થળોએ કૉંગ્રેસ તરફથી પ્રચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના કુર્મી મતદારોને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે તેમને પ્રચાર માટે મોકલ્યા હતા.

જોકે, વર્ષ 2022થી જ હાર્દિક પટેલે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું ઓછુ કરી દીધું હતું અને તેમણે જાહેરમાં પણ એવું કહ્યું હતું કે તેમને કૉંગ્રેસમાં એકલા પાડી દેવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જૂન, 2022માં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને વિરમગામ વિધાનસભાથી ટિકિટ આપી હતી. હાર્દિક પટેલે 51 હજાર મતોની સરસાઈથી જીત મેળવી હતી.

ઑક્ટોબર, 2023માં તેમને 2015માં થયેલા રાજદ્રોહના કેસમાં પણ ગુજરાત હાઈકોર્ટે રાહત આપી હતી અને ધરપકડ વૉરન્ટને રદ કર્યું હતું.

જોકે, ભાજપમાંથી ચૂંટાયા બાદ અને ધારાસભ્ય બન્યા બાદ પણ હાર્દિક પટેલની સક્રિયતા પહેલાંની સરખામણીએ ઓછી દેખાય છે. તેઓ ભાજપના મોટા કાર્યક્રમોમાં પણ ઓછા જોવા મળે છે. આ લોકસભા ચૂંટણીમાં તેઓ મોટા ભાગે સુરેન્દ્રનગરમાં ભાજપનો પ્રચાર કરતા જોવા મળ્યા છે.