ઉત્તર પ્રદેશની ચૂંટણી : શું ગુજરાતી સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કૉંગ્રેસને યુપીમાં કુરમીઓના મત અપાવી શકશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં પટેલ - પાટીદાર સમુદાય છે જેને પારંપરિક રીતે કણબી પણ કહેવામાં આવે છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં પણ કુર્મી સમુદાય વસે છે જે મૂળે ખેતી સાથે સંકળાયેલા સમુદાય છે.

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, @HardikPatel

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બનારસ, મેરઠ જેવા સ્થળો પર પ્રચાર કર્યો છે, હજી પણ કરશે.

તેથી જ કૉંગ્રેસે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે જે સ્ટારપ્રચારકોની યાદી તૈયાર કરી , એમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે.

હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બનારસ, મેરઠ જેવા સ્થળો પર પ્રચાર કર્યો છે. કુર્મી મતદારોને ધ્યાનમાં રાખીને હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકોમાં સ્થાન મળ્યું છે.

યુપી વિધાનસભાની ચૂંટણીમાં 15 કરોડ ત્રણ લાખ જેટલા મતદારો છે અને વસતિની દૃષ્ટિએ જોવામાં આવે તો કુર્મીઓની ટકાવારી પાંચેક ટકા છે.

line

'હાર્દિક પટેલ કુર્મી, પણ આઉટસાઇડર'

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, @HardikPatel

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પટેલ - પાટીદાર સમુદાય છે જેને પારંપરિક રીતે કણબી પણ કહેવામાં આવે છે.

શું હાર્દિક પટેલ કૉંગ્રેસ માટે મત મેળવવામાં યુપીના કુર્મીઓની વચ્ચે અપીલ ઊભી કરી શકશે?

આ સવાલના જવાબમાં લખનૌ સ્થિત ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી બીબીસીને કહે છે, "ના એવી કોઈ અપીલ હાર્દિક ન ઊભી કરી શકે."

"અનુભવ એવું કહે છે કે અપીલ ઊભી કરવા માટે નેટવર્કિંગ જોઈએ, લોકો સાથેનો સંપર્ક જોઈએ. લોકોની વચ્ચે તમારું કોઈ કામ હોવું જોઈએ જેથી લોકો પર એક પ્રભાવ ઊભો થાય."

"નીતિશકુમાર કુર્મી હોવા છતાં ઉત્તર પ્રદેશમાં કોઈ અસર નથી. લાલુપ્રસાદ યાદવ બિહારના યાદવોના મોટા નેતા હોવા છતાં તેમની અસર ઉત્તર પ્રદેશમાં નથી."

"માયાવતી ઉત્તર પ્રદેશના આટલા મોટા દલિત નેતા હોવા છતાં રાજ્યની બહાર તેમની અસર ઊભી નથી થતી. તેથી હાર્દિક પટેલ કોઈ ચોક્કસ સમુદાયથી આવતા હોય તો પણ મતદારો પર તેનો પ્રભાવ ન પણ વર્તાય."

"બીજી બાબત એ છે કે વિધાનસભા ચૂંટણી એ સ્થાનિક ચૂંટણી છે એમાં બહારના ચહેરાની કોઈ અસર ઊભી નથી થતી. તેથી પણ હાર્દિક પટેલ પાસેથી એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંના સાંસદ છે તે વારાણસી (બનારસ) મતક્ષેત્રમાં અઢી લાખ જેટલા કુર્મી છે.

વસતિની દૃષ્ટિએ તેઓ બ્રાહ્મણ અને મુસ્લિમો પછી ત્રીજા ક્રમે છે. આથી જ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાં આ વખતે શરૂઆતમાં જ ત્યાં પહોંચ્યા હતા.

તેમણે 30મી જાન્યુઆરીએ બનારસમાં પ્રચાર કર્યો હતો. એ પછી મેરઠમાં પ્રચાર કર્યો હતો.

મથુરામાં રહેતા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર વિજય કુમાર આર્ય પણ આવો જ મત ધરાવે છે, તેઓ બીબીસીને કહે છે, "ચૂંટણી જે સ્તર પર પહોંચી ગઈ છે એ સ્તર પર હાર્દિક પટેલ કુર્મીઓને અપીલ કરવા માટે આવે તો અસર ન ઊભી કરી શકે."

"હાર્દિક જો અહીં નિરંતર આવતા જતા રહેતા હોત તો, કદાચ એક અપીલ ઊભી કરી શક્યા હોત. ખાસ કરીને યુવામાં તેઓ અસર ઊભી કરી શકત. કૉંગ્રેસે આ કામ પર અગાઉ ધ્યાન દેવાની જરૂર હતી."

બીબીસી સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, "માત્ર ચૂંટણી છે એટલા માટે જ નથી આવ્યો, હું ઉત્તર પ્રદેશની નિરંતર મુલાકાત લેતો રહું છું."

"મારી ઓળખ ઉત્તર પ્રદેશમાં સાવ નવીસવી નથી. હું પ્રચારમાં જાઉં છું ત્યારે કુર્મીઓ મોટી સંખ્યામાં આવે છે. મારી સાથે કનૅક્ટ કરે છે."

હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે, "છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં કૉંગ્રેસના વરિષ્ઠ પર્યવેક્ષક છે. તેઓ પણ કુર્મી છે. તેથી હાર્દિક પટેલ ઉપરાંત ભૂપેશ પટેલના કનેક્શનથી પણ જોશો તો કુર્મીનું ચિત્ર થોડું મોટું અને સ્પષ્ટ થશે."

હાર્દિક પટેલની વાત પરથી એક નિષ્કર્ષ એ નીકળે કે સ્વાભાવિક છે કે કુર્મીઓના મતનો મોટો દારોમદાર કૉંગ્રેસમાં ભૂપેશ બઘેલ પર હોવાનો, નહીં કે હાર્દિક પટેલ પર.

line

ભાજપ અને અપના દલ

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુપી વિધાનસભાની ચૂંટણીમાં 15 કરોડ ત્રણ લાખ જેટલા મતદારો છે અને વસતિની દૃષ્ટિએ જોવામાં આવે તો કુર્મીઓની ટકાવારી પાંચેક ટકા છે.

ઉત્તર પ્રદેશની અપના દલ પાર્ટીની ગણતરી કુર્મીઓની પાર્ટી તરીકે થાય છે, જેની સ્થાપના સોનેલાલ પટેલે 1995માં કરી હતી. અપના દલ અને ભાજપ વચ્ચે ગઠબંધન છે. હાલ અનુપ્રિયા પટેલ અપના દલનાં નેતા છે.

રામદત્ત ત્રિપાઠી કહે છે, "ઉત્તર પ્રદેશમાં કુર્મીઓનો ઝુકાવ ભાજપ તરફ હોય તેમ જણાય છે."

વિજય કુમાર આર્ય કહે છે, "ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી, ત્યારે એકાદ-બે કુર્મી પ્રધાન હતા. હાલ પણ કુર્મીઓનો એક મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો છે."

"કુર્મીઓને વોટબૅન્કની દૃષ્ટિએ તો દરેક પાર્ટીએ રીઝવવા પડે જ છે. ભાજપ જેવો પક્ષ અપના દલને સાથે લઈને ચાલી રહ્યો છે, અને ગઠબંધનમાં તેમનો હિસ્સો પણ વધારી રહ્યો છે તે વાત સાબિત કરે છે કે તેમનું વર્ચસ્વ છે."

હાર્દિક પટેલ કહે છે, "કુર્મીઓનો દરેક પાર્ટીએ ઉપયોગ જ કર્યો છે, ખાસ કંઈ આપ્યું નથી."

"ગયે વખતે નાયબ મુખ્ય પ્રધાનપદ આપવાની વાત હતી પણ નહોતું આપ્યું. ઉત્તર પ્રદેશમાં ઓબીસી જાતિઓમાં યાદવ પછી કુર્મીઓની જ સંખ્યા મોટી છે."

"ભાજપે અપના દલને તો માત્ર મહોરું બનાવ્યું છે. અપના દલને પોતાની સાથે રાખીને કુર્મીઓને પોતાની સાથે જોડવાનો ભાજપ પ્રયાસ કરે છે."

"અપના દલને આઠથી 10 સીટો આપે છે, જેથી અન્ય સ્થળોએ પણ તેમને કુર્મીઓના મત મળી જાય. ત્યાંનો કુર્મી બધી પાર્ટીઓમાં વહેંચાયેલો છે."

શું તેમના પ્રચારથી કૉંગ્રેસને કેવી રીતે ફાયદો થશે, એના જવાબમાં હાર્દિક પટેલ કહે છે, "આ વખતે કૉંગ્રેસે પાર્ટીએ ઘણા કુર્મીઓને ટિકિટ આપી છે. એનાથી ફરક પણ પડશે. સૌ ઓબીસી સમુદાયને સાથે લેવાનો અમારો પ્રયાસ છે."

line

કુર્મીઓની રાજકીય વગ માયાવતીને લીધે વધી?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વિજય કુમાર આર્ય કહે છે કે કુર્મીઓની રાજકીય નોંધ લેવાઈ એની પાછળ માયાવતી પણ જવાબદાર ખરા.

ઉત્તર પ્રદેશમાં જાતિગત આધાર પ્રમુખપણે સમાજવાદી પાર્ટી પાસે રહ્યો છે. તેમની ઓળખ યાદવોની પાર્ટી તરીકે જ વધારે રહી છે.

કુર્મીઓનો યાદવ સાથે સહયોગ બનેલો રહ્યો એનું કારણ એ છે કે યાદવો પણ કુર્મીની જેમ ખેતીવાડી કરતો સમુદાય છે. પણ સમાજવાદી પાર્ટી કુર્મીઓને એ સ્તર પર ન લાવી જે સ્તર પર યાદવો છે, તેથી તેમનો ઉપયોગ થતો રહ્યો.

બહુજન સમાજવાદી પાર્ટી અને માયાવતી સક્રિય થયા એ પછી તેમણે તો સ્લૉગન જ બનાવ્યું હતું કે 'જીસકી જીતની સંખ્યા ભારી, ઉસકી ઉતની સાઝેદારી.' તેથી કુર્મીઓનું રાજકીય વર્ચસ્વ એ માયાવતીના ઉદ્ભવ પછી વધ્યું છે.

line

કુર્મી ઓબીસીમાં પણ, પાટીદાર નહીં

મતદાન

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલની વાત પરથી એક નિષ્કર્ષ એ નીકળે કે સ્વાભાવિક છે કે કુર્મીઓના મતનો મોટો દારોમદાર કૉંગ્રેસમાં ભુપેશ બઘેલ પર હોવાનો, નહીં કે હાર્દિક પટેલ પર.

ગુજરાતમાં વિવિધ જાતિઓ અંગેના અભ્યાસુ તેમજ પૂર્વ અધિક સચિવ અને ગુજરાત હાઈકોર્ટ વકીલ કેજી વણઝારા બીબીસીને કહે છે, "પટેલ અને કુર્મીઓના કુળ એક છે. ગુજરાતમાં જે પ્રકારે આર્થિક, સામાજીક અને રાજકીય સ્થિતિ પટેલોની છે એવી સ્થિતિ કુર્મીઓની ઉત્તર પ્રદેશમાં નથી."

"ગુજરાતના પટેલો તો વિદેશમાં પણ પહોંચ્યા છે એ રીતે ઉત્તર પ્રદેશના કુર્મી નથી પહોંચ્યા. ગુજરાતનાં પટેલો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, બહોળી રાજકીય વગ ધરાવે છે, ઉદ્યોગો વગેરે ક્ષેત્રે છે."

"ઉત્તર પ્રદેશ કે બિહારમાં કુર્મીઓ પાસે આટલું નથી. જોકે, નોંધવાની વાત એ છે કે ઉત્તર પ્રદેશ-બિહારમાં જે ઓબીસી જાતિઓ છે એમાં તેઓ શિરમોર છે. તેથી તેમને ચૂંટણી વખતે અવગણી ન શકાય એવી વોટબૅન્ક તો ખરા જ."

બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર કુર્મી છે. ઑગસ્ટ-2015માં એક જાહેર રેલીમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે 'નીતિશકુમાર પણ અમારા છે.'

ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કુર્મી ઓબીસી કૅટેગરીમાં આવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ ઓબીસીમાં નથી.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું એનાં કેટલાંક કારણોમાંનું એક કારણ એ પણ હતું કે અન્ય રાજ્યોમાં ખેતી સાથે સંકાળાયેલા અમારા જેવા કુર્મી જો ઓબીસીમાં હોય તો અમે કેમ નહીં?

ઉત્તર પ્રદેશના રાજકારણના સારા જાણકાર પત્રકાર યોગેશ મિશ્રાએ બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશને જણાવ્યું હતું:

"યુપીમાં બ્રાહ્મણ, ઠાકુર, દલિત અને મુસલમાન આ ચાર સમુદાયની હાજરી દરેક ક્ષેત્રમાં છે. આ સિવાયની જ્ઞાતિઓ જે કેટલાક વિસ્તારોમાં વોટની વગ ધરાવે છે એમાં કુર્મી ખરા."

" તેઓ બારાબંકીથી લઈને બહરાઇચ, વારાણસીથી લઈને સોનભદ્ર, ફતેહપુરથી લઈને બુંદેલખંડ સુધીના વિસ્તારોમાં છે."

"પરંતુ યુપીમાં એવો કોઈ નેતા નથી રહ્યો જે આ ત્રણેય વિસ્તારોમાં કુર્મીઓનો નેતા હોય. બનારસમાં અનુપ્રિયા પટેલ ખરા. તેમનાં પહેલાં તેમના પિતા સોનેલાલ પટેલનું વર્ચસ્વ હતું. બારાબંકીથી બહરાઇચ સુધી બેનીપ્રસાદ વર્મા હતા. અનુપ્રિયા પટેલ હાલમાં મિર્ઝાપુરથી સંસદસભ્ય છે. યુપી વિધાનસભામાં તેમના ફાળે નવ બેઠકો આવી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનેલાલ પટેલની અવારનવાર પ્રશંસા કરી છે. એની પાછળ કુર્મી મતદારોને સાથે રાખવાની ગણતરી રહી છે.

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો