ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ : શું ગુજરાતમાં સત્તાનાં બે કેન્દ્રો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

'ખેતી બૅન્કમાં જેમણે પણ લૉન લીધી હતી એવા જે ખેડૂતમિત્રો ગ્રાહકો હતા, એમની વ્યાજની રકમ અને મુદ્દલની કુલ મળીને 600 કરોડ રૂપિયાથી વધુ રકમ થતી હતી. જેમની જેટલી રકમ ભરવાની બાકી હોય તેમને માત્ર 25 ટકા રકમ ભરવાની યોજના મંજૂર થઈ છે.'

'50 હજાર ખેડૂતોને તેનો ફાયદો મળશે. એ જે ઑર્ડર્સ છે એ હું ખેડૂત બૅન્કના આગેવાન મિત્રોને સુપરત કરું છું.'

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સી. આર. પાટીલ લઈ રહ્યા છે મહત્ત્વના નિર્ણયો?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સી. આર. પાટીલ લઈ રહ્યા છે મહત્ત્વના નિર્ણયો?

ગુજરાતના ખેડૂતો સંબંધિત આ જાહેરાત સાંભળતાં એવું લાગે કે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કે પ્રવક્તા મંત્રી દ્વારા સરકારની નીતિવિષયક જાહેરાત કરવામાં આવી હશે.

જોકે, મીડિયાને આ માહિતી સીઆર પાટીલ દ્વારા આપવામાં આવી હતી. જેઓ નવસારીની બેઠક પરથી લોકસભાના સંસદસભ્ય છે અને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ પણ છે.

આને કારણે વધુ એક વખત ચર્ચા શરૂ થઈ છે કે શું ગુજરાતમાં 'સત્તાનાં બે કેન્દ્ર' છે?

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર વખતે સંગઠન અને સરકાર વચ્ચેના મતભેદ 'ઑપન સિક્રૅટ' જેવા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું ભાજપ સરકાર ઉપર સંગઠન ભારે છે?

પૂર્વાયોજિત કાર્યક્રમ પ્રમાણે, ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. પાટીલ તમામ 182 બેઠક ઉપર જીતનું મહત્ત્વકાંક્ષી લક્ષ્ય ધરાવે છે.

line

ખેડૂતોને દેવા માફી

ગુજરાતમાં સત્તાનાં બે કેન્દ્રો

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સત્તાનાં બે કેન્દ્રો

ગયા અઠવાડિયે સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે ખેતી બૅન્કમાંથી લૉન લેનારા 50 હજાર જેટલા ખેડૂતોએ વ્યાજ અને મુદ્દલના માત્ર 25 ટકા જ ભરવાના થશે. આ 'વન ટાઇમ સેટલમૅન્ટ' યોજના છે.

આ માટે રાજ્ય તથા કેન્દ્રસ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ માન્યો હતો.

ખેતી બૅન્ક ગુજરાતની સહકારક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે, જે 17 જિલ્લામાં 176 શાખા મારફત કૃષિ તથા આનુષંગિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ પૂરું પાડે છે. ખેતી બૅન્કના ચૅરમૅન અને જૂનાગઢ ભાજપના નેતા ડૉલર કોટેચાએ કહ્યું :

"2015 પહેલાં કૉંગ્રેસની બૉડી હતી, ત્યારે 18 ટકા વ્યાજ લેવામાં આવતું હતું. જે ખેડૂતો ભરી શકતા ન હતા. ટાટા, બિરલા અંબાણીને પણ તે ભારે પડે તો ખેડૂતો કોઈપણ હિસાબે ભરપાઈ ન જ કરી શકે. એટલે આ અંગે બૅન્ક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી."

"આ અંગે અમારા ડાયનૅમિક નેતા સીઆર પાટીલ સાહેબને રજૂઆત કરતા તેમણે અંગત રસ લઈને ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવી યોજના મંજૂર કરાવી આપેલ છે."

ધી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક લિમિટેડ ખેતી બૅન્ક તરીકે ઓળખાય છે અને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોટેચાની ચૅરમૅન તરીકે નિમણૂક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે જાહેરાતના એક દિવસ અગાઉ સોમવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતરામણ દ્વારા સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો માટે કશું ન હોવાનો આરોપ વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો.

line

પાટીલે સંભાળ્યું છે સરકારનું સુકાન?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રણનીતિ પાર્ટીને 182 બેઠકોના લક્ષ્યાંક સુધી પહોંચાડી શકશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL

ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રણનીતિ પાર્ટીને 182 બેઠકોના લક્ષ્યાંક સુધી પહોંચાડી શકશે?

નવેમ્બર-2021માં ભાજપશાસિત અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનો દ્વારા ઈંડાં-નૉનવેજનું વેચાણ કરતાં લારી-ગલ્લાવાળાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક શાસકો દ્વારા દલીલ આપવામાં આવી હતી કે તેમના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તથા નૉનવેજ ચીજોના સરાજાહેર પ્રદર્શનથી લાગણી દુભાય છે.

કોરોનાની મહામારી અને લૉકડાઉનને કારણે ખુવાર થઈ ગયેલા ઈંડાં-નૉનવેજના લારીવાળાઓમાં આ મુદ્દે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તે ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય મીડિયામાં પણ હેડલાઇન બન્યો.

સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે એક જાહેરસભા દરમિયાન ક્હ્યું હતું :

"લોકો કંઈ પણ ખાઈ શકે છે, તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ ફૂટપાથ પરનાં લારી-ગલ્લાને કારણે લોકોને કોઈ અડચણ ન થાય અને લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે પ્રકારની કાળજી લેવી જરૂરી છે."

આમ છતાં વિવાદનો અંત આવ્યો સીઆર પાટીલના નિવેદનથી. તેમણે કહ્યું, "કોઈ લારી - ગલ્લાને માત્ર એટલા માટે નહીં હઠાવવામાં આવે કે તે ઈંડાં અને નૉન-વેજ વેચે છે."

તેમના આ નિવેદનની ગણતરીના કલાકો બાદ વિવાદના ઍપિસેન્ટર એવા રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર પ્રદીપ ડવે પત્રકારોને કહ્યું હતું, "ઈંડાંની લારીવાળા સાથે કોઈ વાંધો નથી, જાહેર રસ્તા સિવાય તેઓ ગમે ત્યાં ધંધો કરી શકે છે અને હવેથી તેમની રેકડી નહીં ઉપાડવામાં આવે."

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે સીઆર પાટીલે જવાબદારી સંભાળી, ત્યારથી તેમણે રાજ્યનાં અલગ-અલગ શહેરોની મુલાકાતો લઈને સતત સત્તા પર રહેવાને કારણે સુસ્ત બની ગયેલા સંગઠનમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ કર્યા છે.

line

સત્તાનાં બે કેન્દ્ર?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગત અઠવાડિયે જ્યારે પાટીલ દ્વારા ખેડૂતોને દેવામાં રાહત આપતી યોજનાની જાહેરાત કરી, તે દિવસે જ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ પત્રકારોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે ગુજરાત રાજ્યના વાજબી ભાવના દુકાનદારોને રૂ. બેથી લઈને રૂ. 125 સુધીના વધારાની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં ખેડૂતોના દેવામાફી વિશે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.

ત્યારે ફરી એક વખત સવાલ ઊભો થયો કે શું ગુજરાતમાં 'સત્તાનાં બે કેન્દ્ર' છે અથવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર ભાજપનું સંગઠન હાવી થઈ રહ્યું છે ? રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરે બીબીસી ગુજરાતી પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતાં જણાવ્યું :

"ગુજરાત સરકાર ઉપર ભાજપનું સંગઠન ભારે છે એવું નથી, પરંતુ સરકારના ગઠન અને માર્ગદર્શનમાં સંગઠનની ભૂમિકા હોય છે. હું જ્યારે માર્ગદર્શન કહું છું ત્યારે તે સરકાર ચલાવવાના સંદર્ભમાં નહીં, પરંતુ તેને ગાઇડ કરવાના સંદર્ભમાં છે."

"અગાઉની સરકારો તથા પ્રદેશાધ્યક્ષો સમયે પણ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન થતું જ હોય, પરંતુ એની વાતો આક્રમક રીતે બહાર આવતી ન હતી. સીઆર પાટીલ આક્રમક રીતે કામ કરે છે અને એટલે જ સંગઠન તથા સરકારને ચોક્કસ સંદેશ જવો જોઈએ, તે આપતા રહે છે."

સરકારના નિર્ણયો ઉપર સંગઠનની છાપ તથા કેટલાક સરકારી નિર્ણયની સંગઠનના નેતા દ્વારા જાહેરાત એ રાજ્યમાં 'સત્તાનાં બે કેન્દ્ર' હોવાની વાત તરફ ઇશારો કરે છે?

એવા સવાલના જવાબમાં ડૉ. કાશીકરે જણાવ્યું, "આજે જે (નેતાઓ) સંગઠનમાં છે તે આવતીકાલે સરકારમાં હોઈ શકે તથા જે સરકારમાં છે તેમને સંગઠનમાં પણ મોકલવામાં આવે છે. સંગઠન વગર સરકાર ન બની શકે. સત્તા આજે છે, પરંતુ કાલે ન પણ હોય, તો પણ મજબૂત સંગઠન હોય તે જરૂરી છે. અને ભાજપની શક્તિ જ તેનું સંગઠન છે."

"દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ પંજાબ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આક્રમક રીતે વિસ્તાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગુજરાતમાં તેમને સફળતા ન મળી અને સંગઠનને લગભગ આટોપી જ લેવું પડ્યું. આજે જે નેતાઓને આપણે જોઈએ છીએ તેઓ તદ્દન નવા ચહેરા છે."

આ પહેલાં પાટીલે ગુજરાત સરકારના મંત્રીઓને અને પાર્ટીના નેતાઓને કાર્યકરોની વાત સાંભળવા તથા તેમની સમસ્યાઓનો ઉકેલ કરવા ચેતવણી આપી છે. ઑક્ટોબર મહિનામાં પાટીલે અણસાર આપ્યા હતા કે 30 જેટલા ધારાસભ્ય 'રિટાયર' થઈ જવાના તથા 70 જેટલા ધારાસભ્ય 'નવા ચહેરા' આવશે.

પાટીલ 182માંથી 182 બેઠકનું મહત્ત્વકાંક્ષી લક્ષ્યા રાખે છે. ડૉ. કાશીકરના મતે ભાજપ 182માંથી કેટલી બેઠકો લાવી શકશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ તેના માટેની જરૂરી આક્રમકતા પાટીલમાં છે.

line

મિશન 182 અને પાટીલ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

રાજકીય વિશ્લેષક અને પત્રકાર પ્રકાશ ન. શાહ ગુજરાત સરકારમાં સત્તાનાં બે કેન્દ્ર કે બે ધ્રુવો હોવાની વાત સાથે સંમત થતા નથી.

તેઓ કહે છે કે, "ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ શોભાના સ્થાને વિરાજમાન છે. વહીવટ તો પાર્ટીના પ્રમુખ જ કરી રહ્યા છે તેવી છાપ ઊભી થઈ રહી છે. માત્ર ઑર્ડર જારી કરવા માટેના નામ તરીકે ભૂપેન્દ્ર પટેલની ભૂમિકા હોય તેવું લાગે છે."

પ્રકાશ ન. શાહ તેમના આ મત અંગે કારણ આપતાં કહે છે કે, "ભાજપમાં નિર્ણયની સ્વતંત્રતા બાબતે મોટો સવાલ છે. પાટીલ પણ પોતે નિર્ણય લઈ શકે છે કે કેમ તે અંગે પ્રશ્ન છે, કારણ કે તેઓ પણ મોદી-શાહનાં સૂચન અનુસાર જ કામ કરતા હોય એવું લાગે છે."

તેઓ કહે છે કે, "હાલ સત્તાના બે ધ્રુવો હોવાનું કહેવું એટલા માટે પણ વાજબી નથી લાગતું કે પહેલાં જ્યારે આનંદીબહેન પટેલની સરકાર હતી ત્યારે અમિત શાહની ઉપસ્થિતિ આવી સંભાવનાઓ માટે કારણ બની શકે તેવી હતી. "

"પરંતુ હાલના સમયમાં આનંદીબહેન જેવાં મુખ્ય મંત્રી, જેમનો સંગઠન કે પ્રજા પર પ્રભાવ હોય તેવું નથી. તેથી હાલ સત્તાના બે ધ્રુવોવાળી થિયરી બંધબેસતી નથી. "

"જોકે, શાસનની એક ધરી છે પરંતુ તે પાર્ટીના પ્રમુખના હાથમાં મુખ્યત્વે હોય તેવું લાગે છે. "

સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા, તે સમયથી વિજય રૂપાણી સાથે તેમનું કૉલ્ડવૉર ચાલી રહ્યું હતું, પરંતુ કહેવાય છે કે કોરોનાકાળ દરમિયાનની એક ઘટનાને કારણે પરિસ્થિતિ વકરી હતી.

કોરોનાકાળમાં સામાન્ય જનતાને રૅમડેસિવિર ઇન્જેક્શન નહોતા મળતા ત્યારે પાટીલે પાંચ હજાર ઇન્જેક્શનની સંગઠન તરફથી સખાવતની જાહેરાત કરી હતી, જેના કારણે હોહા મચી જવા પામી હતી.

'સરકારને ઇન્જેક્શન નથી મળતાં, ત્યારે પાર્ટી પાસે ક્યાંથી આવ્યાં?' તેવો સવાલ મીડિયામાં પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું, 'એ તમે એમને જ પૂછો.'

સરકાર અને સંગઠન વચ્ચે સામંજસ્ય અને સંવાદનો અભાવ હોવાનો સૂર ભાજપના આંતરિક સરવેમાં નીકળ્યો હતો. એ પછી ગુજરાતમાં રૂપાણી સરકાર તથા તમામ સિનિયર-જુનિયર પ્રધાનોનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતાં અને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યાં.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ પર સીઆર પાટીલ અને સંગઠનની છાપ સ્પષ્ટપણે જોવા મળે છે.

એવા લોકોને પસંદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સીઆર પાટીલની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે અને જિતાડી શકે.

બહારથી આવેલી વ્યક્તિ અચાનક જ ધારાસભ્ય અને પછી પ્રધાન પણ બની જાય એટલે વર્ષોથી સંનિષ્ઠ રીતે કામ કરતા કાર્યકરોમાં આક્રોશ ફેલાયો હતો, જેને મંત્રીમંડળ પુનર્ગઠન દ્વારા શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો