ઉત્તરાખંડની ચૂંટણી : કૉંગ્રેસ સામે ભાજપના વાયદાઓમાં દમ કેમ નથી દેખાતો?

    • લેેખક, રાજેશ ડોબરિયાલ
    • પદ, બીબીસી માટે

મતદાનના ચાર દિવસ પહેલાં એટલે કે બુધવારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો. આમાં પાર્ટીનો ઍજન્ડા 'જમીન જેહાદ' અને 'લવ જેહાદ' છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસની તર્જ પર તીર્થયાત્રા કરાવવાનું વચન અને યુવાનોને નોકરી આપવાનું વચન છે. આ સાથે આ વખતની ચૂંટણીની ખાસ આઇટમ મફત ગૅસ સિલિન્ડર પણ છે.

ઉત્તરાખંડમાં 70 બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. રાજ્યની તમામ બેઠકો પર એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પર ચૂંટણીઢંઢેરાની કોઈ અસર પડશે?

ભાજપ વર્તમાન મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીને ફરીથી મુખ્યમંત્રી બનાવવાના નામે વોટ માંગી રહ્યું છે.

ઇમેજ સ્રોત, RAJESH DOBRIYAL/BBC

ઇમેજ કૅપ્શન, ભાજપ વર્તમાન મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીને ફરીથી મુખ્ય મંત્રી બનાવવાના નામે વોટ માંગી રહ્યો છે

ઉત્તરાખંડમાં પાંચમી સરકાર રચવા માટે યોજાઈ રહેલી ચૂંટણી એક રીતે મુદ્દા વગરની છે.

કૉંગ્રેસ પાર્ટી હરીશ રાવતના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે મેદાનમાં છે, જ્યારે ભાજપ મોદીની ચમકના સહારે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એ જ રીતે, આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તા મેળવવા માટે મુખ્યત્વે કેજરીવાલનાં નામ અને કામના આધારે લડી રહી છે.

કૉંગ્રેસે આ મહિનાની શરૂઆતમાં પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. 68 પાનાંના આ વિગતવાર ઘોષણાપત્રમાં દરેક માટે કંઈક ને કંઈક છે. પત્રકારો માટે પત્રકારકલ્યાણ બોર્ડની રચના કરવાની પણ જાહેરાત છે.

આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો નથી. પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલે આપેલી પાંચ ગૅરંટી પાર્ટીનો ચૂંટણીઢંઢેરો છે.

line

ભાજપનો ચૂંટણીઢંઢેરો

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ભાજપ દ્વારા મતદાનના ચાર દિવસ પહેલાં જાહેર કરાયેલા 12 પાનાંના ચૂંટણીઢંઢેરામાં પાંચ પાનાંમાં માત્ર પ્રચાર છે. બાકીનાંમાં 25 વાયદાને હેડલાઇનની જેમ છાપવામાં આવ્યા છે.

કૉંગ્રેસ દાવો કરી રહી છે કે તેના ચૂંટણીઢંઢેરાને એટલો પસંદ કરવામાં આવ્યો છે કે તેની નકલો ફરીથી છાપવી પડી છે. બીજી તરફ ભાજપનાં ચૂંટણીવચનો એટલાં મોડાં આવ્યાં છે કે તે મતદાન પહેલાં સમગ્ર રાજ્યમાં પહોંચી શકશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિરીક્ષક યોગેશ ભટ્ટ કહે છે કે ભાજપને ઢંઢેરાથી કોઈ ફરક પડશે એવું નથી લાગતું.

તેમનું કહેવું છે, "આ માત્ર ઔપચારિકતા છે, જે ભાજપ અત્યાર સુધી નિભાવી રહ્યો છે, અન્યથા તેમણે ચૂંટણીઢંઢેરામાં આંદોલનકારીઓ અને પત્રકારોનો ઉલ્લેખ કરવાની ઔપચારિકતા પણ નથી દાખવી."

વરિષ્ઠ પત્રકાર ડૉ. અજય ઢૌંડિયાલ કહે છે, "ભાજપ જાણે છે કે આ ઢંઢેરો કોઈ વાંચવાનું નથી. તેમને જે કહેવું હતું તે તેમણે પહેલાં જ કહી દીધું હતું. જે કૉંગ્રેસે કહ્યું, આમ આદમી પાર્ટીએ વાયદા કર્યા તેમને ઉઠાવ્યા અને થોડો પોતાનો મરીમસાલો નાખીને વિઝન પેપર પીરસી દીધું."

"તમે સિલિન્ડર એટલાં મોંઘાં કરી દીધાં છે કે લોકો તેને ખરીદી નથી શકતા. તમે જાણો છો કે આ એક એવો મામલો છે જેને મોદી મૅજિક પણ ટાળી નથી શકતું. એટલે તમે ગરીબ મહિલાઓને ત્રણ સિલિન્ડર આપવાનું વચન આપી દીધું. તમે નોકરીઓની જાહેરાત કરી દીધી, પણ ભરતી ન કરી. હવે કહી રહ્યા છે કે તેઓ સત્તામાં આવતાં જ ભરતી કરશે. પહેલાં જ કરી દીધી હોત તો! ભાજપનો ચૂંટણીઢંઢેરો માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે.''

line

'ભૂ-કાનૂન નહીં લૅન્ડ-જેહાદ'

ભાજપ મોદીની ચમકના સહારે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઇમેજ સ્રોત, RAJESH DOBRIYAL/BBC

ઇમેજ કૅપ્શન, ભાજપ મોદીની ચમકના સહારે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

યોગેશ ભટ્ટનું કહેવું છે કે ઉત્તરાખંડમાં ભાજપ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને મોદી મૅજિકના ભરોસે જ જોવા મળી રહ્યો છે. બીજેપી ઉત્તરાખંડમાં જે કામો કરવાનો દાવો કરી રહી છે જેમ કે પહાડોમાં ટ્રેન અને હાઈવેનો વિકાસ એ બધું કેન્દ્રનું કામ છે. રાજ્ય સરકારનું એમાં શું છે?

ડૉ. ઢોંડિયાલ કહે છે, "ખરેખર, ભાજપ બીજાનાં કામને પોતાનાં ગણાવવામાં માહેર છે. વર્ષોનાં સંઘર્ષ અને બલિદાન દ્વારા મેળવાયેલા રાજ્યને ભાજપ અટલજીની ભેટ ગણાવે છે. તેવી જ રીતે રાજ્યના યુવાનો દ્વારા ચૂંટણી પહેલાં જમીન સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવાયો હતો, એને ભાજપે લૅન્ડ-જેહાદ તરીકે બદલી નાખ્યો છે. જમીન-કાયદો એ ઉત્તરાખંડના ઉત્તરાખંડીઓનો મુદ્દો છે, પરંતુ લૅન્ડ-જેહાદ એ માત્ર ભાજપનો ઍજન્ડા છે."

યોગેશ ભટ્ટ કહે છે, "આ ચૂંટણીઢંઢેરામાં ભાજપનો ઘમંડ દેખાય છે. એવું લાગે છે કે પહેલાં પણ અમે જ હતા અને હવે ફરી અમે જ આવીશું. કેન્દ્રમાં તો અમારે રહેવાનું જ છે. એટલા માટે અમે જે કહીએ તે જ સાચું."

"ઉત્તરાખંડમાં જમીન પર ગેરકાયદે કબજાનો મુદ્દો જમીની વાસ્તવિકતા છે. 20 વર્ષથી રાજ્યની જમીન પર ગેરકાયદે કબજો થઈ રહ્યો છે. એવું થોડું છે કે માત્ર મુસ્લિમો જ કબજો કરી રહ્યા છે. બિલ્ડરો, કૉન્ટ્રેક્ટરો, રાજકારણીઓ ઉપરાંત આશ્રમના નામે પણ ગેરકાયદે ધંધા થઈ રહ્યા છે.''

તેઓ વધુમાં કહે છે કે ભાજપની ચિંતા એ છે કે મુસ્લિમોની વોટબૅન્ક સંગઠિત છે. ભાજપ નથી ઇચ્છતું કે તે મજબૂત બને.

રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 15 ટકા જેટલી ગણાવાઈ રહી છે. તે હરિદ્વાર, રૂરકીમાં વધારે છે. દેહરાદૂનથી કુમાઉ અને ગઢવાલ સુધીના ઘણા વિસ્તારોમાં ફેલાયેલી છે.

line

ફરી મોદી ભરોસે

ઉત્તરાખંડમાં 70 સીટો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

ઇમેજ સ્રોત, RAJESH DOBRIYAL/BBC

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડમાં 70 સીટો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

રાજકીય નિરીક્ષકો હજુ પણ ઉત્તરાખંડમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જંગ જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે રાજ્યમાં વડા પ્રધાન મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીઓની અસર નિર્ણાયક બની શકે છે.

ભાજપ વર્તમાન મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીને ફરીથી મુખ્ય મંત્રી બનાવવાના નામે વોટ માંગી રહ્યો છે. જોકે પાર્ટીનું જોર માત્ર મોદી મૅજિક પર જ છે.

યોગેશ ભટ્ટ કહે છે, "ભાજપે હવે કૉંગ્રેસનું સ્થાન લઈ લીધું છે. પહેલાં ભાજપને શહેરી પક્ષ ગણવામાં આવતો હતો અને કૉંગ્રેસનો ગામડામાં જનાધાર ગણાવાતો. હવે શહેરોમાં મોદી મૅજિક ઓછું થવા લાગ્યું છે પરંતુ ગામડાંમાં લોકો હજુ પણ મોદીના નામ પર વોટ આપવા તૈયાર છે."

" પુષ્કરસિંહ ધામીની વાત કરીએ તો, તેઓ કંઈ કરી શક્યા નથી. ન તો તેમને સમય મળ્યો અને ન તો તેઓ પૂરતો આત્મવિશ્વાસ મેળવી શક્યા. જો ભાજપ ચૂંટણી જીતશે તો તે મોદીની જ જીત હશે... ધામીની જીત કહેવું ખોટું ગણાશે.''

અજય ઢોંડિયાલ આ બાબતે કહે છે, "જો ભાજપ ઍન્ટિ-ઇન્કમ્બન્સી છતાં સત્તા મેળવવામાં સફળ થાય તો તેમાં આમ આદમી પાર્ટીનું પરિબળ હશે. ન મોદીની જીત , ન ધામીની, પરંતુ તેને 'આપ'ની ભેટ કહેવું યોગ્ય રહેશે."

line
ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો