ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022: ડિજિટલ ચૂંટણીપ્રચારમાં કૉંગ્રેસ અને અન્ય વિપક્ષો ભાજપ કરતાં પાછળ કેમ છે?
- લેેખક, નયનિકા ચક્રવર્તી
- પદ, બીબીસી મૉનિટરિંગ
ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાઈ રહી છે. બીજી તરફ, દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે દેશનાં પાંચ રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.
મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે.

ઇમેજ સ્રોત, MYOGIADITYANATH
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાં, છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે.
આ પરિસ્થિતિમાં ઘણી પાર્ટીઓએ તો ડિસેમ્બર મહિનાથી જ ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો હતો. પરંતુ જાન્યુઆરીમાં જ્યારે મતદાનની તારીખોની જાહેરાત થઈ ત્યારે ભારતના ચૂંટણીપંચે કોરોના સંક્રમણની સ્થિતિ જોતાં પરંપરાગત રેલીઓ કે રોડ શો યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
બાદમાં ચૂંટણીપંચે 11 ફેબ્રુઆરી સુધી આ પ્રતિબંધ લંબાવી દીધો હતો. જોકે, રાજકીય દળોને હવે ઘણા પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. જેવી કે, હવે ખુલ્લી જગ્યાએ 1 હજાર લોકોની રેલી યોજી શકાય છે. તો, 20 લોકો સાથે ઘરે-ઘરે પ્રચાર માટે જવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં આ રાજ્યોમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરીને લોકો સુધી પહોંચવા માટે રાજકીય પક્ષોએ ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયાનાં જુદાં જુદાં પ્લૅટફૉર્મનો આશરો લીધો છે. તેથી પ્રચાર અભિયાન ચલાવવા માટે ફેસબુક, વ્હૉટ્સઍપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે.

ડિજિટલ કૅમ્પેન પર પરંપરાગત પ્રચારના નિયમો લાગુ

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયા દ્વારા મતદાતાઓને આકર્ષવા માટે જાતજાતની રીતનો ઉપયોગ કરી રહી છે. પોતાની પાર્ટીની વિચારધારા મતદાતાઓ સુધી પહોંચાડવા માટે ઘણી પાર્ટીઓ આકર્ષક ગીતોનો સહારો લઈ રહી છે. આ ગીતોને તેઓ ફેસબુક અને યૂટ્યૂબ પર મૂકી રહી છે.
ઘણી રાજકીય પાર્ટીઓએ દરેક સીટ માટે અલગ અલગ વ્હૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યાં છે, જેમાં સતત ચૂંટણીઝુંબેશ અને એને સંબંધિત પ્રચારસામગ્રી શૅર કરવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજી દૈનિક ધ હિન્દુના એક રિપૉર્ટ અનુસાર, ચૂંટણીપંચે સ્પષ્ટપણે કહી દીધું છે કે, ઇન્ટરનેટ પર થતાં વર્ચુઅલ ચૂંટણીઅભિયાનોના નિયમો, કાયદા અને ખર્ચા પર પણ એ જ નિયમો લાગુ પડશે જે પારંપરિક ચૂંટણીઅભિયાન પર લાગુ કરવામાં આવે છે.
એ રિપૉર્ટમાં ચૂંટણીપંચના એક ઉચ્ચ અધિકારીને ટાંકીને જણાવાયું છે કે એના માટે ઉમેદવારોએ એક બૅન્ક ખાતું ખોલાવવું પડશે અને પંચ પાસે ખર્ચનું વિવરણ જમા કરવું પડશે.
સાથે જ, લોકોને ઉશ્કેરનારાં ભાષણ અને સરકારી તંત્રના દુરુપયોગ પર પ્રતિબંધ મૂકનારી આદર્શ આચારસંહિતા હવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની બાબતે પણ લાગુ કરાશે.

આંકડા શું દર્શાવે છે?

ઇમેજ સ્રોત, SOPA IMAGES
સોશિયલ મીડિયા હવે સંવાદ માટે એક જરૂરી માધ્યમરૂપે ઊભર્યું છે. એણે રાજકીય જૂથબંધીની નવી રીતો શોધી છે. છેલ્લા એક દાયકામાં સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોની સક્રિયતામાં ઘણો ઉછાળો નોંધાયો છે.
2013-14માં ભારતીય જનતા પક્ષે સોશિયલ મીડિયાને રાજકીય સાધન તરીકે અપનાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછીથી સોશિયલ મીડિયા પર એની શક્તિ સતત વધતી જ ગઈ છે. હાલના સમયે ઇન્સ્ટાગ્રામ પર ભાજપના 42 લાખ ફૉલોઅર્સ છે. તો યૂટ્યૂબ પર 40.1 લાખ, ફેસબુક પર 1.67 કરોડ અને ટ્વિટર પર 1.73 કરોડ ફૉલોઅર્સ છે.
ભાજપની સરખામણીમાં, વિપક્ષ કૉંગ્રેસના ઇન્સ્ટાગ્રામ પર દસ લાખ, ટ્વિટર પર 84 લાખ, યૂટ્યૂબ પર 17.7 લાખ અને ફેસબુક પર 62 લાખ ફૉલોઅર્સ છે.
હિન્દી ન્યૂઝ ચૅનલ રિપબ્લિક ભારતનો એક રિપૉર્ટ જણાવે છે કે, જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં પક્ષનું સોશિયલ મીડિયા કૅમ્પેન ચલાવવાની જવાબદારી કેન્દ્રીય માહિતી અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને સોંપવામાં આવી છે.
તો અંગ્રેજી સમાચાર વેબસાઇટ એનડીટીવીના એક રિપૉર્ટ અનુસાર, ભાજપ માને છે કે વર્ચુઅલ મીડિયમ પર એની તાકાતનું સાચું કારણ આઇટી વૉલન્ટિયર્સની "વિશાળ સેના" છે. એ રિપૉર્ટમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે પક્ષ પાસે લગભગ 14 લાખ ઍક્ટિવ રજિસ્ટર્ડ સ્વયંસેવક છે.
તો, કૉંગ્રેસ પાર્ટી સોશિયલ મડિયા પ્લૅટફૉર્મ પર ભાજપ કરતાં ઘણી પાછળ છે.
જોકે, કૉંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ રોહન ગુપ્તાએ અંગ્રેજી ન્યૂઝ ચૅનલ ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "પાર્ટીએ પોતાની ડિજિટલ ક્ષમતા વધારવા માટે એક વ્યાપક યોજના ઘડી છે. અમે વર્ચુઅલ રેલી કરીને એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. અમારી પાસે ફોન નંબરોનો એક ડેટાબેઝ છે, જ્યારે પાર્ટીના પાયાના કાર્યકરોની ઓળખ થઈ ગઈ છે."
પંજાબ અને ગોવામાં એડીચોટીનું જોર લગાવીને ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર "એક મૌકા કેજરીવાલ કો" નામથી 25 જાન્યુઆરીએ પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
હિન્દી સમાચાર ચૅનલ આજ તક અનુસાર, પાર્ટીએ દિલ્હીના લોકોને અપીલ કરી છે કે તેઓ દિલ્હી સરકારે કરેલાં "અચ્છે કામ" વિશે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે.
ચૅનલ અનુસાર, પાર્ટી પ્રમુખ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર તમે લોકોને જણાવો કે અમારી સરકારથી તમને કેવા ફાયદા થયા છે. સાથે જ કેજરીવાલને તક આપવાની લોકોને અપીલ કરો."
હાલના સમયે ટ્વિટર પર આમ આદમી પાર્ટીના 58 લાખ, યૂટ્યૂબ પર 23 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 6.30 લાખ અને ફેસબુક પર 52 લાખ ફૉલોઅર્સ છે.

કન્ટેન્ટ વાઇરલ કરીને લોકો સુધી પહોંચવાની કોશિશ

ઇમેજ સ્રોત, AFP
વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા અને યુવા મતદારોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા માટે બધા રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર વાઇરલ ટ્રેન્ડ સ્વરૂપે કન્ટેન્ટ ફેલાવી રહ્યા છે.
પીએમ મોદીએ 31 ડિસેમ્બરે વર્ચુઅલ રેલી દ્વારા ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણીઅભિયાનની શરૂઆત કરી હતી. એ માટે પક્ષે ત્યાંના સ્થાનિક લોકોને એ વર્ચુઅલ રેલીની લિંક શૅર કરી હતી. સાથે જ જુદાં જુદાં ચૂંટણીક્ષેત્રોમાં સ્ટુડિયો પણ ઊભા કર્યા જેથી નાનાં નાનાં જૂથો પીએમનું સંબોધન સાંભળી શકે.
હિન્દી ન્યૂઝ ચૅનલ એબીપી ન્યૂઝ અનુસાર, કૉંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફેસબુક પર 30 મિનિટની લાઇવ ચૅટ દ્વારા ઉત્તર પ્રદેશમાં પોતાની પાર્ટીના વર્ચુઅલ કૅમ્પેનની શરૂઆત કરી હતી.
અંગ્રેજી વેબસાઇટ ધ વાયરના એક રિપૉર્ટ અનુસાર, ખેડૂત સંગઠન અને વિદ્યાર્થી જૂથો પણ પોતપોતાની માંગો રજૂ કરવા માટે હૅશટૅગ, મીમ્સ અને સ્પૂફનો આધાર લઈ રહ્યાં છે. લગભગ વરસ આખું ચાલેલા પોતાના વિરોધપ્રદર્શનને સમાપ્ત કરવા માટે કરાયેલા જુદા જુદા વાયદા પૂરા કરવામાં મોડું કરાઈ રહ્યું હોવાનો મુદ્દો ખેડૂત સમુદાય ઉઠાવી રહ્યા છે. તો, વિદ્યાર્થીજૂથો રોજગાર આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાની સમસ્યા નોંધાવી રહ્યાં છે.
પંજાબમાં હાલના સમયે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર બરાબરનો મુકાબલો થઈ રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર હિન્દી ગીત પર બનેલો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
એ વીડિયોમાં આમ આદમી પાર્ટીના સીએમના ઉમેદવાર ભગવંત માન, કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને હાલના સીએમ ચરણજિતસિંહ ચન્નીને બતાવવામાં આવ્યા છે. ફેસબુક પર એ વીડિયો લગભગ 10 લાખ વાર જોવાઈ ચૂક્યો છે.

આર્થિક તાકાતથી ભાજપને લીડ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના નોઈડાની એક ડિજિટલ મીડિયા કંપનીના ઉચ્ચ અધિકારીએ ઇન્ડિયા ટુડે વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જરૂરી નથી કે ડિજિટલ મીડિયમ બધાને એકસરખી તક આપે.
એમણે જણાવ્યું કે, "ઇન્ટરનેટના કારણે હવે બધા પાસે સમાન તક છે. પરંતુ એમાં પૈસા મહત્ત્વની ભૂમિકા બની જાય છે. તેથી, જેમની પાસે વધારે પૈસા હોય એમનું અભિયાન ખૂબ સારું થઈ જાય છે."
આ બાબતે ભાજપ ઘણું મજબૂત છે, તેથી, બીજા પક્ષોને એવી લીડ મળતી નથી દેખાતી.
ગય વર્ષે માર્ચમાં ચૂંટણીમાં સુધારણા પર કામ કરનારી સંસ્થા ઍસોસિયેશન ઑફ ડેમૉક્રૅટિક રિફૉર્મ્સ (ADR)એ જણાવ્યું કે 2,700 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ સાથે ભાજપ સૌથી અમીર રાજકીય પક્ષ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપૉર્ટ અનુસાર, 2019મી લોકસભાની ચૂંટણી વખતે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રસારિત થનારી રાજકીય જાહેરખબરોની બાબતે ભાજપે સૌને પાછળ છોડી દીધા હતા.
ગૂગલ અને ફેસબુકના આંકડા અનુસાર, ફેબ્રુઆરી 2019થી એપ્રિલ 2019 સુધીમાં ભાજપે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને યૂટ્યૂબ પર 25 કરોડ રૂપિયાની જાહેરખબરો આપી હતી. એની સરખામણીએ કૉંગ્રેસે એ જ બંને પ્લૅટફૉર્મ પર કુલ 1.42 કરોડ રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી હતી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













