હિજાબ વિવાદ : હિજાબ મુદ્દે હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે તાકીદે સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે.
કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે થયેલી પ્રથમ સુનાવણીમાં કર્ણાટક હાઈકોર્ટે શાળા અને કૉલેજોમાં હિજાબ પર વચગાળાનો પ્રતિબંધ લગાવવા કહ્યું છે, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, UMESH MARPALLY
અરજીમાં આ વચગાળાના આદેશને મુસ્લિમ યુવતીઓ સાથે ભેદભાવ ગણાવવાની સાથે તેને તાત્કાલિક રોકવાની પણ માગ કરવામાં આવી છે.
બેંગલુરુના રહેવાસી મોહમ્મદ આરિફ અને કર્ણાટકની મસ્જિદ, મદરેસાઓ સાથે સંકળાયેલા સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુરુવારે હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના અંતે, મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીએ બંને પક્ષોના વકીલોને કહ્યું કે, "કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં કોઈ પણ ધાર્મિક પોશાકને મંજૂરી આપવી નહીં. જ્યાં સુધી બેન્ચ કોર્ટ સમક્ષ અરજીમાં ઉલ્લેખિત મુદ્દાઓ પર ચુકાદો ન આપે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવું.
મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે અને કોર્ટ દૈનિક સુનાવણી અને વહેલી તકે ચુકાદા માટે છે.

શું છે મામલો?

ઇમેજ સ્રોત, UMESH MARPALLY
ગયા મહિને, કર્ણાટકના ઉડુપીની એક કૉલેજે મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
જોતજોતામાં હિજાબ પહેરેલા વિદ્યાર્થી સામે બીજા જૂથે કેસરી શાલ પહેરીને કૉલેજમાં આવતી વિદ્યાર્થિનીઓનો વિરોધ કરવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
થોડા દિવસોમાં આ મામલો ઉડુપીની એમજીએમ કૉલેજથી લઈને અનેક જિલ્લાની કૉલેજોમાં ફેલાઈ ગયો.
વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે મંગળવારે તમામ હાઈસ્કૂલ અને કૉલેજોને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
જાન્યુઆરી 2022માં શરૂ થયેલા તેમના વિરોધને સમર્થન મળતું ગયું. સ્થાનિક પ્રશાસન, કૉલેજ પ્રશાસન અને વિદ્યાર્થિનીઓના પરિવારજનોએ વાતચીત દ્વારા સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમાધાન થયું ન હતું.
વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાના અધિકારને લઈને હાઈકોર્ટ પહોંચી હતી. આ વચ્ચે કેટલાક હિન્દુવાદી સમૂહોએ હિન્દુ વિદ્યાર્થિનીઓને ભગવો ખેસ પહેરીને આવવા પર જોર લગાવ્યું.
કર્ણાટકમાં વિદ્યાર્થીઓનાં બે જૂથ પડી ગયા છે. એક જૂથ હિજાબનું સમર્થન કરે છે અને બીજું જૂથ તેનો વિરોધ કરી રહ્યું છે.
આ મામલે રાજનીતિ પણ થઈ છે અને દેશના અન્ય ભાગોમાં પણ હિજાબને લઈને વિવાદ થયો હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે.

શું કહે છે સંવિધાન?

ઇમેજ સ્રોત, UMESH MARPALLY/BBC
સંવિધાન વિશેષજ્ઞ અને હૈદરાબાદના નલસાર લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફા કહે છે કે હિજાબને લઈને વિવાદ ધર્મથી વધારે વ્યક્તિગત અધિકારનો મુદ્દો છે.
ફૈઝાન મુસ્તફા કહે છે, "સંવિધાન નાગરિકોને કેટલાક વ્યક્તિગત અધિકારો આપે છે. આ વ્યક્તિગત અધિકારમાં ગોપનીયતાનો અધિકાર છે, ધર્મનો અધિકાર છે, જીવનનો અધિકાર છે, સમાનતાનો અધિકાર છે."
સમાનતાના અધિકાર અંગે તેઓ કહે છે કે, "આ અધિકારની વ્યાખ્યા આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેમાં મનમાની વિરુદ્ધ અધિકાર પણ સામેલ છે. કોઈ પણ મનમાનીભર્યો કાયદો સંવિધાનના અનુચ્છેદ 14 અંતર્ગત મળેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે."
સવાલ એ પણ ઊઠે છે કે શું શિક્ષણ સંસ્થાન ડ્રેસ કોડ અથવા તો યુનિફૉર્મ નિર્ધારિત કરી શકે છે?
તેનો જવાબ આપતા ફૈઝાન મુસ્તફા કહે છે કે, "સ્કૂલને એ અધિકાર છે કે તેઓ પોતાનો ડ્રેસ કોડ નક્કી કરી શકે પરંતુ તેને નક્કી કરવામાં કોઈ મૌલિક અધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ."
તો શું કોઈ સંસ્થાન યુનિફૉર્મને લઈને નિયમ બનાવીને વિદ્યાર્થીઓને તેનું પાલન કરવા માટે મજબૂર કરી શકે છે?
ફૈઝાન મુસ્તફા પ્રમાણે, "ઍજ્યુકેશન ઍક્ટ અંતર્ગત સંસ્થાનને યુનિફૉર્મ નિર્ધારિત કરવાનો અધિકાર નથી. જો કોઈ સંસ્થાન નિયમ બનાવી પણ લે તો તે કાયદાની બહાર ન હોઈ શકે."
અહીં પ્રશ્ન સંવિધાન અંતર્ગત મળેલ ધર્મ સ્વતંત્રતાનાં અધિકારનો પણ છે. તેની સીમા દર્શાવતા ફૈઝાન મુસ્તફા કહે છે, "ધર્મની સ્વતંત્રતાના અધિકારની સીમા એ છે કે જનહિતમાં નૈતિકતામાં અને સ્વાસ્થ્યના આધારે તેને સીમિત કરી શકાય છે."
હવે પ્રશ્ન એ ઊઠે છે કે, શું હિજાબ પહેરવાથી એવી કોઈ સીમાનું ઉલ્લંઘન થાય છે? તેના પર મુસ્તફા કહે છે, "આ વાત ચોખ્ખી છે કે કોઈનું હિજાબ પહેરવું એ કોઈ અનૈતિક કામ નથી, ના તો તે કોઈ જનહિતનાં વિરુદ્ધમાં છે અને ના તો તે કોઈ મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે."
આ વિવાદમાં કોર્ટની સામે આ મહત્ત્વપૂર્ણ મુદ્દો હશે કે એક તરફ સંસ્થાનની સ્વતંત્રતા છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓની પોતાની સ્વતંત્રતા પણ છે.
ફૈઝાન મુસ્તફા કહે છે, "એવામાં કોર્ટે સામંજસ્યપૂર્ણ નિર્ણય લેવો પડશે. જેમાં તેઓ કહી શકે છે કે અમે સંપૂર્ણ હિજાબ જેમાં તમે પોતાનો ચહેરો પણ ઢાંકી લો, તેની અનુમતિ નહીં આપીએ, પરંતુ કદાચ માથુ ઢાંકવા કે પછી સ્કાર્ફ પહેરવાની અનુમતિ આપી શકાય."

પહેલાં પણ થયા છે વિવાદ

ઇમેજ સ્રોત, UMESH MARPALLY/BBC
હિજાબને લઈને આ પહેલા પણ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે. કેરળમાં ક્રાઇસ્ટ નગર સીનિયર સૅકેન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા પર સ્કૂલનાં પ્રતિબંધ વિરુદ્ધ કોર્ટમાં ગઈ હતી.
2018માં આપવામાં આવેલા ચુકાદામાં કેરળ હાઈકોર્ટનાં જજ જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાકે ચુકાદો આપ્યો હતો કે, વિદ્યાર્થિનીઓને પોતાની મરજી અનુસાર ડ્રેસ પહેરવો એ એક એવો મૂળ અધિકાર છે. જેવો કે કોઈ સ્કૂલ દ્વારા એ નક્કી કરવું કે તમામ વિદ્યાર્થીઓ નક્કી કરેલો યુનિફૉર્મ પહેરે.
ડૅક્કન હેરલ્ડના એક અહેવાલ પ્રમાણે, કેરળ હાઈકોર્ટના આ નિર્ણયની ચર્ચા કર્ણાટક હિજાબ વિવાદ દરમિયાન ખૂબ થઈ રહી છે.
ત્યારે ફાતિમા તસનીમ અને હફઝા પરવીને કોર્ટને કહ્યું હતું કે, તેમને આખી બાંયનું શર્ટ અને હિજાબ પહેરીને સ્કૂલમાં નથી આવવા દેવાતા. સ્કૂલે આ આરોપોને એમ કહીને રદિયો આપ્યો હતો કે આ સ્કૂલના ડ્રેસ કોડની વિરુદ્ધ છે.
જસ્ટિસ મુશ્તાકે નિર્ણય આપ્યો હતો કે, "આ મામલે પ્રભાવી હિત સંસ્થાનના પ્રબંધકોનો છે. જો સંચાલન અને પ્રબંધનમાં છૂટ નથી આપવામાં આવી તો તે મૌલિક અધિકારનું ઉલ્લંઘન કહેવાશે. સંવિધાનિક અધિકારનો ઉદ્દેશ્ય બીજાનાં અધિકારોનું હનન કરીને એક અધિકારની રક્ષા કરવાનો નથી.
સંવિધાન, હકીકતમાં વગર કોઈ સંઘર્ષ કે પ્રાથમિકતાએ પોતાની યોજનાની અંદર એ હિતને આત્મસાત કરવાનો આશ્રય રાખે છે. જોકે, જ્યારે હિતોની પ્રાથમિકતા હોય તો વ્યક્તિગત હિતોની ઉપર વ્યાપક હિતોનું ધ્યાન રાખવામાં આવે. તે જ સ્વાધીનતાનો સાર છે."
જસ્ટિસ મુશ્તાકે કહ્યું હતું કે, "પ્રતિસ્પર્ધી અધિકારોમાં સંઘર્ષનું સમાધાન કોઈ વ્યક્તિગત અધિકારનું હનન કરીને નહીં પરંતુ વ્યાપક અધિકારને યથાવત રાખીને સંસ્થાન અને વિદ્યાર્થીઓ વચ્ચે આ સંબંધને ટકાવી રાખીને કરી શકાય છે. "
હાઈકોર્ટનાં આ નિર્ણયને 100થી વધુ શિક્ષણ સંસ્થાન ચલાવનારી સંસ્થા મુસ્લિમ ઍજ્યુકેશન સૌસાયટીએ તરત લાગુ કર્યો હતો. સોસાયટીએ પોતાના પ્રોસ્પૅક્ટસમાં નકાબ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સંવિધાન વિશેષજ્ઞ ફૈઝાન મુસ્તફા કહે છે કે કેરળ હાઈકોર્ટનો આ નિર્ણય કર્ણાટક હાઈકોર્ટ પર લાગુ પડતો નથી.

હિજાબ પર વધતો જઈ રહ્યો છે વિવાદ

ઇમેજ સ્રોત, UMESH MARPALLY/BBC
હિજાબને લઈને વિવાદ કર્ણાટકના ઉડુપીથી દેશભરમાં પ્રસરી ગયો છે. દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં બુધવારે હિજાબના સમર્થનમાં પ્રદર્શન યોજાયું હતું.
ફૈઝાન મુસ્તફા કહે છે, "જો હિજાબનો મુદ્દો મોટો થાય છે તો તે દુઃખની બાબત છે, કારણ કે બાળકોનું કામ છે ભણવાનું છે, રાજનીતિ કરવાનું નહી. હિજાબનું સમર્થન કરનારા અને વિરોધ કરનારા બન્ને સમૂહોનું કામ ભણવાનું છે."
કર્ણાટકના માંડ્યાનો પણ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં હિજાબ પહેરવા પર એક મુસ્લિમ વિદ્યાર્થિની વિરુદ્ધ હિન્દુવાદી વિદ્યાર્થીઓ ભગવો ખેસ પહેરીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. જેની સામે વિદ્યાર્થિનીએ અલ્લાહ-હો-અકબર કહીને તેમને જવાબ આપ્યો હતો.
હિજાબને લઈને એ સવાલ પણ ઊઠ્યો છે કે હિજાબ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પોતાની ઓળખને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફૈઝાન મુસ્તફા માને છે કે આ સવાલ ઓળખથી વધુ પસંદનો છે.
તેઓ કહે છે, "આ ધાર્મિક સ્વતંત્રતાથી વધુ વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે. પોશાક વ્યક્તિની અભિવ્યક્તિનો ભાગ છે. આ એક પ્રકારની અભિવ્યક્તિ જ છે."
"શાહીનબાગ હોય કે પછી હિજાબનો મુદ્દો, મુસ્લિમ મહિલાઓએ પોતાના સંવિધાનિક અધિકારોને મજબૂતીથી પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે."
હિજાબ પર વિવાદનો મામલો હાલ કોર્ટમાં છે અને જે પણ નિર્ણય આવશે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
જોકે, ફૈઝાન મુસ્તફાનું માનવું છે કે, બન્ને પક્ષોએ થોડું ફ્લૅક્સિબલ થવું જોઈએ. તેઓ કહે છે કે, "મને લાગે છે કે બન્ને સમૂહોએ થોડું નમવું પડશે. એક આધુનિક પ્રગતિશીલ સમાજમાં રુઢિવાદી વલણ રાખવું સારી વાત નથી."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














