આસામ : એ ભારતીયો, જેમને નાગરિકતા સાબિત કરવા લાંબી લડાઈ લડવી પડી
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, બીબીસી, મોહનખાલ (આસામ)
"પોલીસ મને પકડવા માટે કલાકો અમારા ઘરની સામે બેસી રહી. હું ત્યારે ઘરે જ હતી, પરંતુ પોલીસને જોયા પછી પાછળના દરવાજેથી ભાગી ગઈ અને ગામથી દૂર એક મુસલમાન પરિવારના ઘરમાં આખો દિવસ સંતાઈ રહી. બાળકો માટે રાત્રે તો ઘરે આવવું પડ્યું પરંતુ બીકના કારણે ના તો ખાવાનું ગળે ઊતરતું હતું કે નહોતી ઊંઘ આવતી."
લગભગ પાંચ વર્ષની અણથક ભાગદોડ અને લાંબી લડાઈ પછી શેફાલી રાની દાસે ગુમાવેલી નાગરિકતા તો મેળવી લીધી પરંતુ એ ખરાબ સમય એમનાં મન-મસ્તિષ્કમાં ઘર કરી ગયો.

ઇમેજ સ્રોત, DILIP SHARMA
ગુવાહાટી હાઈકોર્ટની દરમિયાનગીરીથી 42 વર્ષનાં શફાલી દાસ ગયા મહિને ફૉરેનર્સ ટ્રિબ્યુનલ (એફટી) સમક્ષ પોતાની નાગરિકતાનો દાવો સાબિત કરવામાં સફળ રહ્યાં, જે અધિકાર પર ઈ.સ. 2017માં પશ્નાર્થ લગાડી દેવાયો હતો. હવે તેઓ ફરીથી ભારતીય નાગરિક છે.
આસામમાં ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં જે લોકોના નાગરિકતાવિષયક કેસ ચાલતા હતા એમણે શહેરી સાબિત થવા માટે 1 જાન્યુઆરી 1966 પહેલાંના ભારતમાં રહેતા હોવા સંબંધી દસ્તાવેજ જમા કરાવવા પડે છે.
જોકે, 15 ઑગસ્ટ 1985એ ભારત સરકાર અને આસામ આંદોલનના નેતાઓ વચ્ચે જે આસામ સમજૂતી થયેલી એમાં વિદેશીઓની ઓળખ કરવા અને નિર્વાસિત કરવાની કટ-ઑફ તારીખ 25 માર્ચ 1971 નક્કી કરવામાં આ હતી.
પરંતુ હવે આસામ સમજૂતીનો ક્લૉઝ 6 લાગુ કરી દેવાયો છે, એ લાગુ થયા બાદ ભારતીય નાગરિકતા માટે 1 જાન્યુઆરી 1966 કે એની પહેલાંના કાગળ દેખાડવા પડે છે.
કછાર જિલ્લાના મોહનખાલ ગામનાં શેફાલી દાસની વિરુદ્ધ નાગરિકતા અંગેનો પહેલો કેસ ઈ.સ. 2012માં નોંધવામાં આવેલો અને પછી ઉક્ત કેસને સિલચરમાંની ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં મોકલી દેવાયો હતો. ત્યાં 4 ડિસેમ્બર 2015ના રોજ ફરીથી એ કેસ (નંબર 404/2015) નોંધવામાં આવ્યો.
શેફાલી પોતાના વિકલાંગ પતિ અને ત્રણ બાળકોની સાથે ગામમાં રહેતાં હતાં, પરંતુ પોલીસ એમને શોધતી શોધતી આ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અચાનક બાંગ્લાદેશી કઈ રીતે બની ગયાં?

ઇમેજ સ્રોત, DILIP SHARMA
તેમણે જણાવ્યું કે, "ઈ.સ. 2017માં જ્યારે પોલીસ પહેલી વાર અમારા ઘરે આવી હતી ત્યારે હું અને મારા પતિ ઘરે નહોતાં. પોલીસે મારા નાના દીકરાને ડરાવી–ધમકાવી કાગળ પકડાવવાની કોશિશ કરી પરંતુ એણે ના પાડી દીધી. થોડી વાર પછી તે (મારો દીકરો) જ્યારે અમરાઘાટ ગયો તો પોલીસે એને ત્યાં પકડ્યો અને કાગળ આપી દીધા."
"નોટિસ વાંચીને જ્યારે અમને ખબર પડી કે અમને વિદેશી, બાંગ્લાદેશી ઘોષિત કરી દેવાયાં છે તો એ સાંભળીને મારું શરીર કંપવા લાગ્યું, હું વિચારવા લાગી કે જો હું જેલમાં જઈશ તો મારાં દીકરા અને નાની દીકરીને કોણ સંભાળશે? એ દિવસે ઘરના કોઈએ ખાધું નહીં."
"અહીંયાં જ અમારો જન્મ થયો અને અહીં જ ભણતર-ગણતર થયું, તો પછી અચાનક જ અમે બાંગ્લાદેશી કેવી રીતે બની ગયાં? વારંવાર આ જ સવાલ મનમાં ઘૂમરાતો રહ્યો"
દરમિયાન, સપ્ટેમ્બર 2017માં ફૉરેનર ટ્રિબ્યુનલે ‘એકતરફી’ નિર્ણય જાહેર કરીને શેફાલીને વિદેશી નાગરિક ઘોષિત કરી દીધાં.
એફટીએ બે પાનાંના આદેશમાં લખ્યું કે શેફાલીના કેસમાં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર (2017) દરમિયાન કુલ પાંચ સુનાવણી થઈ, પરંતુ શેફાલી દાસ એમાં ગેરહાજર રહ્યાં. અદાલતે એને ઘોર લાપરવાહીની બાબત ગણાવી.

કોર્ટ સુધી જવાનું ખર્ચાળ કાર્ય
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શેફાલીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમારી પાસે બે ટંક સરખું ખાવાના વેત નથી. કેસ લડવા માટે પૈસા જોઈએ. શરૂઆતમાં ઘણી સુનાવણી વખતે હું બધા કાગળ લઈને કોર્ટમાં ગઈ, પરંતુ દરેક સુનાવણીમાં ગામથી સિલચર આવવા–જવાનો ખર્ચ, વકીલની ફી એ બધી વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ થતું જતું હતું."
શેફાલીએ જણાવ્યું કે મુકદમા માટે પૈસા ભેગા કરવા માટે એમણે લોકોનાં ઘરે કચરા-પોતાં પણ કર્યાં, વિકલાંગ પતિએ ઈંટો ઊંચકી, તો પણ ક્યારેક ક્યારેક એમની પાસે એક રૂપિયો સુધ્ધાં નહોતો.
નામ ન છાપવાની શરતે ફૉરેનર્સ ટ્રિબ્યુનલના એક મેમ્બર-જજે જણાવ્યું કે, "ટ્રિબ્યુનલ એવા આરોપીના કેસમાં એકતરફી નિર્ણય કરતી હતી જેઓ સુનાવણીમાં હાજર નહોતા રહેતા. વિદેશી અધિનિયમ અંતર્ગત કોઈ પણ કેસને પૂરો કરવા માટે ટ્રિબ્યુનલને 60 દિવસનો સમય મળતો હતો. પરંતુ મોટા ભાગના કેસ વર્ષો સુધી ચાલે છે."
"સમય આપવામાં આવે છે જેથી આરોપી નાગરિકતા સાથે સંકળાયેલા બધા દસ્તાવેજ રજૂ કરી શકે. પરંતુ લોકો હાજર નથી રહી શકતા અને અંતે એકતરફી નિર્ણયો અનુસાર વિદેશી ઘોષિત કરી દેવાય છે."

ફૉરેનર્સ ટ્રિબ્યુનલ

ઇમેજ સ્રોત, DILIP SHARMA
આસામ ગૃહ અને રાજકીય વિભાગની વેબસાઇટ અનુસાર રાજ્યમાં હાલના સમયે કુલ 100 ટ્રિબ્યુનલ કાર્યરત્ છે. એ એક અર્ધ-ન્યાયિક વ્યવસ્થા છે.
ફૉરેનર્સ ટ્રિબ્યુનલ ઍક્ટ, 1941 અને ફૉરેનર્સ ટ્રિબ્યુનલ ઑર્ડર, 1964 અંતર્ગત ટ્રિબ્યુનલના સદસ્ય તરીકે જજો અને ઍડ્વોકેટ્સની નિમણૂક કરવામાં આવે છે.
રાજ્યમાં પહેલાં 11 ગેરકાયદેસર પ્રવાસી નિર્ધારણ ન્યાયાધીકરણ (આઇએમડીટી) હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે ઈ.સ. 2005 આઇએમડીટી કાયદાને રદ કરી દીધો હતો. પાછળથી એને ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં ફેરવી નાખ્યો હતો.
ઈ.સ. 2014 બાદ જ્યારે કામકાજ વધ્યું ત્યારે ટ્રિબ્યુનલમાં વધારે સંખ્યામાં વકીલોને એફટી મેમ્બર તરીકે નીમવામાં આવ્યા. ત્યારથી ટ્રિબ્યુનલનું કામકાજ સવાલોના ઘેરામાં છે.
આરોપ છે કે ભારતીય નાગરિકતા સાથે સંકળાયેલા જરૂરી દસ્તાવેજો હોવા છતાં લોકોને, ખાસ કરીને બંગાળીભાષી હિન્દુ અને મુસલમાનોને એકતરફી નિર્ણય દ્વારા વિદેશી ઘોષિત કરી દેવાય છે.

શેફાલીના કેસમાં શું લખાયું હતું?

ઇમેજ સ્રોત, DILIP SHARMA
શેફાલી રાની દાસના આદેશમાં લખાયું હતું કે તેઓ (શેફાલી) 1971 પછી બાંગ્લાદેશમાંથી ભારત આવ્યાં છે. તેઓ ગેરકાયદેસર નાગરિક છે. તેથી શેફાલી રાની દાસને ભારતીય ક્ષેત્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી, બલકે એમને તરત જ નિષ્કાસિત કરી શકાય છે.
આદેશમાં શેફાલીના મુક્તપણે આવાગમન સામે પ્રતિબંધ મૂકી દેવાની અને કાયદા અનુસાર જરૂરી પગલાં ભરીને એમનું નામ મતદાર-યાદીમાંથી દૂર કરવાની વાત પણ કહેવાઈ છે.

ટ્રિબ્યુનલનું કામ
જોકે, ટ્રિબ્યુનલનાં એક મહિલા સદસ્યનું કહેવું છે કે આદેશમાં આવી વાતો લખવાની જરૂર નથી હોતી.
મહિલા સદસ્યે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ ટ્રિબ્યુનલમાં કોઈને વિદેશી નાગરિક ઘોષિત કરવામાં આવે છે ત્યારે બૉર્ડર પોલીસ ત્યાં હાજર રહે છે અને તેઓ તરત જ પેલી ઘોષિત વ્યક્તિને બાનમાં લઈ લે છે.
તેમણે જણાવ્યું કે ટ્રિબ્યુનલનું કામ એ જોવાનું હોય છે કે બૉર્ડર પોલીસ તરફથી જે વ્યક્તિની નાગરિકતાને લગતો કેસ મોકલવામાં આવ્યો છે એમની પાસે ભારતીય નાગરિકતા સાથે સંકળાયેલા બધા દસ્તાવેજ છે કે નહીં.

શેફાલીના પતિનો કેસ હજુ પણ નથી પત્યો

ઇમેજ સ્રોત, DILIP SHARMA
60 ટકા હિન્દુ વસતિ ધરાવતા મોહનખાલ ગામમાં 15 હિન્દુ પરિવાર એવા છે જેમની નાગરિકતા અંગે કેસ ચાલે છે. શેફાલી દાસના પતિ પ્રબોધ રંજન દાસ એમાંના એક છે.
62 વર્ષના દાસ પાસે 1978માં મૅટ્રિક પાસ કર્યાનું સર્ટિફિકેટ છે. તેઓ દાવો કરે છે છે કે એમની પાસે આસામ સરકાર દ્વારા એમના પિતાને 1960માં અપાયેલું શરણાર્થી નોંધણી પ્રમાણપત્ર પણ છે.
દાસે જણાવ્યું કે, "અમે એવું વિચારીને મોદી સરકારને વોટ આપ્યો હતો કે એમના શાસનમાં આનંદથી રહીશું. પરંતુ અમારી પાસે ભારતમાં જન્મ્યા હોવાનાં બધાં પ્રમાણ હોવા છતાં વિદેશીને ટૅગ લગાડીને પોલીસ હેરાન કરી રહી છે."
"પાંચ વર્ષ પરેશાન થયા પછી હવે શેફાલી (પત્ની)ની નાગરિકતાની બાબત ઉકેલાઈ છે. પરંતુ મારો કેસ હજુ સુધી વિલંબમાં પડ્યો છે. મને આશા છે કે મોદી સરકાર હિન્દુત્વવાદી હોવાના કારણે અમારી રક્ષા કરશે."
દાસે જણાવ્યું કે એમણે પિતાનું રજિસ્ટ્રેશન કાર્ડ, પોતાનું મૅટ્રિકનું સર્ટિફિકેટ, રહેણાકનું પ્રમાણપત્ર અને મારી મા, મારા ભાઈના નામે રહેલી 1971ની લેગેસી જમા કરાવી દીધી છે, તો પણ ટ્રિબ્યુનલે એમના કેસને લટકાવી રાખ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં હિન્દુ બાંગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાનું વચન અપાયું હતું. પરંતુ નાગરિકતા કાયદો હજુ સુધી લાગુ નથી થઈ શક્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
શેફાલી રાની દાસના વિધાનસભાક્ષેત્ર ધોલાઈથી ચૂંટાઈ આવેલા હાલના ધારાસભ્ય પરિમલ શુક્લવૈદ્ય આસામની ભાજપ સરકારમાં સળંગ બીજી વાર મંત્રી બન્યા છે.
આસામના પર્યાવરણ અને વન વિભાગમંત્રી શુક્લવૈદ્યનું કહેવું છે કે રાજ્યમાં 2016માં ભાજપની સરકાર બની છે પરંતુ લોકોને એ પહેલાંથી જ નોટિસો અપાઈ રહી હતી. લોકોને ખબર જ નથી કે એમને ‘ડી’ વોટર બનાવી દેવાયા છે. કછાર જિલ્લામાં પણ ઘણી જગ્યાએ એકતરફી વિદેશી ઘોષિત કરી દેવાયા છે.
શુક્લવૈદ્યએ જણાવ્યું કે આ ન્યાય સાથે જોડાયેલી બાબત છે. તેથી અમે એવા લોકોને કાયદાકીય મદદ કરવા માટે એક મોરચો પણ તૈયાર કર્યો છે.
શેફાલી રાની દાસના પ્રશ્ન સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, "તેઓ મારા વિધાનસભાક્ષેત્રનાં છે. પરંતુ તેઓ ખૂબ અંતરિયાળ વિસ્તારમાં રહે છે. ત્યાં જીવતાં રહેવું એ જ મોટી વાત છે. એમણે પોતાના કાગળો બનાવીને રાખવાની જરૂર હતી પરંતુ તેઓ એવું ના કરી શક્યાં."
"આવા ઘણા કેસ છે જેમાં આર્થિક મુશ્કેલીના કારણે લોકો હાજર નથી થઈ શકતા. એફટીએ કેટલાક આદેશ કર્યા છે પરંતુ અમે લોકો પણ જોઈએ છીએ કે એ સંપૂર્ણ ખોટું છે. પરંતુ શેફાલીએ ન્યાય મેળવવા માટે જે સંઘર્ષ કર્યો છે એના માટે હું એમને અભિનંદન આપું છું."
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર સીએએ લાવી છે. જ્યારે એના નિયમો બનીને અમલમાં આવી જશે ત્યારે બહુ બધા લોકો માટે એફટીની મુશ્કેલીઓ ખતમ થઈ જશે.
શેફાલીનો કેસ લડનારા વકીલ મોહિતોષ દાસે જણાવ્યું કે, "શેફાલી જ્યારે મારી પાસે આવેલાં ત્યારે એમની પાસે એ બધા કાગળો હતા જેનાથી એમની નાગરિકતા સાબિત કરી શકાય. અમે ગયા વર્ષે ગુવાહાટી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી જેણે શેફાલીને ફરી વાર એફટીમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી."
17 જાન્યુઆરીએ ટ્રિબ્યુનલ–6એ બધા કાગળોની તપાસ કર્યા બાદ પોતાના અગાઉના આદેશને રદ કરીને શેફાલીને ભારતીય નાગરિક ઘોષિત કરી દીધાં.

સ્ટ્રીમ લાઇન ફૉરેનર્સ શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
શેફાલીના પતિ પ્રબોધ રંજન દાસને સિલચરની એક ટ્રિબ્યુનલે સ્ટ્રીમ લાઇન ફૉરેનર્સ ઘોષિત કરી દીધા છે.
ફૉરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા સ્ટ્રીમ લાઇન વિદેશી ઘોષિત કરવા બાબતે વકીલ દાસે જણાવ્યું કે, "આસામ સમજૂતીના ક્લૉઝ 6(એ)ની જોગવાઈઓ અનુસાર કોઈ પણ વ્યક્તિ કે પછી એમનાં માતા–પિતા કે દાદા–દાદી 1 જાન્યુઆરી 1966ની પહેલાંથી ભારતમાં રહેતાં હોય અને સાતત્યથી અહીં રહ્યાં છે."
"અને જો તેઓ 1 જાન્યુઆરી 1966ની પહેલાંના કોઈ પણ દસ્તાવેજ જમા કરાવીને એની લિંકેઝ સાબિત કરી દે તો એમને ભારતીય નાગરિકતા મળી જશે."
તેમણે જણાવ્યું કે, "જો એમની પાસે 1 જાન્યુઆરી 1966ની પહેલાંનો કોઈ દસ્તાવેજ નથી પરંતુ 24 માર્ચ 1971ના દસ્તાવેજ છે, અર્થાત્ 1 જાન્યુઆરી 1966થી માંડીને 24 માર્ચ 1971 વચ્ચેના કોઈ દસ્તાવેજ છે અને તે વ્યક્તિ એ કાગળોની લિંકેઝ સાબિત કરે છે તો એને સ્ટ્રીમ લાઇન વિદેશી ઘોષિત કરવામાં આવે છે."
વકીલ મોહિતોષ દાસે જણાવ્યું કે, "એવી વ્યક્તિ ભારતમાં રહી તો શકે પરંતુ એમની નાગરિકતાને 10 વર્ષ માટે રદ કરી દેવામાં આવશે. એ 10 વર્ષ દરમિયાન ‘સ્ટ્રીમ લાઇન ફૉરેનર’ને નથી વોટ દેવાનો અધિકાર હોતો કે નથી કોઈ સરકારી યોજનાઓનો લાભ મળતો. આ કાયદા અનુસાર તેઓ માત્ર પાસપૉર્ટ બનાવડાવી શકે છે અને 10 વર્ષ પછી એમને ભારતીય નાગરિકતા આપી દેવાય છે."
લાંબી હાડમારીઓ પછી શેફાલી પોતાને ફરીથી ભારતીય સાબિત કરવામાં કામિયાબ તો થઈ ગયાં છે પરંતુ ચિંતા એ છે કે લાખોનું દેવું, જે આ દોડાદોડી કરવા માટે કરવું પડ્યું એ, ચૂકવાશે કઈ રીતે?
આ બધું થવા દરમિયાન બાળકોનું ભણતર પણ છૂટી ગયું.
શેફાલીએ જણાવ્યું કે, "કોઈ પણ વ્યક્તિ માટે નાગરિકતાથી વધીને બીજું કંઈ નથી. મારા પરિવારે, મારાં બાળકોએ છેલ્લાં પાંચસાત વર્ષ જે ભયના ઓથારમાં પસાર કર્યાં છે એનાથી મોટું કષ્ટ જીવનમાં ભાગ્યે જ બીજું કંઈ હશે. હું આજીવન આ વેદનાને ભૂલી નહીં શકું. પરંતુ હજી તો એક બીજી લડાઈ લડવાની છે, પતિને ભારતીય સાબિત કરવાની."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













